લખાણ પર જાઓ

ત્રિશંકુ/પૃથ્વી ઉપર પગ

વિકિસ્રોતમાંથી
← વક્ર દૃષ્ટિ ત્રિશંકુ
પૃથ્વી ઉપર પગ
રમણલાલ દેસાઈ


૨૬
 
પૃથ્વી ઉપર પગ
 

યુદ્ધો નવનવા શબ્દો ઉપજાવે છે. બીજા વિશ્વયુદ્ધે ‘રેશન’ શબ્દ, હિન્દુસ્તાનને આપ્યો અને એની સાથે જોડાયેલી હાડમારીની, લુચ્ચાઈની, નફાખોરીની અને નવા નવા ગુનાઓની ભાવના ભેગી વહેંચીને વાપરવાની અને હારબંધ વહેંચણીમાં ઊભા રહેવાની ભાવના પણ ભારતવાસીઓને બતાવી ખરી - અલબત્ત એમાં પ્રધાનો, ઉપપ્રધાનો અને ઉચ્ચ સરકારી અમલદારો તથા ધનિકોનો સમાવેશ થતો નથી, કારણ જરૂરની વસ્તુઓ મેળવવા માટે તેમની પાસે બીજા કેટલાય માર્ગો હોય છે. પરંતુ જનતાનો મોટો સામાન્ય ભાગ તો રેશનથી - વસ્તુઓની માપબંધીથી હવે ટેવાઈ ગયો છે.

આવી એક અનાજ, ખાંડ, કરિયાણું. ઘી તથા ઘાસલેટ વેચનારી પરવાનાવાળી દુકાને ગ્રાહકોની હઠ જામી હતી. ગ્રાહકોમાં બાળકો, યુવાનો અને વૃદ્ધ પણ હોય જ; અને એમાં પાછાં સ્ત્રીપુરુષો પણ હોય જ ! ગ્રાહકોની બૂમાબૂમ ચાલતી હોય, સહુને જ ઉતાવળ હોય, અંદર અંદર વાતો પણ ચાલતી હોય અને પોતાની ધારણા પ્રમાણે વેચનાર તથા ખરીદનારથી ઉતાવળ ન થતી હોવાથી ફરિયાદ, અસંતોષ અને ઝગડાની પ્રાથમિક અવસ્થાય સતત ચાલુ જ હોય. દુકાનદાર અને તેના માણસો સતત ગભરાટમાં જ રહેતા હોય. વ્યવસ્થાબદ્ધ વસ્તુઓ આપતી-લેતી દુકાન કરતાં સટ્ટાબજારનો એક નાનકડો ટુકડો લાવી ત્યાં મૂકવામાં આવ્યો હોય એનો ભાસ આપતી માપબંધીની એક દુકાને આવી ભીડમાં પોતાનો વારો આવતાં સરલા કાંઈ વસ્તુઓ ખરીદવા ઊભી હતી. પોતાને જોઈતી બેચાર વસ્તુઓ દુકાનદારને બતાવી તેણે પોતાના હાથ પાછા લીધા. અને એક ક્ષણમાં તેને લાગ્યું કે તેના હાથના કાંડા ઉપર કોઈનો હાથ કળથી અને બળથી ફરતો હતો - બંગડી કાઢવા !

આસપાસ ભીડ એટલી બધી હતી કે સરલાથી પાછળ ઝડપથી જોઈ શકાય એમ ન હતું. એણે પોતે જ બળપૂર્વક ફરતા હાથને પકડી લીધો અને એટલામાં જ બેચાર માણસોએ હાથ ફેરવતા માણસના કૃત્યને જોઈ બૂમ પાડી : ચોર ! ચોર !... પકડો !'

ચોર પૂરતી બંગડી કાઢી શક્યો ન હતો ! એ કાઢી લે તે પહેલાં તેનો જ હાથ સરલાની પકડમાં આવી ગયો. સરલાએ હાથ પકડી રાખી બળ કરી પાછળ જોયું. બંગડી કાઢવા મથનાર ચોર તરીકેનો પોકાર પામેલા પુરુષમાં એને પોતાનો જ પતિ કિશોર દેખાયો ! કિશોરનું મુખ બદલાઈ ગયું હતું ખરું, છતાં તે એટલું બદલાયેલું ન હતું કે તેની પત્ની તેને ઓળખી ન શકે ! કિશોરે પણ તેની સામે જોયું. બન્ને અરસપરસ ઓળખી શક્યાં ! જેને મળવા તે રાત્રિદિવસ ઊંઘ પણ, લેતી ન હતી, એ જ પતિ ચોર તરીકે ઓળખાઈ સરલાનાં પંજામાં પકડાઈ ગયો હતો !

ચોરની બૂમ પડે, સમય દિવસનો હોય, ભેગા થઈ જાય એટલા માણસો આસપાસ ફરતા હોય અને ચોરી કરનાર શસ્ત્રહીન એકલદોકલ દુર્બળ માનવી હોય તો લોકોના ટોળામાં ઠીક વીરત્વ ખીલી નીકળે છે ! શરૂઆતની ‘ચોર ચોર'ની બૂમ પડતાં કેટલાક લોકો ભાગ્યા, પણ કેટલાએક શૂરવીરોએ કિશોરનો બીજો હાથ પકડ્યો, કેટલાકે તેને ગરદનથી ઝાલ્યો, કેટલાકે તેને મારવા મુક્કીઓ ઉગામી અને જેમની પાસે લાકડીઓ હતી. તેમણે લાકડીઓને મજબૂતીથી પકડી ઊંચકી પણ ખરી ! ચોર અને ચોરી બન્ને અનિષ્ટ છે, ચોરને ચોરી માટે સજા થવી જોઈએ એ પણ આપણે કબૂલ કરીએ, પરંતુ ચોરની ભૂખ, ચોરીની જરૂર અને ચોરની નિષ્ફળતાનો વિચાર કરતાં ઘણી વાર એમ બને છે કે ચોરને લોકદીધી સજા પોલીસ અને ન્યાયાધીશની આપેલી સજા કરતાં ઘણી વધી જાય છે. કિશોરને લાગ્યું કે હમણાં તેના ઉપર ગડદા, પાટુ અને લાકડીઓનો વરસાદ વરસી રહેશે. એકલી પત્નીએ જ હાથ પકડી રાખ્યો હોત તો તે છોડાવી નાસવાનો પ્રયત્ન કરી શકાત. પરંતુ કિશોરને લાગ્યું કે બે કરતાં વધારે હાથ તેને બાથ ભીડ રહ્યા છે ! કિસ્મતને પણ યાદ કરવા કિશોરના મનમાં મોકળાશ ન હતી. ભેગું થયેલું ટોળું તેને હવે પૂરો કરી જ નાખશે એવી ખાતરીમાં પ્રહારોની આશા રાખી લથડિયું ખાતા કિશોરે જોયું કે સરલા તેનો હાથ છોડતી ન હતી. ઊલટું કિશોરે કદી ન સાંભળેલા મોટા અવાજે સરલા કિશોરને સહુની પકડમાંથી છોડાવવા મથતી બૂમ પાડી રહી હતી :

‘છોડી દો !... ખસી જાઓ !.. આટલા બધાં? એક જણને શું વળગી પડયા છો ? હટો !'

સરલાની આવી બૂમો આસપાસના લોકોમાં રમૂજભર્યું સ્મિત ઉપજાવી રહી હતી. થોડા દિવસથી આ બાજુએ રહેવા આવેલી, એકાંત ભૂતિયા ઘરમાં નિવાસ શોધી ચૂકેલી સરલાને લોકો પિછાનતા હતા. સહુની મુશ્કેલીમાં ઊભા રહેવાની સરલાની ટેવ હજી ચાલુ જ હતી. અને આ બાજુના ગરીબ લત્તામાં રોજ કાંઈ ને કાંઈ મુશ્કેલી આવ્યા વગર રહેતી જ નહિ. એટલે સરલા થોડા સમયમાં પણ આ ભાગની વસતિને પ્રિય થઈ પડી હતી. અને સહુ તેને ઓળખતાં પણ ખરાં. સરલા ચોર જેવા ચોરને ચોરી કરતાં પકડાયેલા માણસને પણ બચાવવા મથશે જ, એવી ખાતરીમાં પડેલા કોઈએ જરા હસીને જવાબ પણ આપ્યો :

'અરે, ચોરને તે કેમ છોડાય ?'

'અરે ભાઈ ! એ ચોર ન હોય.' સરલાએ કહ્યું.

'સરલાબહેન ! તમારી દયા અહીં નહિ ચાલે.' બીજાએ કહ્યું.

'એણે કર્યું છે શું ?’ સરલાએ પ્રશ્ન કર્યો.

‘તમારી જ બંગડી ખેંચી.... અને તમે પૂછો છો એણે શું કર્યું? એને તો પૂરો જ કરો !' ત્રીજા માણસે જવાબ આપ્યો.

'આ બાઈ પડોશમાં આવી છે ત્યારની દયા આસપાસ ઊભરાઈ ગઈ છે ! બંગડી ખેંચનાર ઉપર દયા કેવી ?'

‘પણ એને મારી બંગડી ખેંચવાનો અધિકાર છે, ભાઈ !' સરલા બોલી ઊઠી.

'અરે, બંગડી ખેંચવાનો તે કોઈને અધિકાર હોય ? ભલે ભૂખે મરતો હોય છતાં !' એક નીતિમાન પૂજક બોલી ઊઠ્યો.

'હા, હા ! કેમ નહિ ?... પતિને... ધણીને... વરને તો એ અધિકાર ખરો ને ?' સરલાથી બોલ્યા વગર રહેવાયું નહિ. એટલું ન બોલત તો ઉશ્કેરાયલું ટોળું કિશોર ઉપર તૂટી જ પડત. અને કલ્પનામાં પણ લાવી ન શકાય એવું પરિણામ આવત.

સરલાનો બોલ સાંભળી લોકો ચમક્યા અને ખસી ગયા. ખસતે ખસતે એકાદ જણે જ ખાતરી કરવા પ્રશ્ન કર્યો :

‘તો... આ તમારો વર છે શું?'

'હા... તમે બધા ખસી જાઓ તો હું એમને ઘેર લઈ જાઉં !' સરલાએ સ્પષ્ટતાથી કહ્યું.

લોકોના ટોળાને બહુ સમજ ન પડી... છતાં લોકોએ ઝડપથી ખસવા માંડ્યું. કિશોરને જેમણે પકડી રાખ્યો હતો. તેમણે પોતાની પકડો છોડી દીધી; હાથ કિશોરનો ન છોડ્યો માત્ર સરલાએ ! હાથ છોડાવવાની શક્તિ કે ભાન કિશોરમાં ન હતાં સરલા કિશોરનો હાથ ઝાલી ટોળામાંથી બહાર નીકળી આગળ ચાલી. પતિનો હાથ આમ પકડીને કોઈ પત્ની ચાલે તો તે હજી કેટલાંક વર્તુળોમાં ટીકા પાત્ર બને છે, અને એ ટીકા ખાસ કરીને સ્ત્રીવર્ગની જ હોય છે ! એક સ્ત્રીથી રહેવાયું નહિ એટલે તેણે ટીકા ફેંકી:

‘આમ ભર રસ્તા વચ્ચે હાથની પકડાપકડી તે થાય ?.. સેંકડો લોકોના દેખતાં ?'

‘અરે બાઈ ! તને ખબર નથી !... કાંઈ ઝઘડો હશે... કે પછી એ ધણી ઘરથી કંટાળી નાસી ગયો હશે !' બીજી સ્ત્રીએ દૃશ્યની પાછળ છુપાયેલું એક કારણ આપ્યું. તેને સમજાયું એવું !

‘ટોળામાં એક જાણકાર પુરુષ પણ હતો. એણે આ ટીકા અંગે વધારે માહિતી આપતાં કહ્યું :

‘હું જાણું છું. મને પૂછો ને ? એ તો હમણાં જ કેદમાંથી છૂટીને આવેલા છે !' કિશોરના ઉપકાર નીચે આવેલો કોઈ માણસ ટોળામાં હાજર હોય એ અશક્ય ન હતું !

વિચાર કરતું. વાત કરતું વેરાતું ટોળું છોડી કિશોરનો હાથ પકડી સરલા ઘર તરફ આગળ વધી. રસ્તાની એક બાજુએ એકાંત હતું. એકાંતે કિશોરના માનસને જાગૃત કર્યું. જે ઘેર જવું ન હતું તે ઘર તરફ સરલા કિશોરને લગભગ ઘસડતી હતી. એકાંત, જોઈ કિશોરે કહ્યું :

'સરલા ! મારો હાથ છોડી દે.'

‘તમે ભલે મારો હાથ છોડો ... હું તમારો હાથ કેમ છોડી શકું ?' સરલાએ કહ્યું.

‘સરલા ! તને શરમ ન આવી મને પતિ તરીકે ઓળખાવતાં ?'

‘શા માટે મને શરમ આવે ? તમે પતિ હો પછી ?'

'ચોર-ડાકુ તરીકે કેદ ભોગવી આવેલા માનવીને...' બોલતાં બોલતાં પહેલી જ વાર કિશોરની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, અને તેનો કંઠ રુંધાઈ ગયો.

‘હવે બધી વાત ઘેર જઈને કરીશું... ઘર પાસે જ છે... પેલું રહ્યું !'

હાથમાં આવેલા પતિને જેમ બને તેમ વહેલો ઘરભેગો કરવાની લાલસામાં સરલાએ દૂરથી ઘર બતાવ્યું... અને કિશોરે તે જોયું પણ ખરું ! એકાએક કિશોર ઊભો રહ્યો અને અત્યંત દર્દ સાથે તે બોલી ઊઠ્યો :

'સરલા ! તને બંગલાઓમાં રાખવાની હોંશ હતી. એને બદલે આ ઘર ?... સરલા ! મારે એ ઘરમાં નથી આવવું !'

‘તો પછી ક્યાં જશો ?' 'ભાગ્ય લઈ જશે ત્યાં !'

'ભાગ્ય તો તમને મારી પાસે... ઘર પાસે... લઈ આવ્યું જ છે... હવે જે કરવું હોય તે ઘેર ગયા પછી...'

'ઘરમાં ત્યારે જ આવું જ્યારે મારું ઘર પીંખી નાખનારને હું પીંખી નાખું !'

'આપણું ઘર કોઈએ પીંખ્યું નથી... છે એમનું એમ ચાલે જ છે...'

'આખી માનવજાત ઉપર મારે વેર લેવાનું હજી બાકી છે, સરલા !'

'વેર તે લેવાય? ઈશ્વર પણ કોઈના ઉપર વેર લેતો નથી... તો પછી આપણે વેર લેનાર કોણ ?' સરલાએ કહ્યું અને કિશોર ક્ષણભર સ્તબ્ધ બની, ચમકી બોલી ઊઠ્યો :

'આ તું બોલે છે? કે પેલા સાધુ ?'

કિશોરની આંખ આગળનું સત્ય દૃશ્ય બદલાઈ ગયું અને એની કલ્પનામાં એને આશ્રય આપનાર સાધુનું સ્થળ ઊભું થયું. આજ સવારમાં જ સાધુ પાસે બેસી કિશોર પોતાના ભાવિને ઉકેલી રહ્યો હતો. વાતચીતમાં વેરનો ભાવ આવ્યા જ કરતો હતો. સાધુના એક પ્રશ્નના ઉત્તરમાં કિશોરે કહ્યું :

‘હજી વેર લેવું બાકી છે, મહારાજ !... મારી બૂરી દશા કરનારા મારા શેઠે મારી જ પત્ની પાસે બંગડી મૂકી... અને મારી પત્નીએ તેને તમાચો પણ ન માર્યો... એ વેર બન્ને ઉપર લેવાનું બાકી છે !'

‘વેર તે લેવાય, બેટા ?... ઈશ્વર પણ કોઈના ઉપર વેર લેતો નથી... તો પછી આપણે વેર લેનાર કોણ ?... અને તું જે વાત કહે છે... કે તારી પત્નીએ બંગડી લીધી...એ જો ખરી પડે તો હું તને વેર લેવાની આજ્ઞા આપીશ... જા, તપાસ કર. ઘરમાંથી કે તારી પત્નીના હાથ ઉપરથી એ બંગડી ઉતારી મારી પાસે લાવ... પહેલાં !... પછી બીજી વાત !' સાધુએ કહ્યું. અને એ જ સાધુની ઈચ્છા અનુસાર બંગડી લેવાનો લાગ ખોળતો કિશોર દુકાન પાસેના ટોળામાં સરલાને નિહાળી ચુપકીથી ઘૂસી ગયો હતો અને સરલાના કાંડા પરથી બંગડી કાઢવા પ્રયત્નશીલ થયો હતો !

વેરની વાત આવતાં સરલાએ ઉચ્ચારેલા વાક્યે સાધુ સાથે ઊકલી ગયેલો આખો પ્રસંગ ફરી ઉપજાવ્યો - કિશોરની કલ્પનામાં ! અને તેનાથી બોલાઈ ગયું.

‘આ તું બોલે છે?.. કે પેલા સાધુ ?'

'કયા સાધુ?” સરલાએ પૂછ્યું. 'જે હશે તે... સરલા ! મારી ભૂલ થઈ; સાધુ જ સાચા હતા.'

'પાછી ભૂલ શી થઈ ?'

'ભૂલ એક ભારે થઈ !... તારે હાથે તો... મેં તને પહેરાવેલી બંગડીઓ છે...' કિશોરે ભૂલ દર્શાવી. પરંતુ સરલાને એમાં કાંઈ ભૂલ સમજાઈ નહિ. એટલે એણે સ્વાભાવિક જવાબ વાળ્યો :

'તે એમ જ હોય ને? માટે તો મેં પહેરી રાખી છે !'

'મને ભ્રમ ઊપજ્યો, સરલા !'

'શો ભ્રમ ?'

'કહું?... મારા મનમાં એમ હતું કે કાલે સાંજે જગજીવન શેઠે તને આપેલી બંગડી તેં પહેરી હશે... માટે મેં બંગડી ખેંચી !'

'એમ?... તમને જે ભ્રમ થાય તે ખરો !.. ઘણું ઘણું માન્યું હતું... ધાર્યું હતું પણ તમને મારા ઉપર આ શંકા ઉપજશે એમ નહિ ઘારેલું... સ્વપ્ને પણ નહિ !' કહેતાં કહેતાં સરલાએ કિશોરનો પકડેલો હાથ છોડી દીધો.

'રીસ ચઢી, સરલા ?.... પણ કહે તો ખરી કે તે શું કર્યું એ બંગડીઓનું ?' હજી કિશોરના ભ્રમનો પડછાયો કિશોરની આસપાસ ભમતો હતો !

‘ત્યારે તમે કાલે જે બન્યું તે જોતા હતા... ગમે ત્યાંથી ! ઘરમાં બારીઓ કરતાં કાણાં વધારે છે... એટલે !' સરલાએ વક્ર આંખ કરી કહ્યું.

'એમ જ. સરલા !'

‘ત્યારે તમે ઘરમાં આવ્યા કેમ નહિ ?....મને બચાવવા ખાતર પણ ! ... અમારું પૂરું પ્રદર્શન જોવું હતું ને?'

‘બંગડી શેઠે તારી પાસે મૂકી અને એ દૃશ્યે મારા હૃદયમાં ઝેર જગાડ્યું... હું આવતો જ હતો ઘરમાં... પણ શેઠ ચીસો પાડતા સામે દોડતા આવ્યા ! અને ગુસ્સે થયેલો હું ભાગ્યો !....વેર લેવાની યુક્તિ રચવા !'

'શેઠે ચીસો કેમ પાડી ? એ ભાગ્યા કેમ ?' એનો તો વિચાર કરવો હતો ? મેં બંગડીને હાથ પણ અડાડ્યો હોત તો શેઠ ઘરમાંથી ભાગત ખરા ?'

'હા... એ ખરું... પણ કોણ જાણે કેમ... મને તારા ઉપર જ વેર આવી ગયું !... મને કહે તો ખરી કે એવું શું બન્યું કે જેથી શેઠને બહાર ભાગવું પડ્યું ?' 'કહું? મનાશે ?... બંગડી અર્પણ અને શેઠના પલાયન વચ્ચે... મેં શેઠને તમાચો મારી... બંગડીને લાત મારી... અને બંગડી ઉપાડતા શેઠને બિલાડીએ નહોર ભર્યા !... મને સાચી સહાય આપી બિલાડીએ...'

'તો... હું માનતો હતો એ જ બન્યું !'

'અને છતાં વહેમ !... વહેમ માટે સ્ત્રીઓ જ સર્જાયેલી છે ને ?' અત્યંત દુઃખ સરલાની વાણીમાં ભર્યું હોય એમ કિશોરને પણ લાગ્યું.

‘સરલા ! હું માફી માગું છું... પણ કહે. મને કેદની સજા થાય તે જ દિવસે હું તને જગજીવન શેઠની જ કારમાં ફરતી જોઉં...!'

'ફરતી ?... તમે શું કહો છો ?' એ દિવસ સિવાય હું કદી એ કારમાં બેઠી નથી... અને રસ્તા ઉપર લોકો મારી દયા ખાય... હું બેસવાની ના કહું અને હજારો માણસો અમારી હુંસાતુંસી જુએ... એના કરતાં એ સ્થળેથી ભાગી જવું વધારે સારું એમ ધારી મને દર્શને ગાડીમાં ચડાવી જ દીધી ! મને તો કશું ભાન પણ ન હતું... તમારા સિવાય !' સરલાની આંખમાંથી ગરગર આંસુ ખરી પડ્યાં. પતિના કારાગારગમન પછી સરલાએ નિઃશ્વાસ પણ નાખ્યો ન હતો અને આંખમાંથી એક આંસુ પણ પડવા દીધું ન હતું, એ સરલાનો કંઠ બંધ થઈ ગયો અને એની આંખમાં આંસુદ્વાર ખુલ્લાં થઈ ગયાં ! કિશોરે ઘર પાસે આવતાં વાત બદલી :

'શું કરે છે દર્શન અને તારા ? બન્ને પરણી જાય તો...?'

'એ તો સોગન લઈને બેઠાં છે કે તમે જ્યાં સુધી કન્યાદાન જાતે આપો નહિ ત્યાં સુધી એ પરણશે જ નહિ... બંનેના હોંશભર્યા જીવનના નિસાસા હું માથે લીધા કરું છું...' સરલાએ જવાબ આપ્યો. કિશોરનું હૃદય અકથ્ય ભાવ અનુભવી રહ્યું હતું. શોભા અને અમરના સમાચાર પૂછતાં તેની આંખમાં આંસુ ઊભરાઈ આવશે એવો એને ભય લાગ્યો. સરલાએ તેનો હાથ છોડી દીધો હતો એ દર્દભર્યો ખ્યાલ પણ તેને આવ્યો. સરલાના હાથનો આધાર કિશોરને આવશ્યક લાગ્યો. એનાથી બોલાઈ ગયું :

‘મારો હાથ કેમ છોડી દીધો, સરલા ?'

'ઘેર આવતા હો તો હાથ પકડું...' સરલાએ સ્વસ્થ બનીને જવાબ આપ્યો.

'હું ઘેર ન આવું તો ?' કિશોરને પોતાના કલંકિત દેહનો વિચાર આવ્યો.

'તો?... હું તમારી રાહ જોતી બેસી રહીશ... જેમ આજ સુધી બેસી રહી છું તેમ.' ‘મારી રાહ જોતી ?'

'હા. તમે આવ્યા વગર નહિ રહો એવી મારી ખાતરી હતી.'

'કેમ એમ ?'

'કાં તો વહેમે ભરાઈ... વેર લેવાને બહાને... મારી છાતીમાં છરી ભોંકવા... અગર વહેમ મટ્યે ઘરની હવાથી હૈયું ભરવા... તમે આવ્યા વગર રહો જ નહિ !... બન્ને પ્રસંગે મારું હૈયું ખુલ્લું જ હશે... હૈયામાં તમે જ હશો !' સરલાએ કહ્યું.

કિશોરના મસ્તકમાં તમ્મર આવ્યા. તેની આંખને લાગ્યું કે આખી સુષ્ટિ ગોળગોળ ફરી રહી છે. વેર લેવાના વિચારે તેના દેહને આપેલું સઘળું જોર હણાઈ ગયું અને તેને લાગ્યું કે તે ભોંય ઉપર પડી જશે. બંગડી મળી હોત તો સાધુ પાસે તેનાથી જઈ શકાત. એ સાધુને પણ વીસરી ગયો અને તેનાથી બોલાઈ ગયું :

'સરલા ! મારો હાથ પકડી લે; મને ફેર આવે છે.'

સરલાએ કિશોરનો મૂકી દીધેલો હાથ પાછો ઝાલી લીધો. ઘર હવે બહુ દૂર ન હતું. ઘેર જવું કે ન જવું એ પ્રશ્ન કિશોરના હૃદયમાં હવે રહ્યો જ ન હતો.

કિશોરને આવતો નિહાળી સરલાનું આખું ઘર બહાર નીકળી આવ્યું. કોઈના કંઠમાં ઉદગાર કે ઉચ્ચાર ન હતો. કિશોરની આંખનાં આંસુએ સહુની આંખમાં પડઘા પાડ્યા.

કિશોર સિવાય સહુનો એ દિવસ ખૂબખૂબ આનંદમાં વીત્યો. શોભા અને અમરનો પિતા ઘરમાં પાછો આવ્યો હતો; તારાનો વહાલો ભાઈ ઘરમાં આવ્યો હતો; દર્શનનો શુભેચ્છક ઘરમાં આવ્યો હતો... અને કોઈથી ન બન્યું તે સરલાએ કર્યું - સરલા પતિનો હાથ પકડી તેને ઘેર લઈ આવી હતી ! સહુને મન એ દિવસે સોનાનો સૂરજ ઊગ્યો હતો. સહુ સમય થતાં પોતપોતાને કામે ગયાં અને સાંજ પડતાં પાછાં આવી ગયાં. ઘર બહાર નીકળ્યાં ન હતાં માત્ર સરલા અને કિશોર ! કિશોર ઘરમાં આવ્યો તો ખરો, પરંતુ એને હજી ઘર એનું લાગ્યું ન હતું. આજ એ સહુનું પોષણ કરતો ઘરમાલિક ન હતો; ઘરમાં આજે તો આશ્રિત કે સમાજથી સંતાતો ફરતો એક ગુનેગાર હતો ! સાંજે સહુ કોઈ ભેગાં થઈને બેઠાં, હસ્યાં, આનંદ કર્યો, છતાં કિશોરના મુખ ઉપરનો વિષાદ જરાય ખસતો ન હતો !

કિશોર અને સરલા એકલાં પડ્યાં અને કિશોરથી બોલાઈ ગયું :

‘પણ સરલા ! હું હવે અહીં કરીશ શું ? કુટુંબનું પોષણ....' કિશોરને વાક્ય પૂરું ન કરવા દેતાં સરલાએ વચ્ચેથી જ જવાબ આપ્યો :

‘કુટુંબનું પોષણ કુટુંબ કરશે !... તમે કેદ સહન કરી કુટુંબને ભારેમાં ભારે શિક્ષણ આપ્યું છે... કુટુંબથી હવે એક રળનારને ખભે ચડી ન બેસાય.... સિંદબાદને ખભે રાક્ષસ ચડી બેઠો હતો તેમ !' સરલાએ જવાબ આપ્યો.

‘હું તો પાંગળો જ બની રહ્યો ને?'

‘ઘરમાં પાંચ માણસોને પગ આપીને કદાચ... તમે પાંગળા બન્યા તોય એમાં શું?’ સરલાએ ધીરજ આપી.

કિશોરને જરા આશ્ચર્ય ઊપજ્યું. એની પત્ની આ જાતનો સ્વાશ્રયની ધમકભર્યો જવાબ આપશે એમ એણે કલ્પેલું નહિ. પતિ અશક્ત બને એટલે પત્ની કાં તો મરે કે કાં વેચાય; એ સિવાય ત્રીજો માર્ગ કેદમાં ગયા પછી કિશોરને દેખાયેલો જ નહિ.

એટલામાં શરમાતી, છતાં જરા ગૌરવભરી બની ગયેલી તારાએ આવી એક નાનકડી પેટી - કૅશબૉક્સ - ભાઈના પગ પાસે મૂકી દીધી. કિશોરે તે પેટીને ઓળખી. બૅંકને નામે સદાય ખાલી રહેતી જીવનની સમસ્યાઓ ઊભી કરનારી એ મધ્યમ વર્ગની દુઃખવર્ધિની ક્લેશ-ખાણ !

પરંતુ તારાના મુખ ઉપર એ પેટી બતાવવાનો ઉત્સાહ હતો !

એટલામાં જ શોભા એવી ને એવી પોતાની બીજી પેટી લઈ આવી ! શોભાના મુખ ઉપરનો ઉત્સાહ વળી તારા કરતાં વધારે ખુલ્લો હતો 1

અમર પણ શા માટે બાકી રહી જાય ? એણે પણ પોતાની એક નાનકડી રમકડા સરખી પેટી લાવી પિતા પાસે મૂકી દીધી અને ગર્વપૂર્વક સહુની સામે જોવા લાગ્યો ! તારાએ અને શોભાએ પેટી ઉઘાડી તેમાંથી સારી રકમ જમીન ઉપર ભાઈના પગ પાસે વેરી મૂકી; અમરે પણ પોતાની પેટી ગાંભીર્યથી ખોલી અને પેટીમાં એણે ભેગી કરેલી એની સંપત્તિ પણ ખુલ્લી કરી ! અમારે નિયમબદ્ધ બચાવેલી પીપરમીન્ટ ગોળીઓ એમાં હતી!

પીપરમીન્ટનો નાનકડો ખજાનો ખુલ્લો થતાં સહુ હસી પડ્યાં ! કિશોરના મુખ ઉપર પણ સ્મિત ફરકી રહ્યું ! પુત્રે નોટો બાળી પિતાના મુખ ઉપરથી ઉરાડી મૂકેલું સ્મિત આજ પુત્રે જ પાછું આપ્યું !... આજ બહુ દિવસે એ પહેલી વાર જરા હસ્યો !

'જુઓ, ભાઈ ! અમરે પણ શું શું બચાવ્યું છે તે !'

'મને એ ન આવડ્યું !' કિશોરે કહ્યું. ‘ભલે ન આવડ્યું...એની હરકત નથી... અમને તો સહુને આવડ્યું! ... હજી ભાભીની પેટી તો ભરેલી સંતાડી રાખી છે.' તારા બોલી.

‘દર્શન પણ એની કમાણીની બચત અહીં જ મૂકે છે... માત્ર એને ઘરનો માણસ ન બનાવીએ ત્યાં સુધી એ ખોલવાની ના પાડે છે !' સરલાએ કહ્યું. દર્શન દૂર બેઠે બેઠે કાંઈ વર્તમાનપત્ર વાંચી તે ઉપર પેન્સિલના લીટા પાડતો હતો !

‘ઘરનો માણસ એટલે ?' રોજ ઘરમાં રહેતા દર્શનને ઘરનો માણસ કેમ ન બનાવાય એની ગૂંચવણમાં પડેલા નાનકડા અમરે પ્રશ્ન કર્યો.

નાની છતાં ઘણું ઘણું સમજતી શોભાએ નાના ભાઈને ડાર્યો :

‘ચૂપ રહે, બધાં વચ્ચે બોલબોલ કરે છે તે !'

ભાઈ-બહેનની ધીમી વાત ઉપર ધ્યાન આપી શકેલા કિશોરની દૃષ્ટિ જૂના... ચાલીની ઓરડીમાં ભીંતે લટકતા રહેતા કેલૅન્ડર ઉપર પડી હતી ! આજ પગારદિન હતો. !... જે કેટલાક માસ પહેલાં ઝેરભર્યો દિન બની રહેતો હતો !... આજ એ જ દિનની આસપાસ પ્રકાશ દેખાતો હતો ! થોડી વાર કેલૅન્ડર તરફ નિહાળી ચૂકેલા કિશોરના મુખમાંથી શબ્દો વહ્યા :

'આજ મારો કથળેલો પગારદિન પહેલી જ વાર શુકનિયાળ નીવડે છે !... તારા અને દર્શનને હું જ પરણાવીશ.'

તારા અને દર્શન બન્ને ઊઠીને બીજે કામે વળગ્યાં. શોભા પણ સહજ હસતી હસતી ઊભી થઈ. બહેનમય બની ગયેલો અમર પણ શોભા સાથે ઊભો થયો અને સહુ સાંભળે એમ પૂછી રહ્યો :

‘બહેન ! પરણવું એટલે ?'

'ચાંપલો કહીંનો !' આંખો કાઢી શોભાએ ન સમજાય એવો જવાબ આપી એને ખંડ બહાર લીધો, અને રસોડામાં જમવાની તૈયારીમાં પડી.

જમ્યા પછી સહુ સૂતાં... વધારે વાતો કરીને. અમરના અજાણ હૃદયમાં હજી પ્રશ્ન અણઊકલ્યો જ રહ્યો હતો: ‘પરણવું એટલે ?' માની પાસે સૂતે સૂતે અમરે માને પ્રશ્ન કર્યો - બહેને જવાબ ન આપ્યો એટલે !

'મા! પરણવું એટલે ?'

'જો ! તારાબહેન અને દર્શનભાઈનાં લગ્ન થાય તે તું બરાબર જોયા કરજે. એટલે તને પરણવું કોને કહે છે તે સમજાશે.' માતાએ પુત્રને સમજણ પાડી..

‘તે... એ બે જણ જ પરણે ! એમ ? બીજું કોઈ કેમ નહિ ?' અમરને મન પરણવાની સમસ્યા હજી ઊકલી ન હતી.  'ભણીગણીને મોટા થયા પછી એ વાત ! ચાલ, હું તને ભગવાનની વાત કહી સંભળાવું !' માતાએ પ્રશ્ન કરતા પુત્રને બીજી બાજુએ દોર્યો. વાર્તા સાંભળી ખરી ! સાંભળતે સાંભળતે તેને નિદ્રા પણ આવવા લાગી. છતાં, નિદ્રાની પહેલી ઝપટમાં તેણે માતાને બીજો પ્રશ્ન કર્યો :

'મા, ભગવાન પરણેલા કે નહિ ?'

માતાએ જવાબ આપ્યો કે નહિ તેની સ્પષ્ટતા થાય એ પહેલાં નિદ્રાએ અમરને ઝડપી લીધો !

એ વિશે વધારે જ્ઞાન મેળવવાની આશામાં દર્શન અને તારાની કાંઈ સમજ ન પડે એવી વાત પણ સાંભળી લીધી. આંગણાના ઓટલા ઉપર દર્શન કાંઈ વાંચતો બેઠો હતો અને તારા આંગણામાં ઉગાડેલાં ફૂલ ચૂંટતી હતી. ફૂલ ચૂંટી એક ફૂલ તારાએ દર્શનને માર્યું અને દર્શને ચમકી તારા તરફ જેયું. તારાએ દર્શનને ધમકાવવા માંડ્યો :

‘જો, દર્શન ! હજી ના પાડવી હોય તો કહી દેજે... પાછો કહીશ કે મને ફસાવ્યો !... મને જરાય ગરજ નથી... પરણવાની ! સમજ્યો ?'

‘પણ મને ગરજ છે ને ? હવે જેટલી ક્ષણ જાય છે એટલી યુગ બની રહે છે.' દર્શને કહ્યું.

‘અને તારે માથે મારે ભારણ બનીને પડવું નથી...જો પરણીએ તો !'

‘તો હવે એક ક્ષણ પણ શા માટે જવા દેવી ?' દર્શને કહ્યું.

'કહે ને ભાભીને કે હવે દિવસ નક્કી કરે ?'

નિરાશ થઈ અમારે વાતચીત સાંભળવી બંધ કરી. પરણવાની કાંઈ વાત એમાં હતી ખરી, પરંતુ... ફોઈ તો દર્શનભાઈને ધમકાવતાં હતાં... એમને પરણવાની ગરજ ન હતી... ભારણ... અને ક્ષણ...અને દિવસનું નક્કીપણું...દર્શન જેવા બહાદ્દુર પુરુષની નમ્રતા.. અમરને એ બન્નેની વાતચીતમાંથી પરણવાનો તાળો મળ્યો નહિ... પથ્થર કે કાંકરી ફેંકવાને બદલે આવું સરસ ફૂલ કેમ ફેંક્યું ?... અને ફૂલ તે વળી વાગે ?... નાનકડો દડો... કહ્યું, હોત તો.. એણે લાવીને ફોઈ પાસે મૂક્યો હોત. ! મારદડી જેવી એમાં મઝા તો ન જ હોય ને ?

અમરને કાંઈ સમજ પડી નહિ કે માનવીએ શા માટે પરણવું !

અને ખરેખર લગ્નનો દિવસ આવ્યો અને દર્શન તથા તારાનાં લગ્ન થયાં - સહુએ કહ્યું કે એ બન્ને પરણી ચૂક્યાં - ત્યારે તો અમરની માનસિક ગૂંચવણ ઘણી જ વધી પડી ! માએ કિશોરને કહ્યું :

'સહુએ કમાવા માંડ્યું... મેં પણ. આ મારી બચત.' ‘દર્શનની આપણે સંભાળ રાખી... એણે સહુને કમાતા કરી દીધાં... એનો ઉપકાર ભુલાય એમ નથી.' કિશોરે કહ્યું.

'મારી આ બચત તારાબહેનની પહેરામણીમાં જશે.' સરલાએ જવાબ આપ્યો.

જ્યારે આ વાતચીત થઈ ત્યારે અમરને પહેરામણીમાં કાંઈ જ સમજ પડી નહિ. લગ્ન થયાં - છતાં ખર્ચ વગર થયાં, એમ જ્યારે વાત અમરને કાને પડી ત્યારે તેને નવાઈ લાગી. શરણાઈ તો થોડી વાર વાગી હતી. એ ખર્ચ વગર કેમ આવી હશે !.. સેંકડો લોકો લગ્નમાં ભેગા થયા હતા અને તેમને શરબત પાવામાં આવ્યું હતું !... ખર્ચ વગર એ કેમ બને ?... ગીતો અને મંગલાચરણોનો ઘોંઘાટ પણ ભારે હતો ! સહુ આનંદમાં હતાં... અમર પણ કદી આનંદિત થતો... પરંતુ મોટે ભાગે અમર મૂંઝવણ જ અનુભવી રહ્યો. લગ્નને બીજે દિવસે એનાથી પોતાનો અભિપ્રાય દર્શાવ્યા વગર રહેવાયું જ નહિ. અને પોતાનાથી મોટી પણ સતત મૈત્રીભાવ અને સહાનુભૂતિ દર્શાવતી પોતાની બહેન શોભા સિવાય કોની પાસે અભિપ્રાય વ્યક્ત કરી શકે ? શોભા અને અમર કાંઈ એકલાં પડ્યાં એટલે ભાઈબહેન વચ્ચે વાત ચાલી :

‘અમર ! લગ્નમાં કેવી મઝા આવી ?' શોભાએ કહ્યું.

‘આવું લગ્ન હોય ? શોભા ! આ શરીરને પીળું પીળું બનાવવું, ધૂણી પાસે બેસવું, ફૂલોના ઢગલામાં ગૂંગળાવું, હાથ પકડી રાખવા, ઘોંઘાટમાં આપણે પણ મોટેથી બોલવું. ફેરા ફરવા, એ બધું આપણને તો કાંઈ જ ફાવે. નહિ... દર્શનભાઈ અને ફોઈ આટલું કષ્ટ વેઠીને કેમ પરણયાં એ જ મને તો ન સમજાયું !... મને લાગે છે કે... ગળ્યું ખાવાનું ન મળે તો કોઈ પરણે જ નહિ ! ખરું?... હું તો ન જ પરણું.'

'ઘેલો છે તું ! પરણનારથી તો કાંઈ ન ખવાય. બન્ને પરણનારે ઉપવાસ કરવો પડે !' શોભાએ લગ્ન વિષે વધારાનું જ્ઞાન ભાઈને આપ્યું.

‘ત્યારે તું માને કહી દેજે... હું કદી નહિ પરણું !... અને બહેન ! તુંયે ન પરણીશ !' અમરે લગ્ન ઉપર પોતાનો અંતિમ બાલ-અભિપ્રાય જાહેર કરી દીધો.

‘મૂરખનો સરદાર !' કહી શોભાએ ભાઈના મતને ધુતકારી કાઢ્યો. છતાં શોભાને એક નવાઈ તો જરૂર લાગી કે સવારનાં બહાર નીકળી પડેલાં દર્શન અને તારાને રાત્રિ પડ્યા છતાં હજી ઘેર આવવાની ફુરસદ કેમ નહિ. મળી હોય ? સંધ્યાને શરૂઆતમાં જ શોભાએ પૂછ્યું : ‘મા ! હજી સવારનાં ગયેલાં બન્ને જણ કેમ પાછાં આવ્યા નથી ?'

‘આવશે ! મને કહીને ગયાં છે... આજે કોઈ મિત્રને ત્યાં જમવા જવાનાં છે.' માએ જવાબ આપ્યો.

પરંતુ સંધ્યાસમયે તારા એક સરોવરને તીરે બેઠી હતી - જાણીતી જગાએ; ચંદ્ર ઊગી નીકળ્યો હતો. સરોવરમાં પોયણાં ખીલી રહ્યાં હતાં. એકાંત વ્યાપક હતું. છોકરાં સાથમાં ન હોય તો દર્શન અને તારા કદી કદી અહીં આવી બેસતાં અને અહીંથી ઘર તરફ પાછા વળતાં... આજે... લગ્નને બીજે દિવસે... આજ સરોવરને તટે મળી ઘેર પાછા જવાના બન્ને પરિણીત પ્રેમીઓએ નિશ્ચય કર્યો હતો. તારા વહેલી આવીને બેઠી હતી. દર્શનને અણધારી વાર લાગી. તારાએ વ્યાકુળતા અનુભવી. બેઠી હતી ત્યાંથી ઊભી થઈ એક વૃક્ષને અઢેલીને તે દર્શનનો માર્ગ ચીંધી રહી. એના મનમાં વિચાર આવ્યો :

હજી આવ્યો. નહિ, દર્શન !... એનું કામ જ એવું ! અનિયમિત !.. તે દિવસે અહીં એણે પેલી સાખી કેવી સરસ ઢબે ગાઈ હતી !'

વિચાર આવતાં જ તારાના કંઠમાં એ સાખી ઊકલી આવી. એણે ધીમે ધીમે ગાવા માંડ્યું :

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર;
સખી-ટહુકારમાં જીવવું ! મોંઘા મોર દિદાર !

ન્હાનાલાલની એ હૃદયસ્પર્શી સાખી પૂરી થતાં જ તારાની આંખ ઉપર હાથ પડ્યો, અને તેની આંખો મીંચાઈ ગઈ. આ એકાંત જગામાં પણ એને ખાતરી જ હતી કે સંતાઈ રહેલા દર્શને જ તેની આંખ ઉપર હાથ દબાવ્યો હતો. આંખ ઉપરથી હાથ ખસેડવાનો જરાય પ્રયત્ન કર્યા વગર તારા બોલી ઊઠી. :

‘દર્શન હોત તો દેખાઈ જાય !'

‘અને દર્શન ન હોય તો ?' દર્શનના જ કંઠે પૂછ્યું.

‘તો દર્શનને ધોલ પડશે !' તારાએ કહ્યું. અને તેણે દર્શનનો હાથ પોતાની આંખ ઉપરથી ખસેડી નાખ્યો. દર્શન તેની સામે જ હસતો હસતો ઊભો રહ્યો અને ફરિયાદ કરી :

‘દર્શન ન હોય તોય ધોલ દર્શનને જ પડે, એમ ?. તમને, આજની છોકરીઓને થયું છે શું ?... ધોલ, લપાટ, ઝાપટ !... છે શું?'

'પુરુષો એનું એ જ કરતા હતા ને સ્ત્રીઓ સામે.... આજ સુધી ?' તારાનું સ્ત્રીત્વ પુરુષત્વ સામે ઊછળ્યું.  'એટલે એનું પ્રાયશ્ચિત્ત હવે પુરુષોએ કરવાનું... ખરું ને ?... ભલે, આજ સુધી ધોલ મારીને સ્ત્રીઓનો સાથ રાખ્યો... હવે ધોલ ખાઈને પણ...એ સંગાથ ચાલુ જ રાખીશું !... બિચારો પુરુષ !' દર્શને કહ્યું અને તારાનો હાથ પકડી વૃક્ષ પાસેથી તેને સરોવરના તીર ઉપર લઈ ગયો. બન્ને જણાં સાથે જ બેઠાં. પહેલાં કરતાં વધારે નજીક... અડીને !

સહજ શાંત રહી દર્શને કહ્યું :

‘તારા ! જો તે દિવસે તેં મને કુમુદિની અને ચંદ્ર બતાવ્યાં હતાં ને ! ત્યારથી મેં નિશ્ચય કર્યો કે...'

‘અને હજી આજ પણ તને હું એ જ બતાવું છું !... બન્ને... ચંદ્ર અને કુમુદિની ! કેવાં ડાહ્યાં !... દૂર દૂર... એક બીજાને જોઈને હસે, પણ કોઈ કોઈને અડકે જ નહિ...' તારા બોલી.

‘એ ડહાપણમાં તો એ બન્ને ફિક્કાં, નિર્જિવ અને માંદલા બની ગયાં છે !... ખીલતાં ખીલતાં કરમાય ! ઊગતા પહેલાં તો આથમી જાય. !... હું ચંદ્ર હોઉં તો આમ આકાશમાં અધ્ધર લટકવાને બદલે નીચે ઊતરી આવું !' દર્શને જવાબ આપ્યો.

અને તું કુમુદ હો તો ?'

‘હું કુમુદ હોઉં શાનો ?... મારાથી નીચે ઊતરાય એમ ન હોય તો હું કુમુદિનીને ઉપર ખેંચી લઉં... જો... અંહ.. આમ !' કહી દર્શન તારાના હાથને ઊંચકી હૃદય ઉપર મૂક્યો, કે મુખ ઊંચકી પોતાના મુખ પાસે ખેંચ્યું એની ખબર આકાશવાસી ચંદ્ર અને સરવરમાં લહેરાતી કુમુદિની સિવાય બીજા કોઈને પડે એમ હતું જ નહિ.

અને બન્ને ચોરની માફક જરા મોડી રાત્રે આવ્યાં ત્યારે કિશોર અને સરલા જ માત્ર જાગતાં હતાં. બન્ને બાળકો તેમની રાહ જોઈ નિદ્રાવશ થયાં હતાં !

કિશોરને એ રાત્રે નિદ્રા ન આવી.

વેર લેવા પાત્ર માનવજાતમાંથી એ અપવાદ શોધતો હતો... વેર લેવા પાત્ર સંસ્થાઓમાંથી તેને અપવાદ જડતા હતા !

પત્ની ? બહેન ? પુત્ર ? પુત્રી.? મિત્ર?...કોના ઉપર એ વેર લઈ શકે? પતિ, ભાઈ કે પિતા ઉપર..? તો કિશોરને પાછું આ ઘર ક્યાંથી મળત ? જેની આ કક્ષા, તેના ઉપર વેર ન લેવાય !

અને સંસ્થા કઈ ભાંગવી ? તોડવી ? ફોડવી ?

બધીય સંસ્થા !  માત્ર... ઘર નહિ... અને... અને લગ્ન નહિ !

એ બન્ને ભલે જીવતાં રહે !

સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે પછાડા મારતા ત્રિશંકુને અંતે પગ મૂકવાને પૃથ્વી મળી... ઘરમાં ! ભલે સ્વર્ગ ન મળ્યું !

સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે પછાડા મારતાં પ્રેમી ત્રિશંકુઓને લગ્ન મળ્યું ! સ્વર્ગ મળે કે નહિ; સૌરભભરી પૃથ્વી તો લગ્નમાં મળે જ !