ઠગ/ભોંયરામાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રેમના ભણકાર ઠગ
ભોંયરામાં
રમણલાલ દેસાઈ
૧૯૩૮
ગોરી કાળી ઠગાઈ → 
ભોંયરામાં
 


હું આ ઓરડીમાં પુરાયો છું એ વાત કોઈકના જાણવામાં આવી હતી. એ તો નક્કી જ થયું. આ વાત જાણનાર કોઈક મહત્ત્વનો ઠગ અધિકારી હતો. એની પણ મને ખાતરી થઈ. વળી તે આયેશાનો પ્રેમ માગતો હતો. અને મને સંતાડવામાં થતા ગુનાને પ્રકાશમાં ન લાવવાના બદલા તરીકે તે આયેશાના પ્રેમની માગણી કરતો હતો, એટલે આયેશા તેને ચાહતી નહોતી એ નક્કી થયું.

અને આ ધમકીને પણ ન ગણવા જેટલી દૃઢતાથી તે કોઈ હિંદુ યુવકને ચાહતી હતી. એ પણ મને સમજાયું. એ યુવક કયો ?

મારી મૈત્રી માગી મને વારંવાર બચાવવામાં સહાય આપતો યુવક તો નહિ ? મને લાગ્યું કે ખરેખર તે જ હોવો જોઈએ. મેં મનથી આ સુંદર પસંદગી માટે આયેશાને મુબારકબાદી આપી.

પરંતુ મારું શું ? પ્રેમીઓ તો કંટકભર્યાં માર્ગે ચાલે જ છે. હું કાંઈ પ્રેમી નહોતો. ઠગ લોકોના હાથે જ મારે મરવું પડશે ?

સાંજ સુધીમાં કાંઈ જ બનાવ બન્યો નહિ એટલે અંધારું થતાં મેં સહજ બારી ઉઘાડી નીચે જોયું. નીચે હથિયારબંધ પહેરેગીરો ઊભા હતા. તેમાંના કેટલાક બારી ઊઘડતાં મને જોઈ ગયા અને આતુરતાથી એકીસાથે મારા સામે આંગળી કરી.

મેં એકદમ બારી બંધ કરી. પરંતુ હવે તો મને વધારે માણસોએ જોયો હતો. ભૂલનો મને પસ્તાવો તો ઘણો થયો, પરંતુ હવે બીજો ઇલાજ ન હતો. જોતજોતામાં વીસ-પચ્ચીસેક માણસોનાં પગલાં મારી ઓરડી આગળ સંભળાયાં. મેં જાણ્યું કે હવે આવી બન્યું.

‘આયેશા ! તને અહીં કેમ રાખવામાં આવી હતી. તે તો તું જાણે છે ને?' કોઈ ભરેલા અવાજે બોલ્યું.

‘મારાં રૂપ અને બુદ્ધિને રમકડાં બનાવવા માટે, નહિ ?’ આયેશાએ કહ્યું.

‘બેટા ! તું સમજતી નથી. હવે નાદાનપણું દૂર કર, અને તારા ઓરડામાં કોણ સંતાયું છે તે જોવા દે.’

‘મારો ઓરડો હું ખોલવા દેનાર નથી.’

‘અમે જોર કરી ખોલશૃં.’

‘હા, ભાઈ વગર આવી બેઇજજતી કોણ કરે છે ?'

‘તું ગમે તે કહે. જ્યાં તારા ઉપર આરોપ આવ્યો, ત્યાં મારે ખાતરી કરી આપવી જ જોઈએ. આઝાદે મારી આગળ ફરિયાદ કરી અને તારા ઉપર આરોપ મૂક્યો. મારે આવવું પડ્યું એટલા જ માટે. વળી હમણાં જ થોડી વાર પર આપણા કેટલાક લશ્કરીઓ આવ્યા અને તેમણે સંતાયેલા ગોરાને નજરે જોયો. ભાઈબહેનનાં સંબંધ બિરાદરીને અંગે બાજુએ મૂકવા પડે છે તે તું જાણે છે ?’ બહુ જ કોમળતાભર્યા અવાજથી આયેશાને મનાવવા મથતો પુરુષ તેનો ભાઈ હતો એમ વાતચીત ઉપરથી મને સમજાયું.

હવે છૂટવું અશક્ય હતું. મરણની ઘડી નજીક દેખી મારામાં સંપૂર્ણ હિંમત આવી. મારી જાતનું મને ભાન થયું અને આ ઓરડીમાં આવતા લોકોને અટકાવવા, અને ન ચાલે તો છેવટે બને એટલાને મારીને મરવાનો મેં દૃઢ નિશ્ચય કર્યો.

મારી કટાર કાઢી હું બારણાને અઢેલી ઊભો.

બારણાને વાગેલા તાળાની કૂંચી આયેશાએ કદાચ ન આપવાથી તાળું તોડવાના પ્રયત્નો થવા લાગ્યા એમ મને સમજાયું. મારી કટાર ચમકવા લાગી. પહેલો ભોગ એનો કોણ થશે ?

અચાનક ઓરડાના મધ્ય ભાગની જમીન મને ઊપડતી લાગી. મારી આંખને ઝાંઝવાં તો નહોતાં વળતાં ? મેં આંખ ઉપર હાથ ઠેરવ્યો. જમીન વધારે ઊંચકાઈ. જોતજોતામાં તો ત્યાં આગળની જમીનનો ભાગ અદૃશ્ય થયો અને એક મોટું ભોંયરું ખૂલતું દેખાયું.

શું અહીંથી મારા ઉપર ધસારો થવાનો હતો ? હું ઝડપથી ત્યાં ગયો અને જોઉ છું તો નીચે અંધકાર જણાયો.

અંધકારમાં દૃષ્ટિ સ્થિર કરી જોઉ છું તો એક માણસ લટકતું દોરડું ઝાલી અંધકારમાંથી ઉપર ચઢી આવતો હતો. ભોંયરાને માથે હું કટાર ઝાલી ઊભો રહ્યો. મારો હાથ પહોંચે એટલે તેની ખોપરીમાં કટાર ભોંકી દેવા તૈયારી કરી.

‘સાહેબ ! જલદી નીચે ચાલ્યા. આવો.' દોરડા ઉપર ચડતા માણસે પૂરેપૂરું ઉપર ચડતાં ધીમેથી કહ્યું. મેં અવાજ ઓળખ્યો. પેલા યુવકનો પરિચિત આકાર હું પારખી શક્યો.

અહીં પણ આ જ માણસ મને ઉગારવા આવ્યો હતો ? મને તેના તરફ પ્રેમ ઉત્પન્ન થયો. ઠગ લોકોમાંયે લાયકાત હોય છે ખરી !

પરંતુ એટલામાં તો કટાર હું નહિ ભોંકી દઉ એમ ખાતરી થતાં તે ઉપર ચડી આવ્યો. વાર ન કરવા મને તેણે જણાવ્યું અને પ્રત્યેક પળે ત્રણ જણાના જીવને જોખમ છે એમ તેણે સૂચવ્યું. હું આ સ્થળે રહ્યો હતો, એમ કોઈને શક પડે એવી નિશાનીઓ તેણે નાબૂદ કરી બારણાની સાંકળ ઉઘાડી નાખી અને મારો હાથ ઝાલી ભોંયરા પાસે ખેંચી મને પહેલો દોરડે લટકાવ્યો અને પાછળ તે લટક્યો. જમીન પાછી એકદમ સરખી થઈ ગઈ અને ગાઢ અંધકારમાં માત્ર ત્વચા અને દોરડાના સંબંધનું જ જ્ઞાન રહે તેવી સ્થિતિ થઈ. એટલામાં તો અમારા ઉપરની માળની જમીન ઉપર પગના ધબકાર થતા સંભળાયા. એક ક્ષણ શાંતિ ફેલાઈ અને ઝડપથી દોરડે ઊતરતાં ઊતરતાં આયેશાનું એક અટ્ટહાસ્ય અમે સાંભળ્યું. અમે બંને નીચે ઊતરી આવ્યા, અને મારા પગ જમીનને અડક્યા. હું ઊભો થઈ ગયો, દોરડું છોડી દીધું અને મારી પાછળ પેલા યુવકે પણ ઊતરી મારે ખભે હાથ નાખ્યો.

'ભાઈ ! હવે તું ક્યાં લઈ જશે ? મેં નિરાશાથી પૂછ્યું.

‘સાહેબ ! હાથમાં દોરડું વાગ્યું તો નથી ને ?’ તેણે મીઠાશથી મને પૂછ્યું.

‘તમે હવે સહીસલામત છો.' વળી તેણે જણાવ્યું.

‘પણ આયેશાનું શું ? એની કેવી દશા કરશે ?' મને તે સુંદરી યાદ આવી. મારે માટે આટલું ભયંકર જોખમ ખેડનારી સન્નારી માટે મને લાગણી ન થાય એવો ક્રૂર હું ન હતો.

‘એને શું થશે ? આપને સંતાડ્યાનો આરોપ તેને માથે મૂક્યો હતો, પરંતુ આપનો પત્તો તેમને ક્યાં મળ્યો છે ? ખરી તકે આપણે નીકળી આવ્યા. એક ક્ષણ વાર લાગી હોત તો જુદો જ પ્રસંગ આવત. આઝાદ ખરેખર અમારો દુશ્મન બની ગયો છે.’

આમ કહી તેણે આગળ ચાલવા માંડ્યું. ઝાંખો ઝાંખો પ્રકાશ ક્યાંઈકથી આવતો હતો. તેની સાથે મેં પણ ચાલવા માંડ્યું. અમારી ચારે બાજુએ દીવાલ હતી, અને એક અત્યંત સાંકડી ભૂમિના ગર્ભભાગમાં આવેલી નેળમાં હોઈએ એવો મને ભાસ થયો. ચોરખાનાં અને ભોંયરાં મેં જોયાં હતાં, પરંતુ આવી યાંત્રિક તદબીરવાળા ભોંયરાને મેં પહેલી જ વાર જોયું. ઠગ લોકો આવાં આવાં સાધનો ધરાવે છે એનો મને વિચાર આવ્યો. આવાં છૂપાં અને ગુપ્ત સાધનો હોય તો તેમને જેર કરવા એ મુશ્કેલ જ બને એમાં નવાઈ નથી. અને તેમની ટોળીમાં આ યુવક સરખા બુદ્ધિમાન પુરુષો અને આયેશા સરખી રૂપવતી અને મનોબળવાળી યુવતીઓ જોડાયેલી હોય તો ઠગ લોકોને માત કરવાનો રસ્તો ખરેખર વધારે જ મુશ્કેલીભર્યો બની જાય.

આયેશાનો વિચાર આવતાં મેં ફરી પૂછ્યું :

‘કદાચ ઓરડામાંથી બહાર જવાનો પ્રસંગ ન આવ્યો હોત તો આયેશાનું શું થાત ?’

‘તેનો ભવાનીને ભોગ આપત.' તેના અવાજમાં મને કાંઈ ફેરફાર લાગ્યો. શું આવું ભયંકર પરિણામ માથે વહોરી લઈ આયેશાએ મને બચાવ્યો હતો ? ઉપકાર અને આશ્ચર્યની લાગણી નીચે હું દબાઈ ગયો.

‘પરંતુ આયેશાએ મારે માટે આવું જોખમ કેમ ખેડ્યું ?' મને વિચાર આવ્યો અને તે મેં યુવકને જણાવ્યો. યુવકની આંખ ચમકી ઊઠી એમ અંધકારમાં પણ મને જણાયું. પછી તે સહજ હસ્યો અને બોલ્યો :

‘આપની સાથે આવનારનું તેણે માન રાખ્યું હશે !’

‘મારી સાથે આવનાર એ યોગી કોણ હતા ? આપણી મુલાકાતને પ્રથમ દિવસે તેમને ત્યાં જ મને ઉતારો આપ્યો હતો.’ મેં પૂછ્યું.

‘હા. જી.’ એટલું કહી તેણે મારા પ્રશ્નને ઉડાવ્યો.

મને આટલેથી સંતોષ ન થયો. મેં કહ્યું :

'ભાઈ ! એક વાત પૂછવાની હું ધૃષ્ટતા કરું ?’

‘ભલે, પૂછો !’

‘આયેશા પેલા સાધુને ચાહે છે, નહિ ? મેં સંકોચાતાં પૂછ્યું.

યુવક સહજ હસ્યો, અને હસતો હસતો બોલ્યો :

'દુનિયામાં દીવાનાં એટલાં વસે છે કે વાત ન કરશો. તેમ પણ હોય. પરંતુ સાધુ તો ઘણી મોટી ઉંમરનો છે, નહિ ?'

મેં વાત બંધ રાખી. થોડે આગળ ગયા એટલે ફરી બિલકુલ અંધારું થઈ ગયું. યુવકે કહ્યું :

‘હજી આપણે દોરડાં ચડવાનાં છે. મારી પાછળ આવો.'

તેણે દોરડું મારા હાથ આગળ આણી મને ચડવા કહ્યું.

મેં દોરડું પકડી ચડવા માંડ્યું. તદ્દન અંધકાર વ્યાપેલો હતો, પરંતુ જેમ જેમ હું ઉપર ચડતો ગયો તેમ તેમ ઝાંખો પ્રકાશ જણાવા માંડ્યો. મેં નીચે જોયું, પરંતુ યુવકને મેં મારી પાછળ આવતો જોયો નહિ. મને ભય લાગવા માંડ્યો. પરંતુ હવે ચડી ગયા સિવાય છૂટકો જ ન હતો. ઉપર ચડતાં પ્રથમના મકાન જેવું જ બાકું જણાયું. ‘હું પાછો ત્યાં જ આવ્યો હતો કે શું ?' મારા મનમાં થયું.

ઉપરથી એકાએક પેલા વૃદ્ધ સાધુની મૂર્તિ મારી સામે આવી. થોડી ક્ષણો પૂર્વે મેં તેના જ પ્રેમસંબંધમાં આછી ટીકા કરી હતી. તેના મુખ ઉપર અત્યંત શાંતિ પ્રસરેલી હતી. મને તેની ટીકા કરવા માટે જરા ગ્લાનિ ઊપજી. મધુર વાત્સલ્યભર્યા અવાજે તેણે બૂમ પાડી કહ્યું :

‘સાહેબ ! પધારો. ચિંતા નથી. આ તો આપણું જ ઘર છે.'

આશ્ચર્યથી ચકિત થતો હું ઉપર ચડી ગયો.