ત્રિશંકુ/વક્ર દૃષ્ટિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જીવન અને ઉજાણી ત્રિશંકુ
વક્ર દૃષ્ટિ
રમણલાલ દેસાઈ
પૃથ્વી ઉપર પગ →


૨૫
 
વક્ર દૃષ્ટિ
 

સંધ્યાકાળનું અંધારું જામ્યું ન હતું, તેમ ત્રીજા પહોરનો પ્રકાશ પણ બહુ જોર કરતો નહોતો. સરલાનું છેવાડે આવેલું એકલ ઘર બંગલાની ભવ્યતાનો ખ્યાલ આપતું ન હતું, પરંતુ ઘરમાંથી ઝૂંપડીમાં બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ આપતું હતું. અત્યારે સરલા ઘરમાં એકલી હતી. દર્શન અને તારા બન્ને બાળકોને લઈને ફરવા ગયાં હતાં અને ઝડપથી આવવાનાં પણ ન હતાં, કદાચ બાળકોને દેખાડવાપાત્ર ચિત્રપટમાં પણ લઈ જાય એવો સંભવ હતો. એકલી પડેલી સરલા રસોડામાં વસ્તુઓ સાફ કરતી હતી, અને ઝીણું ઝીણું દર્દમય કાંઈ ગીત ગણગણતી હતી. એકાએક કૅશબૉક્સ-બૅન્ક-પૈસાની પેટી ઉપર તેની નજર પડી અને પતિ કિશોરની મૂર્તિ તેની આંખ સામે ખડી થઈ ગઈ. ક્ષણભર તેણે એક ભ્રમમય મૂર્તિ સામે તાકીને જોયું... પરંતુ ત્યાં કિશોર ન હતો; એ માત્ર તેની કલ્પના જ હતી. સરલાનું મુખ પડી ગયું. તેને દેખાતી મૂર્તિ ઝાંખી થઈ, નાની થઈ અને ભીંતના એક કાણા ઉપર સંક્રાન્ત થઈ ગઈ.

સરલા ફરી ચમકી ભીંતના કાણા પાછળ કોઈની આંખ કેમ દેખાયા કરતી હતી ? કેદમાંથી છૂટેલો કિશોર આવીને બહારથી સાચેસાચ અંદર જોતો તો નહિ હોય ? એટલામાં બહાર મોટરકારનું હૉર્ન વાગ્યું. કિશોર કાંઈ મોટરકારમાં આવે છે. શક્ય લાગ્યું નહિ. તેણે ખરેખર ભીંતના કાણામાં નજર નાખી. સામી બાજુએ કોઈનું મુખ કે આંખ દેખાયાં નહિ, માત્ર આથમતા સૂર્યનો ઉજાસ જ તેની નજરે પડ્યો. અનેક પ્રકારની ભ્રમણા, અનુભવતી સરલાને કિશોરની ભ્રમણા આ ઢબે થાય એમાં નવાઈ નહિ. એટલામાં તેના બંધ બારણે ટકોરા વાગ્યા.

સરલા જરા ચમકી. બાળકો આટલાં વહેલાં આવે એવો સંભવ ન હતો. જમવા આવનાર ભાડૂતી. મહેમાનોને આવવાની હજી વાર હતી. ‘પેઈંગ ગેસ્ટસ્'ને ભાડૂતી મહેમાનો જ કહેવાય ને ! આર્યસંસ્કૃતિમાં મહેમાન પાસે કદી પૈસા લેવાતા જ નથી. એવા સંજોગોએ પશ્ચિમી ઢબ આપણે ત્યાં પણ દાખલ કરી. ફરી ટકોરા બારણે વાગ્યા. સરલાને સહજ ભય તો લાગ્યો, છતાં બારણું ખોલ્યા વગર ચાલે એમ તો હતું જ નહિ. તેણે બારણું ધીરે રહીને સહજ ખોલ્યું તો તેણે બારણામાં જ કિશોરના શેઠ - અને જે શેઠાણીને તે ભણાવવા તથા રંજનમાં રાખવા જતી હતી તે શેઠાણીના પતિ - જગજીવનદાસને જોયા ! આશ્ચર્ય પામી તે જરા ખમચાઈ, પણ અંતે આવકારનો દેખાવ કરી તેણે કહ્યું :

'ઓહો, શેઠસાહેબ ! તમે ક્યાંથી ? આ વખતે ?'

'શું કરીએ, સરલાબહેન ? તમે ન આવો એટલે અમારે જ આવવું રહ્યું. ને ? તમને શેઠાણી આખો દિવસ કેટલાં યાદ કરે છે તે જાણો છો ?' શેઠ જગજીવનદાસે કહ્યું.

‘હા જી, હું જાણું છું. શેઠાણીની મારી ઉપર ઘણી કૃપા છે.' સરલાએ જવાબ આપ્યો.

'ત્યારે તમે આવતાં બંધ કેમ થઈ ગયાં ?'

'જુઓ ને શેઠસાહેબ ! મને બે કામ વધારે થઈ પડ્યાં.' સરલાએ કહ્યું.

‘બે કામ ? બે કામ કયાં ?'

'એક તો આપને ત્યાં આવું તે, અને બીજું “પેઈંગ ગેસ્ટ્સ”ને બન્ને વખતે જમાડવા પડે છે તે. ઘરમાં ને ઘરમાં રસોઈ કરીને જમાડવાનું અનુકૂળ આવ્યું અને એમાં મારું પૂરું થવા લાગ્યું એટલે નાઈલાજે આપને ત્યાંનું કામ છોડી દેવું પડ્યું... મને પોતાને અણગમો આવ્યો છતાં... શેઠાણીને કહેજો કે હું એકાદ વખત આવી જઈશ.'

'પણ સરલાબહેન ! તમારે એક કામ કે બે કામ કરવાં જ શા માટે જોઈએ ?' બહાર ઊભે ઊભે શેઠસાહેબે સહાનુભૂતિ દર્શાવી. પણ હજી સરલા પોતાને અંદર બોલાવતી કેમ ન હતી તેનો જરા વ્યાકુળતાભર્યો વિચાર જગજીવનદાસને આવ્યો ખરો.

'શેઠસાહેબ ! મારે મારું અને મારા કુટુંબનું ગુજરાન તો ચલાવવું જોઈએ ને ?' સરલાએ જવાબ આપ્યો, બારણું વધારે ખોલ્યા વગર.

'તો હું, કિશોરનો શેઠ, મૂઓ પડ્યો છું શું ?'

'ના જી. આપનો તો ભારે ઉપકાર છે. બળેલી નોટો વિષે આપે મારા પતિ વિરુદ્ધ કાંઈ પગલાં ન લીધાં, અને ઊલટું શેઠાણી પાસે પુસ્તક વાંચવાનું કામ મને સોંપી મારા કપરા દિવસો નિભાવ્યા ! મારાથી એ ઉપકાર કેમ ભૂલાય ?... પધારો, બેસો... અમારું ફર્નિચર અમારા જેવું.' સરલાના આતિથ્યે જોર કર્યું અને થોડી વાર બારણા બહાર ઊભા રહેલા શેઠને અંદર બોલાવ્યા, એક પુરાણી ખુરશી ઉપર બેસાડ્યા અને પોતે નીચેની એક સાદડી ઉપર સહજ દૂર બેસી ગઈ. શેઠ સ્વસ્થતાપૂર્વક હવે બેઠા. નીચું જોઈ રહેલી સરલા તરફ જોઈ રહેલી તેમની આંખમાં એક પ્રકારની પ્રસન્નતા પ્રગટી નીકળી હતી. સરલાના વિવેકનો શેઠસાહેબે જવાબ આપ્યો :

‘તમે પહેલેથી જ મારું કહ્યું માન્યું હોત, સહકટુંબ મારા પોતાના નાના મકાનમાં જ રહ્યાં હોત તો તમારે એક કામ અને બે કામનો સંતાપ રહેત નહિ. કિશોર છૂટી આવે અને મને પૂછે તો મારે જવાબ શો આપવો ?... છોકરાં ભણત, સારી જગાએ રહેવાનું તમને સહુને મળત... અને શેઠાણીને તમારો સાથ તો ક્યારનોય ગમી ગયો છે... હજી પણ હું એનું એ જ કહું છું. કિશોરને આપતો હતો એ જ પગાર હું તમને આપ્યા કરીશ - જો મારું કહેવું સંભળો તો !' જગજીવનદાસે કહ્યું.

એ જ વખતે કિશોર બહારના ભાગમાંથી ભીંતના કાણા દ્વારા અંદર પોતાની એક આંખ રાખી રહ્યો હતો, તેની બેમાંથી કોઈને ખબર પડી નહિ. શેઠ સાહેબની આવી અનુકંપા સાંભળીને સરલાએ કહ્યું :

‘છેવટે આપ તો છો ને... બેસો, હું ચા કરી લાવું.' કહી સરલા ઊભી થવા ગઈ એટલામાં ખુરશી સરલા પાસે ખેંચી લાવી શેઠ જગજીવનદાસ કહ્યું :

‘નહિ નહિ, મારે ચા પીવી નથી - પીવો છે !... ઊભા ન થશો.... કહો તમે મારા પત્રનો જવાબ કેમ ન આપ્યો ?'

નીચું જોઈ બેસી રહેલી સરલાએ કહ્યું :

‘એવા પત્રનો હું શો જવાબ આપું ?'

‘જવાબમાં તો તમે મારે ત્યાં આવવું જ સમૂળગું બંધ કર્યું !'

'જુઓ, શેઠસાહેબ ! બીજો કોઈ માર્ગ જડશે નહિ ત્યારે તમારા પત્રનો જવાબ આપીશ.' સરલાએ જરા કડકાશથી કહ્યું.

‘માટે તો તમારો જવાબ તમારે મુખેથી સાંભળવા હું અહીં આવ્યો છું... જાતે જ... અનેક મહત્ત્વનાં કામ પડતાં મૂકીને... જવાબમાં ના ન જોઈએ, હા જ જોઈએ. !'

‘શેઠસાહેબ ! તમને કદાચ ખબર નહિ હોય, પરંતુ આપનાં શેઠાણીએ જ મને આગ્રહભરેલી સલાહ આપી હતી કે મારે તમારા બંગલામાં રહેવા ન આવવું.'

‘એ તો છે જ વહેમી !... સરલાબહેન ! હું તમને પૂછું છું... ઈશ્વરે સંપત્તિ આપી છે, વૈભવ આપ્યો છે, રસિકતા આપી છે, ત્યારે જીવન વિતાવવાનું આવી રિસાળ, વહેમી અને અભણ પત્ની સાથે !.... અને તમારાં જેવાં... જીવન માણી શકે એવાં - એમને મહેનત ભરેલું ભઠિયારખાનું ખોલવું પડે !' આટલું કહી રહી શેઠસાહેબ પોતાના શબ્દોની સરલા ઉપર થતી અસર નિહાળવા થોભ્યા. અને એકાએક સરલાએ શેઠને ચમકાવતો જવાબ આપ્યો :

'કુટ્ટણખાના કરતાં ભઠિયારખાનું વધારે સારું, નહિ ?'

'કોણે તમને એ શબ્દ આપ્યો?' શેઠે પૂછ્યું.

‘આપનાં પત્નીએ ! શેઠાણીએ ! એ તો કહે છે કે આપની આખી મહેલાત એ કુટ્ટણખાનું છે.'

'એ વસ્તુ સાચી છે કે કેમ તે પુરવાર કરવાની હું તક આપું તો ?'

'કેવી રીતે તમે મને એ તક આપશો ?'

‘મારી સાથે તમે ફરવા આવો તો તમને ઝડપથી સમજાશે... મારી કાર તૈયાર છે.'

‘ઘર સૂનું મૂકીને મારાથી ક્યાંય પણ જઈ શકાય એમ છે નહિ... અને છોકરાં માટે રસોઈ કરવાની હજી બાકી છે.' સરલાએ શેઠના આમંત્રણનો જવાબ આપ્યો.

'આપણે સારામાં સારા ભોજનાલયમાંથી તમારા આખા કુટુંબને ચાલી રહે એવી વાનીઓ લઈ આવીએ... તમને ગમે એવી.'

'મને મારા હાથની બનાવેલી વસ્તુઓ. વગર જમવું ફાવતું નથી.' સરલાએ જવાબ આપ્યો. જગજીવનદાસના આગ્રહ પાછળની ભાવના સરલા ક્યારનીય સમજી ગઈ હતી.

‘હું પણ તમારા હાથની રસોઈ જમું - જો તમે મારી એક વિનતિ સ્વીકારો તો.’ કહી જગજીવનદાસ શેઠ ખુરશી ઉપરથી ઊઠી ઊભા થયા અને સાદડી ઉપર સરલાની નજીક બેસી ગયા. સરલાને ભય લાગ્યો કે ક્રોધ ઊપજ્યો તેની સરલાને પોતાને જ ખબર પડી નહિ.

‘તમારી વિનતિ શી હશે એ હું સમજી શકું છું. મારે કોઈની વિનતિની જરૂર નથી.' સરલાએ પાસે બેસી ગયેલા જગજીવનદાસને જવાબ આપ્યો.

‘તમે મારી વિનતિ હજી પૂરી સમજ્યાં નથી. જુઓ, તમારા હાથમાં શું શોભે તે હું તમને બતાવું, અને સાથે મારી વિનતિ શું છે તે પણ સમજાવું... આ બંગડીઓ તમને ગમશે ?' કહી જગજીવન શેઠે ખિસ્સામાંથી કિંમતી બંગડીઓ કાઢી સરલાની પાસે મૂકી દીધી અને સ્મિત સહ સરલાના મુખ સામે જોયું.

ભીંતના બાકામાંથી હજી નજર ખસેડી ન શકેલા કિશોરના બન્ને હાથની મુઠ્ઠીઓ આપોઆપ વળી. સરલાનું મુખ સખ્ત બની ગયું. છતાં સભ્યતાપૂર્વક બેસી રહીને તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો :

'શેઠસાહેબ ! તમે માગો છો એ તક મારે તમને આપવી હોત તો મેં ક્યારની આપી દીધી હોત.'

‘હજી મોડું થયું નથી...' જગજીવન શેઠે સ્મિત ચાલુ રાખી કહ્યું, અને કિશોર ભીંત પાછળથી ખસી બારણા બાજુએ આવવા લાગ્યો એની જગજીવનને કે સરલાને ખબર ન હતી. સરલાએ તો જરા પણ અસ્થિર બન્યા વગર જગજીવનદાસને દૃઢતાપૂર્વક કહ્યું :

'શેઠસાહેબ ! આપ એક ક્ષણ પણ રોકાયા વગર અહીંથી ચાલ્યા જાઓ.'

‘અને હું ન જાઉ તો ?' જગજીવનદાસે હિંમતથી પ્રશ્ન કર્યો.

'તો આપને કદી નહિ થયેલું અપમાન અહીં થશે !'

'કેવી રીતે ?' જગજીવનદાસે પણ જરા સખ્ત બની પ્રશ્ન કર્યો અને સરલાએ :

‘તો... આમ થશે...' કહી. શેઠસાહેબના મુખ ઉપર અત્યંત બળપૂર્વક એક તમાચો લગાવી દીધો. જગજીવનદાસ શેઠ ઊભા થયા અને તેમણે સરલાનો હાથ પકડી કહ્યું :

'હું આવા તમાચાથી ડરતો નથી... તમાચાની શોખીન કંઈક રૂપરાણીઓએ મારા હાથ સામે ગાલ ધર્યા છે...ઓહ !...ઉહ...બાપ રે....'

ધમકી આપતાં આપતાં જગજીવનદાસ બીકના, પરાજયના, ગભરાટના ઉદ્ગારો મુખથી કાઢી રહ્યા. ઘરની પાળેલી બિલાડી ધસી આવી જગજીવનના પગે નહોર અને દાંત બેસાડવા લાગી. અણધાર્યા હુમલાથી ન ટેવાયેલા શેઠ બૂમાબૂમ કરી ઊઠ્યા અને મહામુસીબતે બિલાડીના પંજામાંથી પોતાના દેહને છુટ્ટો પાડી તેઓ બહાર ભાગી ગયા. બારણામાંથી બહાર નીકળતાં જ જગજીવનદાસે કિશોરને અર્ધઅંધકારમાં ઊભેલો જોયો. એમનાથી 'ઓહ !' ઉચ્ચારણની ચીસ પડાઈ ગઈ. ઝડપથી દોડી તેઓ કારમાં બેસી ગયા અને કારને તેમણે ઉપાડી જબરદસ્ત વેગ આપ્યો. શેઠની પાછળ દોડતા કિશોરના હાથમાં આવતે આવતે કાર સરકી ગઈ, અને કિશોર પણ એ કાર પાછળની ધૂળમાં અદ્દૃશ્ય થઈ ગયો. એટલામાં જ દર્શન, તારા તથા બન્ને બાળકો બારણે આવી પહોંચ્યાં. હવે ઠીકઠીક અંધારું થયું હતું. સરલાએ બાળકોનાં પગલાં ઓળખી ઝડપથી દીવો કર્યો. બિલાડીએ ખૂણે બેઠાં બેઠાં ઘૂરકીને પોતાની ચામડીને જોરભેર થરકાવી.

ઘરમાં પ્રવેશ કરતાં બરોબરે અમરે કહ્યું :

'મા ! આજ તો બહુ મજા આવી. કેટલું કેટલું જોયું, અને કેટલું બધું જમ્યા !'

શોભાની નજર બિલાડી ઉપર પડી અને તેની વ્યગ્રતા જોતાં શોભાથી પુછાઈ ગયું :

‘પણ આ બિલાડીને શું થયું છે ?'

અમરે શોભાના પ્રશ્નની સ્પષ્ટતા પણ કરી અને સાથે એક નવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો :

'એણે ઉંદરને પકડ્યો હશે !... દર્શનભાઈ અને ફોઈ આજ કહેતાં હતાં કે સિંહ અને બિલ્લીની જાત એક... સિંહની જાત તે વળી ઉંદરને પકડતી હશે ખરી ?'

તારા અને દર્શન બન્ને હસી પડ્યાં. હસતે હસતે તારાએ કહ્યું :

‘સરલાભાભીએ તો બિલ્લીને આજ કેટલાય દિવસથી અહિંસક બનાવી દીધી હતી ! એ આવી ગુસ્સે કેમ ?' અને બન્ને જણને હસતાં જોઈ શોભાએ માને ખબર આપી: ‘આ બન્ને જણા હમણાં જ હસ્યાં છે, મા ! બન્ને જણ લડ્યાં લાગે છે... દર્શનભાઈ અને ફોઈ..'

‘અને બહેને મને કાનમાં કહ્યું હતું કે પરણવા માટે એ બન્ને જણ લડે છે.' નાનકડા અમરે છૂપી રીતે સાંભળેલી હકીકત મા સામે જાહેર કરી.

બાળક અમરનું આ વાક્ય સાંભળી તારા અને દર્શન બન્ને સ્તબ્ધ બની ઊભાં રહ્યાં અને સરલાએ હસીને પ્રશ્ન કર્યો :

'પરણવા માટે કે ન પરણવા માટે ?'

'એ તો કોણ જાણે ! મને શી ખબર પડે ?' અમરે પ્રશ્નનો જવાબ આપ્યો.

સરલાએ જગજીવનદાસ શેઠને ભૂલવા માટે અને બાળકોને પોતાની વ્યગ્રતા વિષે સમજ ન પડે એટલા માટે નવો પ્રશ્ન કર્યો :

‘બેમાં વધારે કોણ લડે છે ?'

‘ફોઈ !' શોભાએ વચ્ચેથી જવાબ આપ્યો.

‘ત્યારે તો આપણે હવે ઉતાવળ કરવી રહી !... ચાલો જમી લો, બધાં. હમણાં પેલાં ભાડૂતી મહેમાનો આવશે.' સરલાએ આજ્ઞા કરી.

‘સરલાભાભી ! અત્યારે મારે જમવું નથી.' દર્શને આજ્ઞાના જવાબમાં કહ્યું. દર્શન તો કેટલાય સમયથી નિત્ય બે વાર આ સ્થળે જમતો જ હતો.

'મારે પણ જમવું નથી.’ તારાએ કહ્યું.

સરલા હસી અને બોલી :

‘આજ શું છે ? વ્રત-ઉપવાસ તો લગ્નને દિવસે જરૂરી ગણાય તે પહેલાં નહિ.' એટલું કહી સરલા અંદરના ઓરડામાં ચાલી ગઈ. બાળકો, દર્શન અને તારાને જોવા લાગ્યાં. દર્શન અને તારા એકબીજાની સામે વાંકી દૃષ્ટિ કરી નિહાળી રહ્યાં !