ત્રિશંકુ/દોજખમમાં વિદ્યુત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પગની ઠેસ ત્રિશંકુ
દોજખમમાં વિદ્યુત
રમણલાલ દેસાઈ
જાગૃત મન →


 
દોજખમાં વિદ્યુત
 

સંધ્યાનો સમય તો થઈ ચૂક્યો હતો. ચાલીની બહારના ભાગમાં દીવા પ્રગટ થતા હતા. એ દીવા અજવાળું વધારતા હતા કે અંધારું એ પ્રશ્ન ઉકેલવાની ચાલીના રહીશોને ભાગ્યે જ ફુરસદ હોય છે. તારાએ બહાર આવી જોયું તો દર્શનની ઓરડી આગળ કેટલાંક માણસો ભેગાં થયાં હતાં, બાળકો પણ જ્યાં જગા મળે ત્યાં ઘૂસી જઈ નવાઈની વાત બનતી હોય એમ જોવા મથન કરતાં હતાં. અને એક ઊંચો મજબૂત પૂરમૈયો દર્શનની ઓરડીના બારણાને ધક્કો મારતો હતો. ભૈયાના હાથમાં કડિયાળી ડાંગ પણ હતી. આખો ત્રીજો પ્રહર અને સંધ્યાકાળ વિધવિધ ઓરડીઓના ભાડૂતોને ધમકાવી ભાડું ઉઘરાવવા નીકળેલો એ પ્રચંડકાય પુરુષ અત્યારે દર્શનની ઓરડીને ઉઘડાવવા મથી રહ્યો હતો. તારાને એથી વિશેષ કાંઈ જોવાપણું ન હતું. જોઈ, થોડી વાર ઊભી રહી એ બાળકો સાથે પોતાની ઓરડીમાં ચાલી ગઈ.

ભૈયો બૂમ પાડતો જ હતો :

'ખોલો ! જલ્દી ખોલો !... જ્યારે આવીએ ત્યારે બારણે તાળું ! કેટલે વખતે આજ હાથ લાગે છે... ખોલો છો કે બારણું તોડી દઉં?'

બારણે ટકોરા વાગે તોય આજે માનવી ગભરાઈ ઊઠે છે, આ તો બારણે ઠોકાઠોક થતી હતી તોય બારણું ઊઘડતું ન હતું. ભૈયાની બૂમ ઘેરી બનતી જતી હતી. અંતે બારણાને પણ ખૂલ્યા વગર ચાલે તેમ ન હતું. બારણું આછું ખૂલ્યું અને આસાયેશભર્યા મુખસહ દર્શન વચ્ચે દેખાયો. એણે ભૈયા સાથે વાતચીત શરૂ કરી :

'અરે છે શું, ભૈયાજી ! ધાડ પડી હોય એમ જાણે ?'

'સમજી લેજો કે આજ ધાડ પડી જ છે !... બારણું ન ઊઘડ્યું હોત તો હું એને તોડી નાખત.' ભૈયાએ ડર બતાવ્યો.

'એમાં મને કાંઈ હરકત નથી. તમારે જ બારણું ફરી બનાવવું પડત. પણ આ બધી ધાંધલનું કાંઈ કારણ ?'

'હજી તો કારણ પૂછે છે ?' 'કાંઈ ગુનો થયો છે ?'

'છે કાંઈ લાજ કે શરમ ? છ માસ થયાં કોટડીનું ભાડું આપ્યું નથી, અને પૂછે છે ગુનાની વાત !'

'છ નહિ, ચાર માસ. અને ભૈયાજી ! ભાડું ન મળતું હોય તો માલિકને કહો, વગર ભાડાની કોટડીઓ બનાવે !'

‘એને જ લાયક છો તમે !.. હવે એ જ રસ્તો લેવો પડશે.'

'જે રસ્તો લેવો હોય તે લો !... પણ જરા ધીમે બોલો ભૈયાજી ! આસ્તે બોલો... બધા પાડોશીઓ સાંભળે છે !...' દર્શને કહ્યું, અને ભેગા થયેલા થોડા પાડોશીઓ તરફ અંગુલિનિર્દેશ કર્યો. આખી ચાલીમાં દર્શન લગભગ સર્વપ્રિય બન્યો હતો. એની અને ભૈયાની વચ્ચે શી વાતચીત થાય છે એ સાંભળવાની પાડોશીઓને સ્વાભાવિક ઇન્તજારી હતી.

'બધાય બદમાશ છે ! તમારા પાડોશીઓ ! આ ડાંગની બીક ન હોય તો કોઈ ભાડું ન આપે !.... પુરાણા બદમાશો !... મૈયાએ જવાબ આપ્યો.

'ભૈયાજી ! હું પુરાણો બદમાશ નથી. હોઈશ તોય નવો બદમાશ બનતો હોઈશ... આમ બદમાશીની ફેંકાફેંકી કરવામાં મઝા નથી. અંદર આવો... મારી ચા અધૂરી મૂકી આવ્યો છું.... આપણે સાથે ચા પી લઈએ ! આઈયે, અંદર આઈયે !' દર્શને ભૈયાને માન આપવા માંડ્યું અને ભેગા થયેલા તથા વીખરાતા પડોશીઓમાં એ માનભરી વાતે જરા હાસ્ય પણ ઉપજાવ્યું. ભૈયાએ છણકોઈને કહ્યું :

'અંદર બંદર કાંઈ નહિ... છ માસનું ભાડું ભરી દો, પછી વાત ચલાવો !'

'અરે છે શું ? હું તો બારે માસનું ભાડું આપી દઉં એમ છું. પણ ભૈયાજી ! તમે મદદ કરો તો એ બને !' દર્શને કહ્યું.

'હું મદદ કરું ?' આશ્ચર્ય પામતા ભૈયાએ પ્રશ્ન કર્યો.

“હા; કેમ નહિ? જેમ તમારા શેઠનું ભાડું ઉઘરાવી આપો છો તેમ અમે પગારદારોનો પગાર તમે જ ઉઘરાવી આપો તો બસ, ભાડું બાકી રહેશે જ નહિ.' ભૈયાએ કદી ન સાંભળેલી દરખાસ્ત દર્શને રજૂ કરી. ભૈયાએ એ દરખાસ્તનો જરાય વિચાર ન કરતાં જવાબ આપ્યો :

'એ હું કાંઈ ન સમજું. આજ પૈસા વગર હું પાછો ફરવાનો નથી - સમજી જાઓ જલદી ! નહિ તો માલસામાન બહાર ફેંકાશે, બાબુજી !'

ભૈયાનું કથન સાંભળી દર્શને પોતાનું અધખુલ્લું બારણું પૂરું ઉઘાડી નાખ્યું અને ભૈયાને આખી ઓરડીનું દ્રશ્ય બતાવી કહ્યું : 'આ માલસામાન બહાર ફેંકતા ભાડું મળે એમ હોય તો... જરૂર ફેંકી દો !'

ભૈયાની નજરે આખી ઓરડી પડી. ઓરડીમાં એક ફાટેલી ચટાઈ પડી હતી. કાગળોના થોકડા પડ્યા હતા, તૂટેલો સિતાર લટકતો હતો, કપડાં ફેંકાયેલાં પડ્યાં હતાં, અને ચાના બે પ્યાલામાંથી આછી વરાળ નીકળતી હતી. દર્શન ચા બનાવી પીતો હતો એ તેનું કથન ખોટું ન હતું. ઓરડીની પરિસ્થિતિ અને દર્શનના સુંદર મુખ વચ્ચેની વિભિન્નતા નિહાળી ભૈયાનું પણ મુખ જરા બદલાઈ ગયું. ગુસ્સે થવાને સર્જાયેલા ભૈયાએ પરિસ્થિતિમાં રહેલી કરુણતા કે હાસ્યને સહજ પરખ્યાં અને જરા સહાનુભૂતિપૂર્વક તેણે કહ્યું :

'પણ... બાબુજી ! તમે એવી કેવી નોકરી કરો છો કે જેમાંથી તમને પગાર જ મળતો નથી ?'

‘એ જ ખૂબી છે ને ? આજનું અર્થશાસ્ત્ર ઈશ્વર જેવો અગમ્ય કોયડો બની ગયું છે !'

ભૈયાને અર્થશાસ્ત્ર કે ઈશ્વરની અગમ્યતાનો પરિચય ન હતો. તુલસીકૃત રામાયણ અને હનુમાન ચાલીસાને નિત્ય ગોખી રહેલો ભૈયો આજના ભણેલા ભ્રમિતો કરતાં ઈશ્વરને વધારે સ્પષ્ટતાથી ઓળખતો હતો.

'બરાબર મહેનત નહિ કરતા હો, બાબુજી !' અસફળ માણસને ભૈયો પણ શિખામણ આપી શકે એમ છે.

'ભૈયાજી ! નોકરી તો સવારના આઠથી રાતના આઠ સુધી કરું છું... પણ જુઓ... મને નોકરી મળે છે તો શેઠ મળતા નથી, અને શેઠ મળે તો પગાર મળતો નથી...' દર્શને પરિસ્થિતિ સમજાવી.

'એવો કોણ શેઠ છે ?'

'શેઠ ઘણા સરસ છે. આખી દુનિયાનું સુધારકામ હાથમાં લઈ બેઠા છે. દુનિયાને સુધારવા એમણે એક છાપું કહાડ્યું છે, પણ લોકોને સુધરવું જ ક્યાં છે? એમનું છાપું કોઈ વાંચતું નથી.'

‘તો એવા શેઠને છોડી દો .. પગાર લઈને !'

'એ બરાબર. મેં કૈંક શેઠને છોડી દીધા ! આ શેઠને પણ હું છોડવા જ માગું છું પણ છ માસથી પગારદિનનું આખું પખવાડિયું શેઠ યુ. જી. બની જાય છે, Underground-ભૂગર્ભમાં જતાં રહે છે. ઑફિસ અને ઘર ઉપર પગાર માગનારની હારકતાર જામે છે. પણ પગારમાંથી રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા કદી કદી ફેંકે છે. એને છોડી દઉ જરૂર. પણ તમે, ભૈયાજી ! તમારા શેઠ પાસે નોકરી અપાવશો ?' દર્શને ભૈયાની જ સિફારસ માગી.

ભૈયાની અને દર્શનની વચ્ચે થતી વાતચીતમાંથી ગરમી ઘટી જતાં લોકો ખસી ગયા હતા એટલે બન્નેને પોતાનાં હૈયાં ખોલવાની તક મળી ગઈ હતી. પોતાના શેઠની વાત આવતાં ભૈયાએ પોતાના શેઠ માટે અભિપ્રાય આપ્યો :

‘અરે જવા દો, બાબુજી ! એ બધાય શેઠિયાની વાતો ! એક એકથી ચઢે એવા ! ટાંકી બગડે, બત્તી તૂટે, રંગરોગાનનું નામ આવે, સમારકામ જરૂરી બને ત્યારે અમારા શેઠ પણ છૂ બની જવાના !.. અને પાઘડી લેવાની હોય ત્યાં હાજરાહજૂર !'

'એ તો ભાડુઆતોનાં જેવાં નસીબ ! પણ તમને તોં તમારો પગાર મળી જાય એટલે બસ !'

'અરે ભાઈ ! અમારી પણ એ જ મુસીબત છે ! ભાડાં ઉઘરાવીએ તો જ અમને પણ પગાર મળે ને?'

'અને બધાય ભાડું આપનાર મારા જેવા હોય ? તમે ગાઓ છો ને, ભૈયાજી ! ઘણીવાર "જૈસી જિનકી ચાકરી, ઐસા ઉનકો દેત !"... ચાલો, આપણે શરત કરીએ.. તમારા પગાર પેટે બહારોબહાર તમારા ભાગનું ભાડું સીધું તમને આપું... ભાડું બાકી, અને લો, આ તમારે જ માટે !' દર્શને કહ્યું અને બે રૂપિયા ખિસ્સામાંથી કાઢી. એણે ભૈયાના હાથમાં મૂક્યા. પૂરું ભાડું આપી શકાય એમ ન હોય ત્યારે ઘણા ભાડુઆતોને વ્યાજ પેટે ઉઘરાણી કરનાર ભૈયા અને પઠાણને રાજી રાખવાના કિસ્સા શોધી કાઢવા પડે છે.

'એ તમારે માટે જ છે, ભૈયાજીઃ આખું ભાડું બાકી... તમારું ગુજરાન પણ ચાલવું જોઈએ ને ? શેઠ પણ ન આપે અને અમે પણ ન આપીએ, એ કેમ બને ?’ દર્શનની દલીલ ભૈયાને ગળે ઊતરી ખરી. ભાડું શેઠને અત્યારે મળે એમ હતું જ નહિ. અને દર્શને આપેલા અંગત બે રૂપિયા પણ થોડી ક્ષણો પછી કાયમના જતા રહે એવો સંભવ હતો. એટલે ચાલુ પરિસ્થિતિનો સારામાં સારો અંગત ઉપયોગ કરી લેવાનું માણસ જાતે ખીલવેલું ડહાપણ વાપરી ભૈયાએ એ બે રૂપિયા રાખી લીધા અને જરા કડકાઈ ભરેલી સૂચના આપી તે બીજા ભાડુઆતની ખબર લેવા ચાલ્યો ગયો.

'ચાલો ! અત્યારની આફત તો ટળી !' કહી બારણું બંધ કરી ઠંડી ન પડતી ચાને ન્યાય આપવા દર્શને પ્રયત્ન કર્યો. ચાનો સ્વાદ એ પૂરેપૂરો અનુભવી શકતો હતો કે કેમ એની ખબર દર્શનને પણ ન હતી. સર્વ સંજોગોમાં હસતું મુખ રાખવાનો નિશ્ચય પાળવો કઠણ તો છે જ. આર્થિક મુશ્કેલીઓનાં અપમાન ભલભલા યોગીઓની સ્થિરતા ટાળી દે છે. ઘણી વાર ચારે પાસથી ઘેરાયેલો માનવી વિચારરહિત શૂન્યતામાં પ્રવેશ પામે છે. દર્શન પણ એવી જ કોઈ શૂન્યતામાં ઊતરી રહ્યો હતો અને તેની ઓરડીનું બીજું બારણું ખખડયું, એટલું જ નહિ, બારણાની ફાટમાંથી બે આંખો તગતગતી દેખાઈ.

'કોણ છે વળી ?... ચાલો, જેને આવવું હોય તે આવે !... ભૂતપ્રેત...'

દર્શન પૂરો વિચાર કરી રહે તે પહેલાં ફરીથી બારણું ખખડયું અને દર્શને ઊભા થઈ ખખડતી બારી ખોલી નાખી. 'મિયાઉં' શબ્દનું ઉચ્ચારણ કરી આંખો ચમકાવતી શોભાની કાળી બિલાડી કૂદીને બારીમાં બેસી ગઈ.

દર્શન હસ્યો. એણે બિલાડીને થાબડતાં કહ્યું :

'હા ! આ તો સતી તારામતી આવ્યાં. પધારો !'

બિલાડીને દર્શનની પણ માયા હોય એમ લાગ્યું. લપાતી તે દર્શનની સાથે ઓરડીમાં આવી અને ચાના પહેલા બે પ્યાલામાં એણે મુખ નાખવા માંડ્યું. મેજ ઉપર પડેલા એક વાડકામાં દૂધ સહજ ચોંટી રહ્યું હતું તે વાડકો બિલાડી પાસે મૂકી દર્શન બોલી ઊઠ્યો :

'તારામતી ! જે છે તેનાથી સંતોષ માની લેજો ! કોઈ માનવી કે પશુ પ્રત્યે પ્રેમ કરવા જેવી આજના કોઈ પણ હરિશ્ચંદ્રની સ્થિતિ નથી. દૂધ ભૈયાને આપેલા રૂપિયા સાથે વહી ગયું !'

વાડકામાં કાંઈ હતું જ નહિ. સહજ ચોંટેલું દૂધ બિલાડી ચાટી રહી.વધારે દૂધની ઈચ્છા તેણે પ્રગટ કરી પણ તેનો જવાબ દર્શને ક્યારનો આપી દીધો હતો. એટલે આ ચબરાક પ્રાણી ચારે બાજુએ નજર નાખી પોતાના પંજા વડે મુખ લૂછી, દર્શનના દારિદ્રય પ્રત્યે તિરસ્કારની આંખ ફેરવી, આવ્યું હતું તે જ માર્ગે એ પાછું કુદીને ચાલી ગયું. દર્શને બારી બંધ કરી. બારી બંધ કરતાં તેને વિચાર આવ્યો :

'પશુની અને આજના માનવીની આર્થિક સ્થિતિમાં કાંઈ ફેર હશે ખરો ?'

સરખામણીમાં દર્શનને પશુની આર્થિક સ્થિતિ માનવી કરતાં વધારે સુવ્યવસ્થિત લાગી. પશુ ચોરી શકે, ઝૂંટવી શકે, લૂંટી શકે ! માનવીને એ ત્રણેની બંધી. પશુને સંગ્રહખોરીની જરાય વૃત્તિ નહિ – કીડી અને મધમાખી સિવાય. ભૈયાને પૈસા આપી દીધા પછી દર્શને આવતી કાલનું દૂધ ક્યાંથી લાવશે એની ચિંતામાં પડ્યો જ હતો ! બે પ્યાલા ચાને બદલે એક પ્યાલો ચા કરી હોત તો એને આવતી કાલની ચિંતા રહેત નહિ. માનવપ્રાણી સંગ્રહખોરીનો આશ્રય લીધા વગર જીવી શકતો નથી ! પણ સંગ્રહ કરવો ક્યાંથી ! વસ્તુ એક વાર હાથ લાગે પછી એને પકડી જકડી રાખી શકાય, પરંતુ વસ્તુ હાથ કરવાનો જ મોકો ન મળતો હોય ત્યાં શું કરવું ?

બારીનું બારણું ફરી ખખડયું. બારીની ફાટમાંથી ફરી આંખો તગતગવા લાગી.

'સતી તારામતી ફરી આવ્યાં લાગે છે !... આજ દૂધ મળવાનું નથી.'

દર્શને બારણું ખખડાવતી બિલાડીને સંબોધન કર્યું અને ફરી વિચારમાં ઊતરવાની તૈયારી કરી. ત્યાં ફરી વધારે જોરથી મોટું બારણું ખખડ્યું.

'શી બિલ્લીની જાત છે !... એક બારણેથી નહિ તો બીજે બારણેથી... જા, હવે નથી બારણું ખોલતો !' દર્શન બોલી ઊઠ્યો.

પરંતુ દર્શનની ધારણા ખોટી પડી. બિલ્લીને બદલે એણે એક સુંદર સ્ત્રીકંઠ સાંભળ્યો :

'બહુ થયું હવે ! પહેલાં બારણું ખોલો; ગાળો પછી દેજો !'

દર્શન એ સ્ત્રીકંઠમાં તારાના કંઠને ઓળખાવ્યો. એ જરા ગૂંચવાયો. એણે ઝડપથી બારણું ખોલ્યું અને તારાને આવકાર સહ પોતાની ઓરડીમાં લીધી. સંધ્યાકાળ પછીની પ્રાથમિક રાત્રિમાં સ્ત્રીદેહ વધારે સુંદર દેખાતો હશે શું ? દર્શને જરા ચમકવાનો દેખાવ કર્યો અને મુખ ઉપર પાછું પોતાનું સ્મિત ધારણ કરી એણે કહ્યું :

'અરે, તમે છો તારામતી ?... મને શી ખબર પડે બંધ બારણે ?'

'હા રે ! તમને ક્યાં કશી ખબર પડે એમ છે ? ખબર પડી એમ કહો ત્યારે ગાળો તો ન જ દેવાય ને ?' તારાએ દર્શનની સામે ઊભા રહી કહ્યું.

'ગાળો ?'

'હા હા, ગાળો !'

'કોણે... મેં દીધી?'

'હા, તમે દીધી ! હવે ભૂલવાનો દેખાવ ન કરશો.'

'મેં ગાળ દીધી ?... અને તે તમને દીધી ?... આ હું શું સાંભળું છું ?'

'ગાળ નહિ તો બીજું શું ?'

'મેં શી ગાળ દીધી તમને ?'

'તે મને અમસ્તી જ બિલ્લી કહી હશે, ખરું ને?'

‘તારામતી ! હું સમજાવું, સ્પષ્ટ કરું. કેવા સંજોગોમાં...'

'મારે સમજવું નથી અને સંજોગો સ્પષ્ટ પણ કરવા નથી.' 'મારે મારી આબરૂ સાચવવી રહી. હું તો આખી સ્ત્રી જાતિનો પૂજક છું. તમારા નિબંધ માટે નારીપ્રતિષ્ઠાની કેટકેટલી દલીલો મેં તમને શોધી આપી હતી ?'

'મને બધી ખબર છે !... પછી તો તમે હસતા હતા... સ્ત્રીઓને પોતાની પ્રતિષ્ઠાનાં જ કારણો જડતાં નથી કહીને !'

‘પછી મને મારી ભૂલ સમજાઈ. પોતાની પ્રતિષ્ઠા, મોટાઈ અને અહંતા યાદ ન રાખનાર સ્ત્રી જાતિ એ જ કારણે પુરુષ કરતાં વધારે મોટી છે.’

'ફરતાં કાંઈ વાર લાગે છે વિદ્વાનોને ?'

'વિદ્વાન ? જવા દોને એ ઉપાધિ !... એક બાબતમાં હું કદી નહિ ફરું.'

'શી બાબતમાં ?'

'સ્ત્રીઓની પૂજનીયતાની બાબતમાં.'

'એનો પુરાવો ?'

'તમારી બિલ્લીને પણ હું તમારા માનવંત નામે બોલાવું છું, એ જ પુરાવો !'

'અને એમ કહીને તમે મને છોકરામાં હસાવો છો ! હું બરાબર જાણું છું. તમે કેવા પૂજક છો તે !'

'તારામતી ! નામની એ એકતામાંથી જ અત્યારની ગૂંચવણ ઊભી થઈ છે. મારું ચાલે તો હવે હું તમારું નામ ફેરવી નાખું... તમને ખબર નહિ હોય, મેં મારા મનમાં તમારાં કેટકેટલાં નામ પાડ્યા છે તે !'

'મારે એ ખબર રાખવી જ નથી... અને આ ચાના પ્યાલા તો ધોયા વગર એમ ને એમ મૂક્યા છે!' કહી તારાએ પ્યાલા ઉઠાવી દર્શનની મજાકને ન ગણકારતાં બન્ને પ્યાલા ધોઈ સાફ કરી ઠેકાણે મૂકી દીધા.

'હું તમારો અને તમારા કુટુંબીજનોનો કેટલો આભાર માનું ?' દર્શન બોલ્યો.

'હવે વિવેક જવા દો ને ! આટલી પરીક્ષા પસાર થઈ જાય પછી... હું તમારી સાથે બોલવાની જ નથી ને !' તારાએ કહ્યું.

‘તમે પરીક્ષા પસાર કરો એ શુભ દિને હું શું કરીશ એ જાણો છો ?'

'કદાચ કાંઈ ભેટ આપશો... ખરું ને ?'

'હા. ભેટ આપીશ. અને ભેટ તરીકે મારા બધા ગુના તમારે ચરણે મૂકીશ.' ‘એ બહુ સરસ ભેટ શોધી કાઢી !'

'બીજી ભેટ હું શોધી કાઢીશ.... જો હું આ ઓરડીનો ભાડુઆત ચાલુ રહીશ તો !' દર્શને આ વાક્ય હસતાં હસતાં કહ્યું. પરંતુ તારાના હૃદયમાં આ વાક્ય તીર સરખું વાગ્યું. શું દર્શન આ ઓરડી છોડીને ચાલ્યો જશે ? ભાડું નહોતું અપાતું એ માટે તો ભૈયો હમણાં બિચારા દર્શન સાથે ઝઘડી ગયો હતો ! એના પરિણામમાં દર્શનને ઓરડી છોડવી પડે એ તારાને અસહ્ય લાગ્યું.

'ઓરડી છોડવી પડે એમ લાગે છે, દર્શન ?' તારાએ પૂછ્યું. એના કંઠમાં અત્યારે છણકો ન હતો, રીસ ન હતી, કટાક્ષ ન હતો; એક પ્રકારની વ્યથા હતી.

'છોડવીયે પડે ! એમાં શું ? ભલભલા રાજાઓએ રાજ્ય છોડ્યા ! પછી આપણે હરકત શી એક ઓરડી છોડવામાં ?' દર્શને જવાબ આપ્યો.

'ઓરડી છોડીને પછી ક્યાં જશો ?'

'ઓહો ! એમાં મોટી વાત શી છે ? આવડી દુનિયા પડી છે ! સહુનો સમાસ થાય છે, મારો નહિ થાય ?'

'પણ અહીંથી તો જવું જ પડે ને?'

‘એ પણ કોણે કહ્યું ?... કાયદામાં ભાડુઆતોને કેટલું રક્ષણ છે કે ઘરમાલિકો જખ મારે છે !'

‘તમે એક મોટામાં મોટી ભૂલ કરી.' તારાએ કહ્યું.

'ભૂલ કરવામાં મને બહુ મજા પડે છે... પણ કહો તો ખરાં કે મેં કઈ મોટી ભૂલ કરી જે તમને દેખાઈ આવી ?' દર્શને પૂછ્યું.

'ચોક્કસ નોકરી થયા વગર તમારે ભાઈના ઘરમાંથી જવું જ ન હતું !'

‘તમારા ભાઈની વાત કરો છો કે મારા ભાઈની ?'

'મારા ભાઈની.'

‘તો એ ભૂલ નથી એમ હું સાબિત કરી આપું.'

'કરો સાબિત.'

‘તમારા ઘરમાં જ હું ચાલુ રહ્યો હોત તો આટલી લાંબી વાત ત્યાં કેવી રીતે થાત ? સહજ હસીને દર્શને કહ્યું.

તારા લાંબી વાતે ચઢી હતી એ હકીકત દર્શનને પણ દેખાઈ આવી શું? તારા જરા શરમાઈ. આટલી વાર થઈ અને છોકરાં હમણાં દોડતાં આવશે એની પણ તારાને ખાતરી થઈ. એની પાછળ વારંવાર છોકરાં કેમ આવતાં હતાં એનું પણ ભાન એક ક્ષણમાં તારાને થઈ ગયું. એના ભાઈ અને ભાભી એને દર્શનની સાથે લાંબા સમય સુધી એકાંતમાં ન રહેવા દે એ કારણ વિચાર કરવા જેવું ખરું જ. એનાથી બોલાઈ ગયું :

'અરે હા ! હું તો બહુ લવારે ચડી.. પણ જાણો છો, હું કેમ આવી છું તે ?'

'મારી મૂંઝવણ જોવા કે ટાળવા આવ્યાં હશો.'

'મૂંઝવણ જોવાય નહિ અને ટાળવાયે નહિ.. મૂંઝવણ વધારવા આવી. છું.'

'એટલે ?'

'એટલે એમ, કે ભાભી તમને હમણાં અને હમણાં જ બોલાવે છે...હું તો વાતે ચડી... પણ કહેવાનું તો ભૂલી જ ગઈ કે હમણાં જ ચાલો.'

'મારું શું કામ પડયું? એવી ઉતાવળનું?'

‘તે... હું શું જાણું ? સાથે આવો છો કે નહિ ?'

'તારામતી ! તમે જતાં થાઓ. હું તાળું વાસીને આવું.'

‘તાળું ! તમારી ઓરડીને? કદી વાસ્યુ છે કે અત્યારે વાસવાનું બાકી રહે?... ભૈયાને ઓરડામાં કાંઈ ન જડયું તો ચોરને શું જડશે ?'

'ભૈયાનો અને મારો સંવાદ તમે સાંભળ્યો લાગે છે.'

‘એ જે થયું તે ખરું. સાથે ચાલો છો કે બિલ્લીને મોકલું ?'

'નહિ, ભાઈ ? સાથે જ આવું છું... બિલ્લીનો મને ભારે ડર છે... રમાડવા જતાં નખ ભરે છે !'

તારાના મુખ ઉપર રીસ દેખાઈ. એણે દર્શનની સાથે જ ઓરડી બહાર નીકળતાં જવાબ આપ્યો :

'તો.... રમાડતાં ન આવડે તો એનું નામ ન લઈએ.'

બન્નેને એક ઓરડીમાંથી બીજી ઓરડીમાં ચાલ્યા જવાનું હતું !

બન્નેના હૃદયમાં કાંઈ પ્રકાશ પડયો : અણધાર્યો પ્રેમ તો જાગતો નથી?

ચાલીઓમાં પ્રેમનો બહિષ્કાર કરવો પડે છે એનું દૃષ્ટાંત તારાને એનાં ભાઈ-ભાભીની વાતમાંથી આજે જ મળ્યું હતું !

ભાડું આપવાની પણ શક્તિ જેનામાં ન હોય તેનામાં પ્રેમ ઉદ્દભવે ખરો ?' દર્શનના હૃદયે પ્રશ્ન પૂછ્યો. 'અને ઉદ્ભવે તોય તે સંતોષાય ખરો?'

દોજખમાં પણ કદી કદી વીજળી ઝબકી જાય ખરી !