ઠગ/વર્ષો પછીનું અકસ્માત મિલન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મૂર્તિના ભેદ ઠગ
વર્ષો પછીનું અકસ્માત મિલન
રમણલાલ દેસાઈ
૧૯૩૮
પરિશિષ્ટ પહેલું →


૩૦
 
વર્ષો પછીનું અકસ્માત મિલન
 


‘તમે કોણ છો ?' મેં પૂછ્યું.

‘હું આખી ઠગ સંસ્થાનો પ્રમુખ છું. પ્રમુખનું નામ અને એનો આછો પડછાયો જ સહુએ ઓળખવાનો છે. બનતાં સુધી પ્રમુખ બહાર આવતો જ નથી.'

‘તમારે કેમ બહાર આવવું પડ્યું ?’

‘હું બહાર ન આવ્યો હોત તો ઠગસંસ્થા અપવિત્ર થઈ જાત.'

‘કેમ ?'

નિર્દોષોને મારવાની, સ્ત્રીઓને મારવાની, અન્યાયથી પૈસા લૂંટી લેવાની યોજનાઓ શરૂ થઈ હતી; એટલે મારે એ બધું રીતસર ગોઠવવું હતું.'

‘એ ગોઠવી શક્યા ?’

‘ના. તમે ન જોઈ શક્યા કે આયેશા અને મટીલ્ડાનાં બલિદાન, અપાતાં હતાં ?'

‘આયેશાએ મને આશ્રય આપ્યો હતો. એ વાત ખરી છે. છતાં દુશ્મનને આશ્રય આપનાર વિશ્વાસઘાતી છે; તેને મૃત્યુ જ હોય.' મેં કહ્યું.

‘એ આશ્રય પ્રમુખની આજ્ઞાથી આપ્યો હતો એ પહેલી વાત. છેલ્લું વાક્ય પ્રમુખ ઉચ્ચારે છે, બીજી વાત એ કે સ્ત્રીનો ગમે તે ગુનો હોય તોપણ તેને સજા થઈ શકે જ નહિ. એ અમારી ઇષ્ટ દેવીની પ્રતિકૃતિ છે.’

'ત્યારે આઝાદ એટલે સુધી પ્રસંગ કેમ લાવી શક્યો ?’

‘અમારે ત્યાં મતભેદ પડ્યો. સ્ત્રી ઠગબિરાદરીમાં દાખલ થાય એટલે પુરુષોના નિયમો તેને લાગુ થાય એમ કેટલાક માને છે - ખાનસાહેબ સુધ્ધાં. હું જુદો પડું છું. સ્ત્રી ઠગ હોય તો તેનો ઘાત ન જ થાય. આખી બિરાદરીનો એ પહેલો સિદ્ધાંત.'

‘એમ ભેદનું કારણ ?’

‘અમારી ભોગવાસના. સ્ત્રી મહાકાળી છે, છતાં તે મહામાયા પણ છે. આયેશાના ઝઘડામાંથી આખી બિરાદરી બંધ થઈ.' ‘એ કેમ બન્યું ?'

'હું એક ટૂંકી વાર્તા કહું. આયેશાના પિતા ઠગબિરાદરીના પ્રમુખ નહિ તો પ્રમુખ પછીનું સ્થાન ભોગવતા હતા. આયેશા કેટલી કલામય છે એ તો તમે જોયું હશે. એને એના પિતાએ બીન શીખવવા માંડ્યું. એક યુવાન બીનકાર એક રજવાડામાંથી મળી આવ્યો. આ બીનકાર કલાકાર તો હતો જ; પરંતુ કલાકારોની નિર્બળતા - નિર્માલ્યતાથી રહિત હતો.'

‘એ જ આઝાદ ને ?'

'હા જી. આઝાદની કલા બિરાદરીને બહુ ઉપયોગી થઈ પડી. એની શક્તિ અને બુદ્ધિ, એને ઊંચે અને ઊંચે ખેંચતી ગઈ. એને આયેશા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો. આયેશાના પિતા અને ભાઈ બંનેને એમ લાગ્યું કે આમાં અયોગ્ય કશું થતું નથી.’

સમરસિંહ જરા શાંત રહ્યો. તેણે આસપાસ કારણ વગર દૃષ્ટિ ફેરવી. મેં વાતને ચાલુ કરાવવા પૂછ્યું :

‘તમને એ ન ગમ્યું ?'

‘આયેશાને એ ન ગમ્યું.’

'કારણ ?'

‘તમે સહજ સમજી શક્યા હશો જ.’

‘તમે વચ્ચે આવ્યા, નહિ ?’

‘જાણી જોઈને નહિ, પરંતુ થયું એમ જ. આયેશાએ પ્રતિજ્ઞા લીધી કે પરણવું તો મારી જ સાથે.’

‘તો તમે પરણ્યા કેમ નહિ ? તમે પણ આયેશા માટે કુમળી લાગણી ધરાવો છો.’

‘ઠગબિરાદરીના પ્રમુખે એક મોટો ભોગ આપવો પડે છે. એનાથી પરણી શકાય જ નહિ, એણે બ્રહ્મચર્યવ્રત લેવાનું હોય છે !’

‘એ તો મૂર્ખાઈ કહેવાય ! એથી લાભ શો ?’

‘એક જ લાભ. જગતના ભારેમાં ભારે પ્રલોભનથી એ દૂર રહી શકે. ધનનું, સત્તાનું, રાજ્યનું, કીર્તિનું પ્રલોભન. ભારે ખરું, પરંતુ એ સર્વ કરતાં વધારે તીવ્ર પ્રલોભન પુરુષને સ્ત્રીનું. એનાથી મુક્ત રહ્યા વગર પુરુષ પૂર્ણ ન્યાયી ન બની શકે. અને પ્રમુખ ન્યાયી ન હોય તો આખો સંઘ તૂટી જાય.'

સંપૂર્ણ તો નહિ પરંતુ ભારે સત્ય આ ઠગ ઉચ્ચારતો હતો. એમાં શક નથી. ધન, સત્તા, રાજ્ય, કીર્તિ એ સર્વનું બલિદાન આપવું સહેલું છે; સ્ત્રીના આકર્ષણ - પ્રેમ - નું બલિદાન આપનાર જગતમાં કેટલા નીકળી આવે ? સમગ્ર સ્ત્રીત્વ ઉપર આમ પડદો નાખી બેસવું એ ખરેખર મુશ્કેલ કામ છે.

‘તો પછી હવે આયેશા આઝાદને કેમ પસંદગી નથી આપતી ?’

‘એ જ મુસીબત છે. પ્રમુખપદ - ગુરુપદ - માટે હું અને આઝાદ તૈયાર થયા હતા. વૃદ્ધ ગુજરી ગયા એટલે પ્રશ્ન આગળ આવ્યો. ગુરુએ મને આજ્ઞા તો કરી જ હતી, અને આખી બિરાદરી મને માગતી હતી. આઝાદે આગ્રહ કર્યો અને આયેશાથી અલગ થવાનો મેં નિશ્વય કર્યો. આયેશા આઝાદને પરણી સુખી થાય એ માર્ગ હું ગુરુપદમાં જોઈ શક્યો. પરંતુ આયેશા અડગ રહી. આઝાદને એ રુચ્યું નહિ. એનું માનસ એટલું બધું વિકૃત બન્યું કે તે બિરાદરીને અને છેવટે આયેશાને પણ બલિદાનમાં આપવા તત્પર થયો.'

‘પણ હવે તમે છુટ્ટા થયા છો; બિરાદરી રહી નથી. તમે પ્રમુખ કોના? શા માટે આયેશાનું મન રીઝવતા નથી ?’

‘આ બન્ને દેવીની સમક્ષ ગુરુએ વ્રત લેવાં પડે છે. એ વ્રત લેનાર આ બન્ને ભોંયરાઓના અને મૂર્તિઓના રહસ્ય જાણી શકે છે. એકનું ખાનસાહેબ જાણે છે; બીજાનું આઝાદ. પરંતુ હું ગુરુ થયો ત્યારથી બન્ને રહસ્યો હું એકલો જ જાણું છું. બિરાદરી ભલે ગઈ, મારું વ્રત દેવી પાસે લીધેલું તે કેમ વૃથા થાય ?’

'હવે તમે શું કરશો ?’

‘એક જ વસ્તુ. ઈશ્વરની આરાધના કરીશ. સત્, ચિત્ અને આનંદના મહાભાવ સાથે એકતા સાધીશ. બીજું કંઈ પૂછવાનું રહે છે ?'

‘તમારા જેવા જ પરંતુ વધારે વૃદ્ધ દેખાતા બીજા સાધુ કોણ હતા ?'

‘એ હું જ હતો. આઝાદ જેમ બીનમાં કુશળ છે તેમ હું ઐયારીવેશપલટામાં કુશળ છું. આપના સરખું મુખ પણ હું મારું બનાવી શકું છું.’

અમે બન્ને થોડી વાર શાંત બેસી રહ્યા. આ થોડા માસનો ચમત્કારિક અનુભવ અદૃશ્ય થશે એ વિચારે મને દિલગીરી થતી જ હતી. મેં પૂછ્યું :

‘તમે સાધુ થઈને જનતાની કાંઈ સેવા નહિ કરો ?’

‘હં. આપણે શી સેવા કરીએ ? જિંદગીના બધા તાર બાહ્ય જગત સાથે સંવાદી બનાવી દઈએ. એ જ સેવા. ધન રાખીએ તો ગરીબીનો પ્રશ્ન ને ? સત્તા હોય તો સમાનતાની અપેક્ષા રહે ને ? ઝૂંપડી અને ભગવામાં જગત સાથે ભળી જવું એટલે બસ.’

‘આપણે કદી મળીશું ખરા ?’

'આપ સજ્જન છો. જગતમાં સજ્જનો વધે એવું કરજો. આપણે મળીએ કે ન મળીએ, પણ એક વાત ન ભૂલશો. પ્રજાને દેવી માની પૂજજો. પ્રજાને પ્રસન્ન રાખશો તો તે અન્નપૂર્ણા બનશે; પ્રજાને કુપિત કરશો તો તે ચંડી અને ભવાની બની તમને ખપ્પરમાં લેશે.'

અમે થોડીવારમાં અન્ય રસ્તે પાછા ફર્યા. મટીલ્ડાની સાથે મારે પાછા ફરવાનું હતું. મટીલ્ડાને પાછા ફરવાની અનિચ્છા હોય એમ સમજી શકાય એમ હતું. મને પોતાને જ અણગમો થતો હતો.

મિયાનામાં મટીલ્ડા બેઠી. હું થોડે સુધી ચાલવાનો વિચાર રાખતો હતો. સઘળા ઓળખીતા ઠગને મળી હું આગળ ચાલ્યો. સમરસિંહ અને આયેશા થોડે સુધી મારી સાથે ચાલ્યાં. આયેશાનું ભાવિ શું ?

તેણે પોતાનું ભાવિ નક્કી કરી લીધું હતું. બિરાદરી તૂટે એના કરતાં પોતે કુરબાન થવું વધારે સારું એમ માની તે પ્રિયતમને હાથે ઝેર પીવા તત્પર થઈ હતી. હવે એ પ્રસંગ ગયો. એટલે ?

‘સમરસિંહ જે કરશે તે હું કરીશ.’ આયેશાનો નિશ્ચય હતો.

'પણ એ તો અપરિણીત જીવન ગુજારશે.’

‘હું પણ તેમ જ કરીશ. એ પરણશે તે ક્ષણે હું પરણીશ.’ આયેશાએ આછા હાસ્યમાં ગંભીર ભાવ વ્યક્ત કર્યો.

‘સમરસિંહ ! આપણે તમારા વાઘને વીસરી ગયા.' મેં કહ્યું.

‘ના જી; એ જ્યાં ત્યાં આપણી સાથે જ છે. રાજુલ ! જો આ સાહેબને મળી લે.’ સમરસિંહે કહ્યું. અને કોણ જાણે ક્યાંથી એક વિકરાળ વાઘ અમારા માર્ગમાં આવી ઊભો. મને સહજ ભય લાગ્યો. હું તેના વાઘને ઓળખતો હતો, પરંતુ વાઘ મને ઓળખે એમ ન હતું. તે મારી નજીક આવવા લાગ્યો.

‘સાહેબ ! એ કાંઈ નહિ કરે.' આયેશાએ કહ્યું.

‘તોપણ મને ભય લાગે છે.' મેં હસતાં હસતાં કહ્યું અને જીવનભરની બહાદુરી ભેગી કરી પાસે આવેલા વાઘ ઉપર મેં હાથ ફેરવ્યો. ડોકું હલાવી મારી સામે વીજળી જેવી દૃષ્ટિ નાખી વાઘે એક બગાસું ખાધું.

‘સાહેબ ! બે પાઠ હું થોડા સમયમાં શીખ્યો. પ્રેમથી માનવી વશ થાય છે એ આઝાદે શીખવ્યો. પ્રેમથી હિંસક પ્રાણી પણ મિત્ર બને છે એ મને મારા રાજુલે શીખવ્યું. એ બચ્ચું હતો ત્યારનો મારો મિત્ર છે.’

‘અમે છૂટા પડ્યા. જીવનના એક અલૌકિક સ્વપ્નમાંથી જાગવું પડે અને જેવું દુઃખ થાય તેવું મેં અનુભવ્યું. મેં નિવેદનો કર્યા. ઠગ લોકોને વિખેરી નાખ્યા બદલ વિગતો લખી. તેમના અંદરઅંદરના ઝઘડાએ આપોઆપ અપાવેલો વિજય પણ મેં વર્ણવ્યો. છતાં આ નોંધમાં લખેલી હકીકત મેં ખાનગી જ રાખી. આમાંની કેટલીક વાત સરકારી દફતરે જાય તો મનાય પણ નહિ એવી હતી. અને સરકારી દફતરમાં માનવહૃદયના કઠણ - કુમળા ભાવવર્ણનની જરૂરે ક્યાં છે ?

પરંતુ મને તો દિવસો અને વર્ષો સુધી આ પ્રસંગનાં સ્વપ્નો આવ્યાં છે. સમરસિંહ, આયેશા, આઝાદ, ખાનસાહેબ, સર્વને મળવા માટે મેં ઘણા પ્રયત્નો કયાં પરંતુ એમાંથી કોઈ મને આ પછી જડ્યું નહિ. ઠગ લોકોના મથકની આસપાસ હું ખૂબ ફર્યો. માણસો દ્વારા તપાસ કરાવી; પરંતુ એ મંદિર, ભોંયરાં, મહેલ, મૂર્તિ કે ભંડાર કશું હાથ લાગ્યું નહિ. મારા વખાણનાં મેં ઘણાં ઘણાં વર્ણનો લખ્યાં હતાં; પણ આ પ્રસંગ પછી મને શંકા પડવા માંડી કે ઠગ લોકોનું વિસર્જન ખરેખર મારી શક્તિ અને યુક્તિને આભારી હતું કે નહિ.

એક વાત ચોક્કસ. ત્યાર પછી ઠગ લોકોના ઉપદ્રવો તદ્દન બંધ પડ્યા. ઠગને નામે રળી ખાતી કેટલીક ટોળીઓ પકડાઈ. એ ખરેખર આા લોકોના સંગઠ્ઠનનો વિભાગ ન હતી. હિંદ ભૂલી ગયું કે ઠગ જેવા લોકો હતા; સરકાર પણ ભૂલી ગઈ કે ઠગ લોકોના વિનાશ માટે તેણે અનર્ગળ દ્રવ્ય ખરચ્યું હતું, પરંતુ મને તો એ પ્રસંગ મારા જીવનનો ભવ્ય ટુકડો લાગતો હતો. મને લોકો સ્લિમાન ઠગી કહેતા હતા. એ સંભારણામાં તેઓ એક સત્યભાવને વ્યક્ત કરતા હતા. સમરસિંહની સાથે હું લાંબો સમય રહ્યો હોત તો હું પણ ઠગ બની ગયો હોત. મને એમના જીવનમાં એટલો રસ પડ્યો હતો, એટલો મોહ ઉત્પન્ન થયો હતો !

*
*
*


વર્ષો વીતતાં વાર લાગતી નથી. અનેક સ્થળે નોકરી કર્યા પછી હું લખનૌમાં રેસીડન્ટ બન્યો. મારી તબિયત લથડતી ચાલી અને સને ૧૮૫૬ માં મેં નિવૃત્તિ મેળવી. એ વર્ષે હિંદમાં કોઈ બેઠી અશાંતિ હું અનુભવતો હતો; કોઈ ભયાનક જવાળામુખી સળગી ઊઠશે. એમ મને થયા કરતું હતું. અવધના નવાબને ઉઠાડી ન મૂકવાની મારી સૂચના કંપની સરકારે માન્ય ન રાખી એટલે મેં નિવૃત્તિ માગી.

હું ચારે પાસ રાજકીય ઊથલપાથલનાં ચિહ્ન જોઈ શકતો હતો. હિંદને છોડીને જવા માટે મેં તૈયારી કરી અને મારી સાથે કેટલાંક ગોરાં સ્ત્રી-બાળકોએ સ્વદેશ આવવા માટે ઈંતેજારી દર્શાવી. મને લાગ્યું કે સ્ત્રીબાળકો જેમ બને તેમ હિંદમાંથી ચાલ્યા જાય તે વધારે સારું. કોઈ ગુપ્ત સાદ મને આ વાત સંભળાવ્યા જ કરતો હતો. એ અરસામાં મને મારા ઠગ દિવસો ખૂબ યાદ આવ્યા. અને સમરસિંહને શોધી કાઢવાની તીવ્ર ઝંખના જાગી. આ અશાંતિમાં સમરસિંહ કાંઈ ચાવી તો નહિ ફેરવતો હોય ? લખનૌથી થોડી યુરોપિયન સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને લઈ હું ઝડપથી જતો હતો. બળવો અને બળવાખોરો ક્યાંથી ફૂટી નીકળશે એ કહેવાતું નહિ, છતાં સ્ત્રીઓ અને બાળકોને કેન્દ્રમાંથી લઈ ગયા વગર છૂટકો ન હતો. સ્ત્રીઓ અને બાળકોને ફેરવવાં એ ઝડપી કાર્ય તો ન જ હોય.

ભય લાગતો હતો જ એટલામાં દૂરથી એક લશ્કરી ટુકડી અમારી સામે આવતી દેખાઈ. એ ટુકડી ઘણી મોટી હતી. આગળ જવાય એમ હતું નહિ, પાછા જતાં પણ પકડાઈ જવાની ધાસ્તી ચોક્કસ હતી. સ્ત્રીઓ અને બાળકોને એકલાં મુકાય એમ ન હતાં. સહજ દૂર એક બાજુએ ધજા ફરકતી દેખાઈ અને વૃક્ષો પાછળ કોઈ મકાન હોય એવો ભાસ થયો. અમે તે તરફ ફંટાયાં. કોઈ મકાનમાં રક્ષણ મળે તો અમે સહજ પણ ટકી શકીએ એમ હતું. સામી ટુકડી આવી પહોંચે તે પહેલાં અમારે ત્યાં પહોંચવાનું હતું. સ્ત્રીઓ ગભરાઈ ઊઠી; બાળકો રડવા લાગ્યાં, પરંતુ ગભરાયે કે રડ્યે કાંઈ વળે એમ ન હતું. મેં લશ્કરી ઝડપ માગી અને સ્ત્રીઓ તથા બાળકોને દોડાવ્યાં. સલામતીનો એટલો જ જેવો તેવો માર્ગ હતો.

મકાન પાસે આવતું ગયું. એ એક મંદિર હતું. પરંતુ અમારી સામે આવતી ટુકડી પણ માર્ગ બદલી એ તરફ જ આવવા લાગી. તેની ઝડપ ભારે હતી. અમે મંદિરના દ્વાર પાસે આવ્યાં નહિ એટલામાં તો ઘોડેસ્વારોએ અમને ઘેરી લીધાં. મહામુસીબતે સ્ત્રીઓ અને બાળકોને મંદિરના દ્વારમાં દાખલ કર્યા, અને અમે થોડા સૈનિકો દ્વારા આગળ સજ્જ બની ઊભા. હું વિચારમાં પડી ગયો. શું કોઈ બળવો શરૂ થઈ ગયો ? તેના પ્રાથમિક ચિહ્ન દેખાતાં હતાં ?

દેવાલયની આસપાસ આવેલી ધર્મશાળાના ઓટલા ઉપરથી એક ગૌરવર્ણની સ્ત્રી અમારી સાથેનાં સ્ત્રી-બાળકોનો ધસારો જોતી હતી. મને નવાઈ લાગી. યુરોપ કે કાશ્મિર સિવાય આવો ગૌરવર્ણ ભાગ્યે જ જોવામાં આવે છે. છતાં હું તો બચાવની તૈયારીમાં પડ્યો હતો. એટલે એ વિચાર આવીને ચાલ્યો ગયો.

'ઠેરો ! હથિયાર મૂકો.’ પક્ષના નાયકે કહ્યું.

‘કોણ છો તમે ?' મેં પૂછ્યું.

'દુશ્મન ! દરેક ગોરાના અમે દુશ્મન છીએ.'

‘સંભાળો, નહિ તો કપાઈ જશો.' મેં ધમકી આપી. ‘જો કોણ કપાઈ જાય છે તે.' કહી તેમણે હથિયાર અને ઘોડા અમારા ઉપર નાખ્યા. એવા બળથી નાખ્યા કે અમારે બચાવ માટે બારણાંની અંદર ચાલ્યા જવું પડ્યું. બળવાખોરોના ધસારાએ બારણું પણ બંધ કરવા ન દીધું. ચૉકમાં ધાંધલ મચી રહ્યું. બાળકો અને સ્ત્રીઓ ગભરાઈ ચારેપાસ, દોડવા લાગ્યાં. એક સવારે ભાલો ઉગામ્યો અને એક સ્ત્રી ઉપર તાક્યો.

મંદિરમાંથી એક ઊંચો સાધુ બહાર આવ્યો, અને ગર્જીને બોલી ઊઠ્યો :

‘ફેંકી દે ભાલો ! શરમાતો નથી ? હથિયાર વાપરવા છેવટે સ્ત્રી જડી'

‘એકેએક ગોરાને કતલ કરીશું – ભલે સ્ત્રી, પુરુષ કે બાળક હોય.’ સવારે જવાબ આપ્યો.

‘ખબરદાર ! જો કોઈએ. આ સ્થળે હથિયાર વાપર્યું છે તો !’ સાધુના અવાજમાં અનિવાર્ય આજ્ઞા હતી. સવારે ભાલો પાછો લીધો. છતાં તે બોલ્યો :

‘અમારા સરદારનો હુકમ છે !’

‘કયા સરદાર ? નાના સાહેબ ?’ સાધુએ પૂછ્યું.

મને સ્વપ્નને પણ ખ્યાલ ન આવતો કે ગોરાઓને અનેક ખાણાં આપતા નાનાસાહેબ પેશ્વાનો આ અશાંતિમાં કાંઈ હાથ હોઈ શકે.

‘તમારે શું કામ છે ?' બીજા કોઈ સવારે કહ્યું.

‘મારે કામ છે. તમારા સરદારને જાહેર કરવું છે કે આવા કાયરો રાખ્યે તેમને જીત મળશે નહિ.’

એકાએક ઓટલા ઉપરથી બે સ્ત્રીઓ ઊતરી આવી. એક હિંદી લેબાસમાં હોવા છતાં તે અત્યંત પ્રભાવશાળી લાગતી હતી. સાધુને અને આ બંને સ્ત્રીઓને મેં ક્યાંઈ જોયા હશે ? મને વિચાર આવ્યો.

‘અમારા કામમાં તમે વચ્ચે ન પડો.' એક સૈનિકે કહ્યું.

‘આ દેવદ્વારમાં શસ્ત્ર નમાવો, નહિ તો તમે અપરાધી બનશો.’ એ સ્ત્રીએ કહ્યું.

‘અમે તો હુકમને આધીન.’ સિપાઈએ કહ્યું.

‘અહીં હુકમ દેવનો. જીવવું હોય તો હથિયાર મૂકી દો.’ કહી સાધુએ શંખધ્વનિ કર્યો.

એ શંખના ઘોરથી બધા સ્તબ્ધ બની ગયા. સહુને લાગ્યું કે આ ધ્વનિ કોઈ મોટા સાધુઓના સૈન્યને ખેંચી લાવશે. હથિયાર વાપરતા સૈનિક સાધુઓની હિંદમાં ખોટ ન હતી.

'આપ કોણ છો ?’

‘જેની પાસે તને તારા સરદારે મોકલ્યો છે તે ઠગબાવાના મંદિરમાં હથિયાર નહિ વપરાય.'

‘ઠગબાવા ? ક્ષમા કરો ! અમે તો આપની સહાય લેવા આવ્યા છીએ.’ આગેવાને કહ્યું.

‘કહેજે તારા સરદારને કે સ્ત્રી ઉપર હાથ ઉગામનારને ઠગબાવા સહાય નથી આપતા.’

‘ઠગબાવા ? હું ચમક્યો. આ પરિચિત મોં કોનું ? મને મારાં પાછલા વર્ષો યાદ આવ્યાં અને આખો ઠગ-વૃત્તાન્ત મને સાંભર્યો. જાણે તે આજે જ મારી નજર આગળ ન બન્યો હોય !

‘સમરસિંહ ? હું એકદમ પુકારી ઊઠ્યો. એ સાધુ સમરસિંહ હતો. એની મને ખાતરી થઈ ગઈ.

'સ્લિમાન સાહેબ ! વિલાયત જાઓ છો ?’ સમરસિંહે મને ઓળખી પૂછ્યું

હું એકદમ ધસ્યો અને આ સાધુને ભેટી પડયો.

‘સમરસિંહ ! તમે જ મારો બચાવ કરવા સર્જાયા છો શું ?' મારાથી બોલી જવાયું.

‘પ્રભુ વગર કોણ બચાવ કરી શકે ? આવો. જરા આરામ લો અને આ બધાને માટે હું રસોઈ તૈયાર કરાવું.’

અમારી સાથેનાં બાળકો તેમ જ સ્ત્રીઓ તેમ જ બળવાખોરો એ બધાં જ આ દૃશ્ય જોઈ રહ્યાં. બળવાખોરોએ હથિયાર નીચે નાખ્યાં અને ઘોડા બાંધી ધર્મશાળાની ઓસરીમાં બેઠા.

શંખનાદથી આકર્ષાયલા પંદરેક સાધુઓ ક્યાંકથી ફૂટી નીકળ્યા. સમરસિંહે કહ્યું :

‘બધાંને પાણી પાઓ અને પ્રભુનો પ્રસાદ આપો.'

મને હાથ પકડી સમરસિંહ મંદિરમાં લઈ ગયો. પાછળ પેલી બે. સ્ત્રીઓ આવતી હતી.

‘સ્લિમાન સાહેબ ! આ બંનેને ઓળખ્યાં ?'

‘જોયાં લાગે છે.'

‘આ મટીલ્ડા વિલાયતનું સુખ છોડી અહીં સાધુજીવનનાં દુઃખ વેઠવા આવી છે.' ‘અને આ તો આયેશા ને ?’

‘હા, જી. મને - સાધુને આ માયા વળગી છે !’

'પણ એ માયા તારો તપભંગ તો નથી કરતી ને ?' આયેશા બોલી એનો અવાજ મેં પરખ્યો.

‘ના; મારી એકાગ્રતા વધારે છે. એ બન્ને સાધ્વીઓના મુખમાં હું પ્રભુનાં દર્શન કરું છું. એમનો સાથ ન હોત તો મારી સાધુતા, અધૂરી રહી જાત.'

મહારાજ્યો સાચાં કે મહા હૃદયો ? રસ્તામાં જ મેં આખો પ્રસંગ લખી નાખ્યો. ઠગ સંબંધી મેં ઘણું લખ્યું છે, પણ તે આ લખાણ પહેલાનું. છેલ્લું મારું આ લખાણ ઠગ સંસ્થાનું રહસ્ય સમજ્યા પછીનું છે એ જ સાચું છે, કારણ એમાંથી હું એક સત્ય શીખ્યો : ઠગસંઘમાં માનવતા હતી.

શું એકલી માનવતા જ હતી ? હા, એમાં ખોટું શું ? મહત્તા કરતાં માનવતા વધારે મોટી છે. મહત્તા મેળવવાની શક્તિ ધરાવનાર સ્ત્રીપુરુષો માનવી બને ત્યારે જીવન નંદનવન બને છે.

સમરસિંહને જોયા પછી મને પણ મહત્તા ઉપર વિરાગ આવી ગયો છે.

મને કોઈ સાચો માનવી આપો ! હું રાજ્ય કે રાજ્યવિસ્તાર નથી માગતો.

• • •