ઠગ/પરિશિષ્ટ પહેલું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વર્ષો પછીનું અકસ્માત મિલન ઠગ
પરિશિષ્ટ પહેલું
રમણલાલ દેસાઈ
૧૯૩૮
પરિશિષ્ટ બીજું →


પરિશિષ્ટ પહેલું
ઠગ અને ભેદી ટોળીઓ

માનવજાતના ઇતિહાસમાં ભેદી ટોળીઓએ ભજવેલો ભાગ વીસરવા જેવો નથી. ભેદ અને ભેદના રહસ્ય જાણવાની માનવીની આતુરતાએ માનવી પાસે અનેક વિચિત્ર કાર્યો કરાવ્યા છે. સંસ્કૃતિની પ્રાથમિક ભૂમિકા આવા ભેદને મહત્ત્વ આપે છે એમ નહિ, સુધરેલા-સુધારાની ટોચે પહોંચેલા કહેવાતા દેશોમાં પણ ગુપ્ત ટોળીઓ અસ્તિત્વમાં છે. સુધરેલી સરકારો છૂપી પોલીસ રાખે છે, છૂપા દૂતો રાખે છે. અને પ્રજહિતનું બહાનું આગળ કરી રાજકીય બાબતોને છુપાવી રાખે છે. વ્યવસ્થિત, શસ્ત્રસjજ સરકાર પણ આમ ભેદને પોષે છે.

માનવજીવન તો ભેદમય છે જ, પરંતુ માનવી જીવે છે તેય અનેક ભેદપરંપરા વચ્ચે. જીવન, જન્મ, મરણ : સૂર્ય, ચંદ્ર, રાશિ અને નક્ષત્ર : પંચતત્ત્વની પ્રકૃતિ અને પંચેન્દ્રિયની આંટીઘૂંટી વચ્ચે ઉદ્દભવતું માનસ : રાજ્ય, વાણિજ્ય, ન્યાય : ધર્મ અને પ્રેમ : વેર અને વહાલ : માનવીને જેટલા અણુ છે એના કરતાં પણ વધારે ખેંચાણોએ તેને ઘડ્યો છે. ભેદ એ તેના જીવનનો મોટો ભાગ છે.

માનવીને છુપાવવાનું પણ કેટકેટલું છે ? એને દેહ છુપાવવો પડે છે, એના ભાવ છુપાવવા પડે છે. એનાં કૃત્યો છુપાવવા પડે છે - સભ્ય સમાજમાં પણ. જેમ સભ્યતા વિશેષ તેમ છુપાવવાનુ વધારે. કદાચ છુપાવવાના ભાવ અને કાર્યની વિપુલતા ઉપર જ સભ્યતાનો આધાર તો નહિ રહેતો હોય ?

વયકક્ષા(Age-grades) અને ગુપ્તજ્ઞાન

સમાજને ઐતિહાસિક દૃષ્ટિએ જોવાની આ યુગમાં આપણને ટેવ પડી ગઈ છે. એ ટેવ આપણને સ્પષ્ટ વિચાર કરવાનો એક માર્ગ દર્શાવે છે - જોકે ઘણા વર્તમાન વલણોનું આરોપણ પ્રાચીનતામાં એથી સાચુંજૂઠું થતું હોય એવો સંભવ તો રહે છે જ. કુટુંબ, કુલ, ગોત્ર (Clan) અને જાત (tribe) સુધી વિકસેલી પ્રાથમિક સંસ્કૃતિવાળી જાતોમાં ગુપ્તજ્ઞાન (Age-grades) વયસમાનતાને અવલંબીને ફેલાય છે. વય એ કુદરત દીધી વિશિષ્ટતા છે, એમાં જરા પણ ના પડાય એમ નથી. અસંસ્કૃત જાતોમાં અને સંસ્કૃત જાતોમાં શરીરવિકાસ એ જ્ઞાનવિકાસની જ ભૂમિકા બની રહે છે. બાળક, કિશોર, કુમાર, યુવાન, પુખ્ત, વૃદ્ધ એવી એવી વય ભેદ ઉપર રચાયેલી ભૂમિકાઓ ઉપર આધાર રાખી જ્ઞાનદીક્ષા આપવાનું કાર્ય (Age-grades) વયશ્રેણીની પ્રથામાં થાય છે.

જ્ઞાન ગુપ્ત રહે છે. એ જ્ઞાન ધrમક્રિયા, જાતિવિષયક અને રિવાજો, યુદ્ધના કોયડા, પૂર્વજના ઇતિહાસ, કાયદા, મંત્રતંત્ર અને દવાદારૂ સંબંધનું હોય છે. યુવાનને અપાતું જ્ઞાન બાળકને ન જ અપાય. મંત્રતંત્ર કે ઔષધિનું જ્ઞાન વૃદ્ધો જેટલા વિચારથી વાપરે તેટલા વિચારથી યુવકો ન વાપરે એ બહુ સંભવિત છે. એટલે જ્ઞાન આપવાનું માપ વયની કક્ષા ઉપર આધાર રાખે છે.

આ જ્ઞાન આપવાની ક્રિયા ગુપ્ત છતાં ધામધૂમ સાથે થાય છે, અને આખી જાતનાં અમુક વયનાં માનવીઓને એકસામટી જ્ઞાનદીક્ષા આપવામાં આવે છે. વ્યક્તિગત જીવન સમાજની સાથે સંબંધ ધરાવતું થાય એવા બધા પ્રસંગોને જ્ઞાનદીક્ષાના પ્રસંગો તરીકે સ્વાભાવિક રીતે ગણવામાં આવે છે.

વયસમાનતાનો આગ્રહ રાખવાથી આ જાતોમાં કુળ કે કુટુંબને લીધે પડી જતા વિભાગોને એકત્રિત રાખવાની કૂંચી જડે છે. આખી જાતના સોળથી અઢાર વર્ષની ઉપરના યુવકોને લશ્કરી જ્ઞાન એકસામટું અપાય એથી કુળભેદ અને કુટુંબભેદ હળવા બની જાય છે, અને વયના સ્વાભાવિક ભેદ વધતા નથી.

વળી પુરુષ અને સ્ત્રી એ બંને વર્ગોને માટે ભિન્નભિન્ન દીક્ષા હોય છે. આપણાં જનોઈ અને લગનમાં પણ દીક્ષા લેનાર જ માત્ર મંત્ર સાંભળે એવી યોજના રાખવામાં આવે છે - જોકે હવે તેનો આગ્રહ જતો રહ્યો છે. ઉપવીત અને લગ્નનાં ક્રિયાકાંડ તરફ હવે માત્ર ઉદાસીનતા જ નહિ પણ અણગમો ઉત્પન્ન થઈ ચૂક્યો છે. વળી આખી કોમની દીક્ષા એક સામટી અપાતી નથી એટલો પ્રાથમિક જાતોના ગુપ્તજ્ઞાનપ્રચાર સાથેનો ભેદ સમજવા સરખો છે. કડવા પાટીદારોમાં પ્રથમ થતાં સમગ્ર કોમનાં બાળકબાળકીનાં લગ્ન આ સ્થળે યાદ કરવા સરખા છે - જોકે એમાં કોઈ ગુપ્તપણું રહેતું નથી. પ્રાથમિક જાતોમાં તો આ બધાં જ સંસ્કારમાં ગુપ્તપણું એ મહત્ત્વનો અંશ છે. માનવજાત પ્રાથમિક ભૂમિકામાંથી આગળ વધે છે અને રાજ્ય, ધર્મ, શાસન, પ્રજાભાવના, વર્ણભેદ પણ વિકસિત બનતાં જાય છે. વિકસિત ભૂમિકામાં વ્યક્તિ અને સ્થિર સમાજતંત્ર અગર તેના કોઈ સમૂહ વચ્ચે વિરોધ ઊભા થાય છે, સમાજવિરોધી ગુપ્ત વિચારો અને કાર્યોનાં બીજ રોપાય છે, અને તેમાંથી ગુપ્ત મંડળો અને ભેદી ટોળીઓનાં બંધારણ બંધાય છે.

ગુપ્ત મંડળો

ઉદેશ, અગર ઉદ્દેશ પાર પાડવાના માર્ગનું ચીવટાઈથી સચવાતું ગુપ્તપણું એ ગુપ્ત મંડળોનું એક મુખ્ય લક્ષણ. આ ગુપ્તપણું સાચવવા સંકેતશબ્દ, ગુપ્ત ભાષા, વિચિત્ર ક્રિયાઓ, વિચિત્ર પહેરવેશ અને આભૂષણ, સંકેતચિહ્ન, ભેદી મકાનો, ભેદભરી મૂર્તિઓ એ પ્રત્યેકનો જરૂર પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, અને ગુપ્ત રહસ્ય સચવાય એવી બધી જ તરકીબો કરવામાં આવે છે. આ લક્ષણ વયકક્ષા (Age-grades)ની સંસ્થાઓમાં પણ હોય છે. અમુક જ્ઞાન, અમુક ક્રિયા, અમુક ઉંમરના માનવીઓ સિવાય કોઈને બતાવી શકાય નહિ; એ જ પ્રમાણે ગુપ્ત મંડળોના સંકેત એક મંડળના સભ્ય સિવાય કોઈને બતાવી શકાય નહિ. માત્ર બંને વચ્ચે મુખ્ય તફાવત એ જ કે વયકક્ષામાં અપાતું જ્ઞાન અમુક વયના સર્વ મનુષ્યોને અપાવું ફરજિયાત છે; ગુપ્ત મંડળોમાં વય ભેદ હોતા નથી, અને તેમાં પ્રવેશ મરજિયાત હોય છે.

ગુપ્ત મંડળોના આ મુખ્ય લક્ષણ સિવાય બીજા લક્ષણો ધ્યાનમાં રાખવા સરખાં છે.

કોઈ કોઈ મંડળોમાં મુખવટાનો ખૂબ જ ઉપયોગ થાય છે. મુખવટો માણસને બદલી નાખે છે. એ મુખપલટાથી મંડળનો સભ્ય સદેહે મૃત્યુ પામી નવા જીવનમાં આવ્યો, અને તેથી મૃત પિતૃઓ અને પૂજ્ય દેવતાઓ સાથે સંસર્ગમાં આવવાની લાયકાત તેણે પ્રાપ્ત કરી, એવી માન્યતા ઉપજાવી રહસ્યને ઘેરું બનાવવામાં આવે છે. દેવના અને પિતૃના આશીર્વાદ કે કોપ લાવવાની શક્તિનું આરોપણ કરવામાં આવતાં સભ્યો અને બિનસભ્યોમાં આ ભાવના જાદુ સરખી અસર કરે છે. પ્રાથમિક સમાજમાં વયકક્ષાનાં મંડળોમાંથી જ આ ગોપ્ય રહસ્યની ક્રિયાઓ ગુપ્ત મંડળોમાં દાખલ થઈ હોવી જોઈએ. પરંતુ સમાજ જેમ સુધરતો જાય છે તેમ વયકક્ષાના ભેદ અને ભેદને પોષનારી ક્રિયાઓને જતી કરે છે. પરંતુ ગુપ્ત મંડળો એવી ક્રિયાઓને ચીવટાઈથી વળગી રહે છે, ન હોય ત્યાં લાવે છે, અગર તદ્દન નવી વિચિત્ર ક્રિયાઓ ઉપજાવી ભેદના પડદા અભેદ્ય બનાવ્યા કરે છે.

કોઈ પણ મંડળનો ઉદેશ એ જ હોય કે સમભાવ કે સમભાવનાવાળાં મનુષ્યો ભેગાં થઈ ભાવનાને ફળીભૂત કરે. કેટલેક અંશે એથી સામાજિક અસમાનતા કે આર્થિક અસમાનતા દૂર થાય છે. સાહિત્યમંડળીનો એક સભ્ય અમલદાર પણ હોય અને શિક્ષક પણ હોય, આર્થિક મંડળનો એક સભ્ય બૅન્કનો મેનેજર પણ હોય અને બીજો નાનકડી દુકાન ચલાવતો વ્યાપારી પણ હોય. કેટલાંક મંડળો સમાજ અને રાજ્યને મજબૂત કરે છે; કેટલાંક મંડળોને રાજ્ય કે સમાજનો વિરોધ કરવાનો હોય છે. એક દૃષ્ટાંતથી આ વાત સમજી લઈએ. હિંદી મહાસભા (Congress) કૉન્ગ્રેસ એ કોઈ પણ કાયદાથી નોંધાયલી સંસ્થા હોય એમ જાણવામાં નથી; છતાં એ ગેરકાયદે મંડળ નથી. એને કાયદાએ ન સમાવેલી (Extralegal) સંસ્થા કહી શકાય. સ્થાપિત રાજ્ય વિરુદ્ધ તે ચળવળ કરે છે ત્યારે તે ગેરકાયદે બની જાય છે. પરંતુ નવા હિંદી બંધારણમાં તેણે સત્તા સ્વીકારી એટલે સંરકારવિરોધી સંસ્થા સરકાર પોષક સંસ્થા બની જાય છે. એમાં આખા હિંદ દેશનાં સ્ત્રીપુરુષો આવી શકે છે; એને ધર્મનો બાધ નડતો નથી; ધનવાન અને નિર્ધન સહુ તેના સભ્ય બની શકે છે. અહિંસક ઈલાજોથી સ્વાતંત્ર્ય મેળવવું એ એનો ઉદ્દેશ. અને એ ઉદ્દેશ ધરાવતાં સભ્યો એમાં એકત્રિત બની શકે છે.

રશિયાનો બોલ્શેવિક પક્ષ, જર્મનીનો નાઝી અને ઈટલીનો ફાશિસ્ટ પક્ષ, આવાં રાજ્યને સહાયભૂત થનારાં મંડળોના નમૂના છે. એમાં ગુપ્તપણું નથી; હશે તો તે હવે ચાલ્યું ગયું છે. એક સમયે ચાલુ રાજનીતિનો વિરોધ કરનાર આ મહામંડળો હવે રાજ્યકર્તાઓ આપે છે.

રાજ્ય કે સમાજનો અગર તેમના કોઈ વિશિષ્ટ વિભાગનો જ્યારે સખત વિરોધ કરવાનો હોય ત્યારે મંડળને ગુપ્તપણાનો બહુ જ આશ્રય લેવો પડે છે. ગાંધીજીએ હિંસાને ગાળી કાઢી એટલે ગુપ્તપણાની જરૂરિયાત રહી જ નહિ. પરંતુ કપટ, બળ, જોર, જુલમ, ત્રાસ અને હિંસાથી પોતાના કાર્યની સિદ્ધિ કરવામાં માનનારા અનેક મંડળો અસ્તિત્વમાં હતાં અને હજી છે. હિંદનાં ક્રાન્તિકારી મંડળો આવાં ગુપ્ત મંડળોનું એક રાજકીય સ્વરૂપ દર્શાવે છે.

આવાં ગુપ્ત મંડળો વર્તમાન યુગમાં મોટે ભાગે રાજકીય કે આર્થિક ઉદ્દેશો ઉપર રચાયલાં હોય છે. છતાં એ ભૂલવું ન જોઈએ કે ધર્મ, ધાર્મિક ક્રિયા-કર્મકાણ્ડનો ઉપયોગ એક અગર બીજા સ્વરૂપે મંડળની કાર્યવાહીમાં દેખા દે છે. વળી ધર્મને અંગે, જાતિભેદને અંગે, વ્યાપારને અંગે. ધનઉપાર્જનને અંગે, અગર મોજશોખને અંગે પણ ગુપ્ત મંડળો સ્થાપવામાં આવેલાં છે.

ખ્રિસ્તી, મુસ્લિમ, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મોની ચડતીપડતીના યુગમાં ધર્મઘેલછાને અંગે થયેલા જુલમો સર્વવિદિત છે. એ જુલમોથી બચવા, અગર પોતપોતાના મત કે માર્ગને શ્રેષ્ઠત્વ આપવાના ઝનૂનમાં અનેક ગુપ્ત મંડળો ઉદ્દભવ્યાં છે. એક જ ધર્મમાં મતભેદ ઊભા થાય છે અને એ મતભેદ અનુસાર મંડળો સ્થપાય છે. ગુપ્તપણાની જરૂર બેત્રણ સૂચના કરે છે : ગુપ્તપણું જુલમથી બચવા માટે હોય; પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે હોય, વેર લેવા માટે હોય, સમાજને અમાન્ય એવા વર્તનથી આનંદ લેવા માટે હોય; અને ત્રાસ વર્તાવી સામા પક્ષને ભયભીત બનાવવા માટે પણ હોય. નગ્નમંડળો શરીરશાસ્ત્રનો આશ્રય લઈ રચાય છે; વિલાસપ્રિયતા પોષવા માટે ભોગમંડળો રચાય છે; લૂંટવા માટે બહારવટિયા, ચાંચિયા કે સફાઈદાર ગુંડાઓ (Gangsters)નાં મંડળો રચાય છે; રાજ્ય મેળવવા શસ્ત્રધારીઓ અને મુત્સદીઓનાં મંડળો રચાય છે. દરેક મંડળમાં ગુપ્તપણું સચવાય છે, અને એ સાચવવા માટે વિસ્તૃત સંકેતમાલા અને ક્રિયાઓમાં એ ગુપ્તપણાને ગૂંથી દેવામાં આવે છે.

વળી આંતરરાષ્ટ્રીય બંધુભાવનાના ઉદ્દેશો ઉપર રચાયેલાં ગુપ્ત મંડળો પણ હોય છે, અને રાજ્ય કે સમાજનો વિરોધ ન હોય છતાં - રાજ્ય અને સમાજના આગેવાનો એવાં મંડળોના જાહેર સભ્યો હોવા છતાં - તેમાં કાંઈ પણ રહસ્ય છુપાયલું નથી એમ જાહેર રીતે કહેવા છતાં - તેનાં રહસ્ય કોઈ પણ ધર્મરહસ્યોના સરખાં જ ગુપ્ત રાખવામાં આવે છે. એટલું જ નહિ, એ રહસ્ય ના કહેવા છતાં એટલું આકર્ષક બનાવાય છે કે સહુની જિજ્ઞાસા ઉશ્કેરાઈ તેમાં પ્રવેશ પામવાની ઇચ્છા જ કરે. રોઝીકૃશિયન, મેસ્મરનાં મંડળો, થિયોસોફી - ખાસ કરીને તેનો (Esoteric) અપાર્થિવ માર્ગ અને ફ્રીમેસનરી : એ બધાં ધર્મમંડળો અગર બંધુત્વ વધારનારાં મંડળો એ જાણીતાં ગુપ્ત મંડળો છે. જર્મન યુદ્ધ પછી મૂળ અમેરિકામાં સ્થપાયેલું અને હાલ ખૂબ વિસ્તાર પામતું રોટરી - ચક્ર મંડળ હજી ગુપ્ત મંડળ બન્યું નથી, છતાં તેના સંકેત અને સભ્યો તરફથી તેને અપાતું મહત્ત્વ તેને ઝડપથી ગુપ્ત મંડળમાં ફેરવી નાખે તો નવાઈ નહિ.

ઈટાલી અને જર્મનીમાં ગુપ્ત મંડળો નાબૂદ કરી નાખવામાં આવ્યાં છે, અને ફ્રીમેસનરી સરખી એક વખત ફ્રાન્સ જેવા પ્રદેશ ઉપર રાજસત્તા ભોગવતી મંડળને પણ ગેરકાયદે ઠરાવવામાં આવી છે. બળજબરી, જુલમ, ત્રાસ, તાપથી ચાલતાં રાજ્યોની સ્થિરતા ક્ષણિક છે. હિટલર કે મુસાલિનીના તેજથી હણાયલાં વિરોધી બળો બહારથી અદૃશ્ય થયેલાં ભલે લાગે; પરંતુ એબીસીનિયાની મુલ્કગીરીમાં રોકી દીધેલી ઈટાલિયન પ્રજા અગર યહૂદીઓના શિકારે ચડાવી દીધેલી જર્મન - આર્ય પ્રજામાં ગુપ્ત મંડળો સ્થપાય એવું વાતાવરણ તો તૈયાર થઈ જ રહેલું છે.

'માફિયા ટોળી'

આ મંડળીઓની થોડી વિગત તપાસીએ અને ઈટલીની જાણીતી 'માફિયા’ નામની ગુપ્ત મંડળીથી શરૂ કરીએ.

આજે ખૂબ જોર કરી રહેલા ઈટાલીને નેપોલિયને છિન્નભિન્ન કરી નાખ્યું હતું એ વાતને ભાગ્યે દોઢસો વર્ષ થયાં હશે. ઈટાલીની દક્ષિણે આવેલા સિસિલી ટાપુમાં લાંબા વખતથી અવ્યવસ્થા ચાલતી હતી. ઈટાલીનું રાજ્ય તે વખતે નબળું હતું એટલે સિસિલીની સંભાળ બરોબર રખાતી નહિ. તેમાં નેપોલિયને ઈટાલી જીતી પોતાના ભાઈને ગાદીએ બેસાડ્યો. એમાંથી અવ્યવસ્થા વધતી ચાલી, અને સિસિલીના મોટા જમીનદારોએ પોતાની જમીન સાચવવા અને મહેસૂલ ઉઘરાવવા બદમાશો અને ગુંડાઓને નોકર તરીકે રાખવા માંડ્યા. ગુંડાઓના હાથમાં સત્તા આવી એટલે તેનો પૂરો ઉપયોગ કરી તેમણે ખેડૂત વર્ગને મારી ઝુડી તદ્દન અબોલ બનાવી દીધો. હાલ આપણે ત્યાં પણ મિલમાલિક જમીનદારો અને શાહુકારો દરવાજા કે ખેતી સાચવવા, ઉઘરાણી કરવા અગર વસૂલાત લાવવા માટે મકરાણી, કાબુલી અને ભૈયાઓ રાખે છે એ જાણીતી બિના છે.

જમીનદારોના તાલુકાઓ અને જમીનો પાસે પાસે હોવાથી આ ગુંડા રક્ષકોમાં પોતાનું જ એક બંધારણ ઉદ્દભવ્યું, અને તેને એટલું બળ મળ્યું કે એ જ રક્ષકોએ જમીનદારોને જ મુશ્કેલીમાં નાખી દીધા. આ રક્ષકોની સંખ્યા મોટી ન હતી, છતાં અંદર અંદરના ભારે સંપને લીધે, તેમ જ કોઈ પણ ગુનો કરવાની તેમની સતત તૈયારીને લીધે તેમણે ખેડૂતોમાં અને જમીનદારોમાં ભારે ભય ફેલાવ્યો, અને આખી જમીનદારી વ્યવસ્થા ઉપર પોતાનો સોટો ચલાવ્યો. જમીનદારોએ કયા ખેડૂતો રાખવા, કયા રક્ષકો રાખવા, રક્ષકોને કેટલો પગાર કે ભાગ આપવો, જમીનની દાણ કેટલી ઠરાવવી, જમીન વેચવી હોય તો શા ભાવે વેચવી અને રાખવી, પાક કેટલો કોને વેચવો એ બધું ‘માફિયા’ ટોળીના રક્ષકોએ હાથ કરી લીધું. આ ગુંડાઓએ ધીમે ધીમે પાકની સાથે બજારો પણ હાથ કરવા માંડ્યાં, અને તેને અંગે શહેરોમાં પણ તેમની પ્રવૃત્તિ ફેલાઈ. 'માફિયા’ ટોળીના હુકમ વગર જમીન કે માલ બજારમાં પણ વેચાતો બંધ થયો, તેમની મરજી વગર વ્યાપારીઓ માગણી કરતાં બીવા લાગ્યા, અને બીકને લીધે માગણીઓ પણ અટકી ગઈ.

આ મંડળીના ચોક્કસ નિયમો હતા અને તેમનું ચીવટાઈથી પાલન થતું. 'માફિયા’નો પ્રથમ નિયમ એ કે મંડળીના કોઈ પણ સભ્ય કોઈ પણ સંજોગોમાં સરકારી અદાલત કે સરકારી નોકરની સહાય લેવી જ નહીં. એ મંડળીનો બીજો નિયમ એ હતો કે કોઈ પણ ગુનાની સાક્ષી પૂરવી નહિ. પછી તે ગુનો મંડળીના સભ્યો વિરુદ્ધનો હોય કે ન પણ હોય. મંડળી સંબંધી, મંડળીનાં કાર્ય સંબંધી, મંડળીના ગુના સંબંધી સંપૂર્ણ વાચા રહીત બનવું એ તેમનો મુખ્ય સિદ્ધાંત. એ સિદ્ધાંતનું પાલન ન કરનારને ભારેમાં ભારે શિક્ષા મંડળી તરફથી થતી.

ધીમે ધીમે આ મંડળીનું જોર વધવા અને ફેલાવા લાગ્યું. બધા જ વર્ગોમાં તે મંડળીઓનો દાબ પડવા લાગ્યો. કેટલીક વાર તો લશ્કરના મોટા અમલદારોને 'માફિયા’ મંડળીની સહાય લેવી પડતી. છેક ઈ. સ. ૧૮૯૨ સુધી તેમનું જોર વધતું ચાલ્યું. રાજ્ય ચોંક્યું. અને તે સાલમાં લગભગ દોઢશો 'માફિયા’ સભ્યોને પકડવામાં આવ્યા. એથી તેમનું જોર ઘટવાને બદલે વધ્યું અને કેટલાક નાસી ગયેલા સભ્યોએ અમેરિકામાં એ મંડળ ફેલાવ્યું. અમેરિકાના ન્યુઑર્લીંઅન્સ શહેરની પોલીસના મુખ્ય અધિકારીનું 'માફિયા’ મંડળીએ ખૂન કર્યું. 'માફિયા’ સરખી ‘સ્ટોપાથેરા’ નામની બીજી છૂપી મંડળી સાથે ભયાનક મારામારી કરવાથી ડેવીડ હેનેસી નામના પોલીસ અધિકારીએ 'માફિયા’ વિરુદ્ધ સખત પગલાં લીધાં. તેને પરિણામે હેનસીનો જીવ ગયો. પકડાયેલા સભ્યો ઉપર કામ ચાલતાં જૂરીને એટલી ગભરાવવામાં આવી કે ઘણા 'માફિયા’ સભ્યોને છોડી દેવા પડ્યા.

પરદેશમાં પણ આમ ત્રાસ વતાવતી આ છૂપી મંડળી ઈટાલિયન સરકારના અનેક પ્રયત્નો છતાં નાબૂદ થઈ નહિ. અધિકારીઓ ‘માફિયા'ની સહાય વડે અધિકાર જાળવી રાખતા, અને આગેવાનો ચૂંટણીમાં તેની સહાય વડે વિજય મેળવતા, એટલે સરકારના પ્રયત્નો લગભગ નિષ્ફળ નીવડ્યા. જર્મન યુદ્ધમાં ઈટાલી છેવટે મિત્ર રાજ્યો સાથે જોડાયું. એ ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૧૮ સુધીના મહાયુદ્ધનાં ચાર વર્ષ 'માફિયા’ મંડળ ખૂબ જોરમાં આવ્યું, અને તેમની ગુનાભરી પ્રવૃત્તિઓ ઘણી જ વધી પડી. ઈ. સ. ૧૯૨૨માં મુસોલિનીની સરદારી નીચે ફાસિસ્ટોએ રાજસત્તા હાથમાં લીધી, અને ત્યારથી 'માફિયા’ મંડળીને વેરી નાખવા બહુ જ સખત પગલાં લેવામાં આવ્યાં. 'માફિયા’નો એટલો બધો ત્રાસ હતો કે તેમના વિરુદ્ધ મંડળીએ ગુના કર્યા હોય તેવા લોકો પણ સાક્ષી આપતાં ગભરાતા. અંતે પૂરતું રક્ષણ આપી પિડાતા લોકોની મહામુશ્કેલીએ જુબાનીઓ લઈ 'માફિયા’ના આગેવાનોને ભયંકર શિક્ષાઓ ફરમાવી, એટલે આ છૂપી મંડળી હાલ વિખેરાઈ ગઈ છે. આમ સો-સવાસો વર્ષ સુધી ઈટાલી અને અમેરિકા જેવા દેશમાં 'માફિયા'એ ત્રાસ વર્તાવી પોતાની સત્તા જમાવી હતી, અને રાજકારોબાર તથા ખેતી અને વ્યાપારમાં તે ધાર્યો લાભ મેળવતી હતી.

'કેમોરા ટોળી’

‘માફિયા’ની માફક ભારે સત્તા ભોગવતી સમયુગની બીજી એક ટોળી ‘કેમોરા' નામથી ઓળખાતી. એ પણ ઈટાલીમાં જ. આ ટોળીનું અસ્તિત્વ ઈ. સ. ૧૮૨૦માં જાહેરમાં આવ્યું. સ્પેનિશ ભાષામાં ‘કેમોરા’નો અર્થ ઝઘડો થાય છે. સંભવિત છે કે નેપલ્સ જેવા ધોરી શહેરમાં આ શબ્દ અને આ મંડળ સ્પેનિશ લોકોએ દાખલ કર્યા હોય. જોતજોતામાં એ સંસ્થા ઈટાલીની બની ગઈ.

ઈટાલિયન રાજસત્તાની જહાંગીરીનો ભોગ થઈ પડેલા કેદીઓની સ્થિતિ સુધરે એ અર્થે કેદમાંથી બહાર નીકળેલા કેદીઓના દોસ્તોએ પ્રથમ તો એક સામાજિક મંડળ શરૂ કર્યું. કેદીઓ છૂટતા જાય તેમ મંડળ વિસ્તૃત થતું જાય. પછી તો બીજા તોફાની માણસો પણ એમાં ભળવા લાગ્યા, અને નેપલ્સ શહેરની ગલીઓમાં ટોળાબંધ જુલમ કરવાની રીત ‘કેમોરા'એ શરૂ કરી.

ટોળાંએ કેવી રીતે કામ કરવું એ વિશે 'કેમોરા'ની ઢબ જાણવા જેવી છે. પોલીસના માણસો આવતા દેખાય તો બિલાડીની માફક કેમોરાના સભ્યો અવાજ કરતા, તેમનો કોઈ ભોગ નજરે પડે એટલે કૂકડાનો બોલ કાઢતા. મોટા નિઃશ્વાસ ઉપરથી એમ સમજાતું કે ભોગ આપવા ધારેલો માણસ એકલો નથી. આમ તેમના સૂચક સંકેત ઉપરથી તેઓ વીખરાતા અગર ભેગા થઈ ખૂન, મારઝૂડ કે લૂંટ કરતા. જેમ જેમ ‘કેમોરા'નું જોર વધતું ગયું તેમ તેમ વાટ પાડવા ઉપરાંત દાણચોરી અને જાસા કરીને ધન પડાવવાના ઉદ્દેશ તેમાં દાખલ થયા. 'કેમોરા'નાં તોફાનો અને ગુનાઓમાં રાજકુટુંબના માણસો, રાજદ્વારી પુરુષો, અમીરો અને પાદરીઓ પણ હિતસંબંધ રાખવા લાગ્યા, અને ‘કેમોરા'ની લૂંટફાટ તથા દાણચોરીને છાવરી તેમાંથી ભાગ લેવા લાગ્યા. નેપલ્સમાં તે સમયે એવી અંધાધૂંધી ચાલતી હતી કે માલના રક્ષણ અર્થે વેપારીઓ પોલીસ રોકવાને બદલે ‘કેમોરા’ મંડળના માણસોને રોકવા લાગ્યા. ચાલુ રાજ્યવ્યવસ્થા વિરુદ્ધ તેમની ચળવળ ન હતી. એટલે રાજસત્તા પણ તેમનાં કાર્યો તરફ આંખ આડા કાન કરતી હતી; એટલું જ નહિ પણ બંદોબસ્તી સીરબંદીમાં (Police force) ‘કેમોરા'ના ઘણા માણસો દાખલ થઈ ગયા. વળી પોલીસ ન શોધી શકે એવા કેટલાક અપરાધો ‘કેમોરા' પકડી પાડી સરકારને ઉપયોગી થઈ પડવાનો દેખાવ કરતી હતી.

ઈ. સ. ૧૮૪૮માં ‘કેમોરા'એ રાજકીય બાબતોમાં પણ માથું મારવા માંડ્યું. ઈ. સ. ૧૮૬૦માં મહારાજા ફ્રાન્સીસે નવું રાજબંધારણ પ્રજાને આપ્યું અને તે સાથે કેદમાં પડેલા સઘળા કેમોરીસ્ટી - કેમોરા મંડળના સભ્યો - ને બંધનમુક્તિ કરી દીધા. એટલે બે વર્ષ ચૂંટણીઓમાં તોફાન કરી પોતાના જ માણસોને સત્તા ઉપર લાવી ‘કેમોરા'એ ખૂબ અવ્યવસ્થા ફેલાવી. પછી ‘કેમોરા’ ઉપર સખતી શરૂ થઈ, છતાં લાંબા સમય સુધી તેનું પ્રાબલ્ય ચાલુ રહ્યું. ઈ. સ. ૧૯૦૦માં એક બદનક્ષીનો મુકદ્દમો ચાલતાં જણાયું કે નેપલ્સની સુધરાઈમાં કેમોરીસ્ટી ઘણા છે. એથી આખી સુધરાઈને વિખેરી નાખવામાં આવી હતી. ત્યાર પછી તેની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને મંડળ ઈ. સ. ૧૯૧૧માં ભાંગી ગયું. એક ખૂનના કામમાં ટોળીના માણસો પકડાયા અને તેના સરદારને અમેરિકાથી પકડી લાવવામાં આવ્યો. આવા ગુનેગારોનું ભેદીમંડળ આખી સદી સુધી નેપલ્સ જેવા શહેરમાં અનેકાનેક ગુનાઓ કરતું હતું. હજી પણ ગુંડાગીરીને ‘કેમોરા' નામથી ઓળખવામાં આવે છે.

ક્લુ ક્લક્સ ક્લૅન

આગળ વધેલા અમેરિકાના સંયુક્ત રાજ્ય - United States of America માં ગુંડાઓનું કેટલું પ્રાબલ્ય છે એ સહુ કોઈ જાણે છે. ત્યાંના ગવર્નરો, ન્યાયાધીશો, અમલદારો એ સહુ ગુંડાની ટોળીઓનો આશ્રય લે છે, અને પોતાની સત્તા સાચવી રાખે છે એવો સંશય ચાલુ જ છે. પ્રમુખો પણ ગુંડાઓની ટોળીનો આશ્રય નહિ લેતા હોય એમ કહેવાય નહિ. Sand bagging- રેતી ભરેલી કોથળી માથામાં મારી ખૂન કરવાની પ્રથા અમેરિકાના ગુંડામાંથી ઉત્પન્ન થઈ છે. ભેદી ભોંયરા, પીઠાં, મકાનો, કેદખાનાં, જુગારખાનાં, વિકાસ ગૃહો અને શસ્ત્રભંડાર ભોંયતળિયાની નીચે રચવામાં આવે છે અને સૂતેલાં શહેરોની નીચે એક આખું જાગતું શહેર રાત્રે અનેક પ્રકારનાં કાવતરાં અને અપરાધોમાં રોકાયેલું હોય છે. આ કાર્યમાં રોકાયલા બદમાશો બુદ્ધિમાન, ભણેલા, દેખાવડા, સંસ્કારશોભન પણ હોય છે. અને પોતાના આકર્ષક ગુણોનો ઉપયોગ કોઈને ઠગવામાં, રંજાડવામાં, લૂંટવામાં, મારઝૂડ કરવામાં અને અંતે ખૂન કરવા સુધીનાં કાર્યો કરી શકે છે. શરીર સશક્ત, દાવપેચમાં પાવરધા અને જીવ હથેળીમાં લઈ ફરનારા આ બદમાશોએ સાહિત્ય અને સિનેમાને પણ ખૂબ સાધનો પૂરાં પાડ્યા છે. પ્રખ્યાત વિમાની કર્નલ લીંડબર્ગના બાળકનું અપહરણ કરી ખૂન કરનાર હૉપ્ટમેન અને એવા જ બદમાશ અલકૅપૉનનો હમણાં જ ચાલેલો મુકદ્દમો સહુના ધ્યાનમાં હશે જ.

એ દેશની એક જબરજસ્ત ટોળીની સહજ વિગત તપાસીએ.

કલુ ક્લક્સ ક્લૅન નામની બે જુદી જુદી ટોળીઓ જુદા જુદા વખતમાં થઈ છે. એક ટોળી ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં - અમેરિકન આંતરવિગ્રહ પછી, અને બીજી ટોળી હાલમાં જ ઈ. સ. ૧૯૧૪-૧૫થી ૧૯૧૮ના જર્મન યુદ્ધના અરસામાં.

અમેરિકન આંતરવિગ્રહ ઉત્તર અને દક્ષિણ સંસ્થાનો વચ્ચે હબસી ગુલામોને આપેલા છુટકારાને અંગે ઊભો થયો હતો. હબસીઓના છુટકારાનો વિરોધ દક્ષિણ ભાગમાં વધારે ઉગ્ર હતો, અને આંતરવિગ્રહના શમન પછી અમેરિકાની કોંગ્રેસે કરવા ધારેલા રાજકીય સુધારાનો વિરોધ પણ દક્ષિણ ભાગમાં જ તીવ્ર હતો. હબસીઓ તરફના સદ્ભાવની સામે થઈ ગૌરવર્ણનાં લાભ સાચવવા માટે એક મંડળ ઊભું થયું. ઈ. સ. ૧૮૬પના અરસામાં એક સામાજિક મંડળ કેટલાક ગોરા યુવાનોએ ટેનેસીમાં ઊભું કર્યું. આ મંડળમાં દાખલ થવાનો વિધિ અજબ વિચિત્રતાવાળો હતો, અને સભ્યોનો પોશાક પણ તેવો જ હતો. આ વિધિ અને પોશાકની અસર વહેમી હબસીઓ ઉપર બહુ થઈ. અને તેમના અજ્ઞાન અને વહેમનો લાભ લઈ આ મંડળ અતિ વિસ્તાર પામ્યું. ગોરાઓના લાભ સાચવવા બીજા મંડળો ધવલ સંઘ (White League) અને અદૃશ્ય વર્તુળ (Invisible Circle) જેવાં સ્થપાયાં હતાં, એ સર્વ આ મંડળમાં સમાઈ ગયાં. કાળા વિરુદ્ધ ગોરાઓના લાભ સાચવવાના ઉદ્દેશથી સ્થપાયેલાં સર્વ મંડળો કલુ ક્લકસ ક્લૅન તરીકે ઓળખાતાં. તે બધાં એક જ નામની મોટી ટોળી બની ગયાં. ગોરાઓના લાભ સાચવવાના બધા જ પ્રયત્નો કરવામાં આવતા, અને કાળા હબસીઓને રંજાડવા માટે ગમે તેવા જુલમો પણ કરવામાં આવતા. તેમના પ્રાબલ્યને અંગે કેટલાક કાયદાઓ પણ બદલી નાખવા પડ્યા.

આખા દક્ષિણ વિભાગને ‘અદૃશ્ય મહારાજ્ય (Invisible Empire)નું નામ આપી આ મંડળે પોતાનો કાર્યપ્રદેશ નિશ્ચિત કર્યો હતો. એના પ્રમુખને ‘મહાન માયાવી’ (Grand Wizard) તરીકે ઓળખવામાં આવતો. મહારાજ્યમાં સંસ્થાનોના નાના વિભાગ પડ્યા હતા અને પ્રત્યેક વિભાગને ‘ભવ્ય નાગ’ (Grand Dragon)ના હાથ નીચે રાખવામાં આવ્યો હતો. સંસ્થાનોના અને પ્રત્યેક મંડળના ઉપરીને મહારાક્ષસ (Grand Titan) કહેતા. વિભાગોને મંડળ (Dominion) કહેતા એથી નાના વિભાગ તાલુકાઓના હતા જેના મહા ઉપરી મહાદૈત્ય (Grand Giant) તરીકે ઓળખાતો. નાનામાં નાનો ભૌગોલિક વિભાગ ગુફા-કેન્દ્ર (Den) તરીકે ઓળખાતો. અને તેના ઉપરીનું નામ મહામરુત (Grand Cyclope) રાખવામાં આવ્યું હતું. આમ મહામારુતથી શરૂ કરી મહાન માયાવી સુધીના હોદેદારો આ ભવ્ય ગુપ્ત મંડળને ચલાવતા. આવા અમલદારો ઉપરાંત યોજના પ્રમાણે કાર્ય અમલમાં મૂકનાર કર્મચારીઓને પણ પિશાચ (Genii), સર્પ (Hydras) વંત્રીઓ (Furies), નિશાચર (Night Hawks) તુર્ક વગેરે ભયંકર નામો આપવામાં આવતાં.

આ મંડળને દાબી દેવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ મંડળના સભ્યોનો વ્યવસ્થિત ત્રાસ અને જુલમ લગભગ અનિવાર્ય બની ગયો. એનો ભોગ હબસીઓ અને હબસીઓની તરફેણ કરતા ગોરાઓ બનતા.

આ સંસ્થા જોકે ધીમેધીમે ક્ષીણ થતી ગઈ, છતાં તેણે ગોરાઓને આપવાના વધારાના હક્ક સ્થાપન કરાવ્યા, હબસીઓના મત ઘટાડી દીધા. અને મુક્તિ પામેલા ગુલામોના મતથી સત્તા પામેલા અધિકારીઓને એણે દૂર કરાવ્યા.

ક્લુ ક્લક્સ ક્લૅન નામની બીજી એક ગુપ્ત સંસ્થા છેક ઈ. સ. ૧૯૧૫માં સાઈમન્સ નામના ગોરાએ સ્થાપી. આ સાઈમન્સ ભાષણકારનો ધંધો કરતો હતો અને સાથે સાથે ફેરિયાનું કામ પણ કરતો હતો. આમાંથી સંસ્થાઓ સ્થાપવાની કળા તેને હાથ ચઢી ગઈ, અને કલુ ક્લક્સ ક્લૅન નામનો ભ્રાતૃભાવના ઉદ્દેશવાળો એક સંઘ તેણે સ્થાપ્યો. એ સંઘ સરકારી રાહે નોંધાયો પણ ખરો, એટલે કાયદેસરપણાને આગળ કરી તેણે મંડળનો જબરજસ્ત પ્રચાર શરૂ કર્યો. આ મંડળ ઉચ્ચ વર્ગનું, આધ્યાત્મિક તત્ત્વવાળું, સામાજિક વિશુદ્ધિ સ્થાપન કરનારું અને દેશાભિમાનનું પોષક મંડળ છે એમ જાહેર થવા માંડ્યું. સ્ત્રીજાતિનું રક્ષણ, માનવજાતનું બંધુત્વ અને પ્રભુનું પિતૃત્વ વગેરે મુદ્રાલેખો આગળ આવવા માંડ્યા. એમાંથી ‘ગોરીપ્રજાનું શ્રેષ્ઠત્વ’ અને સ્પષ્ટ તથા સંકુચિત ‘અમેરિકાનું દેશાભિમાન’ એમાં દાખલ થઈ ગયાં. પહેલાંની મંડળીઓનાં નીચેનાં તત્ત્વોનો એ મંડળે સ્વીકાર કર્યો :

  1. રોમન કેથોલિક મતનો વિરોધ.
  2. યહૂદી લોકોનો વિરોધ.
  3. ગોરાઓની સરખામણીમાં હબસીઓને લાવવાની ભાવનાનો વિરોધ.
  4. પ્રથમના મંડળ સરખી જ ક્રિયાઓ અને પોશાક તથા કાર્યવહેંચણી.

પ્રથમનું મંડળ દક્ષિણમાં જ સમાયું હતું; આ મંડળ આખા પ્રદેશમાં ફેલાઈ ગયું. સને ૧૯૨૧માં તેના એક લાખ તો સભ્યો હતા. સાઈમન્સની વેચાણકલા અને પ્રચારકલા આામાં એક કારણરૂપ હતી, પરંતુ મુખ્ય કારણો નીચે પ્રમાણે હતાં :

  1. જર્મન યુદ્ધના ધખારાથી તૃપ્ત બનેલી પ્રજાને દેશાભિમાનમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું સાધન મળ્યું. યુરોપના રાજકારણમાં ભાગ ન લેવાનો સિદ્ધાંત સ્વીકારનાર અમેરિકન પ્રજાને જર્મન યુદ્ધમાં થયેલી ખુવારી નિરર્થક લાગી.
  2. નિર્બળ પોલીસથી અટકાવી ન શકાતી કેટલીક અનીતિમય રીતોને મંડળીના ભયથી દાબમાં રાખવાનું સાધન મળ્યું.
  3. અદાલતોના દીર્ઘસૂત્રીપણાથી અને કાયદાની આંટીઘૂંટીઓથી ગુનેગારો બચી જાય છે એ સાચી વાત છે, એવી રીતે બચી જનાર દુશ્મનોને આ મંડળી દ્વારા સજા કરાવવાનો લાગ મળતો.
  4. જાત અને ધર્મનાં અભિમાન પોષવાનો આ સંસ્થામાં માર્ગ મળ્યો. ‘મે ફલાવર’ નામના વહાણમાં અમેરિકા આવેલા, પ્રોટેસ્ટન્ટ પંથના અગ્રણીઓના વંશજોને પોતાના પંથનું ભારે અભિમાન હતું; અમેરિકન જાતની વિશુદ્ધિ સાચવવાની તીવ્ર ઇચ્છા તેમનામાં જાગ્રત થઈ; અને ગોરાઓનું વર્ચસ્વ કાળી પ્રજા ઉપર રહેવું જ જોઈએ એવી અબોલ ઇચ્છા આ મંડળમાં વ્યક્ત થઈ શકતી.

એવા સંજોગોમાં આ મંડળનો ફેલાવો ઘણો થયો. ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૬ ની ચૂંટણી કલુ ક્લક્સ ક્લૅનનું બળ એટલું બધું હતું કે ઘણાં સંસ્થાનોમાં એ મંડળના સભ્યો સૅનેટમાં કૉન્ગ્રેસમાં અને સરકારી ખાતાંઓમાં મોટા પ્રમાણમાં દાખલ થઈ શક્યા.

પરંતુ સત્તાનો દુરુપયોગ અને લાંચરુશવતના જોરને લીધે એ મંડળીની અંદર અંદર પણ ઝઘડા ઊભા થયા. ઝઘડા થતાં મારામારી, ધમકી, બળજોરીનો યથેચ્છ ઉપયોગ થવા માંડ્યો, અને આ ગુપ્તમંડળ ગુનેગારો અને બદમાશોના મંડળ તરીકે પ્રતિષ્ઠા પામતું ગયું. ધવલ ઝભ્ભા અને ધવલ બુરખા વિચિત્ર અને બિહામણી રીતે પહેરી, આ મંડળના સભ્યો સમાજમાં ભય ફેલાવતા અને અમુક કાર્ય કરવા અગર ન કરવાના હુકમો આપતા. હુકમોનું પાલન ન થાય તો ગમે તેવી જંગલી કે ક્રૂર ઢબનો ઉપયોગ કરી સમાજને ગભરાવી નાખવામાં આવતો. મુક્કાબાજી, ફટકા, ચામડી ઉતરાણ અને ખૂન સુધીના માર્ગ લેતાં આ મંડળના સભ્યો અચકાતા નહિ.

છેક ગઈ સાલમાં એટલે ઈ. સ. ૧૯૩૭માં વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયલા ન્યાયમૂર્તિ હ્યુગો બ્લેક કલુ ક્લક્સ ક્લૅન જેવી છૂપી અને ગુનાઈત કૃત્યો કરનારી મંડળીના સભ્ય છે એવા આરોપો મુકાયા. અને એ કારણે તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. ન્યાયમૂર્તિ બ્લેકને જાહેર રીતે કહેવું પડ્યું કે એક સમયે તેઓ કલુ ક્લક્સ ક્લૅનના સભ્ય તો હતા, પરંતુ યહૂદી, કેથોલિક્સ અને હબસીઓ વિરુદ્ધ તેમણે કોઈ પણ પ્રકારનો અભાવ કેળવ્યો નથી.

આમ ઊંચામાં ઊંચા દેશની ઊંચામાં ઊંચી ગણાતી અદાલતના ન્યાયાધીશ પણ આ મંડળના સભ્ય હોય એ ખરેખર સૂચક પ્રસંગ છે. છૂપા મંડળથી મહત્તા, તેનું બળ અને રાજકીય લાગવગનો આથી વધારે જવલંત દાખલો બીજો ન જ હોઈ શકે.

એસેસિન - Assasin - મારા

એશિયા ખંડના થોડાં છૂપાં મંડળો આપણે જોઈએ.

અગિયારમી સદીમાં છૂપી રીતે ખૂન કરનારી એક એસેસિન નામે પ્રસિદ્ધ થયેલી ટોળી સ્થાપન થઈ અને બે સદી સુધી તેનો ઉપદ્રવ ચાલુ રહ્યો.

ગુનાઈત કૃત્યોમાં અને તેવાં કાર્ય કરનારી ટોળીઓમાં માદક પદાર્થોનો ઉપયોગ એ મોટું સાધન બની રહે છે. પહેલા વર્ગની મુસાફરી કરતા સર મન્મથનાથ મુકરજી અને તેમનાં પત્નીને ક્લોરોફૉર્મના ઘેનમાં નાખી તેમના પૈસા અને વસ્તુઓ બદમાશોએ ચોરી લીધી એ કિસ્સો હજી હમણાં જ બન્યો છે. ભાંગ, ગાંજો, દારૂ, અફીણ, ક્લૉરોફૉર્મ, કોકેન : એ બધા જ માદક પદાર્થોનું સ્થાન ગુનાઓમાં અને છૂપી મંડળીઓમાં બહુ જ મહત્વનું છે. માદક પદાર્થોની દેહ ઉપર કેટલી ભારે અસર છે એ સહુ કોઈ જાણે છે. એ પદાર્થો કાં તો માનવીને બેભાન બનાવે છે, બેફામ બનાવે છે અગર અશક્ત બનાવે છે. ચંડુલની એક ટૂંક લેતાં માનવી ત્યાં ને ત્યાં ઊંઘી જાય છે, અને આઠ-દસ કલાક સુધી ઊઠી શકતો નથી. અફીણ માણસને સ્વપ્નસેવી બનાવી તેના દેહમાં એક જાતની જડતા લાવે છે. દારૂથી ભાન ભૂલી અનેક જાતના ગુના કરવાની પ્રવૃત્તિમાં માણસ પડે છે. ભાંગ કાં તો મિથ્યા હાસ્ય કે મિથ્યા ઉદાસીનતા પ્રેરે છે, અને તેમ કરી માનવી અને તેના જગત વચ્ચેના પ્રમાણમાં ભારે ફેરફાર કરી મૂકે છે. કોકેનથી આવતી જાગ્રતિ અને હિંમત કોકેનને બહુ જ પ્રચાર આપી રહી છે. શરીરને તાત્કાલિક બળ કે આરામ આપી તેની જડતાને વધાર્યે જતા માદક પદાર્થોનું સેવન મનુષ્યને એક ધૂન, જડ એકાગ્રતા, પ્રમાણ રહિત આનંદ, સ્વપ્ન સરખો ભ્રમ, ચાલુ સ્થિતિનું અભાન, ભાન વગરનું સાહસ અને અર્થહીન હિંમત અર્પે છે. અલબત્ત, પ્રત્યેક સેવન દેહ ઉપર એક ઝટકો મારતું જાય છે, અને વ્યસનીને પરાધીન બનાવ્યે જાય છે.

દુઃખી મનુષ્યો દુઃખ ભૂલવા માટે, વિલાસી મનુષ્યો વિલાસને તીવ્ર બનાવવા માટે, સાધુઓ એકાગ્રતાને મેળવવા માટે, અને ગુનેગારો પોતાના ભોગને સામર્થહીન કે પ્રાણહીન બનાવવા માટે આવા માદક પદાર્થોની સહાય લે છે. હિંમત હારી ગયેલા ગુંડાને કોકેન સુંધાડી દેવાથી તે ગમે તે ગુનો કરવાની તૈયારી બતાવે છે, અને યુરોપ-અમેરિકાના છૂપી ટોળીના આગેવાનો આ પ્રથાનો ઉપયોગ પણ કરે છે. આ પદાર્થો ખાઈ શકાય છે, તેમને લસોટી તેમનાં પીણાં બનાવી શકાય છે. ભૂકો બનાવી તે સૂંઘી પણ શકાય છે, તેમની વરાળ કે ધૂણીનો ઉપયોગ થઈ શકે છે, અગર ઇન્જેક્સન દ્વારા તે શરીરમાં દાખલ કરી શકાય છે. આમ આ પદાર્થોમાં વપરાશની રીત પણ વૈવિધ્યવાળી છે.

‘હશીશ' એ પશ્ચિમ એશિયામાં ભાંગના પાનમાંથી બનાવેલા માદક પીણા માટે વપરાતો શબ્દ છે. એ ‘હશીશ’નો ઉપયોગ કરી ખૂન કરનારી ટોળી એ જ નામથી ઓળખાઈ. યુરોપથી ઇન્ગ્લૅન્ડ સુધી એ નામ પહોંચતાં શબ્દવિપર્યને લીધે 'હશીશ’ નામ ‘એસેસિન' બની ગયું, અને આજ સુધી ખૂન કરનાર માટે અંગ્રેજી ભાષામાં એસેસિન શબ્દ કાયમનો બની ગયો.

ધર્મ અને ધર્મ સાથે જોડાયેલી રાજસત્તાના આગ્રહ અને લોભના પરિણામે જન્મેલી આ મારાઓની છૂપી જંગ ટોળીએ ઈરાન, સીરિયા, અરબસ્તાન વગેરે પ્રદેશમાં હાહાકાર વર્તાવ્યો હતો. અગિયારમી સદીનાં પાછલાં વર્ષોમાં મુસ્લિમ ધર્મના ઇસ્માઈલી પંથમાં હસન - એ - સબ્બાહ નામનો એક પુરુષ જાગ્યો. ઇસ્માઈલી પંથ એ શિયા માર્ગનો એક ફાંટો છે. હિંદમાં પણ ઇસ્માઈલી પંથના વહેરાઓ જાણીતા છે. શિયા-સુન્નીના ઝઘડા મુસ્લિમ ધર્મમાં ઓછા ઉગ્ર નથી. આજ સુધી એ ઉગ્રતા હિંદમાં પણ ચાલી આવી છે - જોકે નવા રાષ્ટ્રીય જુવાળમાં ઊભી થયેલી હિંદુ વિરુદ્ધ મુસ્લિમ જાગ્રતિને અંગે એ ઉગ્રતા ઘટી ગયેલી દેખાય છે. આગાખાની પંથને ઇસ્લામ તરીકે એક વખત ન સ્વીકારતા મુસ્લિમોએ ના. આગાખાનને મુસ્લિમોના આગેવાન તરીકે સ્વીકાર્યા છે એ સૂચક ચિહ્ન છે. શિયાસુન્નીના વિરોધને અંગે હસને અનેક પ્રકારનાં કષ્ટ સહન કર્યાં, અનેક પ્રકારનાં સાહસો ખેડ્યાં અને અંતે કોહીસ્તાનમાં તે સ્થિર થયો. કોહીસ્તાનમાં રહીને તેણે ઇસ્માઈલી પંથમાં પોતાને રુચતો ફેરફાર કરી એ પંથ ફેલાવવો શરૂ કરી દીધો. એને ઘણા અનુયાયીઓ મળ્યા, અને તે સર્વને હસને એક છૂપી ટોળીમાં વ્યવસ્થિત કરી દીધા. યુક્તિપ્રયુક્તિથી હસને એક પર્વતદુંગ હાથ કર્યો, અને ટોળીના સરદાર તરીકે તેણે સલામતી મેળવી.

ઇસ્માઈલી પંથના સિદ્ધાન્તો હસનને માન્ય હતા, માત્ર તેની અને બીજા ઇસ્માઈલીઓની વચ્ચે હસને જ એક તફાવત દાખલ કર્યો : જેટલા તેના અને તેની ટોળીના દુશ્મનો હોય તે બધાયને છૂપી રીતે ખૂન કરી દૂર કરવા એ નવું તત્ત્વ તેણે સ્વીકાર્યું, અને આવાં ગુપ્ત ખૂન એ તેની ટોળીનું મુખ્ય લક્ષણ બની ગયું. આ ટોળીમાં પણ અધિકારશ્રેણી બહુ સફાઈપૂર્વક ખીલી નીકળી હતી. પ્રમુખના હાથમાં સર્વ સત્તા હતી, અને એનું અધિકાર નામ ‘શેખ અલ જવાબ' એટલે ‘પર્વતવાસી વડીલ' રાખવામાં આવ્યું હતું. ટોળીના કાર્યપ્રદેશને ત્રણ પ્રાંતોમાં વહેંચી નાખવામાં આવ્યો હતો, અને દરેક પ્રાંતમાં ઉપરીને દાઈ - અલ - કીરબાલ અગર મુખ્ય વડીલ તરીકે ઓળખવામાં આવતો. પ્રમુખના હાથ નીચે આ ત્રણ મુખ્ય વડીલો રહેતા અને પ્રમુખના સલાહકાર મંત્રીમંડળનું કામ પણ કરતા હતા. એથી ઊતરતી શ્રેણીના અધિકારીઓ દાઈ અગર નેતા તરીકે ઓળખાતા. આ નેતાઓ ગુપ્ત મંડળની બધી ક્રિયાઓ, સિદ્ધાન્તો અને કાર્યક્રમથી વાકેફ હતા અને તેઓ ગુપ્ત મંડળનો પ્રચાર કરવામાં રોકાતા. ચોથી શ્રેણીના સાધકો 'રફીક' તરીકે ઓળખાતા. તેઓ ફિદાઈ - સૈનિકો તરીકે કામ કરી પક્વ થયેલા સાધનામાં ધીમે ધીમે દાખલ થતા વચલા વર્ગના અર્ધ દીક્ષિતો હતા. પાંચમા તેમના કર્મચારીઓ - ફિદાઈ - ભક્તો - આવતા હતા જેમને રક્ષણનું અગર ખૂનનું કામ સોંપવામાં આવતું હતું. ફિદાઈ શ્રેણીમાં મોટે ભાગે ભાવનાશીલ અને શક્તિશાળી યુવાનો લેવામાં આવતા. તેમની પાસેથી ભારેમાં ભારે સંયમ અને આજ્ઞાંકિતપણું ઇચ્છવામાં આવતાં હતાં, અને આ કોટીમાં સંપૂર્ણતા મેળવ્યા પછી તેમને ઉપલા વર્ગમાં દીક્ષા ખાતર ચઢાવવામાં આવતા. ટોળીને નામના અપાવનારો આ જ વર્ગ. છઠ્ઠા વગમાં મુમુક્ષુઓ - વર્ગમાં દાખલ થવાની ઇચ્છા રાખનારા અદીક્ષિતો - લાસીક તરીકે ઓળખાતા, અને સાતમા વર્ગમાં મંડળી તરફ સહાનુભૂતિ રાખનાર સામાન્ય લોકોનો સમાવેશ થતો.

ધીમે ધીમે આ ટોળીની સત્તા જામવા લાગી. હસને લાંબા સમય સુધી સત્તા ભોગવી અને ટોળીને સ્થિર તથા વ્યાપક બનાવી. ઈ. સ. ૧૧૨૪માં હસનનું અવસાન થયું. ત્યાર પછીનાં પંદરેક વર્ષ સુધી આ ખૂની ટોળી જરા દબાતી રહી; ખુલ્લા યુદ્ધમાં તેને હાર મળવા લાગી. તેના કેટલાક કિલ્લાઓ હાથથી ગયા અને લૂંટાયા. આથી ઈરાનને બદલે ટોળીએ સીરિયામાં પોતાનું મુખ્ય મથક રાખ્યું, અને ત્યાં ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવી, ટોળીએ ઘણાં ખૂન કર્યા અને ખાસ કરીને બગદાદના બે ખલીફાઓનાં ખૂન કરવાથી આસપાસનાં રાજ્યસ્થાનો ગભરાઈ ઊઠ્યાં, અને ટોળીએ ભારે જોર પકડ્યું. ટોળીના અત્યાચારોથી સહુ ભયભીત બની ગયા. ઈ. સ. ૧૧૬૨ થી ૧૧૬૬ સુધીમાં સીરિયાની શાખા બીજી શાખાઓથી સ્વતંત્ર બની ગઈ. આ જ અરસામાં યુરોપમાં ખ્રિસ્તી રાજ્યો અને મુસ્લિમ સત્તા વચ્ચે જેરૂસલેમના કબજા બાબત ધર્મયુદ્ધો - ક્રુઝેડ - ચાલતાં હતાં. એ યુદ્ધમાંથી યુરોપનાં ખ્રિસ્તી લશ્કરોએ આ ખૂની ટોળીની હકીકત જાણી હતી. જાણીતા ખ્રિસ્તી ઉમરાવોમાંથી યુદ્ધમાં પ્રસિદ્ધિ પામેલ ત્રીપોલીના રેમંડ અને મોન્ટફેરાટના કોનરેડનાં ખૂન આ ટોળીના ફિદાઈઓએ જ કર્યાં હતાં.

તેરમી સદીના મધ્યમ ભાગમાં મધ્ય એશિયાનાં બૌદ્ધધર્મી ખાનોએ પશ્ચિમ એશિયા તરફ આક્રમણો શરૂ કર્યા. ચંગીઝખાનનું નામ તો જાણીતું છે જ. તેના પછી આવેલા મંગુખાનના હુકમથી હલાકુખાને બાર હજાર એસેસિનોની કતલ કરી અને ઈરાનની બાજુબાજુમાં તેમની સત્તા નષ્ટ કરી. બીજી પાસેથી ઈજિપ્તના સુલતાનોએ સીરિયાની શાખાને નાબૂદ કરી. પછી તો આ ટોળી પડછાયા સમી બની રહી. તેના નાના નાના સંઘ હજી સીરિયા, ઈરાન અને હિંદના કોઈ કોઈ ખૂણામાં હોવાનું કહેવાય છે.

આમ આ ધર્મ સંબંધી મતભેદમાંથી ઊભી થયેલી ટોળી જગતની એક મહાખૂની ગુપ્ત ટોળી બની. તેણે યુદ્ધો કર્યાં, છૂપાં ખૂન કર્યાં, રાજદ્વારોને ભયથી ઉજાગરા કરાવ્યા, ખલીફાઓને તેમણે કાપી નાખ્યા, ખ્રિસ્તી-ક્રુઝેડરોના આગેવાનોને પણ કતલ કર્યા, અને લાખોની સંખ્યામાં પોતાના અનુયાયીઓને અનેક દેશમાં ફરતા રાખ્યા. એ ટોળીની સત્તા કેટલી જબરી હશે તેનો ખ્યાલ આથી આવી શકશે.

ચીનની ધવલપદ્મ ટોળી - ત્રિશૂળસમાજ

ચીન, ઇજિપ્ત અને હિંદ એ માંત્રિક, તાંત્રિક અને ધર્મ સાથે સંબંધ રાખનારી ગુપ્ત ટોળીઓનાં મથક ગણાય છે. કેટલીક ગુપ્ત ટોળીઓ ધંધાનાં મહાજન કે ધંધામાં રહસ્યો સાચવી રાખનાર મંડળો હોય છે. પરંતુ ધાર્મિક ટોળીમાંથી રાજકીય બની ગયેલી કેટલીક મંડળીઓનું ગુપ્ત સ્વરૂપ સમજવા સરખું હોય છે. ચીનની 'હુંગ’ અગર 'ત્રિશૂળ’ સમાજ હજી જીવતી જાગતી ગુપ્ત ટોળી છે, અને જગતની કોઈ પણ ટોળી કરતાં વધારે સભ્યોની સંખ્યા ધરાવે છે. ઈ. સ. ૩૮૬ ની સાલથી આ ત્રિશૂળસમાજ અને ધવલપદ્મ (White Lotus) ટોળી સાથે સાથે અસ્તિત્વ ભોગવતી ચાલી આવી છે.

આ સમાજની સ્થાપના - અગર પુનર્જીવન બૌદ્ધ મુનિ ઈઓન અગર હુનીયીન આભારી છે. અમિતાભ બુદ્ધનો પંથ ફેલાવવા પ્રથમ આ સંસ્થા સ્થાપન થઈ. આ મંડળીની સત્તા એટલી બધી વધી કે તેણે ઈ. સ. ૧૩૪૪માં મોગલ અગર યુએન વંશના રાજ્યકર્તાઓની સામે ભારે બળવો ઉઠાવ્યો. ઈ. સ. ૧૬૬૨ માં ખાન્ય - સી નામના શહેનશાહે આ મંડળીને ગેરકાયદે ઠરાવી અને તેના સભ્યો ઉપર અત્યાચાર શરૂ કર્યો. ધવલપદ્મ અને ત્રિશૂળ મંડળ બંને એક જ ટોળીનાં જુદાંજુદાં નામો છે કે બંને સરખી છતાં જુદી ટોળીઓ છે એ નક્કી થઈ શક્યું નથી. એક જુદી જુદી ભૂમિકાઓ માટે આ બે નામ વપરાતાં હોય એવો પૂરો સંભવ છે. અત્યાચારને પરિણામે આ હુન્ગ - ત્રિશૂળમંડળ - વધારે અને વધારે રાજકીય બનતું ગયું અને રાજવંશની સામે તેણે વારંવાર ઝૂઝવા માંડ્યું. એ મંડળની ક્રિયાઓ અને મુખ્ય સૂત્ર એવાં છે કે ધાર્મિક રહસ્ય બહુ ઝડપથી રાજદ્વારી સ્વરૂપ ધારણ કરી લે.

મંડળનું મુખ્ય સૂત્ર અગર યુદ્ધગર્જના ‘ચીંગને પદભ્રષ્ટ કરો અને મીંગને સિંહાસને બેસાડો' એ પ્રમાણે છે. ચીંગનો અર્થ ‘માયામાં લપટાયેલો આત્મા' થાય છે અને મીંગનો અર્થ 'પૂર્ણ પ્રકાશ અગર વિશુદ્ધ આત્મા' થાય છે. બીજી રીતે ‘ચીંગ’ ત્યાંના 'મંચુ' રાજ્યકર્તા માટે વપરાય છે. અને તેમની પહેલાંના બૌદ્ધ રાજવંશને ‘મીંગ'ને નામે ઓળખવામાં આવતો. આમ ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનામાંથી મહાભયંકર રાજકીય ટોળીનો વિકાસ બહુ સરળ બની ગયો.

આ મંડળના કાર્યકાણ્ડ અને વિધિ ઇજિપ્તના પિતૃ ગ્રંથ (Book of the Dead) અને પશ્ચિમની તાર્કિક ફ્રીમેસનરીની ઉચ્ચ શ્રેણીના વિધિને બહુ મળતાં આવે છે. આખી ક્રિયામાં એક રૂપક યોજવામાં આવ્યું છે. આત્મા પાતાળમાં થઈને સ્વર્ગ ઉપર જઈ તેથી પણ આગળ વધી દેવોના પવિત્ર ધામમાં પહોંચી જાય એવી ભાવના આખી ક્રિયામાં રહેલી છે. ફ્રીમેસનરીની બધી જ મહત્ત્વની વિગતો ‘હુંગ' મંડળની ક્રિયામાં હોય છે; એટલું જ નહિ, પણ હસ્તમુદ્રાઓ અને ચિહ્નો ફ્રીમેસનો તરત ઓળખી કાઢે એવાં સામ્યતાભરેલાં હોય છે.

ક્રિયાના ચાર વિભાગ થાય છે. દીક્ષા આપતી વખતે એક નિયત કરેલા ઓરડામાં પ્રથમ તો સંસ્થાનો ઇતિહાસ કહેવામાં આવે છે. એક શહેનશાહે પોતાને જ સહાયભૂત બનેલા સાધુઓના સંઘને દગાથી કાપી નાખ્યો; એમાંથી પાંચ સાધુઓ બચ્યા, તેમણે આ ‘હુંગ' મંડળ સ્થાપ્યું. શહેનશાહે ત્રણ દગાબાજોથી આ કામ પાર ઉતાર્યું - જેમાં એક શહેનશાહ પોતે જ હતો. એ શહેનશાહને જ મંચુ શહેનશાહ (પદભ્રષ્ટ કરવા લાયક ચીંગ) તરીકે ગણી લેવામાં આવે છે.

ઇતિહાસકથન પછી દીક્ષા લેનારને વિધિપુર:સર સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેને ધોળો ઝભ્ભો પહેરાવવામાં આવે છે. દેહશુદ્ધિનો એક એવો સંકેત છે કે દીક્ષા લેનાર આ દેહે મૃત્યુ પામી સ્વર્ગારોહણની પાત્રતા મેળવે છે. ઝભ્ભો પહેરાવ્યા પછી જમણો હાથ, ખભો અને છાતી ખુલ્લાં રાખવામાં આવે છે; ઉપરાંત સામાન્ય પગરખાંને બદલે ઘાસનાં ચંપલ પહેરાવવામાં આવે છે.

આ દરમિયાન સંઘના પ્રમુખ ગુપ્ત મંદિરને ખુલ્લું મૂકે છે અને સંઘના હોદ્દેદારોને તૈયાર કરે છે.

સ્નાન પછી ત્રીજા વિભાગની ક્રિયા શરૂ થાય છે. ગુપ્ત મંદિરમાં પ્રવેશ પામવા માટે ત્રણ દરવાજામાંથી પસાર થવું પડે છે. નવીન દીક્ષિત ત્રણે દરવાજામાંથી પસાર થાય છે અને પછી દારૂના પ્યાલામાં પોતાના લોહીનું ટીપું નાખી તે પોતે તથા સઘળા હાજર સભ્યો દારૂ સાથે ભેળવી પીએ છે. આથી નવા સભ્યનો આખા મંડળ સાથે રુધિરસંબંધ બંધાયો એમ માનવામાં આવે છે.

ચોથા ભાગની ક્રિયામાં પ્રમુખ અને નવીન શિષ્ય વચ્ચે નક્કી કરેલા પ્રશ્નોત્તર ચાલે છે - Catechism. નવીન શિષ્યની સાથે રહેનાર-ચાલક (Conductor) શિષ્ય તરફે જવાબો આપે છે. પૃથ્વી અને પાણી ઉપર લાંબી મુસાફરી આત્માએ કરી હોય એવો ભાવાર્થ આ પ્રશ્નોત્તરમાંથી નીકળે છે. એ સઘળું સાંકેતિક હોય છે. એમાં અમુક અમુક સંખ્યા ઉપર, ત્રિકોણ ઉપર અને ત્રિશૂળ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે કારણ સંખ્યા, ત્રિકોણ અને ત્રિશૂળ એ જગતભરના તાંત્રિકોમાં મોટા સંકેતો મનાય છે.

પ્રશ્નોની શરૂઆત નીચે પ્રમાણે થાય છે :-

પ્રમુખ-Master': 'તમે ક્યાંથી આવ્યા ?’

શિષ્યનો ચાલક : ‘પૂર્વમાંથી.’

પ્રમુખ : ‘કયે વખતે આવ્યા ?’

શિષ્યનો ચાલક : ‘સૂર્યોદય થતાં - પૂર્વ દિશા પ્રકાશમય હતી.'

ફૂલ, પક્ષી, માળા, ઝવેરાત, તલવાર, ત્રિશૂળ, સ્વસ્તિક, અંક, દીપ, ધૂપ, મંત્રોચ્ચાર, વિધિ, મૂર્તિ એ બધાનો સંકેત તરીકે અગર સભ્યોના માનસ ઉપર છાપ પાડવા, અને છાપ દૃઢીભૂત કરવા ગુપ્ત મંડળો ખૂબ ઉપયોગ કરે છે, અને તેમાં ધર્મની માફક સફળતા પણ મેળવે છે; કાર્યવિધિ (Rituals)ના દબદબાથી મનુષ્ય હૃદય અંજાઈ જાય છે, અને રહસ્યને સ્વીકારી લેવા જેવી માનસિક નિર્બળતા પણ ધારણ કરે છે. ગુપ્ત મંડળોમાં ધર્મનો આભાસ આપવાની વૃત્તિ આ દબદબા અને ભવ્યતાની અસરના જ્ઞાન ઉપર આધાર રાખે છે.


હિંદની ગુપ્ત ટોળીઓ

રાજકીય ઉદ્દેશો પાર પાડવા માટે સ્થપાયેલી છૂપી ટોળીઓ આપણા દેશમાં તેમ જ પરદેશમાં જાણીતી છે. મૅઝિનીના બળવાને સફળ બનાવી રહેલી કાર્બોનરીએ તથા રશિયાના નિહિલિસ્ટો અને એનાર્કિસ્ટોની ટોળીઓએ ઈટાલી અને રશિયાને રાજકીય ક્રાન્તિ દ્વારા મુક્તિના માર્ગ સફળ કરી આપ્યા છે. હિંદનાં ક્રાન્તિવાદી મંડળોની આપણે ભલે તરફેણ ન કરીએ, પરંતુ દેશની જાગૃતિમાં તેમણે આપેલો ફાળો વીસરાય એમ નથી. ગાંધીજીના અહિંસક બળવાએ રાજકીય મુક્તિના પ્રયત્નોને બીજે રસ્તે ન વાળ્યા હોત તો જર્મન યુદ્ધ પછી હિંદમાં પણ અનેક છૂપાં રાજકીય મંડળો સ્થપાયા વગર રહ્યાં ન હોત. ગાંધીજીનું માર્ગદશન હોવા છતાં કાકોરી કેસ, ભગતસિંહની ફાંસી અને એવા એવા પ્રસંગો ક્રાંતિકારોનાં મંડળોનું આછું આછું પણ અસ્તિત્વ સૂચવે છે. અને બ્રિટિશ રાજસત્તા હિંદને અવગણશે તો અન્ય દેશો સરખાં અહીં પણ પરિણામ આવે એમાં નવાઈ નથી.

હિંદની છૂપી ટોળીઓનું વૃત્તાન્ત ઉપયોગી અને રસિક વાંચન પૂરું પાડે એમ છે. આર્યો અને અનાર્યોના વારાફેરા : વૈદિક, બૌદ્ધ, જૈન, શૈવ અને પંથોની ચડતીપડતી : મુસ્લિમ સત્તાનું આક્રમણ અને હિંદુઓના ધર્મ કે રાજ્યરક્ષણના પ્રયત્નો : વ્યાપારીઓ સૈનિકો અને સાધુઓનાં સાહસ : પાગલાઈ તથા પેશ્વાઈની નિર્બળતાના યુગમાં ઉપસ્થિત થયેલી સ્થિતિએ ઊભાં કરેલાં ઠગ અને પીંઢારાઓનાં ટોળાં : ઈ. સ. ૧૮૫૭નો બળવો : રેંડ અને આયર્સ્ટનાં ખૂન : પૂનાના દફતરખાનાને આગ લગાડ્યાનો બનાવ : હિંદ જીતવા માટેનાં બ્રિટિશ કારસ્તાનો અને વીસમી સદીનાં ક્રાંતિકારી મંડળો : એ બધું બહુ જ ઉત્તેજક વાંચન પૂરું પાડે એમ છે. એ સર્વ પ્રસંગોમાં ગુપ્ત મંડળીઓનાં કારસ્તાનોએ શું શું કર્યું એ ખરેખર સમજવા જેવું છે. અંગ્રેજી ઇતિહાસકારોએ ઘણી માહિતી ભેગી કરી છે. છતાં પરદેશી માનસને ઘણી વાતોના ઉકેલ ન મળ્યા હોય એ સંભવિત છે. અત્યંત પ્રામાણિક પ્રયત્નો હોવા છતાં રાજ્યકર્તા હોવાનું ભાન, ઉચ્ચસંસ્કારની ખાતરી અને પરાધીન બનતી કે બની ચૂકેલી પ્રજાના માનસમાંથી ખેંચી કાઢેલી માહિતી આખા દૃષ્ટિકોણને બદલી નાખે એ સ્વાભાવિક છે. ઇતિહાસનો શોખ ધરાવતા હિંદી અભ્યાસીઓ યુગ યુગનો, અગર પ્રસંગ પ્રસંગનો કે સંસ્થાઓનો અભ્યાસ કરે અને હિંદી દૃષ્ટિએ અભ્યાસનાં પરિણામો પ્રગટ કરે તો ઘણી બાબતો ઉપર સાચો પ્રકાશ પાડી શકે.

સાધુઓની જમાતો, અખાડા અને મઠ પણ ગુપ્ત મંડળીઓના કેટલાક ઇતિહાસ ઉકેલી શકે એમ છે. ધર્મ એ પ્રાચીન જીવનનું વ્યાપક તત્ત્વ. અને સાધુઓ ધર્મજીવનના મુખ્ય અંગ તરીકે બની ગયેલા હોવાથી તેમના પ્રત્યેનો પૂજ્યભાવ તેમને ઘણે અંશે ભારે રક્ષણ આપી રહે છે. પૂજ્યભાવ, ભેદનું વાતાવરણ ઊભું કરે છે, અને સઘળા સાધુઓ આત્મોન્નતિના આગ્રહી ન હોવાથી તેમનાં જીવન પાર્થિવ પ્રસંગોમાં પણ પૂજ્યભાવ અને ભેદનો ઉપયોગ કરી લે છે. સાધુનો વેશ, સાધુનું નિરંકુશ ભ્રમણ, સાધુનું સાધનરહિતપણું, સાધુના અધિકાર અને સાધુ પ્રત્યેનો હિંદુજનતાનો પૂજ્યભાવ સાધુને વગર હરકતે કાવતરામાં સામેલ થવા દે છે, અને યથેચ્છ કાર્યક્રમમાં તેને યોજાવા દે છે. સાધુઓનો વેશ ધારણ કરવો એ પણ સરસ છે, એટલે ગુનેગારો પણ એ વેશમાં પોતાના ગુના સંતાડી શકતા.

દક્ષિણના ગાણપત્યો, બંગાળના શાક્તો, ગુજરાતના કાંચળિયા પંથીઓ, જૈનોના ગોરજીઓ અને બૌદ્ધ મતના તાંત્રિકો ધર્મની છાયા નીચે ભોગવિલાસને ધાર્મિક સ્વરૂપ આપી સ્વેચ્છાચાર કરનાર ગુપ્ત મંડળો હતાં એમ પણ કહેવાય છે.

પરંતુ એ વિગતવાર ઇતિહાસમાં અત્રે ઊતરી શકાય એમ નથી. ધર્મ અને રાજ્યને અંગે આપણા દેશમાં પણ ગુપ્ત મંડળો ઘણાં થયાં છે. પરંતુ એ સર્વ મંડળોમાં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતમાં બહુ જોર ઉપર આવેલું ઠગ મંડળ ધ્યાન ખેંચે એમ છે. પીંઢારાઓ ઠગ સરખા ગુપ્તમાર્ગીં ન હતા; પીંઢારાઓની લશ્કરી ટોળીને ઠગ જેવું ગુપ્ત વાતાવરણ જરૂરનું ન હતું. બંનેનો સમય લગભગ સરખો જ હતો. પરંતુ ઠગ અને પીંઢારા એ બે જુદી જ સંસ્થાઓ તરીકે ઓળખાવી જોઈએ. એ ઠગ ટોળીએ હિંદમાં ભજવેલો ભાગ સમજવા જેવો છે.

૧૦
ઠગ

આપણી ઘણી લોકકથાઓમાં ઠગની વાતો આવે છે. મોઢે કહેવાની વાતોનો પ્રચાર ઓછો થઈ ગયો છે, અને હવે તો બાળકને માતાઓ અને કૈંક અંશે દાદીમાઓ પણ ખાસ લખેલી વાર્તાઓ શાસ્ત્રીય ઢબે વિચારપૂર્વક કહી સંભળાવે છે, એટલે કંઠસ્થ વાર્તાસાહિત્ય ઘસાઈ જાય છે. પરંતુ પચીસ-ત્રીસ વર્ષ પૂર્વે એવી ઘણી વાર્તાઓ પ્રચલિત હતી કે જેમાં ઠગનાં વર્ણનો અને પરાક્રમો આવે જ આવે. ઠગપાટણ એ લોકકલ્પનાએ નક્કી કરેલું ઠગ ટોળીનું શહેર એવી વાર્તાઓમાં બહુ જ આગળ તરી આવતું. 'દિલ્હીનો ઠગ’ અને ‘બનારસી ગુંડા’ એ હજી પણ તોફાની માણસોને અપાતાં બિરુદ જાણીતાં છે. શામળે પોતાની સામાજિક કથાઓમાં ઠગ લોકોનાં આછાં વર્ણન આપ્યાં છે. દલપતરામે અંગ્રેજી સત્તાના આગમનથી થયેલા લાભમાં ઠગ લોકોના વિનાશનું તો સ્પષ્ટ સૂચન કર્યું છે :

'ફાંસીખોરા ફેલ કરીને વનમાં પાડી ન શકે વાટ.'

ઠગ લોકોને ઠગ, ફાંસીગાર કે ફાંસીખોર તરીકે ઓળખવામાં આવતા. ઠગ લોકોનો વિસ્તાર આખા હિંદમાં હતો. કરાંચીથી આસામ અને કાશ્મીરથી મદ્રાસ સુધી ઠગ લોકોની વ્યવસ્થિત જાળ પથરાઈ હતી. મલબાર સિવાય બીજા બધા પ્રદેશમાં ઠગ લોકોની ટોળીઓ અસ્તિત્વમાં હતી. ઠગ લોકોએ પૂરી પાડેલી હકીકતોમાં ભરૂચ, વડોદરા, ડભોઈ, પેટલાદ એવાં એવાં નામો પણ મળી આવે છે; એટલે ગુજરાતમાં પણ તેમની જાળ પથરાયેલી હતી. એ નિ:સંશય વાત છે. ઠગ લોકોના બંધારણનાં અંગ્રેજ લેખકો પણ વખાણ કરે છે. એક લેખક કહે છે :

"Treacherous and despicable as the Thugs were, one must give them full credit for the excellence of their organisation."
‘ઠગ લોકો ધિક્કારપાત્ર અને વિશ્વાસઘાતી હતા એ ખરું, પણ તેમના બંધારણની શ્રેષ્ઠતા માટે તેમને પૂરું માન આપવું જોઈએ.’

આખા દેશના તેમણે વિભાગો પાડી દીધા હતા, અને એ વિભાગો અમુક ઠગ ટોળીઓને સોંપવામાં આવ્યા હતા. ઠગના રસ્તાઓ પણ ઠરી ચૂકેલા હતા. ગુરુ, સુબેદાર, જમાદાર અને દફેદાર જેવાં નામ ઠગઅધિકારીઓને આપવામાં આવતાં હતાં. સંદેશવાહકો - પ્રાથમિક તપાસ કરનારાંઓને ‘બયકરીઆ’ મૃતદેહને દાટનારાઓને 'લુગ્ગા', ભોગ બનેલા માનવીઓને પકડી રાખનારા ‘શમસિયા’ અને ફાંસી નાખનારાઓને ‘ભુરટોટી' કે 'ભ્રટોટી' કહેવામાં આવતા. ચઢતા ઊતરતા દરજ્જાવાળી આ રચના લશ્કરની રચના સરખી વ્યવસ્થિત અને અત્યંત સખત બંદોબસ્તવાળી હતી. કોઈ માણસ મંડળમાં દાખલ થયો એટલે તેણે મંડળ સંબંધમાં મુખ તદ્દન બંધ કરવું જોઈએ. તેનાં કૃત્યોમાં જરા પણ એવી ખામી ન આવવી જોઈએ કે જેથી ઠગ સંઘને હાનિ પહોંચે. વિશ્વાસઘાત કરનાર ઠગને ભારેમાં ભારે સજા થતી - જોકે તેવા પ્રસંગો ભાગ્યે જ આવતા. વળી તેમનો ડર એટલો બધો હતો કે તેમની વિરુદ્ધ સાક્ષીપુરાવા કરવાની હિંમત જ ચાલતી નહિ, હિંમત કરનાર કોઈ નીકળે તો તેનું આવી બનતું. વળી ટોળીઓની વ્યવસ્થા પણ એવી રીતે ગોઠવાતી કે ઓળખાય એવાં સ્થળોએ ટોળીઓ જતી જ નહિ. વળી રાજ્યના નોકરો, પટેલો, તલાટીઓ, સિપાઈઓ તેમ જ મોટા અધિકારીઓમાં પણ ઠગ લોકોનું ગુપ્ત વજન ઘણું હતું. પૈસા વેરીને અને ભય પમાડીને તેઓ પોતાની વિરુદ્ધ તપાસ થવા જ દેતા નહિ. કેટલાક ઠગો ગામમાં અને તાલુકામાં સારી પદવી ઉપર યોજાયેલા હોવાથી ગુના કરનારા ઠગને કશી હરકત પહોંચતી નહિ. ગોરી લશ્કરી છાવણીમાં પણ દુકાનદાર કે શાહુકાર તરીકે ધમધોકાર કામ કરતા સભ્ય વ્યાપારીઓમાં ઠગ પણ હતા એવો પ્રત્યક્ષ અનુભવ ‘ઠગની કબૂલાત' (Confessions of a thug)ના લેખક મેડેઝ ટેલરને થયો હતો.

રાજા, રજવાડા, ઠાકોરો, નવાબો અને જમીનદારોને ઠગ લોકો તરફથી લાગા મળતા હતા, અગર રાજ્યનાં કાવતરાંમાં તેમની સહાય લેવાતી. એટલે સ્વાભાવિક રીતે દેશી રાજ્યોમાં ઠગ લોકો સલામતી ભોગવતા.

વળી તેમનાં મથકો અને થાણાં ગામેગામ અને શહેરશહેરમાં સ્થપાયેલા હતાં. કોઈ સ્થળે કોઈ વ્યાપારીની દુકાન તરીકે એ થાણું ચાલતું હોય; કોઈ સ્થળે ફકીરના તકિયામાં મથક હોય; કારીગર કે ખેડૂતનાં મકાન ઠગના ઉપયોગમાં આવતાં હોય કે કોઈ ઠાકોરઠકરાતની ગઢીમાં ઠગ લોકોને ભેગા થવાનું સ્થાન હોય. મંદિર, મસ્જિદ, વાડી, બગીચા, વાવ, આરામગૃહ : એમાંથી કયું સ્થાન ઠગનું થાણું ન હોય એ કહી શકાતું નહિ. ઈલોરાની ગુફાને ઠગ લોકો ઠગબિરાદરીનાં કાર્યોનું સંગ્રહસ્થાન માનતા. એ ગુફામાં આવેલાં ચિત્રો અને કોતરકામમાં ઠગ લોકોના રીતરિવાજ, દીક્ષા, ફાંસીના પેતરા પ્રત્યક્ષ વણવાયા છે એમ ઠગ લોકોની માન્યતા હતી.

આ મથકો ઉપરાંત પાંચ પાંચ છ છ માઈલને છેટે નાનકડા વિસામા કે ભાંગેલી છત્રીઓનાં મકાનો ઠગ લોકોનાં મથક બની જતાં. એટલે ગામનાં નાકાં અગર માર્ગ ઉપર ઠગ લોકોની સગવડ સચવાતી. ગામ બહાનાં આા અગણિત થાણાં 'બીલ' તરીકે ઓળખાતાં. પોતાના ભોગને ફાંસી આપવાની અને દાટી દેવાની જગા આ ‘બીલ' કે ‘બીલ’ની આસપાસ રહેતી. 'બીલ’નો અર્થ હિંદીમાં દર કે ગુફા થાય છે; એ જગ્યાઓ સંતાવા માટે, અગર ગુનાઓ કરવા માટે ઘણી અનુકૂળ થઈ પડતી.

ઠગ લોકો ખૂન કરતા તે પણ ભારે સિફતથી કરતા. પોતાના ભોગને ગળે રૂમાલ નાખી રૂમાલના ફાંસામાં ગળું દાબી દેવાની ક્રિયા એ ખૂન કરવાની ઠગની સ્વીકૃત રીત હતી. ઊભે ઊભે, બેઠે બેઠે અગર જમીન ઉપર મનુષ્યને નાખી તેના પગ દબાવી અસહાય બનાવી દઈ ફાંસો દેવાની કળામાં ઠગ લોકો એટલા તો પાવરધા બની ગયા હતા કે વીજળીની ઝડપે તેઓ માણસનો જીવ લઈ શકતા. સામા થવાની, બૂમ પાડવાની કે જીવતા રહેવાની તલપૂર પણ તક ઠગ લોકો આપતા નહિ. ગળે નાખવામાં આવતા ફાંસા એટલા સખત અને પ્રબળ હતા કે માનવીને બદલે ઘોડા જેવા જાનવરને કંઠે તે દેવાય તો જાનવરનો પ્રાણ પણ એક ક્ષણમાં નીકળી જાય.

ફાંસી દેનાર ફાંસી દઈ મનુષ્યના પ્રાણ હરે કે તુર્ત તેની પાસેની વસ્તુઓ કબજે કરી મૃતદેહને સફાઈથી દાટી દેવામાં આવતો. મેડોઝ ટેલરની કચેરીથી માત્ર ચારસો વાર છેટે આવા મૃતદેહો દાટવામાં આવતા હતા. એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે તે હબકી ગયો હતો. ઠગ લોકોને માત કરનાર કર્નલ સ્લિમાન પોતે પણ ઠગ લોકોની જુબાનીઓને માનવા તૈયાર ન હતો. પરંતુ જુદા જુદા ઠગોએ કરેલાં ખૂન અને સંતાડેલા મૃતદેહ એક પછી એક ખોલી બતાવવામાં આવ્યા ત્યારે સ્લિમાનની પણ ખાતરી થઈ કે તેની પાસે પાસે જ ઠગ લોકો પોતાનું કાર્ય બેધડક કોઈની પણ જાણ વગર કર્યો જતા હતા.

૧૧
ઉત્પત્તિ અને ઇતિહાસ

સંસ્કૃત स्थग સંતાડવું એ ઉપરથી ઠગ શબ્દ ઉત્પન્ન થયો છે. ઠગ શબ્દ અંગ્રેજી ભાષામાં કાયમ થઈ ગયો છે અને અમેરિકામાં તો ખુલ્લી લૂંટફાટ કરનાર બદમાશો માટે એ શબ્દ સ્થાયી બની ગયો છે. મૂળ તો રસ્તે જતા માણસોને ભોળવી ફાંસો દઈ મારી નાખનાર છૂપી ટોળીના સભાસદને ઠગ કહેવામાં આવતો. આ ધંધો વારસાઈમાં ઊતરતો. ઠગ બાપનો દીકરો ઠગનો જ ધંધો કરતો.

બારે માસ ઠગનું કામ કરવું એવો નિયમ ન હતો. વર્ષમાં બેચાર માસ નક્કી થાય અને જુદી જુદી ટોળીઓ નિશ્ચિત કરેલી યોજના અનુસાર નિશ્ચિત વિભાગમાં ટોળીબંધ કામ કરે. લૂંટનો ઉદ્દેશ ગૌણ હતો. માત્ર ભવાની - કાળી - ઈષ્ટદેવીની આજ્ઞા પ્રમાણે શુકન અનુસાર નીકળી રસ્તે જતા મુસાફરો, યાત્રાળુઓ, સૈનિકોને ફાંસો દઈ મારી નાખવા એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો, એમ અંગ્રેજ લેખકોની માન્યતા છે. જે ખૂન આ પ્રમાણે થતાં તે ભવાનીના ભોગ તરીકે ગણી લેવામાં આવતા. ભવાનીએ નિર્મિત કરેલાં મનુષ્યો જ તેમને હાથે મરે છે એવી માન્યતાને લીધે ઠગને ફાંસો દેતાં. ક્ષોભ, સંકોચ કે પાપની લાગણી ઉદ્ભવતી નહિ, બાળપણથી જ આ પ્રકારનું શિક્ષણ મળતું હોવાથી અને આવા અનેક પ્રસંગોનો અનુભવ થવાથી ઠગ લોકોનાં હૃદય રીઢાં થઈ જતાં હોવાં જોઈએ. રસ્તે મળ્યા માણસને શુકન જોઈ મારવો એટલો જ ઉદેશ હોવાથી ગરીબ, તવંગર, હિંદુ, મુસલમાન : એવા કોઈ પણ ભેદ સિવાય ખૂન કરવામાં આવતાં. ઠગ લોકોની માન્યતા પ્રમાણે ઠગ લોકોની ઉત્પત્તિ દેવીપુરાણને અનુસરતી લાગે છે. શુંભ, નિશુંભ કે ચંડ, મુંડ અથવા મહિષાસુર નામનો રાક્ષસ જગતમાં ઉત્પન્ન થયો. આ ભયંકર રાક્ષસે પોતાના ત્રાસથી જગતને દુ:ખી કરી નાખ્યું. એની ઊંચાઈ એટલી હતી કે ઊંડામાં ઊંડો સમુદ્ર આ રાક્ષસની કમર સુધી પણ પહોંચી શકતો નહિ. જેટલાં માનવી જન્મે એટલા માનવીને તે ખાઈ જતો. દેવોએ પ્રાર્થના કરી એટલે ભવાનીએ - કાળીએ ખડૂગ લઈ આ રાક્ષસને કાપી નાખવા યુદ્ધ આદર્યું. દેવીની તલવાર અસરકારક તો નીવડી, પરંતુ રાક્ષસના લોહીના પ્રત્યેક બિંદુમાંથી નવીન અસુરો - એના જ સરખા ઊપજવા લાગ્યા, અને એક રાક્ષસને બદલે હજારો અને લાખો રાક્ષસો સામે દેવીને યુદ્ધ કરવું પડ્યું. લોહી છંટાવાથી ઊપજતી પરિસ્થિતિ દેવીએ જોઈ, અને તેને લાગ્યું કે આને માટે જુદો રસ્તો કરવો પડશે. ભવાનીને હાથે થયેલા પ્રસ્વેદનાં બિંદુમાંથી દેવીએ બે પુરુષો ઉપજાવ્યા. અને પોતાના પાલવમાંથી બે કટકા ફાડી આપી દેવીએ એ બે પુરુષને આજ્ઞા કરી કે એ કકડા વડે પ્રત્યેક રાક્ષસને ફાંસી દઈ ગૂંગળાવી મારવો. આમ ગૂંગળાવીને મારવાથી રાક્ષસનાં રુધિરે ઊભી કરેલી મુશ્કેલી ટળી ગઈ, અને અંતે તે રાક્ષસ માર્યો ગયો.

આ બંને પુરુષોએ કૌશલ્યથી ફાંસો દેવાનું કામ કર્યું હતું. તેનાથી દેવી પ્રસન્ન થયાં, અને તેમણે આ લૂગડાના કટકા - રૂમાલ - ની એ બંને પુરુષોને ભેટ આપી, તથા આજ્ઞા આપી કે આ રૂમાલનો ઉપયોગ તેમણે કરવો, તેમના વંશજોને શીખવવો, અને જે રાક્ષસપક્ષના મનુષ્યો હોય તે સર્વ ઉપર તે વાપરી તેવા મનુષ્યોનો વધ તેમણે કરવો.

પરંતુ સ્ત્રી, સાધુ, બ્રાહ્મણ, ગવૈયા, કલાકારો, માનવ, સોની વગેરે કારીગરોને મારવાની સખત મનાઈ હતી.

કલકત્તાનાં કાળી, વિંધ્યાચળમાં ચુનાર પાસે આવેલાં વિંધ્યવાસિની, દક્ષિણનાં તુળજાભવાની, બનારસનાં દુર્ગા દેવી એ ઠગ લોકોની ઈષ્ટ દેવીનાં જુદાં જુદાં સ્વરૂપો. સેંકડોની સંખ્યામાં ઠગ લોકો આ દેવસ્થાનોની જાત્રાએ જતા. હજી વિંધ્યવાસિની માતા ચોરની જાત્રાનું ધામ ગણાય છે.

ઠગની એક ટોળી વીસથી ચારસો માણસો સુધીની પણ હોય. પશ્ચિમના અભ્યાસીઓ ઠગ લોકોને ઈરાનના સગર્ટી જાતના યોદ્ધાઓ સાથે સાંકળે છે. ગ્રીસનો ઇતિહાસકાર. હીરોડોટસ આ સગર્ટી યોદ્ધાઓનું વર્ણન આપે છે, ઈરાનના શહેનશાહ ઝર્કસીસે ગ્રીસ ઉપર ચડાઈ કરી હતી : એના લશ્કરમાં આઠ હજાર સગર્ટી લડવૈયા પણ હતા. આ લોકો મોટે ભાગે રબારી વર્ગના હતા, અને કોઈ પણ જાતનું ધાતુનું હથિયાર રાખતા નહિ. તેમનું હથિયાર ચામડાનું એક ગાળાવાળું દોરડું હતું; એ ગાળામાં માણસ કે જાનવર જે ફસાય તેનો મર્યે જ છૂટકો થતો.

મુસ્લિમ વિજેતાઓ સાથે સગર્ટી જાતના વંશજો આવી દિલ્હીની આસપાસ ઘર કરી રહ્યા હોય, અને તેમણે ફાસિયાઓનો ધંધો સ્વીકાર્યો હોય એવો સંભવ કેટલાકને લાગે છે. ખૂનનો આ માર્ગ પરદેશથી આવ્યો હોય એમ કહેવામાં આપણું સ્વદેશાભિમાન ઘવાવાની જરૂર નથી જ ! પરંતુ માત્ર ફાંસાના સામ્ય ઉપરથી ઉત્પત્તિ સાબિત ભાગ્યે જ થાય. ઑસ્ટ્રેલિયામાં ‘લેસો'નો ઉપયોગ અસંસ્કૃત જાતો કરે છે. તેમના ઉપરથી 'લેસો’નો ઉપયોગ છેક અમેરિકાનાં પશુક્ષેત્રોમાં પણ થાય છે. તેથી કાંઈ ફાંસિયાઓએ ઓસ્ટ્રેલિયાના જંગલીઓ પાસેથી આ જ્ઞાન મેળવ્યું કહી શકાય નહિ.

ઠગ લોકોનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઝિયાઉદ્દીન બારનીના લખેલા ફિરોઝ તુઘલખના ઇતિહાસમાં જોવામાં આવે છે. એ ઇતિહાસ સને ૧૯૫૬ માં લખાયો. જણાવ્યું છે કે ઈ. સ. ૧૨૯૦માં હજાર ઠગ દિલ્હીમાં પકડાયા હતા. ફિરોઝશાહે તેમને મારી ન નાખતાં લખનૌ લઈ જઈ છોડી દીધા. ત્યાંથી તેઓ સંયુક્ત પ્રાંતમાં અને બંગાળમાં ફેલાયા હોવા જોઈએ. અકબરના સમયમાં ઠગ લોકોનો બીજો ઐતિહાસિક ઉલ્લેખ છે. વળી શાહજહાનના સમયમાં ‘થીવીનો’ નામના એક ફ્રેન્ચ મુસાફરે પણ ઠગ લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઠગ લોકો રૂપાળી સ્ત્રીઓનો ઉપયોગ મુસાફરોને ફસાવવા માટે કરતા હતા એમ જણાવ્યું છે.

ઈ. સ. ૧૭૯૯માં ટીપુ સુલતાન પાસેથી શ્રીરંગપટ્ટણ અંગ્રેજોએ લીધેલું તે સમયે કંપની સરકારના ધ્યાન ઉપર ફાંસીગરોના અસ્તિત્વની વાત લાવવામાં આવી હતી. ઈ. સ. ૧૮૧૬ માં ડૉ. શેરવુડ નામના મદ્રાસમાં રહેતા અંગ્રેજ અમલદારે એક વિગતવાર લેખ ઠગ લોકોનાં કારસ્તાનો વિષે લખ્યો. પરંતુ ઠગ લોકોનાં કાર્યો બધાને લાંબા સમય સુધી કલ્પિત અને વધારે પડતાં લાગ્યાં. તેમનો ઉપદ્રવ વધી ગયો, અને સરકાર તથા લોકો ચોંકે એવાં ખૂન થવા લાગ્યાં. ઈ. સ. ૧૮૨૯માં ઠગ લોકોને વિખેરી નાખવા માટે કર્નલ સ્લિમાનની ખાસ નિમણૂક કરવામાં આવી. ઈ. સ. ૧૮૩૦માં એક ફિરંગિયા નામનો બ્રાહ્મણ ઠગ પકડાયો; આ ફિરંગિયો મશહૂર અને સંઘમાં માનીતો ઠગ હતો. એના પકડાવાથી અનેક ચોંકાવનારી બિનાઓ બહાર આવી. પ્રથમ તો સ્લિમાનને પોતાને જ વિશ્વાસ ન બેસે એવી એ બિનાઓ લાગી, પરંતુ ફિરંગિયા અને બીજા તેની દ્વારા પકડાવાયલા ઠગ લોકોના કથનની સાબિતીઓ મળવા લાગી. એટલે આ ઉપદ્રવને શાંત પાડવા બહુ જ કડક ઇલાજો લેવા માંડ્યા.

દસ વર્ષમાં ઠગ લોકોના મુખ્ય મુખ્ય સરદારો અને તેમના સાથીદારો પકડાઈ ગયા. રીતસર ન્યાયની અદાલતોથી આ કામોની તપાસ બની શકે એમ ન હતું, એટલે ખાસ અદાલતો નીમી, પુરાવાની ઝીણવટને બાજુએ મૂકી, ફાંસી અને જન્મટીપની સજાઓ દ્વારા સખત ભય ઉપજાવી ઠગ લોકોને દાબી દેવામાં આવ્યા. ઈ. સ. ૧૮૪૦માં સારી રીતે શાંતિ થઈ.

ગુજરાતીઓને આ સંબંધી એક માહિતી વાંચવી ગમશે. નિઝામ હૈદરાબાદમાં તે વખતે એક સૂબા તરીકે પેસ્તનજી નામના પારસી ગૃહસ્થ. હતા. તેમણે પણ ઈ. સ.૧૮૪૦માં નિવેદન કરી જણાવ્યું હતું કે નિઝામ રાજ્યમાં ઠગનો ત્રાસ નાબૂદ થયો છે.

ઈ. સ. ૧૮૬૬ સુધી આવાં સખત બંદોબસ્તી પગલાં લેવાયાં, અને દરમિયાન ઠગની ટોળીઓનો લગભગ નાશ થયો. છૂટાછવાયા બનતા પ્રસંગોને ટોળીઓ સાથે સંબંધ ન હતો, છતાં ઈ. સ. ૧૯૦૪ સુધી ‘સુપરિન્ટન્ટેડેન્ટ ઑફ ઠગ’નો હોદ્દો હિંદી સરકારમાં ચાલુ હતો.

વંશપરંપરાનો ફાંસિયાનો ધંધો કરનાર ઠગ સિવાય બીજા બે પ્રકારના ઠગ ઓગણીસમી સદીમાં ઊભા થયા હતા. તેમનામાં ધર્મભાવનાનો અંશ પણ ન હતો. લૂંટ એ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. મંડળના બંધન સિવાય બીજું કંઈ જ નૈતિક બંધન તેમને હતું નહિ. અલબત્ત, એક અગર બીજી રીતે ફાંસી દઈ લોકોને મારવાની પ્રથા એ બંને પ્રકારોમાં જાણીતી હતી. એક પ્રકારને સ્લિમાન ‘મેગપુનેઈઝમ'ને નામે ઓળખાવે છે. ખરું જોતા એનો ઉચ્ચાર ‘મેખ ફંદિયા' થાય છે. એકલા રૂમાલને બદલે નાની ખીંટી જેવી લાકડીમાં ફાંસો વીંટાળી તે વડે લોકોને મારવાની કરામત એ ઠગ લોકો કરતા હતા. ઈ. સ. ૧૮૨૬ માં લૉર્ડ લેકે ભરતપુરના કિલ્લાને ઘેરો ઘાલ્યો તે સમયથી આ મેખફદિયા ઠગ લોકોએ પોતાની કારકિર્દી શરૂ કરી હોય એમ જણાય છે. વણઝારાની ટોળી માફક બૈરાંછોકરાં સાથે આ લોકો ફરતા. વેપારને બહાને, સાથે બૈરાંછોકરાં અને કાંઈ મિલકત હોવાના કારણે વિશ્વાસ ઉત્પન્ન કરી તેઓ મુસાફરોને મારી નાખતા. તેમનો મુખ્ય ઉદેશ મારી નાખેલા મનુષ્યોનાં બાળકોને વેચવાનો હતો. સારા કુટુંબના માણસોને ફસાવી મારી નાખી તેમનાં બાળકો પુત્રપુત્રીઓને દૂર દેશમાં લઈ જઈ તેઓ વેચતા. બાલિકાઓ મોટે ભાગે કોઈ શોખીન જમીનદારના જનાનખાના માટે, અગર કોઈ ગણિકાને ઘેર ભારે કિંમતે વેચાતી. બીજા પ્રકારના ઠગ 'તુશ્મબાઝ' નામથી ઓળખાતા. આ 'તુશ્મબાઝ' ઠગને જન્મ આપનાર એક અંગ્રેજ સૈનિક હતો એમ જાણીને આપણને જરૂર નવાઈ લાગશે. કાનપુરની લશ્કરી ટુકડીમાં ક્રીગ નામનો એક સૈનિક હતો. ઈંગ્લંડના ભામટાઓમાં એક જુગારની પદ્ધતિ હતી. પટાને બે વળાંક આપી ઉત્પન્ન થયેલાં ખાંગાંમાં લાકડી ભરવીએ તો વળાંકની ગોઠવણી પ્રમાણે કાં તો લાકડી છૂટી પડે અગર પટામાં લાકડી ભરાઈ જાય. હાલ તો નાનાં બાળકો પણ દોરા વડે આવી રમત કરી શકે છે. લાકડી બંધાય કે છૂટી એ ઉપર જુગાર રમાતો. આ રીત સૈનિક ક્રીગે હિંદમાં દાખલ કરી અને એક ગોલંદાજ ધનકુળ આહીરને, સુહીબો નામના એક રસોઇયાને અને એક ગણેશિયા નામના નોકરને શીખવી. આ રીત જોતજોતામાં ફેલાઈ, અને ઠગવૃત્તિવાળાં લોકોએ તેનો લાભ લેવા માંડ્યો. લોકોને આ રમતના ચડસે ચડાવી એકાંતમાં લઈ જઈ તેમને ગળે ફાંસો અપાતો, અને તેમના માલની લૂંટ કરવામાં આવતી. આ જુગાર અને ખૂનની ભયાનક રમતને પોલીસ તરફથી રક્ષણ મળતું હતું. આજના વખતમાં છક્કોપંજો અને અમેરિકન ફીચર્સ ઉપર જુગાર રમનારાઓની સંખ્યા તેનો અણધાર્યો વિસ્તાર અને પોલીસનું તેમાં મળતિયાપણું એટલા જાહેર છે કે 'તુશ્મબાઝ’ના જુગારીપણાને મળતા રક્ષણનો આપણને સહજ ખ્યાલ આવશે.

પરંતુ જુગારી તરીકે જૂજજાજ શિક્ષા ખાઈ આવતા તુશ્મબાઝો ભયંકર ખૂનીઓ છે એમ જ્યારે જણાયું ત્યારે સત્તાવાળાઓએ તેમની વિરુદ્ધ સખત પગલાં લીધાં અને તેમને નિર્મૂળ કર્યા.

આ બંને ઠગની નવી જાત ઓગણીસમી સદીની પેદાશ હતી. જ્યારે ધાર્મિક ઠગ લોકોની સંસ્થાને છસો વર્ષથી તો ઇતિહાસે ઓળખી છે, અને કથાઓ માનવામાં આવે તો તેમનું પ્રાચીનપણું ઘણું લંબાય એમ છે.

૧૨
ઠગની નૈતિક ભૂમિકા

અતિ પ્રાચીનતાથી આપણે ફુલાઈ જવું જોઈએ ખરું ? એક પ્રાચીનપ્રિય ગૃહસ્થની મારા મિત્રે વાત કરી હતી. પ્લેગ પણ પરદેશથી હિંદમાં આવે એ એમને ગમતું નહિ, એટલે તેમણે વેદમાંથી પ્લેગ કાઢી બતાવ્યો ! ઠગની સંસ્થાનું ઉત્પત્તિસ્થાન હિંદ હોય કે હિંદ બહાર હોય એ વિશે અભ્યાસીએ તો વિરાગવૃત્તિ જ રાખવી રહી. છતાં એટલું તો ચોક્કસ કે ઠગની સંસ્થા વિષે કોઈ હિંદી અભ્યાસી તૈયાર થાય તો પશ્ચિમના લેખકો કરતાં વધારે સારો પ્રકાશ પાડી શકે. કર્નલ સ્લિમાન પોતે જ કહે છે કે :

“India is a strane land; and live in it as long as we may, and mix with its people as much as we please, we shall to the last be constantly liable to stumble upon new moral phenomena to excite our special wonder.'

ઠગ લોકોને દાબી દેનાર કર્નલ સ્લિમાન જાતે જ ‘ઠગી સ્લિમાન’ તરીકે ઓળખાતો થઈ ગયો. ઠગ સંસ્થાની ઝીણવટભરી વિગતો મેળવનાર, ઠગ લોકોના જીવનમાં ભળી જનાર, અને તેમ કરી તેમના માનસને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર, અને ઠગ વિષે પ્રમાણ તરીકે મનાતો પુરુષ આવો ઉલ્લેખ કરે એથી સ્પષ્ટ જ થાય છે કે ઠગ લોકોની સંસ્થાને પૂરી રીતે સમજવા માટે ગુપ્ત સંસ્થાઓ અને ખાસ કરીને હિંદની ધાર્મિક-આધાર્મિક સંસ્થાઓનો ઊંડો અને સહાનુભૂતિભર્યો અભ્યાસ જરૂરનો છે.

વર્ષમાં ત્રણ-ચાર માસ અગર જ્યારે બિરાદરીની આજ્ઞા થાય ત્યારે ઠગનું કરપીણ કાર્ય કરતા મનુષ્યનું ખાનગી જીવન - અગર સામાજિક જીવન કેવું હતું એનો વિચાર કરીએ ત્યારે આ સંસ્થા માત્ર ગુનેગારોની જ હતી એમ માનતા પહેલાં અટકી જવું પડે છે. એ સંબંધમાં એક અંગ્રેજ અભ્યાસી અને કર્નલ સ્લિમાનના પૌત્રની હકીકત આપણે સાંભળીએ. એ કહે છે કે :

“The most astounding fact about the Thug is that, as a general rule, he was a good citizen and model husband, devoted to his family, and scrupulously strainght when out on his expedition, presenting a complexity of character utterly baffling to a student of psychology.'
‘ઠગ વિષે એક મહા આશ્ચર્યકારક ઘટના એ છે કે સામાન્યતઃ ઠગ જ્યારે પોતાના ઠગકાર્યમાં ન રોકાયો હોય ત્યારે તે એક સારો નાગરિક, આદર્શ પતિ, કુટુંબનો વહાલસોયો પાલક અને બહુ જ સાચો સજ્જન હોય છે. આ ચરિત્ર્યગૂંચવણ માનસશાસ્ત્રના અભ્યાસીને બહુ જ મૂંઝવે એમ છે.'

એ જ લેખક બીજે સ્થળે ઠગ લોકોને નીચે પ્રમાણે ઓળખાવે છે :

'Here was nobody of amateur assassins, driven to crime by force of circumstances, but men of seeming respectability and high intelligence, often occupying positions of importance and responsibility in their normal lives, secretly trained from boyhood to the highest degree of skill in strangulation.
‘ઠગ એ કાંઈ સંજોગોએ ખૂન કરવા પ્રેરેલા બિનઆવડતવાળા ખૂનીઓ ન હતા. એ તો નિત્યજીવનમાં પ્રતિષ્ઠિત અને જવાબદારીભરી જિંદગી ગુજારનાર ઊંચી બુદ્ધિના અને ઊંચી પદવી ભોગવતા ગૃહસ્થો હતા. માત્ર છૂપી રીતે બાળપણથી તેમને ફાંસી નાખવાની કળામાં એટલા પાવરધા બનાવ્યા હતા કે ગૂંગળાવીને મારી નાખવાની આવડત તેમના હાથમાં સંપૂર્ણ બની ગઈ હતી.'

લૂંટ અગર મિલકતનો શોખ તેમની પ્રવૃતિને પ્રેરતો નહિ. એ વિષે એ જ લેખકનું કથન સાંભળવા સરખું છે :

'That robbery did not form the principal motive is clear from the fact that they made little effort to ascertain the wealth of those they put to death.'
‘પોતાના ભાવિ ભોગની પાસે કેટલી મિલકત છે એની તપાસ કરવાનો જરા પણ પ્રયત્ન ઠગ કરતા નહિ. એ ઉપરથી લૂંટ એ તેમનો મુખ્ય ઉદ્દેશ ન હતો એ તો સાબિત જ થાય છે.'

સ્ત્રીઓ પ્રત્યેનું તેમનું વર્તન કોઈ પણ સંસ્કૃતિને શોભા આપે એવું ઉચ્ચ હતું. સ્ત્રીઓ તરફ કુદૃષ્ટિ કરવી એ ભયંકર પાપ અને ગુનો ગણાતાં. ઠગની સ્ત્રીઓ ઠગને પૂર્ણ વફાદાર રહેતી, અને આજના જાતિવિષયક સ્વચ્છંદને એક સરસ બોધપાઠ પૂરો પાડે એવું તેમનું વિશુદ્ધ ચારિત્ર્ય હતું. પશ્ચિમના ગુંડાઓ સ્ત્રીઓ પ્રત્યે જે કલુષિત વર્તન અને ભાવના રાખે છે તેની સરખામણીમાં એક અંગ્રેજ લેખક કહે છે કે :

'Contemptible and horrible as the Thugs unquestionably were, it is certain that they would be loud in their expression of horror at the deeds of these despicable ruffians in western countries.
However unscrupulous and treacherous the Thugs were, one thing at least stands to their credit, that while sometimes they killed women - though contrary to their faith - they never maltreated them beforehand.
‘ઠગ લોકો ભયંકર અને તિરસ્કારપાત્ર ખરેખર હતા. પણ એટલું તો ચોક્કસ કે પશ્ચિમના મવાલીઓ સ્ત્રીઓ પ્રત્યે જે વર્તન ચલાવે છે તે તરફ ઠગ લોકો ધૃણાના ઉદ્દગાર કાઢે. ઠગ લોકો હૃદયહીન હશે, કૃતઘ્ની હશે, પરંતુ તેમને માટે એટલું તો કહેવું જ પડશે કે સ્ત્રીઓને મારી નાખતા પહેલાં તેમની લાજ લૂંટવા જેવું દુષ્કૃત્ય તેમણે કદી કર્યું નથી. આ તો તેમની નૈતિક પ્રતિષ્ઠા વધારે એમ છે. વળી સ્ત્રીઓને મારવાની તેમના ધર્મ પ્રમાણે તો સખ્ત મનાઈ છે. છતાં એવા જૂજ પ્રસંગે સ્ત્રીઓનાં શીલ ભ્રષ્ટ કરવા તરફ તેમણે નજર કરી નથી.'

જે લૂંટ તેઓ મેળવતા તેની વહેંચણી તેઓ યોગ્ય રીતે કરતા, અને દેવીનો ચોક્કસ ભાગ કાઢતા. મારેલા માણસનાં બાળકોને ઘણી વખત તેઓ ઉછેરતા, અને તેમને દત્તક લીધાના તો અનેક પ્રસંગો ઠગ લોકોના ઇતિહાસમાં વિદ્યમાન છે. મેડોઝ ટેલરે વર્ણવેલો મશહૂર ઠગ અમીરઅલી આ પ્રમાણે બાલ્યાવસ્થામાં દત્તક લેવાયેલો ઠગ હતો. એના પિતા એક સારી સ્થિતિના ગૃહસ્થ હતા અને તેમને ઠગ લોકોએ ફાંસો દઈ મુસાફરીમાં મારી નાખ્યા હતા. પરંતુ તેની સાથે આવેલા તેના બાળક અમીરઅલીને બચાવી તેને પાળીપોષી દત્તક લઈ એક આગેવાન ઠગ તરીકે બનાવનાર પણ ગુપ્ત મારાઓનો સરદાર જ હતો.

તેમનામાં કેટલાક સારા ગવૈયા હતા, સારા કલાકારો હતા, સારા વાદ્યો વગાડનાર હતા અને બહુ સારી નકલ કે બહુ સારો વેશપલટો કરી શકે એવા અભિનયકાર હતા.

૧૩
ખૂનનો ઉદ્દેશ

આ ઠગ લોકોનો ધર્મ તેમને ફાંસીગર બનાવતો હતો. માત્ર માણસોને ગૂંગળાવી મારવાનો શોખ એ જ તેમનાં ખૂનોનો હેતુ હતો એમ પશ્ચિમના લેખકો કહે છે. શિકારશોખ સાથે ઠગ લોકોની ખૂનપ્રવૃત્તિને સરખાવવામાં આવે છે. શિકારનો પણ ચડસ લાગે છે; એ પ્રમાણે માણસો મારવાની પણ ટેવ પડે છે એમ એ લેખકોની ધારણા છે. કર્નલ સ્લિમાને એક વખત ફિરંગિયા ઠગની જુબાની લેતાં પૂછ્યું :

‘તમને દયા નથી આવતી ?’

‘દયા તો આવે છે, પણ દેવીની આજ્ઞા માનવી જ જોઈએ. વળી દેવીનો ગોળ ખાધા પછી અમારા લોકોની દયા ઓસરી જાય છે.’

ખૂન કર્યા પછી ઠગ લોકો મિજબાની કરતા એટલે કે દેવીને નૈવેદ્ય ધરાવતા. તેમાં પ્રસાદ તરીકે ગોળ ધરાવાતો અને વહેંચાતો. એ ગોળ ખાધાથી ગમે તેવા માણસમાં ખૂન કરવાનું જોસ આવે છે એવી તેમની માન્યતા હતી.

એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જાનવર મારવાં અને માણસ મારવાં એ શું સરખું છે ? ટેવ પડ્યાથી ખૂન કરવાની આવડત અને નિર્દયતા વધી જાય એ ખરું, પરંતુ ભવાનીની આજ્ઞા એ શું માત્ર યથેચ્છ ખૂન કરવાની વૃત્તિ સૂચવે છે ? એવી ઘેલછા - એવો શોખ પૂરો પાડવા માટે સેંકડો ઠગની ટોળીઓ સેંકડો અને હજારો ગાઉની મુસાફરી કરે ખરી ? લૂંટનો ઉદેશ નહિ, સ્ત્રી બાળક અને સાધુ વગેરેને મરાય નહિ, લોહીનું ટીપું પણ પડે નહિ. મૃત મનુષ્યનાં બાળકોનું પોતાનાં જ બાળકોની માફક પોષણ થાય, ખાનગી જીવન આર્દશ શહેરી તરીકે પસાર થતું હોય, એવા સંજોગોમાં છેક ઉદ્દેશ રહિત ખૂન થાય એ માની શકાશે ખરું ?

દેવી તો માત્ર રાક્ષસ, રાક્ષસી સત્ત્વ અને રાક્ષસી મનુષ્યોની જ વિરોધી છે. એમાંથી કાંઈ ઉદ્દેશનો ધ્વનિ શું નથી નીકળતો ? રાક્ષસની વધતી જતી સંખ્યાને ગૂંગળાવવા ઉપજાવેલા મનુષ્યો રાક્ષસી મનુષ્યોને મારવાનો જ ઉદ્દેશ ધરાવે એ માનવું વધારે સરળતાભર્યું લાગે છે.

ઠગ લોકોની એક દંતકથા સૂચક છે. ઠગ લોકોની શરૂઆતની ભૂમિકામાં ભવાની જાતે આવી મારેલા માણસોનો ભક્ષ કરી જતી હતી. પણ તેમાં એક શરત એવી હતી કે માણસને ગૂંગળાવ્યા પછી એ સ્થળને છોડી દેતી વખતે ઠગ લોકોએ પાછું વાળીને જોવું નહિ. એક વખત નવા ઠગદક્ષિતે ભૂલથી પાછળ જોયું. અને ભક્ષ કરતી દેવી ક્રોધે ભરાઈ. તેણે તે દિવસથી મૃત દેહનો ભક્ષ કરવાનું બંધ કર્યું. ઠગ લોકોએ ખૂબ વિનંતી કરી એટલે દેવીએ પોતાનો એક દાંત કાઢી આપ્યો; એને કોદાળી તરીકે વાપરવા સૂચના કરી. દાંત એ ભક્ષનું સાધન છે એટલે દેવીએ આવો તોડ કાઢી મૃતદેહને દાટી દેવાની જવાબદારી ઠગ લોકો ઉપર નાખી.

આ કોદાળીની ભારે પૂજા કરવામાં આવતી. ઠગ લોકો એના તરફ અત્યંત પૂજ્યભાવથી જોતા. આ કોદાળીનું ફળ ઠગની ટોળી રાત્રે ઊભું દાટી દેતી, અને બીજે દિવસે કઈ બાજુએથી જવું તે માર્ગનું સૂચન એ ફળ યોગ્ય રીતે આપોઆપ ગોઠવાઈને કરતું એવી માન્યતા હતી. વળી એમ પણ કહેવાતું કે એ ફળ ઠગ લોકો રાત્રે કૂવામાં નાખી દેતા, અને બીજે દિવસે જ્યારે તેની જરૂર પડતી ત્યારે એ ફળ કૂવામાંથી આપોઆપ ઊછળી આવતું.

ખૂન પહેલાંની દેવીની આજ્ઞા, ખૂન માટે નીકળતા પહેલાં જોવાના શુકન, અને ખૂન પછીની કાળજીભરેલી વ્યવસ્થા છેક ઉદ્દેશરહિતપણું સૂચવતી નથી.

વળી ઠગના સંઘમાં ઠગ તરીકે ક્વચિત્ સ્ત્રીઓ પણ ભાગ લેતી હતી. ઠગની પત્ની એક સહચારિણી તરીકે ઠગપતિની ઘણી વાતો જાણતી અને છુપાવતી. પરંતુ બધી જ પત્નીઓ ઠગની સવારીઓમાં કે તેમના કાર્યમાં ભાગ લઈ શકતી નહિ.

ધર્મની આજ્ઞા વિરુદ્ધ સ્ત્રીઓને મારી નાખવાના પ્રસંગોએ જ તેમનો પરાજય કરાવ્યો એવી ઠગ લોકોની દૃઢ માન્યતા હતી. ફિરંગિયાએ જુબાનીમાં કહ્યું હતું :

‘સ્ત્રીઓને મારવાનું શરૂ કર્યું ત્યારથી અમારાં નસીબ ફરી વળ્યાં. કાલીબીબીનું ખૂન કર્યું ત્યારથી અમારી દુર્દશા શરૂ થઈ... પાંચ વર્ષ તો કાંઈ ખાસ મુશ્કેલી દેખાઈ નહિ, પણ પછી તો દુઃખનાં વાદળ ઊમટ્યાં.’

ખીમા જમાદાર નામના એક ઠગની જુબાની ઉપરથી વળી એક બીજું તત્ત્વ દેખાઈ આવે છે.

‘માબાપનું ખૂન અમે તેમનાં બાળકો દેખતાં કદી કરતા નથી.' આ બધી સાવધાની અને નૈતિક કાળજી ઉદ્દેશરહિતપણાનું સૂચન ભાગ્યે જ કરે છે.

આ લોકો પોતાના મૃત્યુ માટે કેટલા બેદરકાર હતા. તે પણ આપણે અંગ્રેજ લેખકોને જ કહેવા દઈશું. મિસિસ પ કર્સ નામની લેખિકા ઈ. સ. ૧૮૩૧માં એટલે ઠગને પકડવાની શરૂઆતમાં પચીસ ઠગને સાથે લાગી ફાંસી અપાઈ તેનું વર્ણન આપતાં લખે છે :

'It would be impossible to find in any country a set of men who meet death with more indifference than these wretches; and, had it been in a better cause, they would have excited universal sympathy.'
‘મૃત્યુને ઠગ સરખી બેદરકારીથી ભેટનારો માનવવર્ગ જગતના કોઈ પણ દેશમાં મળવો અશક્ય છે. સારા ધ્યેયને ખાતર તેઓ આવી બહાદુરીથી મૃત્યુ પામતા હોત તો તેમના પ્રત્યે આખા જગતની સહાનુભૂતિ આકર્ષાત.'

૧૬ મી ઓક્ટોમ્બર ૧૮૩૦ના સરકારી ગેઝેટ-સમાચારપત્રમાં આવેલું એક વર્ણન ઉતારવા સરખું છે :

'As the sun rose the eleven men were brought out from the goal, decorated with chaplets of flowers, and marched up to the front of the drop, where they arranged themselves in line with infinite self-possession. When arranged, each opposite the noose that best pleased him, they lifted up their hands and shouted 'Bindachel ka Jae Bhavanika Jae... every one making use of precisely the same invocation, though four were Mahomedans, one a Brahman and the rest Rajpoots. They all ascended the steps, and took their position upon the platform with great composure. Then, taking the noose in both hands, made the same invocation to Bhawani, after which they placed them over their heads and adjusted them to their necks; some of the younger ones laughing at the observations of the crowd around them.'
‘સૂર્યોદય થતાં બરોબર બંદીખાનામાંથી અગિયારે માણસોને લાવવામાં આવ્યા. ફૂલગજરાથી તેઓ શણગારાયલા હતા. તેમને ફાંસીના માંચડા પાસે લાવ્યા, જ્યાં તેઓ તલપૂર પણ ગભરાટ વગર ગોઠવાયા. પછી કયા ફાંસામાં કોણ પેસશે તેની પસંદગી તેમણે જ કરી લીધી, અને હાથ ઊંચા કરી વિંધ્યાચળનો જય ! ભવાનીનો જય !’ એવા જયનાદ કર્યા. અગિયારે જણે એક સરખો જયઘોષ કર્યો, જોકે એમાંથી ચાર મુસલમાનો હતા, એક બ્રાહ્મણ હતો અને બાકીના રજપૂત હતા. પછી તેઓ માંચડા ઉપર ચડી ગયા, સંપૂર્ણ સ્થિરતાથી તેમણે પોતપોતાના ફાંસા પાસે સ્થાન
લીધું, બંને હાથે ફાંસો પકડી દેવીનો જયનાદ ફરી કર્યો અને ફાંસાને માથામાંથી લઈ ગળે બરાબર ભેરવ્યો. આસપાસ ભેગા થયેલા ટોળામાં ચાલતી વાતચીત સાંભળી કેટલાક યુવાન ઠગ તો માંચડા ઉપર હસવા લાગ્યા.’

મૃત્યુને આમ હસતે મુખે આવકારનાર ઠગ લોકોનાં ખૂન દેવીથી પ્રેરાયલાં, લૂંટની લાલસાથી રહિત, બહુ જ જોખમ ભરેલાં, અનેક મનાઈઓથી રક્ષાયલાં, મૃત મનુષ્યોનાં બાળકો માટે જીવનભર વાત્સલ્ય ઉપજાવનારાં હોવા છતાં ઉદ્દેશ રહિત શોખ કે રમત સરખાં હોઈ શકે ? મારો નમ્ર મત એવો છે કે ઉદ્દેશ રહિત ન જ હોય.

એ શો ઉદેશ હોઈ શકે ? રાજ, સત્તા, લક્ષ્મી, લોભ, પ્રતિષ્ઠા, વેર એ સર્વમાંથી ઉત્પન્ન થતા રાક્ષસી અન્યાયોને છૂપી રીતનાં ખૂનથી ટાળવાનો આ લાંબા સમયથી વ્યવસ્થિત ધર્મપ્રયત્ન તો નહિ હોય ?

એ ઉદ્દેશથી શરૂ થયેલા પ્રયત્નો ધીમે ધીમે બગડતા ચાલે, એમાં સ્વાર્થ ભળે, માત્ર ખૂનનો શોખ ક્વચિત્ ઉત્પન્ન થાય, એ સંભવિત છે. અને એવી પરિસ્થિતિ વચમાં ઉત્પન્ન થાય તો મંડળને ધક્કો પહોંચે જ. બ્રિટિશ રાજ્ય અમલની શરૂઆતમાં તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. રાજ્યોની ઝડપી ઊથલપાથલ સ્વાર્થી સેનાપતિઓ અને મુત્સદીઓના કાવાદાવા, કેન્દ્રિત રાજયવ્યવસ્થાનો અભાવ કે તેની બલહીનતા, અતંત્ર વહીવટ, જીવનમાં ગુંડાગીરીને મળતા લાભ, રુશાવતખોર અમલદારશાહી : આ બધું ઓગણીસમી સદીની શરૂઆતમાં વ્યાપક બન્યું હતું. એ સ્થિતિના અન્યાયો ટાળવા અગર એ સ્થિતિનો લાભ લઈ પોતાનો સ્વાર્થ સાધવા ઠગ, લોકોનાં ટોળાં નૈતિક સિદ્ધાંતને બાજુએ મૂકી પોતાના ખૂની ધંધાને ખૂબ બહેલાવી રહ્યાં હોય એમ પણ સંભવિત છે. ઠગ કે ઠગ સંસ્થા આદર્શ રૂપ હતાં એમ કહેવાનો ઉદેશ નથી, પરંતુ તે સર્વ કાળમાં આર્દશહીન જ હતાં એમ માનવા માટે જરા પણ આધાર મળી શકતો નથી. રાક્ષસોને મારવા દેવીએ ઠગને ઉપજાવ્યા એ કથામાંથી આપણે સહજ ઉદ્દેશ મેળવી શકીએ. છીએ.

૧૪
શાક્ત મતનો ફાંટો

ભવાનીને ઇષ્ટ દેવી તરીકે સ્વીકારનાર પંથ શાક્ત મતમાં જ ગણી શકાય. બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મનાં તંત્રોએ ભેગાં થઈ શાક્ત માર્ગને વિકસાવ્યો હોય. શક્તિપૂજાનાં - શક્તિની પ્રતિષ્ઠાનાં તત્ત્વો ઠગ લોકોને શાકત સંપ્રદાયી તરીકે ઓળખાવી શકે એમ છે. શક્તિસંપ્રદાયમાં ભયંકર લાગતાં કર્મકાણ્ડ હોય છે. તેમાં ગુપ્તપણું હોય છે; બંધારણની ઝીણવટ પણ હોય છે; એટલે શક્તિપૂજકોએ રાજ્ય, ધન કે સત્તાના બળનો વિરોધ કરવા માટે આવો એક ઠગનો માર્ગ વિકસાવ્યો હોય એમ લાગે છે.

મુસ્લિમોએ હિંદમાં પ્રવેશ કર્યો એટલે મુસ્લિમ ધર્મ પણ હિંદમાં પ્રતિષ્ઠિત બન્યો. છતાં ધર્માન્તર કરતા સમુદાય પોતાના સર્વ પાછલા સંસ્કારોને પૂરા ગાળી કાઢીને નવા ધર્મમાં આવી શકતા નથી. નવીન ધર્મસ્વીકારમાં પણ જૂની ધર્મભાવનાઓ એક અગર બીજે સ્વરૂપે સાથે જ ચાલી આવે છે. સાહસપ્રિય, નવીન મુસ્લિમોને હિંદુ ધર્મ પ્રત્યે તિરસ્કાર ઊપજે છતાં તેમના લોહીમાં ઊતરી આવેલી રહસ્યપ્રિયતા તેમને ઠગ જેવા ઉગ્ર અને ગુપ્ત માર્ગમાં પ્રેરી શકી એ આપણે ઠગ લોકોનાં દ્દષ્ટાંતથી જોઈ શકીએ છીએ. હિંદુમુસ્લિમ ઐક્યને અશક્ય માનનાર માટે ઠગનો ઇતિહાસ બહુ જ સૂચક છે. ઠગની સંસ્થા ગમે તેવી ગુનાઇત કૃત્યો કરનારી હતી, છતાં તેમાં એક જ ભાવથી હિંદુ-મુસલમાનો ભળી શકતા એ આજ આપણને નવાઈ લાગે એવો ઇતિહાસ છે. ઠગનો ભોગ થનાર ગમે તે ધર્મના હતા. ઠગ લોકો જેમ હિંદુને મારતા તેમ મુસ્લિમોને પણ મારતા, અને હિંદુ હિંદુનું તેમજ મુસ્લિમ મુસ્લિમનું ખૂન કરવામાં ધર્મનો જરાય વાંધો કાઢતા નહિ. મસ્જિદ આગળ વાજું વાગતાં આજ મુસ્લિમોનું મુસ્લિમપણું તીવ્ર બની જાય છે. ઠગ મુસ્લિમો ભવાનીનાં દર્શન કરતા અને ભવાનીનો જય ઉચ્ચારતા. મુસ્લિમનો પડછાયો પડતાં, મુસ્લિમ ભાષાનો શબ્દ વાપરતાં અપવિત્ર બની જતા આજના ચોખલિયા હિંદુઓએ જાણવું જોઈએ કે ઠગબિરાદરીમાં મુસલમાનો સાથે બ્રાહ્મણો ખુશીથી ભળતા અને ભવાનીની પૂજામાં મુસ્લિમોને બ્રાહ્મણો સામેલ પણ કરતા. હિંદુ અને મુસલમાન ઠગ પરસ્પરને ઓળખવા માટે જે સંકેતપુકાર કરતા તેમાંના બે પુકારો ઉપરથી જણાશે કે ઠગ લોકોએ ધર્મવિરોધને બાજુએ મૂક્યો હતો. ‘અલીખાન’ અગર ‘હરિસત’ એ શબ્દોચ્ચારથી ઠગ લોકોની અરસપરસ ઓળખ થતી. ઠગ જમાદારોનાં નામ ઉપરથી પણ જણાશે કે એ બિરાદરીમાં હિંદુઓ અને મુસલમાનો કેમ ભળતા હતા.

ફિરંગિયો બ્રાહ્મણ, માંધાતા, જવાહિર શુકલ, લાલાજી શુકલ, મોહન બ્રાહ્મણ, મહારાજ બટુક, ગુંડા તિવારી, મંડન, બ્રખુભાન વગેરે નામવાળા હિંદુ ઠગ સાથે બહેરામ, રોશન જમાદાર, ખલિલ, શેખ ઇનાયત, હૈદરખાન, શેખ નગ્ગુ, ઝુલ્ફીકાર વગેરે નામવાળા મુસ્લિમ ઠગ પરસ્પર ભારે વફાદારીથી પોતાનું કાર્ય કરતા હતા. રુકિમણી, રાધા અને મુસમબીબી સરખી સ્ત્રીઓએ પણ પોતાનો ભાગ એમાં ભજવ્યો છે, અને જરૂર પડશે 'ઝીર’ની - ફાંસો નાખવાની ઇશારત આપી છે.

ગામેગામ અને શહેરેશહેરમાં થાણાં નાખી બેઠેલું આ ઠગ મંડળ એક જ પ્રકારની ભાવના અને એક જ પ્રકારના કર્મકાણ્ડથી હજારેક વર્ષ સુધી જોડાયેલું રહ્યું. તેણે કેટકેટલા ભોગ લીધા હશે ? કેટકેટલા ભોગ આપ્યા હશે ? કેટલા અન્યાયો દૂર કર્યા હશે ? કેટલા અન્યાયો તેણે પોતે કર્યા હશે ? એ મહામંડળમાં ભયાનક રહસ્યો હતાં, ચિત્રવિચિત્ર ક્રિયાઓ હતી, ભવાનીને ભોગ આપવાનો તેનો ઉદ્દેશ હતો. ભોગ આપવાની રીત અજબ હતી, અને એ રૂમાલથી ફાંસો નાખવાની અજબ તરકીબ તેને સાધ્ય બની ગઈ હતી. એમાં હિંદુ-મુસ્લિમ સંગઠન પણ શક્ય હતું. તેણે અનેક મર્દો ઉપજાવ્યા છે, અને અનેક રહેંસી નાખનાર ખૂનીઓ પણ ઉપજાવ્યા છે. એ મંડળની ભયાનક અને છૂપી કાર્યવાહીએ હિંદના મોટા ભાગમાં ભારે ઊથલપાથલ કરી હોવી જોઈએ; એણે કેટલાય વહેમ અને કેટલાયે ભયના પ્રસંગો ઊભા કર્યા હશે.

સતીનો રિવાજ બંધ કરનાર ગવર્નર જનરલ લૉર્ડ બેન્ટીક ઠગને પણ નાબૂદ કરવા મથ્યો. કર્નલ સ્લિમાન એ ટોળીઓને નાબૂદ કરવામાં સફળ થયો. વહેમને માટે ઠગને, હિંદવાસીઓને કે પૂર્વના સઘળા અજ્ઞાનીઓને આપણે ભલે વખોડીએ, પરંતુ એ વહેમ કર્નલ સ્લિમાન જેવા યુરોપવાસીની સાથે કેમ જોડાઈ શક્યો તેનું પણ એક દૃષ્ટાંત આપણે જાણી લઈએ. કર્નલ સ્લિમાનને પરણ્યે ચાર વર્ષ થયાં હતાં, છતાં તેને બાળક ન હતું. કામગીરી અર્થે ફરતાં તે એક ગામડામાં આવ્યો. ગામડાના પટેલે તેનું સ્વાગત કર્યું, અને તેને અનેક પુત્ર થાઓ એવો આશીર્વાદ આપ્યો. સ્લિમાને હસતાં હસતાં કહ્યું કે જો તેને પુત્ર થશે તો તે ગામને સારી રકમ ભેટ આપશે. એક જ વર્ષમાં સ્લિમાનને ત્યાં પુત્ર જન્મ્યો. સ્લિમાને પોતાનું હસતાં આપેલું વચન પાળ્યું. અને પેલા ગામડાને થોડી રકમ ભેટ આપી. ગામલોકોએ પ્રસંગના સંભારણા તરીકે એક દેરી બંધાવી અને તેમાં અખંડ દીવો રાખવાની વ્યવસ્થા કરી. આ પ્રસંગને સો ઉપરાંત વર્ષ થઈ ગયાં છતાં કાંઈ એવી વિચિત્ર ઘટના બને છે કે કર્નલ સ્લિમાનના વંશમાંથી કોઈ પણ સ્ત્રી દેરી જોવા જાય છે તેને એક વર્ષમાં અચૂક પુત્ર જન્મે છે ! આજ સુધી અજાયબ કિસ્સો બન્યો જાય છે એમ કર્નલ સ્લિમાનનો પૌત્ર જાતે લખે છે !

૧૫
નવલકથાનો વિષય

ઠગસંસ્થા ભલે નાબૂદ થઈ. એ ભયંકર સંસ્થા હતી, છૂપી સંસ્થા હતી, હિંસક સંસ્થા હતી. પરંતુ એની કારકિર્દીમાં કલ્પનાને ઉશ્કેરે એવા અનેક પ્રસંગો વેરાયેલા છે. એનો અભ્યાસ નિરર્થક નીવડે એમ નથી. ઠગની ટોળીએ અનેક નિર્દોષ માણસોનાં ખૂન કર્યા છે એમ મનાય છે. હશે, એ માટે તેને દોષ દઈએ - જો એ ખૂન નિર્દોષનાં જ હોય તો. જંગીસ અને તૈમુરે કતલ કરેલાં માનવીની ખોપરીના મિનારા બાંધ્યા કહેવાય છે. એ મિનારાઓને નીચા પાડી દે એવા ભવ્ય મિનારા માનવીઓનાં શિર્ષમાંથી આજની ગોરી પ્રજા રચી રહી છે ! ઠગ લોકો માનવીને ગૂંગળાવી એક પળમાં તેની જીવનદોરી તોડી નાખતા, દુશ્મનને રિબાવી રિબાવીને મારતી પશ્ચિમની સુધરેલી પ્રજામાં એ રહેમ હજી આવી નથી. ઠગ લોકોને ધર્મનું બહાનું હતું; પશ્ચિમની પ્રજાને ધર્મનું બહાનું છે જ નહિ. સંપૂર્ણ નફટાઈથી તે કાયદેસર કહેવાતાં ખૂન કર્યો જાય છે ! ઠગ લોકો સહુને મારતા નહિ; સ્ત્રીબાળકને તો તેઓ અવશ્ય અવધ્ય માનતા. પશ્ચિમની પ્રજા સ્ત્રી, બાળક, વૃદ્ધ, અપંગ કોઈને ઓળખતી નથી. બૉમ્બ ફેંકી તે બધાંયને બાળી મૂકે છે ! આજની હિંસક પશ્ચિમની પ્રજાઓ કરતાં શું ઠગની ટોળીઓ વધારે ક્રૂર, વધારે અન્યાયી અને વધારે ઘાતકી હતી ?

કલ્પના એમાં પ્રસંગ શોધે અને વાર્તા રચે એવું સાહિત્ય છે. મેં વાર્તાનું અવલંબન ઠગની સંસ્થામાંથી લીધું છે. એ વાર્તામાં હિંદવાસીઓનો મધ્ય એશિયા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હિંદવાસીઓના પ્રવાસ અને દેશાંતરગમન માટે આપણાં ભૂલભરેલા વિચારો પ્રવર્તે છે. આપણે અટકની બહાર નીકળતા જ ન હતા. એવી માન્યતા આપણામાં પ્રચલિત છે. આ માન્યતા અંશતઃ એક ભ્રમ છે. આપણા હિંદવાસીઓ, અને તેમાંયે હિંદુઓ ખુશકી માર્ગે પણ કેટલે દૂર પહોંચી જતાં તેનું વર્ણન ધી જર્નલ ઓફ ધી ગ્રેટર ઇન્ડિયા સોસાયટીના જુલાઈ ૧૯૩૭ના અંકમાં શ્રી ડિસ્કળ કરના એક લેખમાં આપેલું છે. જ્યોર્જ ફોરસ્ટર નામના અંગ્રેજ મુસાફરે બંગાળાથી ઈગ્લાંડ સુધી ત્રણ વર્ષની પગરસ્તે મુસાફરી કરી હતી. એ મુસાફરી ઈ. સ. ૧૭૮૨થી ૧૭૮૪ સુધીમાં તેણે કરી. અફઘાનિસ્તાન અને રશિયામાં તે સમયે હિંદુઓ હતા એવો તેણે કરેલો ઉલ્લેખ આપણા ભ્રમને દૂર કરશે, અને મેં સૂચવેલા પ્રસંગના ઐતિહાસિક વાતાવરણ માટેની શંકાનું સમાધાન કરશે.

ફોરસ્ટરની મુસાફરીના પુસ્તકના પાન ૨૯૧ ઉપરનું લખાણ સાથેના પરિશિષ્ટ બીજામાં આપ્યું છે. ઠગને દાબી દેવાના કંપની સરકારના પ્રયત્ન પહેલાંનાં પચાસ વર્ષ પહેલાંનું એ ચિત્ર છે.