દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/બધા કેદમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
બધા કેદમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
કસોટી →


૨૧. બધા કેદમાં

અમે હવે જેહાનિસબર્ગની ઠીક નજીક આવ્યા છીએ. વાંચનાર યાદ રાખે કે એ આખો પંથ સાત દિવસનો મુકરર કર્યો હતો. અમે હજુ લગી ધારેલી મજલ પૂરી કરતા આવ્યા હતા, એટલે હવે પૂરી ચાર મજલ બાકી રહેતી હતી, પણ જેમ અમારો ઉત્સાહ વધે તેમ સરકારની જાગૃતિ પણ વધવી જોઈએ. અમને મજલ પૂરી કરવા દે અને પછી પકડે તેમાં નબળાઈ અને ઓછી આવડત ગણાય. તેથી જે પકડવા તો મજલ પૂરી થયા પહેલાં જ પકડવા જોઈએ.

સરકારે જોયું કે, મારા પકડાવા છતાં કાફલો ન નિરાશ થયો, ન બીન્યો, ન તેણે તોફાન કર્યું, તોફાન કરે તો સરકારને દારૂગોળો વાપરવાની પૂરી તક મળે. જનરલ સ્મટ્સને તો અમારી દૃઢતા અને તેની સાથે શાંતિ એ જ દુ:ખની વાત થઈ પડેલી. એમ તેમણે કહેલું પણ ખરું, શાંત માણસની પજવણી ક્યાં સુધી કરાય ? મૂએલાને મારવાનું કેમ બને ? મરણિયાને મારવામાં રસ હોય જ નહીં. તેથી જ શત્રુને જીવતો પકડવામાં મોટાઈ મનાય છે. જે ઉંદર બિલાડીથી ભાગે નહીં તો બિલાડીએ બીજો શિકાર શોધવો જ જોઈએ. બધાં ઘેટાં સિંહની સોડમાં બેસી જાય તો સિંહને ઘેટાં ખાવાનું છોડવું જ પડે. સિંહ સામો ન થતો હોય તો પુરુષસિંહો સિંહનો શિકાર કરે કે ?

અમારી શાંતિ અને અમારા નિશ્ચયમાં અમારી જીત છુપાયેલી જ હતી. ગોખલેની ઈચ્છા હતી કે, પોલાક હિંદુસ્તાન જઈ તેમને મદદ કરે. મિ. પોલાક જ્યાં હોય ત્યાં ઉપયોગી થઈ પડે એવો તેમનો સ્વભાવ જ હતો. જે કામ લે તેમાં તે તન્મય થઈ જાય. તેથી તેમને હિંદુસ્તાન મોકલવાની તૈયારી ચાલી રહી હતી. મેં તો લખી મોકલ્યું હતું કે તે જાય. પણ મને મળ્યા વિના ને પૂરી સૂચનાઓ મોઢેથી લીધા વિના જવાની તેમની ઈચ્છા ન થઈ; તેથી તેમણે મારી કૂચ દરમિયાન મળી જવાની માગણી કરી. મેં તાર દીધો કે, પકડાઈ જવાને જોખમે આવવું હોય તો આવી જાય. લડવૈયા જોઈતાં જોખમો હમેશાં વહોરી જ લે છે. સરકાર બધાને પકડી લે તો પકડાવાની તો આ લડત હતી જ. ન પકડે ત્યાં લગી પકડાવાની સીધી અને નીતિમય કોશિશો કરવાની હતી. એટલે મિ. પોલાકે પકડાવાનું જોખમ ખેડીને આવવાનું પસંદ કર્યું.

અમે હેડલબર્ગની પડોશ સુધી પહોંચ્યા હતા, ત્યાં તો પાસેના સ્ટેશન ઉપર ઊતરી ચાલીને અમને મળ્યા. અમારી વાતો ચાલી રહી હતી; લગભગ પૂરી પણ થવા આવી હતી. આ વેળા બપોરના ત્રણેક વાગ્યા હશે. અમે બંને સંઘને મોખરે હતા. બીજા સાથીઓ પણ અમારી વાતો સાંભળી રહ્યા હતા. સાંજના મિ. પોલાકને ડરબન જતી ટ્રેન લેવાની હતી. પણ રામચંદ્રજી જેવાને તિલકને જ સમયે વનવાસ મળ્યો તો પોલાક કોણ ? અમે વાતો કરતા હતા તેવામાં અમારી સામે ઘોડાગાડી આવી ઊભી. તેમાં એશિયાઈ ખાતાના ઉપરી મિ. ચમની અને પોલીસનો અમલદાર હતા. બંને નીચે ઊતર્યા. મને જરા દૂર લઈ ગયા ને એકે કહ્યું : 'હું તમને પકડુ છું.' આમ ચાર દિવસમાં ત્રણ વાર પકડાયો. મેં પૂછયું : 'કાફલાનું ?'

'એ થઈ રહેશે.'

હું કંઈ ન બોલ્યો. મને માત્ર મારા પકડાવાની જ ખબર લોકોને આપવા દીધી. મેં પોલાકને કહી દીધું કે, તે કાફલાની સાથે જાય. લોકોને શાંતિ જાળવવા વગેરેનું કહેવાનું આરંભ્યું તો અમલદાર સાહેબ બોલ્યા :

'હવે તમે કદી છો; ભાપણો ન અપાય.' મારી મર્યાદા સમજ્યો સમજવાની જરૂર તો નહોતી, કેમ કે મને બોલતો બંધ કરવાની સાથે જ અમલદારે ગાડીવાનને જોરથી ગાડી હાંકી જવાનો હુકમ કર્યો. એક ક્ષણમાં કાફલો અદૃશ્ય થયો.

અમલદાર જાણતો હતો કે એક ઘડીનું રાજ્ય તો મારું હતું, કેમ કે વિશ્વાસ રાખી તે તો આ વેરાન મેદાનમાં બે હજારની સામે એકલો હતો. તે જાણતો હતો કે મને ચિઠ્ઠીથી કેદ કર્યો હોત તોયે હું તેને તાબે થઈ જાત. આવી સ્થિતિમાં હું કેદી હતો એનું મને સ્મરણ કરાવવું અનાવશ્યક હતું. હું લોકોને જે કહેત તે સત્તાધિકારીઓને પણ ઉપયોગી જ વસ્તુ હતી. પણ તેમણે તો પોતાનું રૂપ દેખાડવું જ જોઈએ. મારે આની સાથે એમ કહેવું જોઈએ કે ઘણા અમલદારો અમારી કેદને સમજતા હતા. તેઓ જાણતા હતા કે આ કેદ અમને અંકુશરૂપ કે દુઃખરૂપ ન હતી. અમને તો તે મુક્તિનું દ્વાર હતી. તેથી અમને સર્વ પ્રકારની છૂટ આપતા, એટલું જ નહીં પણ કેદ કરવામાં પોતાની સગવડ સાચવવામાં, વખત બચાવવામાં અમારી મદદ લેતા ને મળવાથી ઉપકાર માનતા. બંને જાતના નમૂના આ પ્રકરણોમાં વાંચનારને મળી રહેશે.

મને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી છેવટે હેડલબર્ગના થાણામાં ઉતાર્યો. રાત ત્યાં ગઈ.

કાફલાને લઈ પોલાક આગળ વધ્યા. હેડલબર્ગ પહોંચ્યા. ત્યાં હિંદી વેપારીઓની ઠીક જમાવટ હતી. રસ્તે શેઠ અહમદ મહમદ કાછલિયા અને શેઠ આમદ ભાયાત મળ્યા. શું થવાનું છે એની તેઓને ખબર પડી હતી. મારી સાથે જ આવેલા કાફલાને પણ પકડવાની ગોઠવણ થઈ ગઈ હતી. એટલે કાફલાને ઠેકાણે પાડી મિ. પોલાક એક દિવસ મોડા પણ ડરબન જઈ હિંદુસ્તાનની સ્ટીમર લેવા ધારતા હતા, પણ ઈશ્વરે બીજું જ ધાર્યું હતું.

હેડલબર્ગમાં લોકોને કેદ કરી લઈ જવાની ખાસ બે ટ્રેન ઊભી હતી. લોકોએ કંઈક હઠ લીધી. 'ગાંધીને બોલાવો. તે કહે તો અમે પકડાઈએ ને ટ્રેનમાં બેસીએ.' આ હઠ ખોટી હતી. જે હઠ ન જ છોડે તો બાજી બગડે. સત્યાગ્રહીનું તેજ ઘટે. જેલ જવું તેમાં ગાંધીનું શું કામ હોય ? સિપાહી કંઈ અમલદારની ચૂંટણી કરે ? અથવા એકનો જ હુકમ માનવાની હઠ પકડી શકે ? મિ. ચમનીએ મિ. પોલાકની અને કાછલિયા શેઠની મદદ આ લોકોને સમજાવવામાં લીધી. તેઓ મુસીબતે સમજાવી શકયા કે યાત્રાળુની મુરાદ જ જેલ જવાની હતી : અને જ્યારે સરકાર પકડવા તૈયાર થાય ત્યારે લોકોએ તેનું તેડું વધાવી લેવું જોઈએ. તેમાં જ આપણી ખાનદાની અને લડતનો અંત રહેલાં છે. મારી ઈચ્છા બીજી ન જ હોય, એમ લોકોએ સમજી લેવું જોઈએ. લોકો સમજ્યા અને ટ્રેનમાં બેઠા.

બીજી તરફથી મને કોરટમાં ખડો કરવામાં આવ્યો. ઉપરના બનાવોની મને તે વખતે કશી ખબર ન હતી. મેં કોરટમાં વળી પાછી મુદતની માગણી કરી. મેં બે કોરટે મુદત આપ્યાનું જણાવ્યું. હવે મજલ થોડી જ બાકી રહી છે એ પણ જણાવ્યું; અને માગણી કરી કે કાં તો સરકાર લોકોને પકડે અથવા મને તેમના સ્થાન પર મૂકી આવવા દે. કોરટે મારી અરજી તો ન સ્વીકારી પણ મારી માગણી સરકારને તુરત મોકલી દેવાનું કબૂલ કર્યું. આ વખતે મને તો ડંડી લઈ જવાનો હતો. મારી પર મુખ્ય કામ તો ત્યાં ચાલવાનું હતું તેથી મને તે જ દિવસની ટ્રેનમાં ડંડી લઈ ગયા.

આ તરફ મિ. પોલાકને હેડલબર્ગમાં તો ન પકડયા, એટલું જ નહીં પણ તેની મદદને સારુ તેનો ઉપકાર માન્યો. મિ. ચમનીએ તો એમ પણ કહેલું કે, સરકારનો તેમને પકડવાનો ઈરાદો જ નથી. પણ એ તો મિ. ચમનીના વિચાર. અને તે વખતે તેમને ખબર હતી એટલે સુધી સરકારના વિચાર. સરકારના વિચાર તો ઘડીએ ઘડીએ બદલાય. સરકારે છેવટે નિર્ણય કર્યો કે મિ. પોલાકને હિંદુસ્તાન ન જવા દેવા. અને તેમને અને મિ. કૅલનબૅક જે ખૂબ કામ કરી રહ્યા હતા તેમને પકડવા. એટલે મિ. પોલાકને ચાર્લ્સટાઉનમાં પકડયા. મિ. કૅલનબૅકને પણ પકડયા. બંનેને વૉક્સરસ્ટની જેલમાં પૂર્યા.

મારી ઉપર ડંડીમાં કામ ચાલ્યું. મને નવ મહિનાની જેલ અાપવામાં આવી. હજુ વૉક્સરસ્ટમાં મારી ઉપર કામ ચાલવાનું બાકી હતું. મને વૉક્સરસ્ટ લઈ ગયા. ત્યાં મેં મિ. કૅલનબૅક તેમ જ મિ. પોલાકને જોયા. આમ અમે ત્રણ જણ વૉક્સરસ્ટની જેલમાં મળ્યા તેથી અમારા હર્ષનો પાર ન રહ્યો.

મારી ઉપર કામ ચાલ્યું તેમાં મારી સામે સાક્ષી મારે જ આપવાના હતા. પોલીસ મેળવી શકત પણ મુશ્કેલીથી તેથી મારી મદદ તેઓએ લીધી. અહીંની અદાલતો કેવળ કેદીના ગુનેગાર હોવાનું કબૂલ કરવા ઉપર તેને સજા નહોતી કરતી.

મારું તો ઠીક, પણ મિ. કૅલનબૅક અને મિ. પોલાકની સામે પુરાવો કોણ આપે ? જો તેઓની સામે પુરાવો ન મળે તો તેઓને સજા કરવી અશકય હતી. તેઓની સામે ઝટ પુરાવો મળવો મુશ્કેલ હતો. મિ. કૅલનબૅકને તો પોતાનો ગુનો કબૂલ કરવો હતો, કેમ કે તેમનો ઇરાદો કાફલા સાથે રહેવાનો હતો. પણ મિ. પોલાકનો ઇરાદો તો હિંદુસ્તાન જવાનો હતો. તેમને આ વખતે ઇરાદાપૂર્વક જેલ જવાનું ન હતું. તેથી અમે ત્રણે મળી એવો ઠરાવ કર્યો કે, મિ. પોલાકે ગુનો કર્યો છે કે નહીં, તેના જવાબમાં 'હા' કે 'ના' કંઈ જ ન કહેવું.

આ બંનેની સામેનો સાક્ષી હું થયો. અમારે કેસ લંબાવવો ન હતો તેથી ત્રણેના કેસ એક જ દિવસમાં પૂરા કરવામાં અમે સંપૂર્ણ મદદ કરી ને કેસ પૂરા થયા. અમને ત્રણેને ત્રણ ત્રણ માસની જેલ મળી. અમને હવે લાગ્યું કે અમે આ ત્રણ માસ તો સાથે રહી શકીશું. પણ સરકારને એ પોસાય તેમ ન હતું.

દરમિયાન થોડા દિવસ તો અમે વૉક્સરસ્ટની જેલમાં સુખે રહ્યા. અહીં હંમેશાં નવા કેદીઓ આવે તેથી બહારની ખબર મળતી. અા સત્યાગ્રહી કેદીઓમાં એક હરબતસિંગ કરીને બુઠ્ઠો હતો. તેની ઉંમર ૭૫ વર્ષથી ઉપરની હતી. તે કંઈ ખાણોમાં નોકરી નહોતો કરતો. તેણે તો ગિરમીટ વર્ષો પૂર્વ પૂરી કરી હતી, એટલે તે હડતાળમાં ન હતો. મારા પકડાયા પછી લોકોમાં ઉત્સાહ બહુ જ વધ્યો હતો ને લોકો નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થઈ પકડાતા હતા. હરબતસિંગે પણ આવવાનું ધાર્યું હરબતસિંગને મેં પૂછયું : 'અાપ કયોં જેલમેં આયે ? આપ જૈસે બુઢ્ઢોં કો મૈને જેલમેં આને કા નિમંત્રણ નહીં દિયા હૈ.' હરબતસિંગે જવાબ આપ્યો : 'મેં કૈસે રહ સકતા થા, જબ આપ, આપકી ધર્મપત્ની ઔર આપકે લડકે ભી હમ લોગોં કે લિયે જેલ ચલે ગયે ?'

'લેકિન આપસે જેલકે દુ:ખકી બરદાશત નહીં હો સકેગી. આપ જેલસે હટેં. આપકે છૂટનેકી તજવીજ મેં કરું?'

'મેં હરગિજ જેલ નહીં છોડુંગા. મુઝે એક દિન તો મરના હૈ, એસા દિન કહાંસે મેરા મોત યહાં હો જાય.'

આ દૃઢતાને હું શાને ચળાવું? ચળાવતાંયે તે ચળે એમ ન હતું. મારું માથું આ નિરક્ષર જ્ઞાનીની આગળ નમ્યું, જેવી હરબતસિંગની ભાવના હતી તેમ જ થયું. હરબતસિંગનું મૃત્યુ જેલમાં જ થયું. એનું શબ વૉક્સરસ્ટથી ડરબન મંગાવવામાં આવ્યું હતું અને હરબતસિંગને સેંકડો હિંદીઓની હાજરીમાં માનપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. અાવા હરબતસિંગ આ લડાઈમાં એક ન હતા. અનેક હતા. પણ જેલમાં મરણનું સદ્ભાગ્ય કેવળ હરબતસિંગને જ મળ્યું; તેથી તે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસને પાને ચડે છે.

આમ જેલમાં આકર્ષાઈને માણસો આવે એ સરકારને ન ગમે. વળી જેલમાંથી છૂટનારા મારા સંદેશા લઈ જાય એ પણ તેને ન પોસાય. એટલે અમને ત્રણને નોખા પાડવા, એકેને વૉકસરસ્ટમાં ન રહેવા દેવા ને મને એવી જેલમાં લઈ જવો કે જ્યાં કોઈ હિંદી જઈ જ ન શકે. તેથી મને ઑરેંજિયાની રાજધાની બલૂમફૉન્ટીનની જેલમાં મોકલ્યો. ઓરેંજિયામાં મૂળે પચાસ હિંદીથી વધારેની વસ્તી નહીં હોય. તે બધા હોટલોમાં નોકરી કરનારા હોય. આવા પ્રદેશની જેલમાં હિંદી કેદી હોય જ નહીં. આ જેલમાં હું એક જ હિંદી હતો. બાકી બધા ગોરા અથવા હબસીઓ હતા. મને આથી દુ:ખ નહોતું. મેં સુખ માન્યું. મારે કાંઈ ન સાંભળવાનું કે જોવાનું રહ્યું. મને નવો અનુભવ મળે એ પણ મનગમતી વાત હતી. વળી મને અભ્યાસ કરવાનો સમય તો વર્ષો થયાં – કહો ૧૮૯૩ની સાલ પછી – હતો જ નહીં. હવે મને એક વર્ષ મળશે એમ જાણી હું તો રાજી થયો. બ્લૂમફૉન્ટીન પહોંચાડયો. એકાંત તો પાર નહીં એટલી મળી. અગવડો પણ પુષ્કળ હતી, છતાં તે બધી સહ્ય હતી. તેનું વર્ણન વાંચવામાં વાંચનારને ન રોકી શકાય. પણ આટલું કહી દેવું આવશ્યક છે કે ત્યાંના દાકતર મારા મિત્ર થઈ પડ્યા. જેલર તો કેવળ પોતાના હકને જ સમજતો હતો, અને દાક્તર કેદીઓના હકનું જતન કરતો હતો. આ મારો કાળ કેવળ ફળાહારનો હતો. હું નહોતો દૂધ લેતો કે ધી; અનાજ પણ નહીં, મારો ખોરાક કેળાં, ટમેટાં, કાચી ભોંયસિંગ, લીંબુ ને જેતૂનનું તેલ હતું. આમાં એક પણ વસ્તુ સડેલી આવે તો ભૂખે જ મરવું પડે, તેથી દાકતર ખાસ ચીવટ રાખતા ને તેમણે મારા ખોરાકમાં બદામ, અખરોટ, બ્રાઝિલનટ ઉમેર્યા. પોતે જાતે જ બધું ફળ તપાસે. મને જે કોટડી આપવામાં આવી હતી તેમાં હવાની ઘણી જ તંગી હતી. દાક્તરે દરવાજો ખુલ્લો મુકાવવાની ખૂબ તજવીજ કરી પણ તેનું ચાલ્યું નહીં. જો દરવાજો ખુલ્લો રહે તો જેલરે રાજીનામું આપવાની ધમકી આપી. જેલર ખરાબ ન હતો પણ તેનો સ્વભાવ એક જ ઢાળમાં પડ્યો હતો તે કેમ બદલાય ? તેને કામ રહ્યું તોફાની કેદીઓની સાથે; તેમાં મારા જેવા ભલા કેદીનો ભેદ પાડતાં બીજા તેને માથે ચડી બેસવાનો તેને સાચો ભય હતો. હું જેલરનું દૃષ્ટિબિંદુ બરાબર સમજી શકતો ને તેથી દાક્તર અને જેલર વચ્ચેના મારે નિમિત્તે થતા ઝઘડામાં મારી લાગણી જેલર તરફ રહેતી. જેલર અનુભવી માણસ હતો, એક પંથી હતો, તેનો રસ્તો તે સાફ જોઈ શકતો.

મિ. કૅલનબૅકને પ્રિટોરિયાની જેલમાં મોકલ્યા ને મિ. પોલાકને જરમિસ્ટનની જેલમાં.

પણ સરકારની બધી ગોઠવણો નકામી હતી. આભ તૂટે ત્યારે થીંગડું શા કામનું ? નાતાલના ગિરમીટિયા હિંદીઓ સંપૂર્ણતાએ જાગી ઊઠયા હતા. તેમને કોઈ પણ સત્તા રોકી શકે તેમ ન હતું.