દીવડી/માંદગી કે પાપ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← આદર્શઘર્ષણ દીવડી
માંદગી કે પાપ?
રમણલાલ દેસાઈ
૧૯૫૪
પ્રેમની ચિંતા →


માંદગી કે પાપ ?

રસિક આમ તો સારું ભણતો. વર્ગમાં જ્યારે જોઈએ ત્યારે તે ઊંચે નંબરે જ હોય. વર્ગમાં તેનું કાંઈ તોફાન નહિ. શીળી, સુંવાળી ઢબે તે પોતાનો અભ્યાસ કરતો. તોફાનમાં કદી તેનું નામ સુધ્ધાં આવતું નહિ. આવો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને તો નહિ પરંતુ શિક્ષકોનો તો જરૂર માનીતો થઈ પડે છે. વર્ગમાં ઊંચે આવવાની ધગશને લઈને તેણે રમતગમત કે તોફાનની તરકીબોમાં કાંઈ રસ લીધો નહિ. તોફાની અને રમતમાં આગેવાની ભોગવનાર વિદ્યાર્થીઓ વર્ગમાં બહુ જ માનીતા થઈ પડે છે. સાથે સાથે સારું ભણનાર વિદ્યાર્થીઓ પ્રત્યે પણ સામાન્યત: સહુની કૂણી લાગણી હોય છે.

આમ શિક્ષકોમાં તેમ જ વિદ્યાર્થીઓમાં રસિક માનીતો હતો.

સારો અભ્યાસ કરતો દીકરો માબાપનો પણ સહજ માનીતો હોય. તેમાં ય તે માતાપિતાનો મોટો પુત્ર હતો, એટલે તેના તરફ માતાપિતાની મમતા પણ વધારે રહે, અને તે જલદી અભ્યાસ પૂરો કરી કુટુંબપોષણમાં ઉપયોગી થઈ પડે એવી માતાપિતાની આશાનું કેન્દ્ર પણ તે બની ચૂક્યો હતો. ગરીબ માબાપના ઘરમાં રસિકનું સ્થાન માનભર્યું હતું. સ્વાભાવિક રીતે રસિકનું મન મનાવવા તરફ માબાપની વૃત્તિ વધારે રહેતી. ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં બીજાં બાળકો કરતાં તેને અગ્રત્વ મળતું હતું. ઊંચા મધ્યમ વર્ગને અને તવંગર વર્ગને ઘરનાં બાળકોમાં આવો તફાવત કેમ રાખવામાં આવે છે તે ન સમજાય એ સ્વાભાવિક છે. એ સમજવા માટે ગરીબી જ બહુ સાચી દ્રષ્ટિ આપી શકે એમ છે.

કુટુંબમાં ત્રણચાર બાળકો હોય; કુટુંબના કમાનારને બહુ ઓછો પગાર અને ઓછી સત્તાવાળી નોકરી કરવાની હોય; બહેનભાણેજનાં પોષણ કરવાનાં હોય; મે'માનો સાચવવાના હોય; સમાજમાં પ્રતિષ્ઠા રહે એ પ્રમાણે કરા-વરા કરવાના હોય; એવાં કુટુંબમાં પોતાનાં જ બાળકો પ્રત્યે ભેદભાવ ભરેલું વર્તન અનિવાર્ય બને છે. એ પરિસ્થિતિને વખોડનાર સહુ કોઈએ ગરીબી અનુભવ્યા વગર ટીકા ન કરવી જોઈએ.

એટલે રસિકભાઈ માટે દૂધ લેવાય, રસિકભાઈ માટે સારાં કપડાં લેવાય, અને સરસમાં સરસ થાળીપાટલો અપાય, એનું દરેક રીતે મન મનાવાય, અને ઘરનાં બાળકોના માનને ભોગે રસિકભાઈનું માન સચવાય એવી ઘરમાં રીત પડી હતી. રસિકના પિતા અનેક યુવકના પિતાની માફક ગરીબ હતા, કારકુની કરતા હતા. તંગીમાં કુટુંબગુજારો કરતા. હતા. રસિકભાઈ ઝડપથી ભણી રહે એવી આશામાં રસિકભાઈ ઉપર આવકનો સારો ભાગ ખર્ચતા હતા. માતાનો પણ રસિક માનીતો પુત્ર. એનાં ભાંડુઓમાં પણ એ ભાવ સ્પષ્ટપણે ઠસાવવામાં આવ્યો હતો. રસિકભાઈની બરોબરી કોઈથી થાય નહિ! નાનાં બાળકોએ એ કબૂલ કરી લીધું.

રસિક જેમ જેમ આગળ ભણતો ગયો, ઘરમાં તેમ જ શાળામાં વધારે અને વધારે માનીતો ગણાતો ચાલ્યો, તેમ તેમ એના મનમાં એનું પોતાનું મહત્ત્વ પણ ઠીક ઠીક વધતું ચાલ્યું. પહેલા નંબરથી – ક્રમથી નીચે તેનાથી આવી શકાય જ નહિ એવો તેના મનમાં આગ્રહ સ્થપાઈ ચૂક્યો હતો. અને મનનો આગ્રહ માનવીને સફળતા પણ અર્પે છે. રસિક બધી જ પરીક્ષાઓમાં પહેલે ક્રમે આવતો. તેનું અહં શિક્ષકો પણ પોષતા, અને કુટુંબ પણ પોષતું. એને મળતી સ્કૉલરશિપ કુટુંબની ઝંખનાપાત્ર આવક પણ કદી કદી બની રહેતી. જેને લઈને રસિકને મળતા દૂધમાં, રસિકને મળતા ઘીમાં, એને એકલાને મળતી ચામાં અને એને એકલાને મળતાં વાસણમાં વધારો થતો. રસિકે પણ વિચારવા માંડ્યું કે તેના પ્રત્યેનું પક્ષપાતી વલણ એ તેનો હક્ક હતો. આવડત, અક્કલ અને હુશિયારીને સમાજે ખંડણ આપવી જ જોઈએ.

બાળકો જેમ જેમ મોટાં થાય તેમ તેમ આ ભેદભાવને સમજે અને તેનાથી નારાજ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ પરિસ્થિતિ અટકાવવા માતાપિતા બીજા બાળકોથી રસિકને છાનામાના પણ મહત્ત્વ આપતાં હતાં, અને આવા ભેદભાવને માટે પોતાની કમનસીબીને, પોતાની ગરીબીને દોષ આપતાં હતાં.

સારે નંબરે મેટ્રિકયુલેશનમાં પાસ થઈ રસિક કૉલેજમાં ગયો. કૉલેજમાં પણ તેનું ચિત્ત અભ્યાસમાં જ સંપૂર્ણપણે રોકાયું હતું, છતાં અભ્યાસમાં થોડો ભાગ પડાવનાર એક પ્રસંગ ઊભો થયો. માનવીને રસિકતા વરી હોય કે ન વરી હોય, માનવીને ઉદ્દેશો અને આદર્શોની ધૂન લાગી હોય કે ન લાગી હોય તો પણ જાતીય આકર્ષણનો સંચાર માનવીના હૃદયમાં થયા સિવાય રહેતો નથી; પછી તે માનવી સ્ત્રી હોય કે પુરુષ હોય, અભ્યાસ પ્રત્યે જ ધ્યાન રાખી રહેલા રસિકને લાગ્યું કે અભ્યાસ જેટલી જ આકર્ષક યુવતીઓ હોઈ શકે છે ! કોલેજમાં પણ રસિક ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી તરીકે જાણતો થઈ ચૂક્યો હતો, અને હવે તો તે કૉલેજિયન બની ગયો હતો; એટલે માબાપ, ભાઈભાંડુ અને પડોશીઓમાં તેનું મહત્ત્વ વધી જાય એમાં નવાઈ નહિ. તેના પોતાના મનથી પણ તેનું મહત્ત્વ વધી ગયું હતું જ. પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થી સામે આખી દુનિયાએ હાથ જોડી ઊભા રહેવું જોઈએ એ ખ્યાલ તેના મનમાં વધારે અને વધારે સ્પષ્ટ થતો જતો હતો.

સાથે સાથે તેને એ ખ્યાલ પણ આવવા માંડ્યો કે તેના સરખો તેજસ્વી વિદ્યાર્થી જે યુવતી તરફ નજર નાખશે તે યુવતી તેની સાથે કાંઈ પણ પૂછ્યાગાછ્યા વગર એકદમ પ્રેમમાં પડી જશે. રસિક જાતે તોફાની ન હતો, અને તોફાની છોકરીઓ તેને બિલકુલ પસંદ ન હતી, પરંતુ તેને પોતાને પોતાના વર્ગમાં ભણતીએક તોફાની યુવતી ગમી ગઈ. એનું નામ રંજન.

પ્રેમપ્રકાશનને, એટલે પ્રેમ-publicity–જાહેરાતને સમયાનુંકૂળ માર્ગ મળે છે. કૉલેજો ન હતી ત્યારે પણ કૂવા, તળાવ, નદીનાં એકાંત, બાગબગીચા કે મંદિરધર્મશાળાઓ પ્રેમપ્રકાશનનાં ઠીક ઠીક સાધન આપી રહેતાં હતાં. કૉલેજમાં પ્રેમપ્રકાશનનાં વધારે સાધનો મળી આવે. અભ્યાસની પૂછપરછ ચોપડીઓ તથા ‘નોટ્સ’ની આપ-લે. યુનિયનમાં મત મેળવવા માટેનું પ્રાથમિક શિક્ષણ, ભેગાં મળતાં 'જયહિંદ' અને પાછા વળતાં ‘વંદેમાતરમ્': એ બધાં સાધનો ભણતાં યુવકયુવતીઓમાં પ્રેમપ્રદર્શનની ડોકા બારીઓ બની જાય એ સહજ છે.

આવી એક ડોકાબારીમાંથી તેણે તેની યુવતી રંજન પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો. ઊંચી કક્ષાના વિદ્યાર્થી પ્રત્યે સહુને માન હોય એ સ્વાભાવિક ગણાય; પરંતુ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીને કૉલેજની પ્રત્યેક છોકરીએ પ્રેમ કરવો જ જોઈએ એવો નિયમ હજી ઘડાયો દેખાતો નથી. પરીક્ષકને મન પહેલો આવે એવો માનીતો રસિક રંજનને પ્રેમાર્પણ માટે પહેલો લાગે એવો દેખાયો નહિ; એટલે શરૂઆતમાં વિનયવિવેકથી અને આગ્રહ થતાં મશ્કરીતોફાનથી રંજને રસિકને જણાવી દીધું કે તે રંજનની પરીક્ષામાં પ્રથમ નંબરે તો નહિ જ; પરંતુ એકેય નંબરે પસાર થાય તેમ ન હતું.

પ્રેમમાં નિષ્ફળ નીવડનારને આઘાત થવો જ જોઈએ. તોફાનીની નિષ્ફળતા તેને બીજા પ્રેમપ્રયોગમાં દોરે છે; એથી ઓછા તોફાનીની નિષ્ફળતા તેની પાસે કવિતાઓ લખાવે છે કે શ્વાસનિ:શ્વાસ લેવરાવે છે, અને નિર્માલ્યોની નિષ્ફળતા તેમને પથારીવશબનાવે છે. પરીક્ષામાં પ્રથમ આવનાર રસિક પ્રેમપરીક્ષામાં નિષ્ફળ નીવડતાં બે-ત્રણ-ચાર માસની વિરહ વેદના ભોગવી અંતે પથારીવશ બની ગયો. માબાપના મોંઘેરા પુત્રને અને પરીક્ષકોના મહામાનીતા પરીક્ષ્યને કોઈ પણ રીતિથી પ્રેમની ના પાડી શકાય જ કેમ ? એ પ્રશ્ન જેના હૃદયમાં ઊભો થાય છે તેને પછીથી દુનિયા બધી યે બાબતમાં સતત ના જ પાડ્યા કરે છે.

સુકાતો જતો રસિક માબાપની ચિંતાનો પણ વિષય બની ગયો. ભણવામાં ઓછું લક્ષ આપવા, તબિયતની વધારે કાળજી રાખવા આવા પુત્રને કહી શકાય તેટલું માબાપે કહ્યું, અને અંતે તે જ્યારે પથારીવશ થયો ત્યારે એકદમ ગભરાઈને માબાપે મોટામાં મોટા ડૉક્ટરોની સારવાર આપી. મોટા ડૉક્ટરોની સારવાર એટલે ભારેમાં ભારે ફી, તેમની મોટરકારની મુસાફરી, ગભરાવી નાખે એવી અને નાનામાં નાના કાગળ ઉપર મોંઘામાં મોંઘી દવાઓની યાદી ! મહા ડૉક્ટરની સારવાર આટલેથી બસ થતી નથી. ખોરાકમાં પણ તેઓ એવી નવી નવતેરી વસ્તુઓ બતાવે કે જે મોંઘી હોય, એટલું જ નહિ પણ મહા મુશ્કેલીએ મળે એવી હોય. માખણ અને મોસંબીનો રસ તો તેમની દવા જેટલાં જ મહત્ત્વનાં ગણાય; અને આવા મોંઘા આશાસ્પદ પુત્ર માટે માતાપિતાએ આ દવાઓ અને આ ખોરાક તેને આપવો જ રહે. રસિકને પણ લાગ્યું કે તેના પોતાના મહત્ત્વ પ્રમાણે જ મોટા ડૉક્ટરને બોલાવવા જોઈતા હતા. અને તેને માટે આવી મોંઘી દવાઓ, અને મોંઘા ખોરાક નિર્ણીત કરવાં જ જોઈતાં હતાં. એક માસ થયો, બે માસ થયા, ત્રણ માસ થયા, છતાં લાડીલો રસિક હજી પૂરો સાજો થતો ન હતો. ડૉક્ટરને ત્યાં દવાઓની ખોટ હોતી નથી. પીવાની દવાથી ન પતે તો તેઓ ગળવાની દવા આપે, અને ગળવાની દવા પૂરી અસર ન કરે તે પહેલાં તેઓ ઇન્જેક્શન આપવાની સૂચના કરે. જૂનાં દર્દો એકબે ઈન્જેક્શને મટતાં; પણ નવાં દર્દો છ, બાર, વીશ કે અડતાળીશ ઇન્જેક્શનોનો ક્રમ માગી જ લે છે. અને રસિક જેવા મહાન પુત્ર માટે તે અડતાળીશ સોયોવાળી દવાની જ જરૂર હોય ને ?

ગરીબ માબાપે રસિકની બહુ જ કાળજીપૂર્વક દવા કરી. તેમણે પોતાનો ખોરાક ઘટાડ્યો; તેમણે પોતાનાં બીજા બાળકને ખોરાક ઘટાડ્યો : કપડાં પહેરવા-ઓઢવામાં પણ કરકસર કરી–ગરીબ ઘરમાં કાંઈ કર કસર થઈ શકતી હોય તો ! રસિકની તબિયત જેમ જેમ આછી સુધરતી ચાલી તેમ તેમ ડૉક્ટરે માબાપને વધારે કાળજી રાખવા તેની દેખતાં જ સૂચના આપી. રોગ ન થાય એના કરતાં પણ મટતો રોગ ફરી ઊથલો ન ખાય એ વાત વધારે મહત્ત્વની ગણાય; એટલે હજી પણ રસિકને મોંઘી પૌષ્ટિક દવા અને એથી યે મોંઘો પૌષ્ટિક ખોરાક ચાલુ રાખવાના હતા. ધીમે ધીમે રસિકની તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો; પરંતુ તેના પિતાનો દેહ વધારે અને વધારે ઘસાતો ચાલ્યા. જે તરફ લક્ષ દોરવાની ઘરમાં કોઈને પણ જરૂર લાગી નહિ. મોંઘો કૉલેજિયન પુત્ર માંદો હોય ત્યાં બીજા સહુએ ભોગ આપ જ રહ્યો !

એક રાત્રે રસિક સૂતો હતો. માંદગીને ખૂબ આરામ જોઈએ. આખો દિવસ અને રાત્રી પડી રહેતા રસિકને નિદ્રા આવી ન હતી. પરંતુ નિદ્રા આવી હોય એ ઢબે તેને હવે સૂવાની ટેવ પડી હતી, જે નિદ્રાનો ભંગ કરવો એ બીજા બાળકો માટે ભયંકર ગુનો ગણાતો હતો. અલબત્ત રસિકનો તો તે ઢબની નિદ્રાને હક્ક હતો !

પુત્રને સુતેલો જોઈ તેની માતાએ પતિને પૂછ્યું :

‘તમારું પણ શરીર જોઈએ તેવું સ્વસ્થ લાગતું નથી.'

'તારું યે શરીર વળી ક્યાં સારું લાગે છે? આની સારવારમાં તું પાછી માંદી ન પડે તો ગંગા નહાયા.' પતિએ કહ્યું.

'કેમ આમ કંટાળીને બોલો છો ?'

‘કંટાળું નહિ તો બીજું શું કરું ?'

'કેમ એમ? હારી કેમ જાઓ છો?' પતિના મુખ ઉપર એક પ્રકારનો કંટાળો નિહાળી રસિકની માતાએ પૂછ્યું.

'હવે તો પ્રભુ મોત આપે તો વધારે સારું. આજે હવે આ છેલ્લાં જ ફળ રસિક માટે લાવ્યો છું. હવે ફળ કે દવા લાવવાની મારામાં તાકાત રહી નથી.' રસિકના પિતાએ કહ્યું.

'મારા ઘરેણાંમાંથી...'

‘હવે ઘરેણાં રહ્યાં જ છે ક્યાં ? અઠવાડિયા પહેલાં તારી સોનાની બંગડી વેચી નાખી છેલ્લે જ તારું ઘરેણું હતું. ઉધાર લવાય તેટલું ઉધાર લાવ્યું. અને નોકરી કરતાં પહેલાં લીધેલું પણ સુધાં નેવે મૂક્યું. હવે હાથ હેઠા પડ્યા છે.'

'પણ શાનું?' પત્નીએ પૂછ્યું.

‘તું જાણે છે, લાંચ કદી ન લેવી એવા મેં સોગન લીધા હતા. પરંતુ એ સોગન પાળ્યા હોત તો રસિકની ત્રણચાર માસની સારવાર પણ હું કરી શક્યો હોત નહિ. હવે તો પગાર, લાંચ ઘરેણાં અને શોખ એ સર્વને છેડો આવી ગયો છે. હું કે તું વેચાઈએ તો ય રસિક માટે ફળ લાવવાની શક્તિ મારામાં રહી નથી.'

અને આરામથી સૂતેલા રસિકે આ વાતચીત સાંભળી. એના હૃદયે ભયંકર ડંખ દીધો. રસિકની આ એક માંદગી શું માબાપને પાપ કરાવી રહી હતી ? માબાપની જાત વેચવા સુધીની કક્ષાએ તે માતાપિતાને લાવ્યો હતો ? એ તે રસિકની માંદગી કે રસિકનું પાપ ? કલાકેક રહી તે પથારીમાં બેઠો. માતાએ તેની ખબર પૂછી. પુત્રે કહ્યું :

'મા ! મને સ્વપ્ન આવ્યું. અને તમે રાખેલી બાધા ફળીભૂત થઈ. હુ આ ક્ષણથી જ તદ્દન સાજો થઈ ગયો છું.'

અને ખરેખર બીજા દિવસથી તેણે દવા છોડી, ફળ છોડ્યાં, વિશિષ્ટ ખોરાક છોડ્યો, અને કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો – માતાપિતાએ બહુ ના પાડી છતાં.

ત્યાર પછી રસિક કદી માંદો પડ્યો નથી. એટલું જ નહિ પણ તે પરીક્ષાઓમાં ઊંચે નંબરે પાસ પણ થયો. રંજન જેવી જ એક તોફાની છોકરી સાથે તેનું લગ્ન પણ થયું અને અભ્યાસ ઉપરાંત દેહને કસવાથી તે હૃષ્ટપુષ્ટ આદર્શ યુવક તરીકે ઊંચી નોકરી પણ મેળવી શક્યો. પિતાની નાની નોકરી છોડાવી તેણે માતાને સોનાના ઘરેણાં કરાવી આપ્યાં. તેના મનમાં એક વસ્તુ ઠસી ગઈ કે માંદગી એ શોખ નથી, આફત નથી, પરદીધો શાપ નથી, પરંતુ આપ વહોર્યું પાપ છે. કૉલેજમાં ભણતા અનેક યુવકોની માંદગીનાં મૂળ શૃંગારસમાં જ રહેલાં હોય છે. અને તેની પહેલાં માબાપના લાડમાં હોય છે.