લખાણ પર જાઓ

ઠગ/મૂર્તિના ભેદ

વિકિસ્રોતમાંથી
← માનવ કવિતા ઠગ
મૂર્તિના ભેદ
રમણલાલ દેસાઈ
૧૯૩૮
વર્ષો પછીનું અકસ્માત મિલન →


૨૯
 
મૂર્તિના ભેદ
 


દિલાવરના મુખ ઉપર સહજ શોકની છાયા પથરાઈ હતી. મેં તેને પૂછ્યું:

‘કેમ, દિલાવર ?’

‘આપને હવે જવાનું છે.'

‘પણ તું તો સાથે જ છે ને ?’

'ના જી. હવે મારે આપની જરૂર નહિ પડે.'

‘મને તારી ખોટ પડશે. મને તે કેટલી વાર બચાવી લીધો છે ?’

‘એ તો મને બિરાદરીનો હુકમ જ હતો.'

'આઝાદ ક્યાં?'

‘ચાલી નીકળ્યો એની બીન લઈને.'

'અને સમરસિંહ ?’

‘મટીલ્ડાને સમજાવે છે.'

‘શું સમજાવે છે ?’

‘એ તમારી સાથે જવાની ના પાડે છે.'

‘મટીલ્ડા ? શા માટે ના પાડે છે ?'

‘એને અહીં ગમી ગયું છે; સમરસિંહ પાસે જ એને રહેવું છે.’

રંગ અને જાતના અભિમાનની દીવાલો તોડીને જ્યારે પ્રેમ પ્રગટ થાય એ લાગણીની સચ્ચાઈ માટે માન ઊપજવું જોઈએ. હું એક એવું પ્રેમદર્શન કરીને આવ્યો હતો. છતાં મટીલ્ડાની લાગણીના સમાચારે મને બહુ આનંદ ન આપ્યો. માનવીને કેટકેટલા ભાવ જમીન સાથે જોડી રાખે છે?

‘મારે સમરસિંહને મળવું છે.'

‘મટીલ્ડાને સમજાવીને હમણાં આવશે.'

‘દિલાવર ! મારે તને ઇનામ આપવું જોઈએ.’

‘નહિ સાહેબ ! હું સુખી છું. ખેતીમાં મને સારું મળે છે. આપની મહેરબાની બસ છે.’

‘તું ખેડૂત છે ?’

‘હા જી. અહીંનું કામ પૂરું થયે મારે ગામ ચાલ્યો જઈશ.’

‘તારું કામ શું ?’

‘આજ સુધી તો આપની ચોકી કરવાનું કામ હતું.’

'હવે ?'

‘કોણ જાણે ! હાલ તો અમે બધા છૂટા થઈ ગયા.'

‘એટલે ?'

‘આજથી ઠગ મટી ગયા.'

‘એમ ?’

એકાએક બારણું ઊઘડ્યું. અંદરથી સમરસિંહ અને મટીલ્ડા બંને આવ્યાં. મટીલ્ડાની આંખ અશ્રુભરી હતી.

'હવે સાહેબ ! આપને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે. આજથી ઠગ લોકોનો ઉપદ્રવ બંધ છે.' સમરસિંહે કહ્યું.

‘અને એવો ઉપદ્રવ કદાચ થાય તો ?’ મેં પૂછ્યું.

‘તો આપ માની લેજો કે એવા ઉપદ્રવને અમારો ટેકો નથી.’

‘મને એમ થાય છે કે તમારા ઉપદ્રવ ચાલુ રહે તો સારું.' સહજ હસીને મેં કહ્યું.

‘કેમ ?'

‘હું કાર્ય વગરનો બની ગયો.’

‘એ તો ઘણું મળશે. આપને હવે તો આખું હિંદ જીતવાનું છે.'

‘એ લગભગ જિતાઈ ગયું છે.’

‘એ જ મોટી ભૂલ થાય છે. તલવાર કે કપટની જીત જોતજોતામાં સ્વપ્ન બની જાય છે.'

‘તમારા હિંદી રાજાઓ કરતાં અમે અમારી રૈયતને વધારે સુખી રાખીએ છીએ.'

‘એ તો વર્ષો બોલી ઊઠશે ને ? હું એટલું જ કહું છું કે આપ માગશો તો કાર્ય ઘણું મળી રહેશે.'

‘કદાચ મળશે. પરંતુ તમારા સરખા સામાવાળિયા અમને નહિ મળે.'

‘એટલે ?' ‘સમરસિંહ, ખાનસાહેબ, આયેશા, દિલાવર, આઝાદ, ગંભીર, એવા એવા મારા સામાવળિયા હોય તો જીવવું, લડવું અને મરવું એ ત્રણે સારાં લાગે. તમારા વર્ગને હું મિત્ર બનાવત. તેમનો ઉપયોગ કરત...'

‘ઠગ લોકો બનાવ્યા મિત્ર બનતા નથી !’

‘મને ખરેખર દિલગીરી થાય છે કે મેં શા માટે આટલા ઠગ સરદારોને ફાંસીએ ચડાવ્યા !’

‘દિલગીરી ન કરશો. મરવાને પાત્ર હતા તેમને અમે મરવા દીધા છે. પરંતુ આપ અમારું વગોણું ન કર્યે જાઓ એ અર્થે અમે અદૃશ્ય થતાં થતાં તમને ખરે સ્વરૂપે દેખાયા છીએ.'

‘આપણે હવે ક્યારે મળીશું ?'

‘હવે મળવાની જરૂર છે ? બિરાદરી હતી ત્યાં સુધી અમારી ઝમક હતી. હવે અમે સામાન્ય માનવીઓ બની જઈશું.’

‘દિલાવર ખેડૂત બને છે; આઝાદ ફકીર બની ચાલ્યો ગયો. તમે શું બનશો ?’

‘હું તો જે છુ તે જ રહીશ.’

‘એટલે ?'

‘નાનપણથી અંચળો પહેર્યો છે. એ કદી કદી બદલાતો, હવે એ સતત પહેરી રાખીશ.’

‘આયેશા ?’

‘મારી સાથે જ રહેશે - જોગણ બનીને.'

હું શાંત રહ્યો. ભયાનક ગુનેગારો તરીકે ગણાતા વર્ગમાં કલા, માનવતા અને વિરાગ કેમ ખીલી નીકળ્યાં હશે ? હિંદ અને હિંદના લોકો અજબ માનસ ધરાવે છે.

‘આ મટીલ્ડાની મુશ્કેલી હતી; એને મારી સાથે રહેવું હતું.’ સમરસિંહે કહ્યું.

‘હજી પણ રહેવું છે.' મટીલ્ડા બોલી ઊઠી.

‘હિંદના સાધુફકીરો ખીલાની ભૂમિ કરી બેસે છે અને સૂએ છે. એ જીવન મટીલ્ડાને અજાણ્યું છે; એનાથી એ સ્થિતિ સહેવાય નહિ. એથી હું એને ના કહું છું. મહા મુસીબતે એ પાછી જવાને કબૂલ થઈ છે. આપ એને સાથે લઈ જાઓ અને એનાં માતાપિતાને પાછી સોંપો.'

‘અમને તમે કાઢી મૂકતા હો એવું લાગે છે.’

મારા હૃદયની મેં લાગણી વ્યક્ત કરી. જેવા વિચિત્ર ભયપ્રદ છતાં કુમળા પ્રસંગો મેં અંગત રીતે ઠગ લોકોના હાથમાં પકડાઈને અનુભવ્યા હતા, તેવા પ્રસંગો જીવનભરમાં મેં અનુભવ્યા નથી. મને ખરેખર આ લોકોથી છૂટા પડવું ગમતું નહિ.

‘સાહેબ ! મોહપાશ એવો છે ! અમારા ધર્મમાં એથી જ અમે વાનપ્રસ્થ અને સંન્યસ્તની સગવડ રાખી છે. જીવન કરતાં મૃત્યુ વધારે સાચું છે. મોહ રહે છે ત્યાં સુધી મૃત્યુને મળવું કઠણ પડે.'

‘હું મૃત્યુ માટે તૈયાર થયો નથી. મારે તો હજી જીવવું છે અને સુખ ભોગવવું છે.' મેં કહ્યું.

‘આપને મારા જેવા સાધુની આષિશ છે કે આપ સુખ ભોગવો અને ખૂબ લાંબું આયુષ્ય મેળવો. મ્યાનો તૈયાર છે. આપને જ્યારે અનુકૂળતા હોય ત્યારે કહેશો.'

મેં સમરસિંહની સામે જોયું. શા માટે એ મને આટલી ઝડપથી પાછો મોકલી દેતો હતો ? પ્રથમના તરવરાટને સ્થાને સમરસિંહની આાંખમાં ઘેરી ઊંડી શાંતિ - કે વિષાદ ? - હું જોઈ શક્યો.

‘મારે ન જવું હોય તો ?' મેં કહ્યું.

‘આપને આ સ્થળ સોંપી દઈશું.' સમરસિંહે હસીને કહ્યું.

મારે જવાની ઉતાવળ ન હતી. મારે ઘણી બાબતો પૂછવાની હતી. એ સમરસિંહ ન સમજતો હોય એમ હું માની શક્યો નહિ. છતાં મારાથી અહીં સતત રહેવાય એમ તો હતું જ નહિ. ઠગ લોકોનાં જીવનનો અભ્યાસ કરવા માટે મને સરકારે અહીં નીમ્યો ન હતો; એમના જીવનના રસિક પ્રસંગોથી મોહ પામવા માટે મારી યોજના થઈ ન હતી. છતાં મને ખેંચીને તેમના જીવનમાં લાવનાર સમરસિંહના જીવનમાં મને રસ પડે એવો હું હૃદયહીન ન હતો. નોકરી કરતાં, ફરજ બજાવતાં, લશ્કરી કામ કરતાં જે માનવતા જડે છે તે ફેંકી દેવાની નથી. માણસો મારતાં ઘણી વખત માનવતા મળે છે.

‘પણ હું એકલો શું કરીશ ? મેં કહ્યું.

‘આવો, સાહેબ ! હું આપને છેલ્લાં માતાજીનાં દર્શન કરાવું. એમાં ઈસુ ખ્રિસ્તની માતા તમને દેખાશે.' સમરસિંહે કહ્યું, અને મને આગળ દોર્યો. ભયંકર ભવાનીમાં ઈસુની માતા ? મને અણગમો આવ્યો. એ સરખામણી મને ગમી નહિ, છતાં આ સજ્જન ભેદી ઠગની સાથે જેટલો સમય વિતાવી શકાય એટલો સારો એમ તો હું માનતો જ હતો.

એ જ ભવ્ય અને ભયાનક મંદિરની અંદર અમે વિચિત્ર ગુપ્તદ્વારોમાં થઈ પહોંચ્યા, મહા વિકરાળ ભવાનીની મૂર્તિ આખા મંદિર ઉપર ભયાનક છાપ પાડતી ઊભી હતી. વધારે માણસોની હાજરીમાં ભયાનકતા વહેંચાઈ ગઈ હતી. અત્યારે હું અને સમરસિંહ બે જ જણ ઉપર ભવાની પોતાની જીવંત આંખો કાઢી ઊભી હતી. મને સહજ થડકારો પણ થયો. ઘીનો દીવો બળતો હતો; નાળિયેરના ઢગલા વધારે મોટા થયા હતા. સમરસિંહ એ મૂર્તિ સામે થોડી ક્ષણ જોઈ રહ્યો અને પછી તેણે સહજ મસ્તક નમાવ્યું.

‘તમે ખરેખર આ ભયાનક મૂર્તિમાં માનો છો ?' મેં પૂછ્યું.

‘જગતમાં ભયાનકતા હશે ત્યાં સુધી આવી મૂર્તિઓ રચાયે જ જશે.’

‘પણ તમે તો તેનું પૂજન કરો છો.’

‘જગતમાં ભયાનકતા હોય, તેની મૂર્તિ રચાય, તો પછી તેની પૂજા પણ થાય જ ને ?'

‘હવે આ મૂર્તિની પૂજા કોણ કરશે ?'

‘અમારામાં મૂર્તિવિસર્જનનો પણ વિધિ છે. પૂજન ન થાય એમ હોય તો અમે એ મૂર્તિમાંથી દેવને અદૃશ્ય થવા પ્રાર્થના કરીએ, અને પછી અપૂજ રાખીએ.'

હું હસ્યો, કેવી અંધશ્રદ્ધા ?

‘આ મૂર્તિને કૈંક બલિદાન અપાયાં ! આ જ મૂર્તિએ સેંકડો વર્ષોથી અમને - હિંદુમુસલમાન ઠગને ભેગા રાખ્યા. આજે એ સત્ત્વ જતું રહ્યું.’ સમરસિંહે કહ્યું.

'કેમ ! દેવીને મૂર્તિમાંથી ઉઠાવી લીધાં ?’ હાસ્યવૃત્તિ ચાલુ રાખી.

'હા જી'

'હવે ?’

‘આવો. હું આપને આ મૂર્તિ પાસેથી જ એ સત્ય સમજાવું.’

મારો હાથ ઝાલી સમરસિંહ મને મૂર્તિ પાસે લઈ ગયો. પાસે જતો ગયો તેમ મૂર્તિની ભયાનકતા વધતી ગઈ. સમરસિંહે મારો હાથ ઝાલ્યો હતો. એ જ ઠીક હતું.

‘સ્લિમાન સાહેબ ! આપ ધારીને અમારાં દેવીની મૂર્તિ નિહાળો. એ મૂર્તિએ ભલભલા શૂરવીરોને ભયભીત કર્યા છે.’

હું જોઈ રહ્યો, થોડી વાર જોઈ રહ્યો. દેવીની આંખ, દેવીની જિહ્વા, દેવીનાં શસ્ત્ર ને દેવીનાં આભૂષણો, દેવીનું કદ અને આસપાસનું વાતાવરણ ખરેખર શૂરવીરોને પણ ભય પમાડે એમાં નવાઈ નહિ. ‘અમારા ગુનેગારોને આ દેવી સમક્ષ રાતદિવસ રાખવાની અમે સજા કરતા.' સમરસિંહે કહ્યું.

‘સજા ઘણી ભારે. ગુનેગાર સતત દેવીને જુએ તો ઘેલો બની જાય.' મેં કહ્યું.

‘છતાં ગુનેગાર ઉપર અસર ન થાય તો દેવી પાસે તેને સજા પણ કરાવતા.'

‘એ શી રીતે ?'

‘આ મૂર્તિનું એકેએક અંગ યંત્રમય છે. દેવી ખડ્રગ પણ ઉઠાવી શકે છે, દેવી પગ નીચે માનવીને કચરી શકે છે, દેવીના નખ ગુનેગારના દેહમાં પરોવી શકાય એમ છે...' કાંઈ આછી કળ દબાવી પ્રત્યેક પ્રયોગ બતાવતાં સમરસિંહે દેવીને જીવંત બનાવી દીધી. દેવીની આ યાંત્રિક હિલચાલે તેની ભયંકરતામાં ઘણો વધારો કર્યો. હું ગભરાઈ ઊઠ્યો :

‘બસ ! હવે મને આ ક્રૂર દૃશ્ય ન બતાવશો.'

'સારું, પણ તમારી જંજાળ કરતાં અમારી દેવી વધારે ક્રૂર હશે ? ભવિષ્યમાં યાદ રાખજો કે તમારી તોપની ભયંકરતા વધી ન જાય.'

હું એની શિખામણ સાંભળવા તૈયાર ન હતો. મને ત્યાંથી નાસી જવાની ઈચ્છા થઈ.

‘હવે ક્યાં સુધી અહીં રહેવું છે ?’ મેં પૂછ્યું.

‘કેમ સાહેબ ! દૃશ્ય ન ગમ્યુ ?’

‘ના.’ મેં સ્પષ્ટ વાત કહી.

‘સાહેબ ! આ દેવી તો પ્રકૃતિની નાનકડી મૂર્તિ છે; પ્રકૃતિ આથી પણ વધારે ભયાનક છે.’

'હશે. પણ હું ભયાનકતા જોઈ હવે ધરાઈ ગયો છું.’

‘મંદિરની બહાર નીકળો ત્યારે આ દૃશ્ય યાદ રાખજો. તમારું લશ્કર, તમારું રાજ્ય, તમારા કાયદા, તમારા રિવાજ, તમારું ભણતર, તમારો પૈસો, તમારી બુદ્ધિ બિનગુનેગારનો ભોગ ન લે એ જોજો. અમારી ભવાની તો ગુનેગારને જ શિક્ષા કરે છે.’

‘દૃશ્ય ભુલાય એવું તો નથી જ.’

‘તમને વધારે ઊંડાણમાં લઈ જાઉં.' કહી સમરસિંહે એક ડગલું આગળ વધી દેવી પાસે ઊભો રહ્યો. અને દેવીના હાથમાં રહેલી ખોપરીનો તેણે સહજ સ્પર્શ કર્યો. આખી મૂર્તિ જાણે સમેટાઈ જતી હોય એમ મને ભાસ થયો. એ મૂર્તિને સ્થાને એક મોટો પણ અર્ધ ખુલ્લો સ્તંભ રચાયો હોય એમ મને લાગ્યું.

‘આાવો, સાહેબ ! મારી પાછળ દેવીનું સત અદૃશ્ય થયું છે.' કહી તેણે મને ઝાલી આગળ ઘસડ્યો. અર્ધ ખુલ્લા સ્તંભમાં નાનાં પગથિયાં હતાં. એ પગથિયાં પચીસેક હશે. ઊતરતાં એક બારણું ખૂલી ગયું. બારણા બહાર મોટો ચૉક હતો અને ચોંકની વચમાં એક નાનકડું દેવાલય હતું.

‘અહીં પણ ભવાની છે કે શું ?’

‘ભવાનીનું બીજું સ્વરૂપ.’

‘કાલિકા ?'

‘ના જી. અંબિકા-અન્નપૂર્ણા. આપને ગમશે.’

નાનકડા પણ સુંદર મંદિરમાં પ્રવેશ કરતાં અર્ધસ્મિતવાળી ધોળી અણિશુદ્ધ સૌન્દર્યભરેલી એક દેવીની મૂર્તિ દેખાઈ. એ દેવીમાં જરા પણ ભયાનકતાનો ભાસ ન હતો. મૂર્તિ સામે જોઈ રહેવું ગમે એવી સુંદર કારીગરી તેમાં હતી.

‘કેમ સાહેબ ! ઈસુની માતા સરખું આ અમારી માતાનું મુખ નથી. લાગતું ?’

મેરીની છબીઓ કે બાવલાં કરતાં આ દેવીનું સ્વરૂપ ઓછું વરદ ન હતું. મેં હા પાડી.

‘માતા અમે માગીએ એ આપે છે.'

‘એમ ?'

‘હા, જી; જુઓ આ માતાએ સાચવેલા ભંડાર.’

કહી સમરસિંહ ઘૂંટણીએ પડયો અને મૂર્તિના પગને અડક્યો. પગે અડકતા બરોબર ચૉકની ભીંતો ખસી ગઈ અને મોટા મોટા ઓરડાઓ જાળીઓ ભરેલા નજરે પડ્યા.

આ અમારો ભંડાર. માતાજીની આજ્ઞા હોય તો ઊઘડે. આમાં રાજ્યો ખરીદી શકાય એટલો ખજાનો છે, એટલું જવાહિર છે અને રાજ્યો તોડવા જેટલો લશકરી સરંજામ છે.'

હું આ દૃશ્ય જોઈ રહ્યો. સમરસિંહ સાચું જ બોલતો હતો.

‘શા માટે બિરાદરી બંધ કરી ? મેં પૂછ્યું.

‘આ ધન, આ શસ્ત્ર વાપરવાની અમારામાં બુદ્ધિ રહી નથી. માતાજીની આજ્ઞા થશે ત્યારે આ સર્વ વાપરનાર કોઈ મળી આવશે. હાલ તો આ ભંડારો દટાઈ રહેશે.'

‘તમે જાતે ઉપયોગ કરી શકતા નથી ?’ ‘ના જી. હું આજીવન સાધુ અને બ્રહ્મચારી, મારાથી આનો ઉપયોગ ન થાય.'

‘અમને સોંપો.'

‘આપને જરૂર નથી. ભંડારની કિંમત નથી, ભંડાર ભરનાર અને તેને વાપરનારની કિંમત છે. આજ આ બધી મિલકત મારી છે.'

‘આનું કરશો શું ?'

‘બંધ કરી મૂંગો બની જઈશ.’

મેં મન માન્યું ત્યાં સુધી આ ભંડાર જોયો. પછી સમરસિંહે કહ્યું :

‘હજી એક બીજું સાધન આપને બતાવ્યું નથી. માતાજીનો બીજો પગ પકડતાં ચારે પાસના રસ્તા થઈ જાય છે. અહીંથી દિલ્હી, આગ્રા, સુરત, પૂના, હૈદરાબાદ બધે જવાના જુદા જુદા માર્ગ છે.'

સમરસિંહે દેવીનો બીજો પગ પકડયો, અને ભંડારોના ઓરડાઓની જોડમાં આવેલી ભીંતોમાં નાની બારીઓ ઊઘડી આવી.

આ બધા સહુ સહેલા અને સીધા રસ્તાઓ છે. આ રસ્તાઓ મોટા રસ્તાઓ ઉપર પણ પડે, નદી, સરોવર કે વાવમાં પણ પડે અને વળી મસ્જિદ-મંદિરોમાં થઈને પણ જાય.' સમરસિંહે કહ્યું.

‘એના નકશા રાખો છો ?’

‘નકશા ? હું ! અમે દેવીનાં યંત્રો બનાવીએ છીએ. એ યંત્રોની પૂજા કરીએ છીએ. અધિકારી હોય તે આ યંત્રોમાંથી નકશા પણ ઉકેલી શકે છે.'

ધર્મ, કર્મકાણ્ડ, રાજ્ય અને જાસૂસી એક સ્થળે ભેગાં થતાં હું જોઈ શક્યો.

'હવે મારા અને તમારા જીવન વચ્ચે પડદો પડશે. આપની પ્રજા ભારે જિજ્ઞાસુ હોય છે; એટલે આ બાકી રહેલું રહસ્ય તમને બતાવ્યું.’

‘હજી તો ઘણું જાણવાનું બાકી છે.’

‘કેટલીક જિજ્ઞાસા નિરર્થક હોય છે. છતાં હું સમજી શકું છું કે આપને એકબે વાત સમજાવવી જોઈએ. આ સ્થળ રહસ્યસ્ફોટનનું છે. અહીં માતાજી સમક્ષ હું જે કહી શકીશ તે બહાર નહિ કહી શકું. આપ પૂછો.’