ત્રિશંકુ/જીવન અને ઉજાણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અણધાર્યો આવકાર ત્રિશંકુ
જીવન અને ઉજાણી
રમણલાલ દેસાઈ
વક્ર દૃષ્ટિ  →


૨૪
 
જીવન અને ઉજાણી
 


રેલ્વે ટ્રેઈન હવે આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે, અને મોટા ભાગની જનતા માટે રેલ્વે ટ્રેઈનનો ત્રીજો વર્ગ એ જીવન સાથે જડાયેલો ભાગ બની ગયો છે. દર્શન અને તારા કદી કદી બાળકોને પોતાની સાથે ફરવા લઈ જતાં : દૃશ્યો દેખાડવા લઈ જતાં અને બાળકોને ગમે એવી કદી કદી ખરીદી પણ કરતાં હતાં. આજ તારા અને દર્શન બાળકોને બગીચામાં લઈ જવાનો વિચાર કરી ટ્રેઈનમાં બેસી ગયાં હતાં. ગાડીનો ડબ્બો ખીચોખીચ ભરાયલો હતો, છતાં એક બારી પાસે શોભા અને અમર બેસી શક્યાં હતાં અને સામી બાજુએ બીજી બારી પાસે તારા અને દર્શન બેઠાં હતાં. એ બંને બેઠકોની પાછળ કેટલાક ઉતારુઓ બેઠા હતા, પરંતુ સહુ પોતપોતાની દુનિયામાં વિહરતા લાગતાં હતાં - ત્રીજા વર્ગમાં વિહરવાનું શક્ય હોય તો ! ઘોંઘાટ, જવરઅવર, મોટી-ઝીણી વાતો અને ગાડીનો ખખડાટ અત્યંત અસ્પષ્ટ વાતાવરણ ઊભું કરતાં હતાં. છતાં માનવશક્તિ એ બધી મુશ્કેલીઓથી પર બનીને જરૂર પડે ત્યાં મુસાફરોને વાત કરવાનું અને વાત સાંભળવાનું શક્ય બનાવતી હતી.

તારાએ દર્શન સાથે વાત શરૂ કરી.

'જો, દર્શન ! આ ગાડીમાં બેઠેલાં બધાંયના મુખ ઉપર હું તો ચિંતા જોઈ રહી છું.'

દર્શન સહજ હસ્યો પણ તેણે કંઈ જવાબ આપ્યો નહિ, એટલે તારાએ પૂછ્યું :

'કેમ હસે છે? મારું કહેવું સાચું નથી શું ?'

'તારું કહેવું સાચું ખરું, છતાં એનો અપવાદ હોઈ શકે છે.' દર્શને કહ્યું.

'અપવાદ ? મને તો કોઈ ચિંતારહિત મુખ દેખાતું નથી.'

'તો જો આપણાથી પાંચમી બેઠક ઉપર નજર કર. એની ઉપર બેઠેલી એક્કે વ્યક્તિના મુખ ઉપર ચિંતા ઘેરાયલી દેખાતી નથી.'

'પેલી બે સ્ત્રીઓ અને પુરુષ બેઠો છે તેની તું વાત કરે છે ?... હા, પણ એ કોણ હશે?'

‘જો, તારા ! જેનો નોકરીધંધો સલામત હોય તેના મુખ ઉપર ચિંતા ન હોય, અગર તો પરણેલી સ્ત્રીઓના મુખ ઉપર.'

‘તને સ્ત્રીઓ પરણે એ નથી ગમતું શું?'

'એમ નહિ ! હું તો એટલું જ કહું છું કે લગ્ન કરેલી સ્ત્રીઓના મુખ ઉપર ચિંતા જ ન હોય.'

'કારણ ?'

‘પરણેલી સ્ત્રીઓએ મોટે ભાગે ચિંતા પતિને માથે નાખી દીધેલી જ હોય છે.'

'એટલે જ જો ને, કેવાં પરાધીન મુખ છે એ સ્ત્રીઓનાં ? એમનું હાસ્ય, એમનો આનંદ અને એમનો ઉત્સાહ પતિની માલિકીનો જાણે !... પણે પેલી રૂપાળી યુવતી બેઠી છે તેને જો. ! એ મીઠું હસે છે, છતાં એની પાસે બેઠેલા મુંજી પુરુષની મહેરબાની મેળવવા હસતી હોય એમ લાગે છે... હું એવા પતિને કદી ન પરણું.’ તારાએ અંગુલિનિર્દેશ કર્યા વગર પતિની કૃપા ઉપર અવલંબી રહેલાં લાગતાં બે-ત્રણ સ્ત્રીમુખ તરફ દર્શનનું ધ્યાન દોર્યું. દર્શને એ જોઈને કહ્યું :

‘તારા ! તને પરણનાર મળવો મુશ્કેલ છે.'

'કેમ ?' તારાએ પૂછ્યું.

'જેટલાએ પ્રયત્નો કર્યા એટલા નિષ્ફળ નીવડયા - કૉલેજના મિત્રોથી માંડી મોટા મોટા વકીલપુત્રો અને શેઠશાહુકારો સુધી.'

'બીજાઓના અનુભવથી વાત ન કરીશ.'

'એટલે ?'

'તેં હજી ક્યાં પ્રયત્ન કર્યો છે ?' તારાએ કહ્યું અને તેના મુખ ઉપર સહજ લાલી ફરી વળી. તારાની સામે જોયા વગર અને આસપાસના લોકોને પ્રેમની વાતોનો વહેમ પડે નહિ એ ઢબે દર્શને કહ્યું :

'મારો કશો વિશ્વાસ નહિ, તારા ! મારો પ્રયત્ન તારી આંખ સુધી કદાચ પહોંચ્યો નહિ હોય !'

‘જા જા હવે ! જુઠ્ઠો !'

‘તારી એક શર્ત પૂરી થાય તો પછી હું કદાચ એ પ્રયત્ન કરવાની હિંમત કરું.’ દર્શને કહ્યું.

‘શર્ત ? મારી શર્ત ? કઈ શર્ત ?'

'તેં એક વખત મને કહ્યું હતું ને કે ભાઈને જો હું ઘેર લાવું તો હું માગું તે તું આપે.' દર્શને કહ્યું.

અને એકાએક ગાડી ધીમી પડી, અને સ્ટેશન આગળ અટકી પણ ગઈ. ઘણી વાતો સહુ સાંભળે એમ કરવાની હોતી નથી એટલે તારા અને દર્શનની વાત અટકી. પરંતુ ગાડી અને વાત અટકતાં બરોબર એ બન્નેની પાછલી બેઠકે બેઠેલો એક માનવી એકાએક ઊભો થઈ અત્યંત ઝડપથી ગાડીની બહાર નીકળી ગયો. અમર તથા શોભા ક્ષણભર એ જતા પુરુષ તરફ જોઈ રહ્યાં અને એકાએક શોભા બૂમ પાડી ઊઠી :

‘ભાઈને જોયા, દર્શનભાઈ? હમણાં ઊઠીને ચાલ્યા ગયા તે ?'

‘હા હા, ભાઈ જ હતા; મેં બરાબર ઓળખ્યા. ચાલો પકડી પાડીએ.' અમરે કહ્યું અને તે ઊભો થઈ ગયો. ઊભા થતાં બરોબર ગાડી ઊપડી અને અમર પડવા જેવો થઈ ગયો. મહાન નગરોની વિદ્યુત ગાડીઓ ઊપડતાં બરોબર ઝડપ ધારણ કરે છે, એટલે ચારે જણથી અહીં ઊતરાય એવું રહ્યું નહિ. છતાં દર્શન અને તારા બન્ને ઊભાં થઈ ગયાં અને આખા ખાનામાં નજર ફેરવી પાછાં બેસી ગયાં. બેસતાં બેસતાં દર્શને કહ્યું :

‘ભાઈ તો કંઈ દેખાતા નથી... ચાલો, આજે છોકરાંને આખું શહેર દેખાડી દઈએ. થાકશો તો નહિ ને ?'

'ના રે, ના. અમે તે થાકીએ ?' શોભાએ કહ્યું.

'અને આમ જ ફરતાં ફરતાં ભાઈ જડી આવે તો પકડી, ખેંચીને ઘેર લઈ જઈએ.' અમર બોલ્યો.

બાળકોને દુઃખમય વાત ભુલાવવા તારાએ કહ્યું :

'જુઓ, હવે સ્ટેશન આવશે ત્યાં આપણે ઊતરી પડીશું. હું મારે કામે જઈશ અને તમે દર્શન જોડે ફરજો સાંજ પહેલાં બાગમાં હું પાછી ભેગી થઈ જઈશ.'

અને જોતજોતામાં ગાડી ઊભી પણ રહી. અસંખ્ય માણસો ચઢ્યાં અને અસંખ્ય ઊતર્યા. સહુ ભેગાં ગિરદીમાં એ ચારે જણ સ્ટેશનની બહાર નીકળી આવ્યાં. બહારના ભાગમાં પણ કાર, બસ, ટ્રામ તથા ગાડીઓ અને પગે ચાલતાં માણસોની ચિરંજીવી હારકતાર ! તારાથી બોલાઈ ગયું :

'શી આ ભીડ ! શી આ હાયવરાળ ! માનવી જન્મ જ છે શા માટે ?'

‘એ એના હાથની વાત નથી ને, તારા !' દર્શન સહજ હસીને કહ્યું.

‘અને એના હાથની વાત હોત તો ?' તારાએ પ્રશ્નાવલિ ચાલુ રાખી.

‘તો આ થાકભરી દોડધામમાં રિબાવતી. ભૂખે મારતી, ચારે બાજુએથી ચિંતામાં શેકતી તથા ડગલે અને પગલે સહુને રૂંધતી માનવદુનિયામાં કોઈ જન્મ્યું જ ન હોત !..અરે, પેલા ભાઈ તો નથી જતા ? ... કિશોરભાઈ ! કિશોરભાઈ ! દર્શને તારાની જોડે વાતચીત કરતાં તેની પાસે થઈને ઝડપથી ચાલ્યા જતા કિશોર સરખા એક માનવીને જોઈને વાતમાંથી આડા ફંટાઈ બૂમ પાડી.

'આપણી પાસેથી હમણાં જ નીકળ્યા તે ને ? મને પણ એમ જ લાગ્યું ચાલો.' તારાએ કહ્યું, પરંતુ એ ચાલ્યો જતો કિશોર સરખો માનવી દર્શનની બૂમ સાંભળતો જ ન હતો. અને એની પાછળ જવાનો દર્શન કે તારા પ્રયત્ન કરે તે પહેલાં એ માનવ-ટોળામાં અદ્દૃશ્ય થઈ ગયો.

દર્શન અને તારાએ અસહાયપણે પરસ્પર સામે જોયું. આજ કિશોર બે વખત દેખાયો - એક વાર બાળકોને ગાડીમાં અને બીજી વાર સ્ટેશન બહાર દર્શન અને તારાને. કિશોરે પોતાનાં કુટુંબીજનોને ઓળખ્યાં નહિ હોય એમ તો કેમ કહેવાય ?... કદાચ ઓળખ્યાં હોય અને માટે જ એક ખાનામાંથી બીજા ખાનામાં તે ચાલ્યો ગયો; અને સ્ટેશનથી બહાર નીકળી તે જાણીજોઈને અદ્દૃશ્ય થઈ ગયો.

તારા કરુણાભરેલી દૃષ્ટિએ બાળકો સામે જોઈ પોતાને કામે ચાલી ગઈ. દર્શને બાળકોને પોતાની આંગળીએ વળગાડયાં અને એક ટેક્સીમાં બેસી બીજે માર્ગે બાળકોને લઈને જાહેર બગીચામાં પહોંચ્યો.

બગીચામાં લોકોની ઠીકઠીક અવરજવર હતી. કેટલાક લોકો બેસતા હતા, કેટલાક ફરતા હતા. સ્ત્રીઓ બગીચાની હવામાં નવો ઉત્સાહ અનુભવતી હતી, ને બાળકો આનંદના આવેગમાં કિલકારીઓ કરતાં દોડતાં કૂદતાં હતાં. ફરતે ફરતે દર્શન બન્ને બાળકોને લઈને પ્રાણીવિભાગમાં આવી પહોંચ્યો. આકાશમાં કુંજડાની હાર-કતાર ઊડતી સૈનિક ગોઠવણીની રચનાનો ખ્યાલ આપતી હતી. બાળકો અત્યંત રસથી એ પક્ષીઓની કલામય હારને જોઈ રહ્યાં હતાં. ધીમે ધીમે પ્રાણીઓને જોતાં જોતાં દર્શન અને બાળકો સિંહના પાંજરા પાસે આવી પહોંચ્યાં. પાંજરામાં સિંહ પણ હતો અને સિંહણ પણ હતી. બંને એકબીજાની પાસે બેઠાં હતાં; પરંતુ એ પશુઓની નજર તેમને નિહાળતા માનવીઓ તરફ હતી. જરા વાર બાળકોને તાકીને જોઈ સિંહણ ઊભી થઈ અને જાળી પાસે આવી પાછી અંદર ફરવા લાગી. ગંભીરતાપૂર્વક સિંહ બેઠો બેઠો બાળકોને જોયા કરતો હતો અને દૃષ્ટિ પાછી ખેંચી લેતો હતો. કોણ જાણે કેમ એકાએક સિંહે સહુને ચમકાવતી ગર્જના કરી અને શોભા તથા અમર બન્ને એક બીજાને વળગી પડયાં અને પછી પાછાં હસી પડયાં. હસતે હસતે શોભાએ કહ્યું :

‘સિંહ આપણને કાંઈ ન કરે. એ તો અંદર પુરાયેલો છે.' ‘પણ સિંહને છુટ્ટો મૂકે તો?' અમરે બહેનને પ્રશ્ન કર્યો.

‘તો મારી નાખે આપણને !' શોભાએ કહ્યું.

‘તે સિંહ એટલો બધો જબરો હશે ?'

'હાસ્તો, માટે એને વનરાજ કહેવામાં આવે છે.' શોભાએ ભાઈનું જ્ઞાન વધારવા પ્રયત્ન કર્યો. ભાઈએ એમાંથી જુદો જ પ્રશ્ન ઉઠાવ્યો :

‘તો એ સિંહ સિંહણને કેમ મારતો નથી ?' અમરનો એ પ્રશ્ન સાંભળી દર્શન હસ્યો અને શોભાથી એનો જવાબ નહિ આપી શકાય એમ ધારી, હસતે હસતે અમરને કહ્યું.

'જો, અમર ! સિંહ પુરુષ છે, સિંહણ સ્ત્રી છે. પુરુષથી સ્ત્રીને ન મરાય.'

'તો પછી સ્ત્રી પુરુષને મારે ખરી?.. એટલે કે સિંહણ સિંહને મારે ખરી ?

‘ના; જો એમ મારામારી કરે તો એ ભેગાં કેમ રહી શકે ?’ દર્શને જવાબ આપ્યો.

‘પણ...સિંહણ કરતાં સિંહ વધારે સારો લાગે છે, નહિ દર્શનભાઈ?' અમરે નવા નવા ઊભા થતા પ્રશ્નોમાંથી આ પ્રશ્ન કર્યો અને દર્શનને ફરી હસવું આવ્યું. દર્શને જવાબ વાળ્યો :

'સિંહની જાતમાં એ સાચું... પણ માણસ જાતમાં સ્ત્રી સારી લાગે !'

'કેમ એમ ?' અમરે પૂછ્યું.

‘જો ને ! શોભાને માથે કેવી કેશાવલિ છે - સિંહ સરખી ? અને તારું માથું ? સિંહણ જેવું !'

અચાનક સિંહે ફરી ગર્જના કરી અને તે ઊભો થયો. સિંહણને જાણે સિંહની કશી દરકાર ન હોય તેમ ગર્જના કરતા સિંહને ઘસાઈ પાંજરામાં ફરવા લાગી.

સિંહની પાસેથી ખસીને હરણ. કાંગારું, સાબર, જેવાં જાનવરો જોતાં જોતાં બાળકો એક વૃક્ષઝૂંડ નીચે આવી ઘાસ ઉપર બેઠાં, અને ઘણો થાક લાગવાથી સૂઈ પણ ગયાં. દર્શન પણ બાળકો સાથે ફરીને જરા થાક્યો હતો. લીલું ઘાસ અને ઠંડો પવન તેને ગમી ગયાં. એ પણ ઘાસ ઉપર આડો પડ્યો. જે વૃક્ષઝૂંડ નીચે એ સૂઈ રહ્યો હતો તેમાં બરાબર તેમના માથા ઉપર ઊંચે ઊંચે એક મધપૂડો લટકી રહેલો તેણે નિહાળ્યો. મધપૂડાની આસપાસ માખીઓની કાંઈ હિલચાલ હતી ખરી, પરંતુ તે નીચે આવી કોઈને હજી હરકત કરતી ન હતી. થોડી વાર આરામ લઈ તેણે પોતાને હાથે બાંધેલી ઘડિયાળમાં નજર નાખી અને તે બેઠો થયો. એટલામાં દૂરથી તારા ઝડપથી તેમના તરફ આવી પહોંચી. તારાના હાથમાં એક ટિફિન કેરિયર હતું. એ મૂકી નિરાંતે બેસી તારાએ શ્વાસ લીધો અને બોલી :

'આજ તો હું એવી થાકી ગઈ છું ! ટાઇપિંગના બે ઑર્ડરોની ના પાડી આવી !'

‘બરાબર કર્યું. મેં પણ નિશ્ચય કર્યો છે કે મારે હવે આરામ જ કરવો... કામકાજ બધું છોડીને !' દર્શને તારાને કહ્યું.

'એટલે તારે ફક્ત ગાવું અને વગાડવું !... પણ એવા નિશ્ચયનું કંઈ કારણ?' સહજ હસીને તારાએ પૂછ્યું.

'કારણ? જો ને તારા ! થાક લાગે ત્યાં સુધી જીવવામાં મજા પણ શું?' દર્શને કારણ દેખાડ્યું.

'તો પછી કોઈ ધનપતિને ત્યાં જન્મ લેવો હતો ને ?'

'મોજશોખ પણ માણસને થકવી નાખે છે, તારા ! આ જીવનને - જીવાત્માને કોણ જાણે શો ઉત્પાત થયો છે એ સમજાતું નથી !' દર્શન બોલ્યો.

‘વેદાંતી થઈ ગયો શું ?’ તારાએ પૂછ્યું.

'નહિ. વેદાંતીને તો ઉકેલ જડે છે; મને ઉકેલ જડતો નથી.'

‘શાનો ઉકેલ તારે જોઈએ ?...અરે ! આ માથા ઉપર તો મધપૂડો લટકે છે !' ઉપર નજર નાખતાં મધપૂડો જોઈ તારા બોલી.

‘એ જ ઉકેલ મારે જોઈએ છે... જ્યાં જોઈએ ત્યાં કાં તો માનવીના ટોળાં, જાનવરોનાં ધણ, પક્ષીઓના સમૂહ અગર જંતુઓના પૂડા અને રાફડા !... અરે, એ તો ઠીક ! પણ એ જીવે વનસ્પતિને પકડી, ત્યાં પણ વૃક્ષોનાં ઝૂંડ ને ઝૂંડ ! જીવાત્મા આમ જ્યાં ત્યાં જીવીને શું કરવા માગે છે ? જેને એ પકડે છે એનાં આવર્તન અને પુનરાવર્તન ! જરાય જંપ નહિ. જીવને કરવું શું છે, આટઆટલા જીવપ્રયોગો કરી કરીને ?' દર્શને બહુ દિવસે ફિલસૂફી ઉચ્ચારી.

'કદાચ... સારામાં સારું કયું શરીર, એ જીવને શોધી કાઢવું હશે.' તારાએ પણ સમજાયો તેવો જવાબ આપ્યો.

'પણ તારા ! જીવન ચંદ્ર-કૌમુદી જેવું હોય તો? તે દિવસ તે બતાવ્યું હતું તેમ ? એકબીજાને જુએ પણ સ્પર્શે નહિ !'

‘પણ એમાંય પાછો ભમરો ઊડતો ઊડતો બેસવા આવે ને ? કાળો કાળો !'

‘ભમરાનું ઉડ્ડયન એ પણ પાછી જીવનની જ શોધખોળ ને ?... મને લાગે છે તારા ! કે જીવનનાં આવર્તન એકાદ બે ભુલાવી દીધાં હોય તો કેવું?'

‘ભાઈ મને તો તારી વાતમાં કાંઈ સમજ પડતી નથી. તું કંઈ અધ્યાત્મ લેખ લખી આવ્યો લાગે છે.... કયું આવર્તન ભુલાવી દેવાય ? સિંહને સિંહ બનતો અટકાવીશ ? હરણને હરણ બનતું અટકાવીશ ? મધમાખીને માખી બનતાં. તું અટકાવીશ ? શું કરીશ તું ? કેમ કરીશ તું ?'

‘મારે માટે તો એ મુશ્કેલ છે જ. હું પણ જીવનનો એક પ્રયોગ જ ને ?'

‘તો હું પણ પ્રયોગ જ ને ?' તારાએ પૂછ્યું. દર્શન તારાની સામે જોઈ રહ્યો અને સહજ હસી તેણે કહ્યું:

‘તારી વાત તું જાણે... પણ છોકરાં હમણાં પૂછી રહ્યાં હતાં કે સિંહ માણસને ફાડી ખાય તો સિંહણને કેમ ફાડી ખાતો નથી. ? પણ સિંહની વાત જવા દઈએ. માણસને માણસ બનતો અટકાવી શકીએ કે નહિ... આજના માણસને ? એ કાંઈ ફરી ફરી અવતાર આપવા જેવો દેહ તો ન જ કહેવાય...'

‘પણ એ બને શી રીતે ?' તારાએ પૂછ્યું. દર્શન તેને કઈ બાજુએ લઈ જતો હતો તેની તારાને અત્યારે સમજ પડી નહિ. એટલે પ્રશ્ન કરીને તે દર્શનની સામે જોઈ રહી. દર્શને પ્રશ્નનો જવાબ આપ્યો :

'હં... તારો એ પ્રશ્ન હતો ! જીવન જે ઢબે વીખરાઈ રહ્યું છે તે ઢબને સંયમિત કરવામાં આવે તો કેવું?'

‘એટલે !'

માનવ જીવનને દસ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ કે પચાસ વર્ષની પાળમાં બાંધી દેવામાં આવે તો... જીવનને પ્રગટ થવા માટે માનવી કરતાં વધારે સારું માધ્યમ ન મળે ?'

દર્શનના કથનનો ધ્વનિ તારાની સમજમાં સહજ આવ્યો. અને તેણે સહજ ચિઢાઈને જવાબ આપ્યો :

‘તે કોણ તને પરણવાને બેસી રહ્યું છે ? એમ ન માનીશ કે હું તારી સાથે ફરું છું તે તારાથી મોહ પામીને ! અગર તો તને મોહ પમાડવાને !'

'અરે અરે, તારા ! તું ક્યાંની ક્યાં મારા વિચાર ખેંચી જાય છે ? મોહની કે પરણવાની હું તો વાત જ કરતો નથી !'

‘ત્યારે હું વાત કરું છું એમ માને છે ? તારી સાથે હવે પરણવાનો “પ” પણ કોઈ બોલે તો તેને ઈશ્વરના સોગંદ ! પછી કાંઈ ?”

સૂતેલા બન્ને છોકરાં જરા હાલી ઊઠી જાગ્રત થયાં હોય એમ લાગ્યું એટલે દર્શને કહ્યું : ‘શોભા જાગી જાય તે પહેલાં આપણે આ વાત પતાવી દઈએ... અરે, શોભા તો જાગી... અમર પણ જાગ્યો... હવે ચાલ આપણે ખાવાનું પીરસી દઈએ. તું લાવી છે તેમાંથી. છોકરાંને ભૂખ લાગી છે.' દર્શને કહ્યું. દર્શન વાક્ય પૂરું કરી રહ્યો તે પહેલાં તો બાળકો બેઠાં થઈ ગયાં હતાં. તારાએ દર્શનના કથનને પકડી તેનો જવાબ પણ આપ્યો :

‘શા માટે દર્શન ? મને એક રસ્તો જડ્યો છે. ભૂખની પણ પાળ બાંધીએ તો જીવન આપોઆપ અટકી જશે !'

‘નહિ નહિ, એ તો અતિવૃષ્ટિ, દુષ્કાળ અને યુદ્ધને જ સોંપી દેવાય.' દર્શને કહ્યું અને બન્ને વચ્ચેની વાતચીત સાંભળી અમરે પોતાના મનની શંકા પ્રકટ કરી :

'ફોઈ ! લડાઈ થઈ શું?'

'ચાલ ચાંપલા !... કોળિયા ભરવા માંડ.' કહી તારાએ પાંદડામાં ખાવાનું પીરસવા માંડ્યું. જગજીવન શેઠની કાર ત્યાં થઈને પસાર થતી દર્શન અને તારાએ નિહાળી. કારમાંથી શેઠે બહાર ડોકું કરી કિશોરના સંબંધીઓને જોઈ લીધાં : એમાં કોણ હતું અને કોણ ન હતું એ પણ કદાચ તેમણે તારવી લીધું હોય !

શોભા અને અમર સહજ દૂર બેઠાં હતાં એટલે શોભાએ જમતે જમતે અમરના કાનમાં કોઈ ન સાંભળે તેમ કહ્યું :

‘કહું અમર ? પરણવા માટે એ બન્ને લડે છે !'

બાળકોને છાની વાત કરતાં જોઈ તારાએ સહજ ધમકાવીને કહ્યું : ‘છાની વાત મૂકો અને જરા ઝડપ રાખો જમવામાં, છોકરાં !'

દર્શને હસીને પૂછ્યું : 'છોકરામાં હું પણ ખરો કે ?'

‘ઉમરના પ્રમાણમાં તને કશું ભાન ન હોય તો તારી પણ એમાં જ ગણતરી !'

તારાના મુખ ઉપર આછી રીસ રમી રહી હતી. દર્શન સિસોટીમાં કાંઈ ગીત વગાડવા લાગ્યો - ઝીણું ઝીણું !

અને સહુ બગીચામાં બેસી ઉજાણી અનુભવવા લાગ્યા.

હજી સૂર્ય આથમ્યો ન હતો.