દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અંતનો આરંભ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← કસોટી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
અંતનો આરંભ
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રાથમિક સમાધાની →


ર૩. અંતનો આરંભ

વાંચનારે જોયું હશે કે, જેટલું બળ વાપરી શકાય તેટલું અને જેટલાની આશા રાખી શકાય તેના કરતાં ઘણું વધારે શાંત બળ કોમે વાપર્યું. વાંચનારે એ પણ જોયું હશે કે બળ વાપરનારાનો ઘણો મોટો ભાગ જેની મુદ્દલ આશા ન રાખી શકાય એવા ગરીબ અને કચરાયેલા માણસોનો હતો. વાંચનારને એ પણ યાદ હશે કે ફિનિકસમાંથી બે કે ત્રણ સિવાયના બીજા બધા જવાબદાર કામ કરનારા જેલમાં હતા. ફિનિકસની બહારના રહેનારાઓમાં મરહૂમ શેઠ અહમદ મહમદ કાછલિયા હતા. ફિનિકસમાં વેસ્ટ, મિસ વેસ્ટ અને મગનલાલ ગાંધી હતાં. કાછલિયા શેઠ સામાન્ય દેખરેખ રાખતા હતા. મિસ શ્લેશિન ટ્રાન્સવાલનો બધો હિસાબકિતાબ અને સરહદ ઓળંગનારાઓની દેખરેખ રાખતાં હતાં. મિ. વેસ્ટની ઉપર 'ઈન્ડિયન ઓપીનિયન'નો અંગ્રેજી ભાગ ચલાવવાની અને ગોખલેની સાથે તારવ્યવહાર ચલાવવાની જવાબદારી હતી. પત્રવ્યવહાર જેવાની તો આવે સમયે જ્યારે નવા રંગ ક્ષણે ક્ષણે જામ્યા કરે ત્યારે જરૂર જ શેની પડે ? તારો પત્ર જેવડા લાંબા મોકલવા પડતા હતા. આ ઝીણી જવાબદારીનું કામ મિ. વેસ્ટને કરવું પડતું હતું.

હવે ફિનિકસ ન્યૂકૅસલની જેમ વાયવ્ય કોણના હડતાળિયાઓનું કેન્દ્ર થઈ પડયું. સેંકડો ત્યાં આવી સલાહ અને આશ્રય લેવા લાગ્યા. અાથી સરકારની નજર ફિનિકસ તરફ વળ્યા વિના કેમ રહે ? અાસપાસ રહેનારા ગોરાઓની અાંખ પણ લાલ થઈ. ફિનિકસમાં રહેવું કેટલેક અંશે જોખમકારક થઈ પડયું, તેમ છતાં બાળક, છોકરાંઓ પણ હિંમતપૂર્વક જોખમભરેલાં કામ પણ કરી રહ્યાં હતાં. એટલામાં વેસ્ટ પકડાયા. ખરું જોતાં વેસ્ટને પકડવાનુ કશું કારણ નહોતું. સમજૂતી એવી હતી કે વેસ્ટે અને મગનલાલ ગાંધીએ પકડાવાનો એક પણ પ્રયત્ન ન કરવો એટલું જ નહીં, પણ બની શકે ત્યાં લગી પકડાવાના પ્રસંગોને દૂર રાખવા. એટલે વેસ્ટે પકડાવાનું કારણ આપ્યું જ નહોતું. પણ સરકાર કાંઈ સત્યાગ્રહીની સગવડ થોડી જ જોવાની હતી ? અથવા તો પકડવાનો પ્રસંગ પણ તેને થોડો જ શોધવાનો હતો ? સત્તાધીશની અમુક કાર્ય કરવાની ઈચ્છા એ જ તેને સારુ પ્રસંગ છે. વેસ્ટ પકડાયાનો તાર ગોખલેને ગયો, કે તરત તેમણે હિંદુસ્તાનથી બાહોશ માણસો મોકલવાનું પગલું ભરવાનું શરૂ કર્યું, લાહોરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહીઓને મદદ દેવાને સારુ સભા ભરાઈ હતી ત્યારે એન્ડ્રૂઝે પોતાની પાસે રહેલા બધા પૈસા આપી દીધા હતા, અને ત્યારથી જ ગોખલેની નજર તેની ઉપર પડી હતી. એટલે તેમણે વેસ્ટના પકડાવાનું સાંભળતાં જ એન્ડ્રૂઝને તારથી પૂછયું : 'તમે તરત દક્ષિણ આફ્રિકા જવાને તૈયાર છો ?' એન્ડ્રૂઝે જવાબમાં તરત 'હા' લખી. એ જ ક્ષણે તેના પરમ પ્રિય મિત્ર પિયર્સન પણ તૈયાર થયા અને તે બંને પહેલી સ્ટીમરથી દક્ષિણ આફ્રિકા જવા નીકળી પડયા.

પણ હવે તો લડત પૂરી થવાની અણી ઉપર હતી. હજારો નિર્દોષ માણસોને જેલમાં રાખવાની શક્તિ દક્ષિણ આફ્રિકાની સરકાર પાસે ન હતી. વાઈસરૉય પણ તે સાંખે એમ ન હતું. આખું જગત જનરલ સ્મટ્સ શું કરશે તે જોઈ રહ્યું હતું, આવે સમયે સામાન્ય રાજ્યો જે કરે છે તે દક્ષિણ આફ્રિકાની સરકારે કર્યું. તપાસ તો કશીયે કરવાની ન હતી. થયેલો અન્યાય પ્રસિદ્ધ હતો. એ અન્યાય દૂર કરવાની આવશ્યકતા સૌ કોઈ જોઈ શકતું હતું. જનરલ સ્મટ્સ પણ જોઈ શકતા હતા કે અન્યાય થયો છે અને તે દૂર થવો જેઈએ, પણ તેની સ્થિતિ સર્પ છછુંદર ગળ્યા જેવી હતી. તેણે ઇન્સાફ કરવો જોઈએ, અને ઇન્સાફ કરવાની શક્તિ તે ખોઈ બેઠા હતા, કેમ કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓને એમ સમજાવ્યું હતું કે પોતે ત્રણ પાઉંડનો કર રદ અને બીજા સુધારા કરનાર નથી. હવે કર કાઢયે જ છૂટકો રહ્યો અને બીજા સુધારા પણ કર્યો જ છૂટકો. આવી કફોડી સ્થિતિમાંથી નીકળી જવાનું પ્રજામતથી ડરીને ચાલનારાં રાજ્યો હમેશાં કમિશન નીમીને કરે છે. તેની મારફતે માત્ર નામની તપાસ કરવામાં આવે છે, કેમ કે આવા કમિશનનું પરિણામ પહેલેથી જ જણાયેલું હોય છે, અને કમિશને ભલામણ કરી એટલે તેનો અમલ થવો જ જોઈએ એવી સામાન્ય પ્રથા છે, એટલે કમિશનની ભલામણોનો આશ્રય લઈને જે ન્યાય કરવાની રાજ્યોએ ના પાડેલી હોય છે તે જ ન્યાય કરે છે. જનરલ સ્મટ્સના કમિશનમાં ત્રણ સભ્યો નિમાયા. હિંદી કોમે તે કમિશનને વિશે કરેલી કેટલીક શરતોનું પાલન ન થાય ત્યાં સુધી તેનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. એમાંની એક શરત એ હતી કે, સત્યાગ્રહીને છોડવા, અને બીજી એ હતી કે, કમિશનમાં એક સભ્ય તો હિંદી કોમ તરફથી હોવો જ જોઈએ. પહેલી શરત કેટલેક અંશે કમિશને જ સ્વીકારી લીધી હતી અને સરકારને ભલામણ કરી હતી કે, કમિશનને પોતાનું કામ સરળ કરવા સારુ મિ. કૅલનબૅકને, મિ. પોલાકને અને મને બિનશરતે છોડી દેવા. સરકારે આ ભલામણનો સ્વીકાર કર્યો અને અમને ત્રણેને સાથે જ છોડી મૂકયા. અમે ભાગ્યે બે માસની જેલ ભોગવી હશે.

બીજી તરફથી, વેસ્ટને પકડ્યા તો ખરા પણ તેની ઉપર કેસ કરી શકાય એવું કંઈ ન હતું, એટલે તેને પણ છોડી મૂક્યા હતા. આ બનાવો એન્ડ્રૂઝ અને પિયર્સન આવ્યા તેના પહેલાં જ બની ગયા હતા, એટલે તે બંને મિત્રોને હું જ સ્ટીમર ઉપરથી ઉતારી આવેલો હતો. આ બંનેને આ બનાવોની કશી ખબર ન હોવાથી તેઓને સાનંદાશ્ચર્ય થયું. મારી આ બંનેની સાથે પહેલી જ મુલાકાત હતી.

અમને ત્રણેને છૂટતાં નિરાશા જ થઈ. અમને બહારની કશી ખબર ન હતી. કમિશનની ખબરથી આશ્ચર્ય પામ્યા, પણ અમે જેયું કે અમે કમિશનને કશી મદદ કરવા અસમર્થ હતા. કમિશનમાં હિંદીઓની વતી કોઈક પણ માણસ હોવો જોઈએ એમ અવશ્ય જણાયું. આ ઉપરથી અમે ત્રણ જણ ડરબન પહોંચ્યા, ને ત્યાંથી જનરલ સ્મટ્સને કાગળ લખ્યો, તેનો સાર આ હતો :

'અમે કમિશનને વધાવી લઈએ છીએ. પણ તેમાં જે બે સભ્યો જેવી રીતે નિમાયા છે તેની સામે અમને સખ્ત વાંધો છે. તેમની જાત પ્રત્યે કશો વિરોધ નથી. તેઓ જાણીતા અને બાહોશ શહેરી છે. પણ તે બંનેએ ઘણી વેળા હિંદીઓ પ્રત્યેનો પોતાનો અણગમો જાહેર કર્યો છે, એટલે તેઓનાથી અજાણપણે અન્યાય થવાનો સંભવ છે. મનુષ્ય પોતાનો સ્વભાવ એકાએક ફેરવી શકતો નથી. આ બે ગૃહસ્થો પોતાનો સ્વભાવ બદલી નાખશે એમ માનવું કુદરતના નિયમ વિરુદ્ધ છે. છતાં અમે તેઓની બરતરફી નથી માગતા. અમે તો એટલું જ સૂચવીએ છીએ કે, કોઈ તટસ્થ પુરુષોનો તેમાં વધારો થાય અને તે હેતુથી સર જેઈમ્સ રોઝઇનિસ અને ઑન ડબલ્યુ. પી. શ્રાઈનરનાં નામ અમે સૂચવીએ છીએ. આ બંને પ્રખ્યાત વ્યક્તિઓ છે અને તેમની ન્યાયવૃત્તિને સારુ પંકાયેલી છે. અમારી બીજી પ્રાર્થના એ છે કે, બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવા જોઈએ. જો તેમ ન થાય, તો અમારે પોતાને જેલ બહાર રહેવું મુશ્કેલ થઈ પડે. હવે તેઓને જેલમાં રાખવાનું કારણ રહેતું નથી. વળી જો અમે કમિશનની આગળ પુરાવો આપીએ તો અમને ખાણોમાં ને જ્યાં જ્યાં ગિરમીટિયા કામ કરે છે ત્યાં ત્યાં જવાની છૂટ મળવી જેઈએ. જે અમારી પ્રાર્થના કબૂલ નહીં રહે તો અમારે દિલગીરીની સાથે ફરી જેલમાં જવાના ઉપાયો શોધવા પડશે.'

જનરલ સાહબે કમિશનમાં વધારો કરવાની ના પાડી અને જણાવ્યું કે, કમિશન કોઈ પક્ષને સારુ નીમવામાં નથી આવ્યું. કમિશન કેવળ સરકારના સંતાપને સારુ છે. આ જવાબ મળતાં અમારી પાસે એક જ ઈલાજ રહ્યો; અને અમે જેલની તૈયારી કરી જાહેરનામાં બહાર પાડયાં કે, સને ૧૯૧૪, ૧લી જાન્યુઆરીએ ડરબનથી જેલ જનારાની કૂચ શરૂ થશે. ૧૮મી ડિસેમ્બરે (૧૯૧૩) અમને છોડયા. ર૧મીએ અમે મજકૂર કાગળ લખ્યો અને ર૪મીએ જનરલનો જવાબ આવ્યો.

પણ અા જવાબમાં એક વસ્તુ હતી, તે ઉપરથી મેં જનરલ સ્મટ્સને કાગળ લખ્યો.. જનરલના જવાબમાં આ વાકય હતું : 'કમિશન નિષ્પક્ષપાત અને અદાલતી બનાવવામાં આવ્યું છે, અને એની નિમણૂક કરતાં જો હિંદીઓની સાથે મસલત કરી નથી તો ખાણોવાળા સાથે, ચીનીવાળા સાથે પણ નથી કરવામાં આવી.' આ ઉપરથી મેં ખાનગી કાગળમાં જણાવ્યું કે, જો સરકાર ન્યાય જ ઇચ્છતી હોય તો મારે જનરલ સ્મટ્સની મુલાકાત લેવી છે ને તેમની પાસે કેટલીક હકીકતો રજૂ કરવી છે. આના જવાબમાં જનરલ સ્મટ્સે મુલાકાતની માગણી સ્વીકારી. આમ થતાં કૂચ કરવાનું થોડા દિવસને સારુ તો મુલતવી જ રહ્યું.

અા તરફથી ગોખલેએ જ્યારે સાંભળ્યું કે નવી કૂચ કરવાની છે ત્યારે તેમણે લાંબો તાર મોકલ્યો, લૉર્ડ હાર્ડિંગ ની સ્થિતિ અને પોતાની સ્થિતિ કફોડી થશે એમ લખ્યું ને બીજી કૂચ અટકાવવા તથા કમિશનને પુરાવા આપી મદદ કરવાની દાબીને સલાહ આપી.

અમારી ઉપર ધર્મસંકટ આવી પડયું, જો કમિશનના સભ્યોમાં વધારો ન થાય તો તેનો બહિષ્કાર કરવાની કામ પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. લૉર્ડ હાર્ડિગ નારાજ થાય, ગોખલે દુ:ખી થાય તોયે પ્રતિજ્ઞાભંગ કેમ થાય ? મિ. એન્ડ્રૂઝે ગોખલેની લાગણી અને નાજુક તબિયતની અને અમારા નિશ્ચયથી થતો આઘાત પહોંચવાની વાત વિચારવાનું સૂચવ્યું. હું તો એ જાણતો જ હતો. અાગેવાનોની મસલત થઈ ને છેવટે નિર્ણય થયો કે, જે કમિશનમાં વધારો થાય નહીં તો ગમે તે જોખમે પણ બહિષ્કાર તો કાયમ રહેવો જ જેઈએ. તેથી ગોખલેને લગભગ સો પાઉંડનું ખર્ચ કરીને લાંબો તાર કર્યો. તેમાં એન્ડ્રૂઝ પણ સંમત થયા. આ તારની મતલબ આ હતી :

“તમારું દુ:ખ સમજાય છે. ગમે તે જતું કરીને પણ તમારી સલાહને માન આપવાની મારી ઈચ્છા રહે જ. લોર્ડ હાર્ડિંગે મદદ કરી છે એ અમૂલ્ય છે. તેની મદદ છેવટ લગી મળતી રહે એ પણ હું ઈચ્છું છું. પણ અમારી સ્થિતિ તમે સમજો એમ હું માગું છું, આમાં હજારો માણસોની પ્રતિજ્ઞાનો પ્રશ્ન આવ્યો છે. પ્રતિજ્ઞા શુદ્ધ છે. આખી લડતની રચના પ્રતિજ્ઞાઓ ઉપર બંધાઈ છે. જો પ્રતિજ્ઞાઓનું બંધન ન હોત તો અમારામાંના ઘણા આજે પડી ગયા હોત. હજારોની પ્રતિજ્ઞા પર એક વાર પાણી ફરે તો પછી નીતિબંધન જેવી વસ્તુ ન રહે. પ્રતિજ્ઞા લેતી વેળા લોકોએ સંપૂર્ણ વિચાર કરેલો. તેમાં કશી અનીતિ તો છે જ નહીં. બહિષ્કારની પ્રતિજ્ઞા લેવાનો કોમને અધિકાર તો છે જ. આવી પ્રતિજ્ઞા કોઈને પણ સારુ ન તૂટે ને ગમે તે જોખમે પાળવી જોઈએ, એમ તમે પણ સલાહ આપો એમ ઈચ્છું છું. અા તાર લૉર્ડ હાર્ડિંગને બતાવશો. તમારી સ્થિતિ કફોડી ન થાઓ એમ ઈચ્છું છું. અમે લડત ઈશ્વરને સાક્ષી રાખી તેની સહાય ઉપર આધાર રાખી શરૂ કરી છે. વડીલોની, મોટા માણસોની મદદ અમે યાચીએ છીએ, ઈચ્છીએ છીએ, તે મળે ત્યારે રાજી થઈએ છીએ, પણ તે મળો વા ન મળો, પ્રતિજ્ઞાનું બંધન ન જ તૂટવું જોઈએ, એવો મારો નમ્ર અભિપ્રાય છે. એ પાલનમાં તમારો ટેકો ને આશીર્વાદ ચાહું છું.”

આ તાર ગોખલેને પહોંચ્યો. તેની અસર તેમની તબિયત ઉપર થઈ પણ તેમની મદદ ઉપર ન થઈ, અથવા થઈ તે એવી કે મદદનું જોર હજુ પણ વધ્યું. લૉર્ડ હાર્ડિંગને તેમણે તાર મોકલ્યો પણ અમારો ત્યાગ ન કર્યો. ઊલટો અમારી દૃષ્ટિનો બચાવ કર્યો. લૉર્ડ હાર્ડિંગ પણ કાયમ રહ્યા. હું એન્ડ્રૂઝને સાથે રાખી પ્રિટોરિયા ગયો. આ જ સમયે યુનિયન રેલવેમાં ગોરા કામદારોની મોટી હડતાળ થઈ. તે હડતાળથી સરકારની સ્થિતિ નાજુક બની. મારી ઉપર હિંદીઓની કૂચ શરૂ કરવાનાં કહેણ આવ્યાં. મેં તો જાહેર કર્યું કે મારાથી રેલવે હડતાળિયાઓને એવી રીતે મદદ ન થઈ શકે. અમારો હેતુ સરકારની કનડગત કરવાનો ન હતો. અમારી લડત જુદી ને જુદા પ્રકારની હતી. અમારે કૂચ કરવી હશે તોપણ અમે બીજે સમયે જયારે રેલવેની ગરબડ શમી જશે ત્યારે કરીશું. આ નિશ્ચયની અસર ગંભીર થઈ. આના તાર રૂટરે વિલાયત મોકલ્યા. લૉર્ડ ઍમ્પ્ટહીલે ધન્યવાદનો તાર વિલાયતથી મોકલ્યો. દક્ષિણ આફ્રિકામાંના અંગ્રેજ મિત્રોએ પણ ધન્યવાદ આપ્યા. જનરલ સ્મટ્સના મંત્રીએ વિનોદમાં કહ્યું : 'મને તો તારા લોકો જરાયે નથી ગમતા. હું તેને મુદ્દલ મદદ કરવા નથી ઈચ્છતો. પણ તેને અમે શું કરીએ ? તમે લોકો અમારી કફોડી સ્થિતિમાં અમને મદદ કરો. તમને કેમ મારી શકાય ? હું તો ઘણી વાર ઇચ્છું છું કે તમે પણ આ અંગ્રેજી હડતાળિયાની જેમ હુલ્લડ કરો તો તમને તુરત સીધા કરી મૂકીએ. તમે તો દુશ્મનને પણ દૂભવવા નથી ઇચ્છતા. તમે પોતે જ દુ:ખ સહન કરી જીતવા ઈચ્છો છો, વિવેકમર્યાદા છોડતા નથી – ત્યાં અમે લાચાર બની જઈએ છીએ.'

આવી જ જાતના ઉદ્ગારો જનરલ સ્મટ્સે કાઢેલા.

વાંચનારે જાણવું જોઈએ કે સત્યાગ્રહીના વિવેકનો ને વિનયનો આ પહેલો દાખલો ન હતો. જ્યારે વાયવ્ય કોણમાં હડતાળ પડી ત્યારે કેટલીક શેલડી જે કપાઈ ચૂકી હતી તે ઠેકાણે ન પડે તો માલિકોને ઘણું નુકસાન પહોંચે. તેથી ૧,પ૦૦ માણસો તેટલું કામ પૂરું કરવાને ખાતર પાછા કામે ચડચા ને પૂરું થયે જ પોતાના સાથીઓ સાથે જોડાયા. વળી ડરબન મ્યુનિસિપાલિટીના ગિરમીટિયાએ હડતાળ કરી તેમાં પણ જેઓ ભંગીનું ને ઇસ્પિતાલનું કામ કરતા હતા તેને પાછા મોકલ્યા ને તેઓ ખુશીથી પાછા ગયા. ભંગીની અને ઈસ્પિતાલના કામદારોની સેવા ન મળે તો રોગ ફેલાય ને માંદાઓની સારવાર અટકે. આવું પરિણામ સત્યાગ્રહી ન ઇચ્છે. તેથી આવા નોકરોને હડતાળમાંથી મુક્ત રાખેલા. દરેક પગલામાં વિરોધીની સ્થિતિનો વિચાર સત્યાગ્રહીએ કરવો જ જોઈએ.

આવાં અનેક વિવેકનાં દષ્ટાંતોની અદૃશ્ય અસર ચોમેર થયા જ કરતી હું જોઈ શકતો હતો; અને તેથી હિંદીઓની પ્રતિષ્ઠામાં વધારો થયા કરતો હતો અને સમાધાનીને સારુ હવા અનુકૂળ થતી હતી.