લખાણ પર જાઓ

દીવડી/આદર્શઘર્ષણ

વિકિસ્રોતમાંથી
← પાઘડી વગરનું ઘર દીવડી
આદર્શઘર્ષણ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
માંદગી કે પાપ? →






આદર્શઘર્ષણ


દાદી હરિકુંવર બહુ જૂના જમાનાનાં હતાં, એટલે કે તેઓ ધર્મચુસ્ત હતાં, ઈશ્વર તેમ જ હિંદુ ધર્મે આગળ કરેલાં બધાં જ દેવદેવીઓને માનતાં હતાં, ભૂતપ્રેતના અસ્તિત્વમાં તેમને શ્રદ્ધા હતી, કથાશ્રવણ અને દેવદર્શનમાં તેઓ મહાપુણ્યકર્મ નિહાળતાં અને યાત્રા, વ્રત, શ્રાદ્ધ, સંવત્સરી એ સર્વ આવશ્યક ધર્મકાર્યો ગણી તેનું બરાબર પાલન કરતાં.

તેમનો પૌત્ર રમેશ સારું ભણીગણી એક અમલદાર બન્યો. એને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી. દેવદર્શનમાં તે માનતો નહિ અને કર્મકાંડ પ્રત્યે તેને બિલકુલ આસ્થા ન હતી; છતાં સત્ય અને પ્રામાણિકપણા માટે તેને જબરદસ્ત આગ્રહ હતો.

એ ભણતો હતો ત્યારે ગાંધીયુગે તેના ઉપર ખૂબ અસર કરી હતી. ગાંધીજીની ધાર્મિકતા પણ તેમના અનુયાયીઓને મૂર્તિપૂજનને સ્થાને વ્યાપક ઈશ્વરી તત્ત્વને માનવા તરફ વધારે વાળતો હતો. રમેશમાં એ ગાંધીવાદી ધાર્મિકતા પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તતી; જોકે સત્ય અને પ્રામાણિકપણાનો તેનો આગ્રહ વધતો ચાલ્યોને દાદીએ તે ઉછેરેલો હતો, કારણ કે તેની બાલ્યાવસ્થામાં જ તેનાં માતાપિતા ગત થયાં હતાં.

રમેશને પોતાની દાદી પ્રત્યે અત્યંત સદ્દભાવ હતો અને રમેશ દાદીને મન આંખની કીકી કરતાં પણ વધારે કિંમતી હતો. રમેશને ભણાવવામાં તેમ જ તેને પરણાવવામાં દાદી હરકુંવર એકલાંની જ સહાય હતી. રમેશ નવા યુગનો હતો એ વાત ખરી, પરંતુ તેને નવી ઢબના પ્રેમી બનવાનું મહત્ત્વ પ્રાપ્ત થયું ન હતું.

માબાપ વગરના છોકરાનો વિવાહ હરિકુંવરે બાળપણથી કરી નાખ્યો હતો, અને સારું ભણતર ભણતા રમેશની સાથે વિવાહિત કન્યાનાં લગ્ન કરવામાં કન્યાનાં માબાપને કશો વાંધો પણ ન હતો. એટલે વગરહરકતે જૂની ઢબે, હરિકુંવરના અત્યંત આનંદ વચ્ચે રમેશનાં લગ્ન પણ થઈ ગયાં. એ લગ્નપ્રસંગે હરિકુંવરની આંખમાંથી પડેલાં હર્ષ અને શોકનાં આંસુ રમેશ કદી ભૂલી શક્યો ન હતો.

રમેશ ભણતો હતો ત્યારથી તેને દાદી સાથે વિચારભેદ તો રહ્યા જ કરતો હતો. દાદીની ચોખ્ખાઈનો આગ્રહ તેને માન્ય હતો; પરંતુ એ ચોખ્ખાઈમાં મુક્તિ અને ઈશ્વર મળવાના સંભવો તેને બહુ દેખાતા નહિ, અને દાદીની કડક અંઘોળમાં તેની બુદ્ધિ બહુ કામ કરતી નહિ. જમતાં પહેલાં નહાવું એ સમજી શકાય; પરંતુ નહાયા પછી સુતરને તાંતણે અડકાય તો કપડાં સાથેનો આખો દેહ કયા કારણે ભ્રષ્ટ બની જાય એ તેના ખ્યાલમાં આવતું નહિ. શાળામાં તે મુસલમાન અને અંત્યજ બધાંને અકડતો; પરંતુ અંત્યજને અડક્યાની તેણે દાદીને વાત કરી, અને દાદીએ તેને માથાબોળ કપડાં સાથે નવરાવ્યો ત્યારે એ સ્નાનથી કાયમની વિશુદ્ધિ મળી જાય અને અંત્યજને અડકીને ફરીથી નહાવું નહીં, એવી ઈચ્છા તેના મનમાં થઈ આવી !

નહાવાનું તો ચલાવી લેવાય; પરંતુ દાદીએ મુસલમાન અને ઢેડને સાથે બેસાડતા શિક્ષકો, શાળાઓ અને શાળાઓ ચલાવતી સરકારને ગાળોના વરસાદથી નવાજ્યાં ત્યારે રમેશને દાદીનું એ વલણ બહુ ગમ્યું તો નહિ. તેના મનમાં એક વિચાર તો જરૂર આવ્યો કે અંત્યજનો સ્પર્શ આટલી બધી ગાળોને પાત્ર તો ન જ હોવો જોઈએ.

રમેશ મોટો થતો ગયો તેમ તેમ તેણે દાદીથી અણગમતી વાતો છુપાવવા માંડી. પારસી કે મુસલમાનને અડકી તે પાણી પીતો ત્યારે તે ઘેર આવીને દાદીને વાત કરતો નહિ. એક અંત્યજ વિદ્યાર્થી તેની સાથે ક્રિકેટ ટીમમાં રમતો હતો એ વાત રમેશના કોઈ શુભેચ્છકે તેની દાદીને કરી ત્યારે કૉલેજમાં ભણતા રમેશની ખબર દાદીએ લઈ નાખી. ઘરમાં પ્રવેશ કરતાં બરોબર હરિકુંવરે જરા, સખ્તાઈથી કહ્યું :

'જરા ઊભો રહે. કપડાં સોતો નાહી નાખ અને પછી ઘરમાં આવ.'

'કાંઈ કારણ, મોટી મા ? સ્નાનસૂતક તો નથી ને?'

'હોય તો યે તમારે ક્યાં પાળવું છે? તમે બધાંય થઈ જાવ ખ્રિસ્તી, મુસલમાન અને ઢેડ. એટલે દુનિયા જાય રસાતાળ !'

'એવું કાંઈ બન્યું નથી, મોટી મા !'

'મારા આગળ તું જૂઠું ન બોલીશ. તું એક, ઢેડના છોકરા સાથે દડીમાર રમ્યો છે તે મેં બરોબર જાણ્યું છે. ધર્મની બાબતમાં તું મને ન છેતરીશ; બીજું ફાવે તે કરજે.'

રમેશને નહાવું પડ્યું. જોકે તેણે દાદીને સમજાવ્યાં કે એની સાથે રમનાર કોઈ ઢેડ હતું જ નહિ, પરંતુ એ છોકરાનો બાપ અંત્યજોમાં લેણદેણ કરતો હતો માટે તે જાતે ઢેડ કહેવાતો હતો એટલું જ – અને તેણે આગળ દલીલ પણ કરી :

'મોટી મા ! કયા શાસ્ત્રમાં અંત્યજને ન અડકાય એવું કહ્યું છે?'

'તે શાસ્ત્રમાં લખ્યા સિવાય આ બધા આચાર બંધાયા હશે, ખરું ને? આપણા પૂર્વજો ઘેલા ન હતા !' 'હું કબૂલ કરું છું પણ આપણા પૂર્વજોએ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે અંત્યજોને અડકવું નહિ. તમે, મોટી મા ! પેલા ચંડાલ અને શંકરાચાર્ય વચ્ચે સંવાદ દરરોજ સંસ્કૃતમાં બોલો છો ને...!'

'મારે જીભાજોડી ન જોઈએ.એ ચાંડાલ તો ધર્મરાજા હતા !' હરિકુંવરે દલીલ અટકાવી રમેશને કહ્યું. ત્યાર પછી રમેશ દાદીને ચીઢવવા પણ દલીલ કરતો નહિ. આચારની બાબતમાં એ પોતાને માર્ગે જતો; ફક્ત દાદીને લાગતી આચારભ્રષ્ટતા એ દાદીને જાણવા દેતો નહિ. મોંઘા પૌત્રને દાદી પણ દિવસે દિવસે ધર્મની બાબતમાં ઓછું ડરાવતાં પહેરવામાં, ઓઢવામાં, જમવામાં, સ્પર્શાસ્પર્શમાં તેમણે પૌત્રને માટે અજબ ઉદારતા ધારણ કરવા માંડી અને રમેશનાં આચારસ્ખલનોમાં તેમણે પૌત્રના દોષ કરતાં સમયનો વધારે દોષ જોવા માંડ્યો. છતાં કોઈક કોઈક વાર બન્ને વચ્ચે આચારધર્ષણ થઈ જતાં ખરાં.

તેમાં યે જ્યારે રમેશ ઠીક ઠીક નોકરીમાં દાખલ થઈ ગયો ત્યારે આચારભિન્નતાના પ્રસંગો વધવા લાગ્યા. મોટા ભાગના ભણેલાઓના ભાગ્યમાં મોટે ભાગે નોકરી લખાયેલી હોય છે, અને રમેશ એમાં અપવાદરૂપ ન હતો. નોકરીમાં મુસલમાનને મળવું પડે અને ઢેડને પણ મળવું પડે.

હરિકુંવરની નવા યુગ સાથે મોટામાં મોટી તકરાર બે પ્રકારની હતી. છોકરાઓ દેવસેવા ન કરે, ટીલાટપકાં ન તાણે, અંઘોળ બહુ ન પાળે તે ચલાવી લેવાય એવી ક્ષતિઓ હતી; પરંતુ સ્પર્શાસ્પર્શ અને ભેળસેળ ભોજન એ હરિકુંવરને મન મહાપાપરૂપ હતાં, જે પાપની ક્ષમા ઈશ્વર કદી આપશે કે નહિ એ વિષે હરિકુંવરને બહુ ઊંચો જીવ રહેતો. તેઓ ઘણી વાર કહેતાં : 'દીકરા? આમ તો તું મારા ઘરનું રતન છો; પણ આ બધો ભ્રષ્ટાચાર... અંગ્રેજોએ તો બધું ઊંધું વાળ્યું જ હતું, પરંતુ આ તમારા ગાંધી મહાત્માએ તો ધર્મનું સત્યાનાશ વાળ્યું છે !'

'મોટી મા ! રોહીદાસ ચમાર હતા, દામાજી મહાર હતા..'

'તું વાત ન કરીશ. ગધેડાને તાવ આવે એવી. એ બધાય મહાત્માઓને આપણે પગે લાગીએ. એમણે ભગવાનને ભજવાનું કહ્યું છે, કાંઈ ઢેડ ભેગા બેસીને જમવાનું કહ્યું નથી.'

આવી વાતચીતો, આવી દલીલો અને આવા વાદવિવાદ કદી કદી દાદી અને પૌત્ર વચ્ચે ચાલ્યા કરતા; પરંતુ એકંદરે આવા પ્રશ્નો ન જાગે એવી કાળજી વૃદ્ધ તથા યુવાન બંને પક્ષ તરફથી રહેતી.

બંનેના મનમાં એક જ ચણગણાટ રહી જતો :

‘દાદી આટલાં સમજણાં છે તો પછી આ સ્પર્શાસ્પર્શ અને ભક્ષ્યાભક્ષ્યમાં ઉદાર કેમ થઈ શકતાં નહિ હોય ?'

અને દાદીને એમ વિચાર વારંવાર આવ્યા કરતો હતો કે 'દીકરો આવો સુશીલ, ભણેલો અને સંસ્કૃતના શ્લોકો કડકડાટ બોલે એ, છતાં એને સપર્શાસ્પર્શ અને ભક્ષ્યાભક્ષ્યની જરા યે છોછ કેમ રહેતી નથી ?'

અનાજની માપબંધીએ આ મતભેદ વધારવામાં એક પ્રસંગે ભયંકર ભાગ ભજવ્યો. અનાજને પડીકે બંધાવનાર મહાસભાની ગાંધીવાદી સરકાર માત્ર હરિકુંવરની જ નહિ, પરંતુ તે સિવાયના કંઈકની ગાળો ખાય એ સ્વાભાવિક છે. હરિકુંવર અન્નદાનને મહાદાન ગણતાં, અને આતિથ્ય ભાવનામાં પૂરાં ઝબકોળાયેલાં રહેતાં.

'ભાઈ ! દુકાળના પણ દિવસો જોયા અને જૂના દુકાળની વાત પણ સાંભળી. પણ મૂઠી અનાજ દાન ન આપશો એવું તો કોઈ જુલમગારે પણ કહ્યું નથી.'

'મોટી મા ! જુઓ ને આજનો સમય બહુ પલટાયો છે. પરદેશથી અનાજ આવતું નથી, અને આપણા લોકો પૂરું પકવતા નથી...' કહી તેણે ભારતવર્ષના આધુનિક અર્થશાસ્ત્ર વિષે ન સમજાય એવા કેટલાક સિદ્ધાંતો સમજાવવા માંડ્યા. વૃદ્ધ પિતામહીએ આમાંથી એક જ સિદ્ધાંત તારવ્યો :

'સો વાતની એક વાત...આપણા લોકોને રાજ ચલાવતાં જ આવડતું નથી.'

સરકારી નોકરી કરતા રમેશને એ વાત સાચી લાગતી હોય તોપણ એ કથનની 'હા' પડાય એમ ન હતું. ઉદારતાપૂર્વક હરિકુંવરે પણ દાનધર્મ કરવાં ઘટાડી દીધાં. એટલું જ નહિ, પરંતુ તેમણે પોતાનાં વ્રત પણ વધારી દીધાં. એક દિવસ તેઓ ઘઉં બચાવે, બીજે દિવસે ખાંડ વગરની ચા પીએ અને ત્રીજે દિવસે ઘી વગરનું લૂખું ખાય. ક્યાંય સુધી તો તેમણે ચોખા વગર ચલાવ્યું ! અને એક દિવસ રમેશને દાદીના ભોજનસંકોચની ખબર પડી. તેણે કહ્યું:

'મોટી માં ! તમે હમણાં બરાબર જમતાં કેમ નથી ?'

‘જમું છું ને ભાઈ ! જે જમાય છે તે !'

'ના ના, મને ખબર પડી છે કે તમે વચમાં વચમાં ચોખા મૂકી દો છો, ઘઉં મૂકી દો છો, ઘી લેતાં નથી અને ખાંડ વગર ચલાવો છો. આપણા જેટલા માણસોનું પૂરું થાય એટલું અનાજ તો મળે છે; પછી એનું શું કારણ?'

'કારણ કોઈક દહાડો કહીશું.' કહી પાત્રને હરિકુંવરે હસી કાઢ્યો. જોકે કારણ જાણવાનો પ્રસંગ રમેશને બહુ વહેલો આવી ગયો.શ્રાદ્ધપક્ષના દિવસો આવ્યા અને હરિકુંવરે રમેશને બોલાવી કહ્યું :

'જો, આ પિતૃપક્ષમાં બીજને દિવસે પાંચ બ્રાહ્મણ, ચોથને દિવસ છ બ્રાહ્મણ, નવમીને દિવસે બ્રહ્મકન્યાઓને જમાડવાં પડશે.' '

'મોટી મા ! એ તો ન બને; કાયદો ના પાડે છે. વધારાનું અનાજ કોઈ આપે જ નહિ!'

'પરંતુ ભૂખી રહીને મેં અનાજ બચાવ્યું હોય તો ય કોઈને જમાડાય નહિ ?' દાદીએ કહ્યું. 'જુઓ ને મોટી મા ! આપણે સરકારી નોકર રહ્યા. જમણવાર કરીએ તો ખરીખોટી અરજીઓ પણ લોકો કરે. શું કરવાને એવી આફતમાં આપણે ઊતરવું ?'

'વારુ, ત્યારે તમારા રામરાજ્યમાં ખોટી અરજીઓ થાય ખરી ?' કહી દાદીએ વાત પડતી મૂકી; પરંતુ પિતૃપક્ષના દિવસો આવતાં રમેશને ખબર પડી કે દાદીએ બ્રાહ્મણોને બોલાવી તેમને સીધાં આપી દીધાં હતાં. રમેશે એ બદલ વાત શરૂ કરી ત્યારે હરિકુંવરે તેને સાંભળવાની ઘસીને ના પાડી.

'પિતૃઓને અતૃપ્ત રાખી મારે તારા કાયદા પાળવા નથી. હું દાનધર્મ નહિ કરું; પરંતુ પિતૃનું ઋણ તો માથે રખાય જ નહિ. અને હું બ્રહ્મભોજન માટે વધારાનું અનાજ ક્યાં તારી – સરકારની પાસે માગું છું ? એ તો મેં ભૂખી રહીને બચાવેલું અનાજ છે!'

'પણ મોટી મા ! એ ન ચાલે. જે બ્રાહ્મણોએ આપણું અનાજ લીધું એ બ્રાહ્મણોએ કાયદેસર રીતે તે દિવસનું અનાજ સરકારને પાછું સોંપવું જોઈએ.'

'અરે! ચાલ, મોટો સરકારવાળો ! સત્યવાદી હરિશ્ચંદ્ર હો તો જા, મારી ઉપર અને બ્રાહ્મણ ઉપર ફરિયાદ કર.'

રમેશે હજી સુધી દાદી ઉપર કે બ્રાહ્મણો ઉપર ફરિયાદ માંડી કે મંડાવી નથી. તે પોતે જ એક માપબંધીનો અમલદાર હતો અને બહુ પ્રામાણિક માપબંધીનો અમલદાર હતો. પોતાનાં દાદીમા અને બ્રાહ્મણોનો ગુનો માપબંધીના કયા કાયદાની કઈ કલમ વિરુદ્ધનો ગુનો બને એ તેણે મહેનત લઈને શેધવા માંડ્યું હતું.

અનાજની અંદર અંદર આપલે કરવી એ તો કોઈ સંજોગોમાં ગુનો થાય છે એ તો જાણતો હતો. ભૂખ્યાં રહીને પણ બચાવેલું અનાજ કેાઈને આપી શકાય જ નહિ, અને એ આપ્યું હોય તો તે લેનારનું તે દિવસ પૂરતું રેશન સરકારમાં જમા થવું જ જોઈએ એમ તેનો કાયદો તેને વારંવાર કહ્યા કરતો હતો. ક્ષણભર દાદી ઉપર પણ ફરિયાદ માંડવા ઉત્સુક બનેલા તેના અતિન્યાયી હૃદયે એક જ સમદ્રષ્ટાંતને કારણ ફરિયાદ કરવાનું મુલતવી રાખ્યું. પ્રધાનો અને મહાન અમલદારો જે દિવસે રાજધાનીમાં કે બહાર મુસાફરીમાં મિજબાનીઓ મેળવે છે તે દિવસના ટંકનું અનાજ તેઓ સરકારમાં પાછું ભરે છે ખરા ?

પ્રધાનો અને ઉપરી અમલદારો નિવૃત્ત થાય ત્યાર પછી કાયદાનો આ ગૂંચવણભર્યો પ્રશ્ન તેમની સમક્ષ લઈ જવો, એ ડહાપણભર્યો ભાગ તેને જડવાથી તેણે પોતાની દાદી દ્વિરુદ્ધ અને બ્રાહ્મણ વિરુદ્ધ માપબંધીને કાયદો તોડ્યાની ફરિયાદ હજી સુધી દાખલ કરી નથી; જો કે, તેના પ્રામાણિક દિલમાં શ્રાદ્ધપક્ષ ખુંચે છે બહુ !—અને સાથે સાથે પ્રધાન અને મહા અમલદારાના કાયદાપાલન વિશે તે મૂંઝવણ પણ અનુભવે છે બહુ !