લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/કસોટી

વિકિસ્રોતમાંથી
← બધા કેદમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
કસોટી
મોહનદાસ કરમચંદ ગાંધી
અંતનો આરંભ →


અને એક દિવસ વિગતવાર તાર ન મળે તો સામે પૂછે. આ તારોનો પ્રચાર તે પોતાની બીમારીના બિછાનેથી કરતા, કેમ કે તેમને એ વેળા સખત બીમારી હતી. પણ દક્ષિણ આફ્રિકાનું કામ પોતે જાતે તપાસવાનો આગ્રહ રાખ્યો; અને તે કામમાં તેમણે ન રાત ગણી, ન દિવસ ગણ્યો. પરિણામે આખું હિંદુસ્તાન ભડકી ઊઠયું, ને દક્ષિણ આફ્રિકાના સવાલે હિંદુસ્તાનમાં પ્રધાનપદ ભોગવ્યું.

આ પ્રસંગ હતો જ્યારે લૉર્ડ હાર્ડિંગે તેમનું પ્રખ્યાત ભાષણ કર્યું, જેણે દક્ષિણ આફ્રિકામાં અને વિલાયતમાં ખળભળાટ કરી મૂકયો. વાઈસરૉયથી બીજાં સંસ્થાનોની જાહેર ટીકા ન થઈ શકે, પણ લૉર્ડ હાર્ડિંગે સખત ટીકા કરી, એટલું જ નહીં પણ તેણે સત્યાગ્રહીઓનો સંપૂર્ણ બચાવ કર્યો, એટલે કે કાયદાના સવિનયભંગને ટેકો આપ્યો. લૉર્ડ હાર્ડિંગના સાહસની કંઈક કડવી ટીકા વિલાયતમાં થઈ ખરી, પણ તોયે લોર્ડ હાર્ડિંગે પશ્ચાત્તાપ ન બતાવતાં પોતાના કાર્યની યોગ્યતા જાહેર કરી. આ દૃઢતાની અસર બહુ સારી થઈ.

આ પકડાયેલા, દુ:ખી અને હિંમતવાન મજૂરોને છોડી આપણે ક્ષણભર ખાણોની બહાર નજર કરીએ.

ખાણો નાતાલના ઉત્તર વિભાગમાં આવી. પણ મજૂરોની મોટામાં મોટી સંખ્યા નાતાલના નૈૠત્ય અને વાયવ્ય ખૂણામાં હતી. વાયવ્ય કોણમાં ફિનિકસ, વેરૂલમ, ટોંગાટ ઈત્યાદિ આવે. નૈર્ઋત્યમાં ઈસિવિંગો, અમઝીટો ઇત્યાદિ આવે. વાયવ્ય કોણમાં મજૂરોના પ્રસંગમાં હું સારી પેઠે આવેલો. તેઓમાંના ઘણા મારી સાથે બોઅર લડાઈમાં પણ હતા. નૈર્ઋત્યના મજૂરોના પ્રસંગમાં એટલે સુધી આવ્યો ન ગણાઉં; તેમ એ તરફ મારા સાથીઓ પણ ઘણા થોડા હતા. છતાં જેલની ને હડતાળની વાત વીજળીની જેમ ફેલાઈ. બંને કોણમાં હજારો મજૂરો ઓચિંતા નીકળી પડયા. કેટલાક પોતાનો સામાન વેચી નાખેલો, એમ સમજીને કે લડાઈ લાંબી ચાલશે અને ખાવાનું કોઈ નહીં આપે. મેં તો જેલ જતાં સાથીઓને ચેતવ્યા હતા કે, તેઓ વધારે મજૂરોને હડતાળ પાડતા રોકે. મારી ઉમેદ હતી કે, ખાણના મજૂરોની મદદથી લડાઈ સંકેલી શકાશે. જો બધા મજૂરો એટલે લગભગ સાઠ હજાર માણસો હડતાળ પાડે તો તેઓને પોષવાનું મુશ્કેલ થાય. એટલા બધાની કૂચ કરવા જેટલી સામગ્રી જ ન હતી, એટલા મુખિયા ન હતા ને એટલું નાણુંય ન હતું. વળી એટલા માણસોને એકઠા કરી તોફાન થતું રોકવું પણ અશકય થઈ પડે.

પણ પૂર આવે તે કોઈનું રોકયું રોકાય કેમ ? મજૂરો બધી જગ્યાએથી પોતાની મેળે નીકળી પડયા. તે તે ઠેકાણે સ્વયં સેવકો પોતાની મેળે ગોઠવાઈ ગયા.

સરકારે હવે બંદૂકનીતિ અખત્યાર કરી. લોકોને હડતાળ પાડતા બળાત્કારે રોકયા. તેઓની પાછળ ઘોડેસવાર દોડયા ને તેઓને પોતાને સ્થાને મોક૯યા. લોકો જરાયે તોફાન કરે તો ગોળી ચલાવવાની હતી. તે લોકો પાછા જવાની સામે થયા. કોઈએ પથરા પણ ફેંકયા. ગોળીબાર થયા. ઘણા ઘાયલ થયા. બેચાર મર્યા. પણ લોકોનો જુસ્સો મોળો ન પડયો. ઘણી મુશ્કેલીથી અહીં હડતાળ થતી સ્વયંસેવકોએ અટકાવી. બધા તો કામે ન જ ચડ્યા. કેટલાક બીકને માર્ય સંતાયા ને પાછા ન ગયા.

એક પ્રસંગ નોંધવા જેવો છે. વેરૂલમમાં ઘણા મજૂરો નીકળી પડચા હતા. તેઓ કોઈ ઉપાયે પાછા જાય નહીં. જનરલ ૯યુકિન પોતાના સિપાઈઓ સાથે ત્યાં હાજર હતો. લોકો ઉપર ગોળી ચલાવવાનો હુકમ કાઢવા તૈયાર હતો. મરહૂમ પારસી રુસ્તમજીનો નાનો દીકરો બહાદુર સોરાબજી – જેની ઉંમર ભાગ્યે અઢાર વર્ષની હશે – ડરબનથી અહીં પહોંચી ગયો હતો, તે જનરલના ઘોડાની લગામ પકડીને બોલી ઊઠયો, “તમારાથી ગોળીબાર કરવાનો હુકમ નહીં અપાય; હું મારા લોકોને શાંતિથી કામે ચડાવવાનું માથે લઉં છું.' જનરલ લ્યુકિન આ નવજુવાનની બહાદુરી ઉપર મુગ્ધ થયો ને તેણે તેને તેનું પ્રેમબળ અજમાવવાની મહેતલ આપી. સોરાબજીએ લોકોને સમજાવ્યા. લોકો સમજ્યા ને પાછા પોતાને કામે ચડચા. આમ એક જુવાનિયાની સમયસૂચકતા, નિર્ભયતા અને પ્રેમથી ખૂનો થતાં અટકયાં.

વાંચનારે સમજવું જોઈએ કે આ ગોળીબાર ઇત્યાદિ કામ ગેરકાયદેસર જ ગણાય. ખાણના મજૂરોની સાથેના વ્યવહારમાં સરકારી કાર્યનો દેખાવ કાયદેસર હતો. લોકોને હડતાળ કરવા સારુ નહોતા પકડવામાં આવ્યા, પણ ટ્રાન્સવાલની સરહદમાં પ્રવેશ કરવા સારુ, નૈર્ૠત્ય-વાયવ્યમાં હડતાળ એ જ ગુનો સમજાયો તે કંઈ કાયદાની રૂએ નહીં પણ સત્તાની. છેવટે તો સત્તા એ જ કાયદો થઈ પડે છે. અંગ્રેજી કાયદામાં એક કહેવત છે કે, 'રાજા કદી કંઈ ખોટું કરતો જ નથી.' સત્તાની અનુકૂળતા એ છેવટનો કાયદો છે. આ દોષ સાર્વભૌમ છે. ખરું જોતાં એમ કાયદાને વીસરવો એ હંમેશાં દોષ જ નથી. કેટલીક વેળા કાયદાને વળગવું એ જ દોષ બની જાય છે. જે સત્તા લોકસંગ્રહ કરે છે અને જે સત્તાની ઉપર મુકાયેલા અંકુશ સત્તાનો નાશ કરનાર બને ત્યારે તે અંકુશનો અનાદર ધર્મ્ય છે અને વિવેક છે. આવા પ્રસંગો કોઈક વાર જ આવી શકે. જ્યાં સત્તા ઘણી વેળા નિરંકુશપણે વર્તે ત્યાં સત્તા લોકોપકારી ન જ હોય. અહીં સત્તાને નિરંકુશ થવાનું કશું કારણ ન હતું. હડતાળ પાડવાનો હક અનાદિ છે. હડતાળ પાડનારાઓને તોફાન તો નહોતું જ કરવું એમ જાણવાનાં સરકારની પાસે પૂરતાં કારણો હતાં. હડતાળનું સખતમાં સખત પરિણામ કેવળ ત્રણ પાઉંડના કરનું રદ થવાપણું હતું, શાંતિપ્રિય લોકોની સામે શાંત ઇલાજો જ યોગ્ય ગણાય. વળી અહીં સત્તા લોકોપકારી ન હતી. સત્તાની હસ્તી ગોરાઓના ઉપકારાર્થે હતી. સામાન્યપણે હિંદીઓની વિરોધી હતી. એટલે આવી એકપક્ષી સત્તાની નિરંકુશતા કોઈ પણ રીતે યોગ્ય કે ક્ષંતવ્ય ન ગણાય.

એટલે મારી મતિ પ્રમાણે અહીં સત્તાનો કેવળ દુરુપયોગ થયો. જે કાર્યસિદ્ધિને સારુ આવો દુરુપયોગ કરવામાં આવે છે તે કાર્ય સિદ્ધ નથી જ થતું. કેટલીક વેળા ક્ષણિક સિદ્ધિ મળતી જોવામાં આવે છે ખરી, સ્થાયી કદી નહીં. દક્ષિણ આફ્રિકામાં તો ગોળીબાર પછી છ માસની અંદર, જે ત્રણ પાઉંડના કરનું રક્ષણ કરવા એ અત્યાચાર થયો, તે જ કર દૂર થયો. અને આમ અનેક વેળા દુ:ખ તે સુખને સારુ હોય છે. આ દુઃખોનો નાદ બધેય સંભળાયો. હું તો એવું માનનારો છું કે, જેમ એક યંત્રમાં દરેક વસ્તુને તેનું સ્થાન હોય છે તેમ દરેક લડતમાં દરેક વસ્તુને તેનું સ્થાન હોય જ છે; અને જેમ કાટ, મળ ઇત્યાદિ યંત્રની ગતિ રોકે છે તેમ કેટલીક વસ્તુ લડતની ગતિ રોકે છે. આપણે નિમિત્તમાત્ર હોઈએ છીએ, તેથી આપણે હમેશાં નથી જાણતા કે શું પ્રતિકૂળ છે ને શું અનુકૂળ છે. એટલે કે આપણને માત્ર સાધન જાણવાનો જ અધિકાર છે. સાધન પવિત્ર હોય તો આપણે પરિણામને વિશે નિર્ભય અને નિશ્ચિંત રહી શકીએ.

આ લડતમાં એમ જોયું કે જેમ લડનારાનું દુ:ખ વધ્યું તેમ લડતનો અંત આગળ આવતો ગયો. અને જેમ દુ:ખીની નિર્દોષતા વધારે સ્પષ્ટ થતી ગઈ તેમ પણ અંત આગળ આવતો ગયો. વળી આ યુદ્ધમાં મેં એમ પણ જેયું કે આવા નિર્દોષ, નિ:શસ્ત્ર અને અહિંસક યુદ્ધમાં અણીને વખતે જોઈતાં સાધનો અનાયાસે આવી રહે છે, ઘણા સ્વયંસેવકો જેને હું આજ લગી જાણતો નથી તેઓએ પોતાની મેળે મદદ કરી. આવા સેવકો ઘણે ભાગે નિ:સ્વાર્થ હોય છે. અનિચ્છાએ પણ તેઓ અદશ્ય રીતે સેવા આપી દે છે. નથી તેની નોંધ કોઈ લેતું, નથી તેને કોઈ પ્રમાણપત્ર આપતું. તેઓનાં આવાં અમૂલ્ય કાર્ય ઈશ્વરી ચોપડામાં જમે થાય છે, એટલું પણ કેટલાક સેવકો તો જાણતા નથી.

દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પરીક્ષામાં પાસ થયા. તેઓએ અગ્નિપ્રવેશ કર્યો ને તેમાંથી તેઓ અણિશુદ્ધ નીકળ્યા. કઈ રીતે લડાઈનો અંત શરૂ થયો તે નોખા પ્રકરણમાં તપાસીશું.