ઢાંચો:રૂપક કૃતિ/જુલાઇ
સિદ્ધરાજ જયસિંહ'એ જયભિખ્ખુની કલમે લખાયેલ એ ગુજરાતના સુવર્ણયુગના મહાન ચક્રવર્તી 'સિદ્ધરાજ જયસિંહ'નું ઉજ્વળ ચરિત્ર છે. તે ગુજરાતનો સર્વથી વધારે લોકપ્રિય અને લોકહૃદયમાં ચિરંજીવ રહેનારો મહારાજાધિરાજ, ગુજરાતી સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એક ચિરંજીવ વ્યક્તિત્વ છે. હાલના ગુજરાતે સાંસ્કૃતિક ઐક્યનો મૂળરાજના સમયથી કરેલો આરંભ, આ મહારાજાધિરાજના સમયથી સંપૂર્ણ સધાયો એવો મત છે.'
સાંજનો સમય હતો. સરસ્વતીનો કાંઠો હતો.
ઢોર ચરીને પાછાં વળતાં હતાં.
પંખીઓ માળામાં બેસવા આવી રહ્યાં હતાં.
આ વખતે ગામના ગોંદરે ધૂળના ગોટેગોટા ઊડતા દેખાયા.
સીમાડા પર ભારે કોલાહલ થતો લાગ્યો.
જોયું તો પાતાળ ફોડીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો : પૂરેપૂરો અસુરનો અવતાર !
અસાડનાં વાદળાં જેવો કાળો રંગ. તાડના ત્રીજા ભાગ જેટલો ઊંચો. કોડા જેવી મોટી અને લાલઘૂમ આંખો.
આખા શરીર પર કાળી રુંવાટી. હાથીની સૂંઢ જવા હાથ. થાંભલા જેવા પગ. માથે સાપના જેવા ગૂંચળાવાળા વાળ. મોટી મોટી દાઢી. લાંબીલાંબી મૂછો .
ખભે ગેંડાની ઢાલ. કમરે બેધારી તલવાર. હાથમાં ભાલો. કેડે ચારપાંચ છરા.
અવાજ ખોખરો. ચીસ પાડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે. કાચાપોચાની તો છાતી ફાટી જાય.