ત્રિશંકુ/પગ ઉપર ઊભું રહેતું કુટુંબ

વિકિસ્રોતમાંથી
← નવી દુનિયા અને નવા દોસ્તો ત્રિશંકુ
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ
રમણલાલ દેસાઈ
માનવસર્જનનાં બે દૃશ્યો →


૨૦
 
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ
 


કિશોરની દુનિયા બદલાઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે કિશોરના કુટુંબની દુનિયા પણ બદલાઈ જાય. કિશોરને ગુનેગાર પુરવાર થયેલા માનવો કેદખાને મળ્યા; કિશોરના કુટુંબને કેદખાનાની બહાર રહેલા ગુનેગાર તરીકે પુરવાર ન થયેલા માણસો સાથે ખભા અથડાવવાનો પ્રસંગ આવ્યો. જૂની ચાલી રહેઠાણ બદલી નાખવું પડ્યું અને નગર બહારના એકાંત ભાગમાં મળેલા એક ખંડેરિયાને ઘર તરીકે સ્વીકારવું પડયું. એ ઘરમાં પણ ચોવીસે કલાક રહેવું અશક્ય હતું. કમાણી કરનાર કિશોર કેદખાનાના સળિયા પાછળ હડસેલાઈ ગયો અને તેની પાછળ કમાણી પણ ગઈ. બહુ દિવસથી જેની કલ્પના કુટુંબ કર્યા કરતું હતું તે સ્વકમાણીનો યુગ એકાએક તેમને માથે આવી પડ્યો, અને સહુ કોઈ ઘરમાં અગર ઘર બહાર કોઈ ને કોઈ કમાણી કરવા પ્રવૃત્ત થઈ ગયાં.

એક ભરચક રસ્તા ઉપર ફેરિયાઓના અવાજ સંભળાતા હતા. થોડા છોકરાઓ બૂમ પાડીને ‘વિજય' નામનું પેપર વેચતા હતા : ‘વિજય ! વિજય’ દોઢ આનો - ઠંડું યુદ્ધ ! પરદેશી કાવતરું ! સામ્યવાદીઓનો સળવળાટ ! અમેરિકન દોંગાઈ !'

રસ્તાની એક બાજુએ નાનકડી શોભા તડકામાં ઊભી ઊભી એ પત્રની છેલ્લી નકલ વેચી દે છે. છેલ્લું પત્ર ખરીદનાર યુરોપીય ઢબનાં સરસ કપડાં પહેરેલો પુરુષ નકલ લેતા શોભાને પૂછવા લાગ્યો :

'છોકરી ! તું ફેરિયા બની છું?'

'હા જી.' શોભાએ કહ્યું.

'હું તને કેટલા દિવસથી જોઉં છું તારે છાપું કેમ વેચવું પડે છે ?'

'મને બહુ મઝા પડે છે. રોજ નવું નવું વાંચવાનું પણ મળે છે.’

‘હજી દુનિયાના કોઈ પણ દેશમાં ફેરિયા તરીકે છાપાં વેચતી છોકરી મેં જોઈ નથી. તારે માબાપ છે, છોકરી ?'

‘હા જી.' જરા મૂંઝાઈને શોભાએ જવાબ આપ્યો. અને વાતચીત કરનારની સામે ધારીને જોયું. બીજું શું કરે છે, તું ?'

'હું છાપાં વેચું છું અને ભણું છું.'

'તને છાપાં વેચવા કોણ આપે છે ?'

'મારા એક ઓળખીતા છે. તે મને રોજ આટલી નકલો વેચવા માટે આપે છે.' શોભાએ જવાબ આપ્યો.

‘જો, મારે થોડી ચોપડીઓ વેચાવવી છે. તું વેચી આપીશ ?'

'હા, શા માટે નહિ ?'

'કાલે તું અહીં જ હોઈશ કે બીજે ? તું જો મારી ચોપડીઓ વેચી આપીશ તો હું તને સારું મહેનતાણું આપીશ.'

‘હા, જી. હું આ જ જગાએ. હોઈશ. હું પુસ્તક પણ વેચી આપીશ...

જરા વાંચીને. અને મહેનતાણું તો જે આપશો તે.' કહી શોભા પત્ર ખરીદનારની સામે સહજ જોઈ રહી. એ માણસ સહજ હસી શોભાને જોઈ ચાલ્યો ગયો. નિત્ય જે જે બનતું તે શોભા પોતાની માતાને અને દર્શનને કહ્યા વગર રહેતી નહિ. પત્રોના વેચાણમાંથી શોભાને જે રકમ મળતી તેમાં તેને એક પ્રકારનું અભિમાન ઉત્પન્ન થતું.

શોભા આમ કમાણી કરતી હોય ત્યારે તારા પણ પોતાના સમયનો કમાણીમાં ઉપયોગ કરે એમાં નવાઈ ન જ મનાય. એક નાની ઓરડીમાં સંધ્યાકાળે વીજળી-દીવાની મદદ વડે ટાઈપ-રાઈટર ઉપર તારા અત્યંત ઝડપથી કાગળો છાપ્યે જતી હતી. એની પાછળ આવીને દર્શન ઊભો રહ્યો હતો તેની પણ તારાને ખબર પડી નહિ, એટલી તે પોતાના કામમાં મશગૂલ હતી. અંતે છાપકામ પૂરું થયું, તારાએ કાગળો ભેગા કરી ફાઈલમાં મૂકયા, ટાઈપ-રાઈટરને બંધ કરી દીધું અને થાકેલા હાથ ઊંચા કરી તેણે આળસ મરડ્યું. તે જ વખતે તેનો એક હાથ પાછળ ઊભેલા દર્શનને અડક્યો અને તારા ચમકીને ઊઠી, ઊભી થઈ પાછળ જોવા લાગી. દર્શનને જોઈ તે સ્વસ્થ બની બોલી :

‘બાપ રે ! તમે છો ? બોલતા કેમ નથી ?'

‘મહત્ત્વનું કામ કોઈ કરતું હોય તેમાં બોલીને અડચણ કરવી એમાં હું મહાપાપ માનું છું.' દર્શને કહ્યું.

'તે તમે પાપપુણ્યમાં માનો છો ખરા ?'

'‘જરૂર પૂરતું માનીએ.... જેવો સમય અને જેવો પ્રસંગ !' દર્શને હસતે હસતે જવાબ આપ્યો.

'એના કરતાં એમ જ કહો ને કે તમે પાપપુણ્યમાં નથી જ માનતા ?' તારાએ કાગળો સમેટતાં કહ્યું.

‘તોય કંઈ હરકત નથી. પાપ અને પુણ્ય એ બે ન સમજાય એવા શબ્દો છે. આ દુનિયામાં ઘણી વાર પાપ એ પુય બની જાય છે અને પુણ્ય પાપનું સ્વરૂપ ધારણ કરે છે.' દર્શન પાપપુણ્યનું રહસ્ય ઉકેલવા માંડ્યું.

‘આવા સિદ્ધાંતો સાથે તો તમે ભયંકર લાગો છો. !' તારા બોલી.

‘પરંતુ તમારા કરતાં ઓછો ભયંકર !'

‘મને ભયંકર કહો છો ? હું ભયંકર છું?'

‘હા, તારાગૌરી ! આખી સ્ત્રી જાત, ભયંકર...પણ હવે ઘેર જવું નથી? સ્ત્રી કરતાં પણ વધારે ભયંકર રાત હવે આવી પહોંચી છે. ઘેર કેટલાં મોડા પહોંચાશે ? ચાલો, ઝડપ કરો.'

દર્શનની સૂચના અનુસાર તારાએ ઝડપથી કાગળો મૂકી દીધા અને બન્ને ઓરડીની બહાર નીકળ્યાં. રસ્તામાં લોકોની ખૂબ અવરજવર ચાલુ હતી. સંધ્યાકાળ થઈ જવાથી દીવાનો પ્રકાશ ચારે બાજુએ દુનિયાને નવો રંગ આપતો હતો. દર્શન અને તારા જોકે સાથે સાથે ચાલતાં હતાં છતાં ટોળાબંધ માણસોમાંથી જતાં તેઓ કદી કદી છૂટાં પણ પડી જતાં અને વળી પાછાં ભેગાં પણ થઈ જતાં. મોટર, ટ્રામ, બસ અને લોકોની વાતો વાતાવરણને અશાંત, કરી મૂકતાં હતાં. કંટાળેલી તા.રાએ કહ્યું:

'આ તે કાંઈ વસ્તી છે કે ગિલ્લો ? જરા વાત પણ થતી નથી !'

એટલામાં ઝડપથી ચાલતા કોઈ માણસનો હાથ તેને વાગ્યો, મોટાં શહેરોમાં સ્ત્રીપુરુષના હાથ અથડાય એમાં કોઈને પાપ લાગતું નથી. એવામાં એકાએક પાછળથી ધસી આવતા એક માણસે બન્નેની વચ્ચેથી પોતાનો માર્ગ કર્યો અને માર્ગ કરતે કરતે તારાને ખભે હાથ મૂકી આગળ નીકળી જઈ પાછળ જોઈ ‘Sorry' કહી હસી તે આગળ ચાલ્યો ગયો. વાત કરવાનો સમય મળતાં દર્શને કહ્યું :

‘તુલસીદાસના યુગમાં પણ ભારે માનવગિરદી હોવી જોઈએ.’

‘તમે કેટલીક વાર એવું બોલો છો કે કંઈ સમજાય નહિ, દર્શન ! તુલસીદાસને અને માનવગિરદીને સંબંધ શો ?' તારાએ જરા વિસ્મય પામી પૂછ્યું.

'કેમ ? પેલી નદીનાવ સંજોગવાળી સાખી તો યાદ છે ને ?' દર્શને કહ્યું

અને એટલામાં જ કોઈ ભજનિક એકતારા સાથે ફરતો ગાતો બન્ને જણે દીઠો અને સાંભળ્યો.

તુલસી આ સંસાર મેં ભાત ભાતકે લોગ,
સબસે હિલમિલ ચાલીએ નદીનાવ-સંજોગ.

ભજનિક સરસ ગાતો હતો. તે અદૃશ્ય થયો એટલે તારા બોલી ઊઠી :

'એ સાખી તો બહુ વખત સાંભળી છે - અને ગાઈ છે પણ ખરી.'

'અને એ સાખીને હજી સાંભળીશું અને ગાઈશું....જીવીશું ત્યાં લગી....' દર્શને કહ્યું.

'આપણે જીવતાં નહિ હોઈએ ત્યારે પણ આ સાખી ગવાતી હશે !' તારા બોલી.

'પછી કોણ ગાશે ?' દર્શન જરા તારા સામે જોઈને પૂછ્યું.

‘આપણાં છોકરાં વળી !...અરે, પણ પણ, દર્શન ! તમે આ ગાતાં-વગાડતાં ક્યાંથી શીખ્યા ?’ તારાએ પોતાના કથનના પહેલા ભાગથી ચમકી વાત. બદલી નાખી દર્શનને પૂછ્યું.

'હું ગાતાં શીખ્યો રુદનમાંથી.' દર્શને જવાબ આપ્યો.

‘તમે રડતા હો એવું મેં કદી જોયું નથી.'

'હું ગાતાં શીખ્યો ન હોત તો હું જરૂર રડતો હોત. સંગીત એ મારી ઢાલ છે.'

‘જાણે તમને બહુ પ્રહારો પડી ચૂક્યા હોય !'

‘પ્રેમ સિવાયના બધા જ પ્રહારો પડી ચૂક્યા છે, તારાગૌરી ' દર્શને કહ્યું.

'પરણ્યા તો છો નહિ....'

‘અને એ ભૂલ કરવી પણ નથી...'

'કારણ ?'

'મેં કહ્યું ને કે મને સ્ત્રીની બીક લાગે છે !'

'તો પછી... મારી જોડે કેમ આવો છો ?...ભાભી પાસે કેમ બેસો છો? ...અને કેટલાં માણસોને હવે જમવા લાવો છો ?' તારાએ પ્રશ્ન કર્યો.

'હું ભણતો ત્યારે પરીક્ષામાં કેટલાક પ્રશ્નોના ઉત્તર આપતો જ નહિ...' દર્શને કહ્યું.

'‘એટલે... હું પૂછું છું એ પ્રશ્નો. એવા જ અઘરા લાગે છે, ખરું ?' તારાએ કહ્યું અને બન્ને જણ પોતાના - એટલે કે સરલાના નવા સ્થાપેલા ઘર તરફ પગ ઉપાડી રહ્યાં. પરંતુ એ ઘર દૂર હતું. બહારથી ગરીબી દેખાઈ આવે એવા પ્રકારનું એ ઘરે હતું. નાનું ખરું, છતાં અંદર ખૂબ સ્વચ્છતા હતી. અંદરના એક સ્વચ્છતાભર્યા ખંડમાં ચાર યુવાન માણસોને, સ્વચ્છ સાદડીઓ ઉપર બેસાડી સરલા જમાડી રહી હતી. ઘરના એક એક માણસે કમાણીની શરૂઆત કરી દીધી હતી. સરલાની રસોઈની. આવડત અને દર્શનની ખંતે ચાર યુવાનોને સવારસાંજ જમાડવાની વ્યવસ્થા કરી આપી સરલા પોતાનો ફાળો કુટુંબ ચલાવવામાં આપી રહી હતી - કદાચ એનો ફાળો મોટામાં મોટો હતો. જમતે જમતે ઓળખીતા થઈ ગયેલા એક યુવકે કહ્યું :

‘સરલાબહેન ! તમારું ઘર ન મળ્યું હોત તો અમે ક્યારના ભૂખે મરી ગયા હોત !'

‘અમે કદાચ ભૂખે ન મર્યા હોત તો હોટેલ-વીશીઓમાં જમીને રોગથી જરૂર મરી પરવાર્યા હોત !' બીજા યુવકે કહ્યું.

‘તમને સંતોષ છે એ મારા મનને પણ સંતોષ છે.' સરલાએ સહજ વાત કરી.

'સંતોષ ? બે વર્ષથી અહીં ભટકીએ છીએ સરલાબહેન ! પણ આવું ચોખું સ્વાદિષ્ટ ખાણું અમને આ મહિને જ મળ્યું ! દર્શનનું ભલું થજો કે અમને તમારી મુલાકાત કરાવી.'

‘સ્વાદિષ્ટ ખાણું તો મળે જ છે. પરંતુ જેવો આગ્રહ સગી મા ન કરે એવા આગ્રહથી તો તમે જ જમાડી શકો, સરલાબહેન !' ચોથા યુવકે જમતાં જમતાં કહ્યું.

‘અમારું જોઈને અમારા કેટલાય બીજા મિત્રો અહીં આવવા કહે છે...' પહેલા યુવકે જણાવ્યું.

'તમને ચારે જણાને સંતોષ આપી શકું પછી બીજાની વાત.' સરલાએ જવાબ આપ્યો.

'ઘેર મા-બહેનને લખી દીધું છે કે અમને અહીં આ શહેરમાં જ મા અને બહેન બન્ને મળ્યાં છે.' બીજા યુવકે વખાણ કર્યાં.

'તમને ભાઈઓને અહીં જમવું ગોઠી ગયું એ મને પણ ગમ્યું. તમારા જેવા જુવાન ભાઈઓને જમાડતાં મને એટલો આનંદ થાય છે કે વાત ન પૂછશો... પરંતુ હું જાણું છું કે હું તમારી મા અથવા તમારી બહેન હજી બની શકી નથી.' સરલાએ જવાબ આપતાં નિઃશ્વાસ નાખ્યો.

‘કેમ, એમ, સરલાબહેન ?' ત્રીજા યુવકે કહ્યું.

'મા કે બહેનની રસોઈ આટલા દિવસમાં તમારે ત્યાં જ યાદ આવી છે. સરલાબહેન ! પછી કેમ કહો છો કે તમે બહેન બન્યાં નથી ?' ચોથા યુવકે કહ્યું.

'હું નથી સમજતી. એમ ન માનશો. હું તો અંતે તમને ભાડે જમાડું છું. હું મા કે બહેન હોઉં તો એમ પૈસા લઈને જમાડું ?' એટલું કહેતાં કહેતાં સરલાનું મુખ ઝાંખું પડી ગયું અને તેની આંખમાં પાણી ભરાઈ આવ્યું.

‘સરલાબહેન ! એ વિચાર લાવશો જ નહિ. મારું ચાલે તો આખા શહેરનાં રસોડાં તમારી દેખરેખ નીચે મૂકી દઉં ! પછી તમે સાચેસાચાં મા બની જાઓ.’ એક યુવકે કહ્યું.

'સાચું કહું સરલાબહેન ? સગી માં પણ આખો પગાર આપતાં છતાં આવો સંતોષ ભાગ્યે જ આપે. બીજા. યુવકે કહ્યું.

સરલાએ કશો જવાબ આપ્યો નહિ અને ચારે યુવકોને સારી રીતે જમાડ્યા.

ચાલીમાં હતું તે કેલેંન્ડર આ સ્થળે આવ્યું હતું. અને સરલાની નજર સામે અપશુકનિયાળ પગારદિન પડી ચૂક્યો હતો. વધેલી રસોઈ મૂકવા.સરલા બીજા ખંડમાં ચાલી ગઈ અને નાનકડી. શોભાએ આવી ચારે જણની સામે સોપારી મૂકી દીધી. ચારે જણે સોપારી લેતાં લેતાં પચાસ પચાસ રૂપિયાની નોટ શોભાના હાથમાં મૂકી દીધી. શોભા લેતાં લેતાં ખમચાઈ એટલે એક યુવકે કહ્યું:

'શોભાબહેન ! ખમચાવાની જરૂર નથી. અમે તો ઠર્યા પ્રમાણે આપીએ છીએ.

'પણ... માને પૂછ્યા વગર કેમ લઉં ?' શોભાએ નોટ હાથમાં રાખી સામો પ્રશ્ન કર્યો.

'એમાં માને પૂછવાની જરૂર જ નથી. માના હાથમાં ન મૂકીએ એ જ સારું છે.' કહી સોપારી ખાતાં ચારે જણ ઘરની બહાર ચાલ્યા ગયા. સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક જમ્યાનો આનંદ એ ચાર જણના મુખ ઉપર તરવરી રહ્યો હતો. માનવીએ સારા જમણને કદી તિરસ્કારવું નહિ.

એટલામાં સરલા ખંડમાં આવી પહોંચી. શોભાએ જરા રાજી થઈને મા સામે નોટો ધરી કહ્યું:

‘મા ! આ તો લગભગ બાપુજી લાવતા એટલા પૈસા આવી ગયા !'

‘સરલાએ એ રકમ જોયા વગર જ નિઃશ્વાસ નાખીને જવાબ આપ્યોઃ

'મૂકી રાખ, બહેન !'

'પેલી જૂની બેન્કમાં જ મૂકું ને, મા?... મેં પણ એમાં રોજ પેપર વેચતાં મળેલા પૈસા, નાખવા માંડયા છે.' કહીને શોભાએ જૂની કૅશબૉક્સમાં નોટો વાળીને મૂકી દીધી. પરંતુ નોટો મૂકતે મૂકતે પેટીમાં અને પેટની આસપાસ કીડીઓ ફરતી શોભાને દેખાઈ. શોભા બોલી ઊઠી :

‘આમાં કીડીઓ શાની ? મા ! કૂંચી આપજે. હું જરા પેટી સાફ કરું ઘર ચોખ્ખું રાખીએ છીએ તોય. આ કીડીઓ ક્યાંથી આવી ?'

સરલાએ પુત્રી તરફ કૂંચી ફેંકી. સરલાને કેશબૉક્સમાં હવે કંઈ રસ રહ્યો ન હતો. શોભાએ કબાટ ઉપરથી પેટી ઉતારી તેને ઉઘાડી નાખી, અને તેમાંના પૈસા જમીન ઉપર ઠાલવ્યા. પૈસા અને નોટોની સાથે થોડી. પીપરમીટની ગોળીઓ પણ નીકળી આવી. શોભા જરા વિચારમાં પડી. એટલામાં દોડતો દોડતો નાનકડો અમર પણ ત્યાં આવી પહોંચ્યો. શોભાએ તેને પૂછ્યું :

‘ભાઈ ! આ ગોળીઓ તેં આમાં નાખી છે શું?'

'હા, બહેન ! એ મારો ફાળો. બધાં ફાળો ફાળો કરે છે... તે હું બેંકમાં શું બીજું મૂકું ? મને ગોળીઓ મળે છે તે થોડી થોડી બચાવી પેટીમાં નાખું છું.' અમારે જવાબ આપ્યો.

સરલાના મુખ ઉપર બાળકની અણસમજ ઘેરો વિષાદ ઉપજાવી રહી. પરંતુ શોભા તો ખડખડાટ હસી અને ભાઈને કહેવા લાગી :

‘હાં... હાં... તેં મને કહ્યું હતું ખરું કે તું પણ મારી માફક બેંકમાં કંઈ મૂકે છે ખરો ! પણ જો આ તારી ગોળીઓ આપણે જુદી બેંકમાં રાખવી પડશે. નહિ તો કીડીઓ તારી ગોળીઓ સાથે પૈસાને પણ કાપી ખાશે.'

'આપણી બિલ્લીને સાથે ન લાવ્યાં ને, એટલે કીડીઓ ચઢે ને ?' અમરે કારણ આપ્યું.

શોભા પાછી ખડખડ હસી. એટલામાં ઘરના આગલા બારણાને સહજ ધક્કો વાગ્યો. ‘મિયાઉ', ‘મિયાઉં' એવો અવાજ થયો અને અમરે એકાએક દોડતાં જઈ બારણું ઉઘાડ્યું અને બિલાડીને ઉપાડી અંદર લાવ્યો. એની પાછળ તરત જ તારા અને દર્શન ઘરમાં આવી પહોંચ્યાં. અમર ખુશ થતો થતો બોલી ઊઠ્યો :

‘છેવટે ઘર જડ્યું ખરું ! મા ! બિલ્લી આવી ગઈ.'

સહુ હસવા લાગ્યાં અને બિલ્લીને પકડી સહુએ આનંદ પ્રદર્શિત કર્યો. બિલ્લીને પણ પોતાનાં જાણીતાં માણસો જડ્યાં એથી બહુ આનંદ થતો દેખાયો.

માત્ર સરલાના મુખ ઉપર કશો જ આનંદ હતો નહિ. એના હૃદયમાં એક ઓછપ દેખાયા જ કરતી હતી. ‘બધાંય આવ્યાં... પણ એક એ નથી !'

સરલા નિઃશ્વાસ નાખી એકીટશે કાંઈ જોઈ રહી. એક ક્ષણ માટે તેની દૃષ્ટિ સમક્ષ કિશોરની હસતી આકૃતિ ઊભી થઈ, પરંતુ એ તત્કાલ બદલાઈ ગઈ અને કેદખાને પુરાયેલો કિશોર તેની આંખ સમક્ષ પ્રગટ થવા લાગ્યો. સરલાએ એકાએક આંખ મીંચી દીધી અને પોતાના બંને હાથ આંખ ઉપર ઢાંકી દીધા.

તારા પોતાની ભાભીની મનોવ્યથા કાંઈક સમજી ગઈ હોય તેમ તેણે પૂછ્યું :

'ભાભી ! શું થાય છે? હું તમને પકડી લઉં?'

‘કાંઈ નહિ, બહેન !... જગજીવન શેઠનાં વહુને કાલે શું વાંચી સંભળાવું તેનો વિચાર કરતી હતી.' સરલાએ વાત બદલી નાખી અને પોતાના દુઃખને હૃદયમાં ઢાંકી રાખ્યું.

‘જગજીવનદાસ શેઠ માણસ બહુ સારા, નહિ ? આટલો જૂનો સંબંધ એમણે ચાલુ રાખ્યો.' તારાએ કહ્યું.

સરલાએ હસીને જવાબ આપ્યો : 'હા, બહેન ! માણસ બહુ સારા - હજી સુધી તો !'

અને દર્શને સરલાના મુખ તરફ જોયું.