દીવડી/પ્રેમની ચિંતા

વિકિસ્રોતમાંથી
← માંદગી કે પાપ? દીવડી
પ્રેમની ચિંતા
રમણલાલ દેસાઈ
૧૯૫૪
મારું અપરાધનિવેદન →





પ્રેમની ચિતા

ડૉકટર તરીકેના મારા ધંધામાં મને અનેક અનુભવો મળે છે. વધારે પડતું લાગે છતાં હું કહી શકું કે જે જે દરદી મારી પાસે આવે છે તે તે મને એક એક વાર્તા કહેતા જાય છે, અને એકનો એક દરદી ને વખત આવે તો એની કથની બીજી વાર્તા બની જાય છે.

અમારાથી બધી વાતો કહેવાય નહિ, અને દરદીનાં નામ તો લેવાય જ નહિ ! છતાં એટલું તો ખરું કે પ્રત્યેક દરદી, સ્ત્રી કે પુરુષ, આપણી સામાજિક સમસ્યા બની રહે છે, સમાજઘડતરની ખામી-ખૂબીઓ સ્પષ્ટ કરે છે. અને રોગની પાછળ રહેલાં, શારીરિક અસ્વસ્થતાની પાછળ રહેલાં, દુનિયાને ન દેખાતાં કારણો અમારી પાસે પ્રકાશિત કરે છે.

મને તો લાગે છે કે આમાંની ઘણી કથનીઓ કહી દેવી જોઈએ. કારણ કે સારવાર માટે આવતાં દરદીઓ કોઈ વ્યાપક, સામાજિક સ્થિતિના નમૂનારૂપ હોય છે. જેવો નમૂનો તેવી જ સામાજિક સ્થિતિ.

હું એક સુખી દેખાતાં અને કહેવાતાં ગૃહસ્થ અને ગૃહિણીની નાની સરખી વાત કહી જાઉં. તેમને હું કલ્પિત નામ આપું, ગૃહસ્થનું નામ ગિરીશ અને ગૃહિણીનું નામ ગાયત્રી. અકસ્માતનો વિજ્ઞાન સિદ્ધ નિયમ એવો છે કે આપણે ન ધાર્યું હોય તે બને પણ ખરું. કોઈ ગૃહસ્થ-ગૃહિણીનાં દાંપત્યનામ ગિરીશ-ગાયત્રી હોય તો તેઓ મને માફ કરશે. જેમની કથની હું કહું છું તેમનાં સાચાં નામ, કે વહાલમાં પાડેલાં આડનામ ગિરીશ-ગાયત્રી નથી. છતાં એ નામે હું તેમને ઓળખાવું છું.

ગિરીશ એક ડબલ ગ્રેજ્યુએટ છે અને ગાયત્રી ગ્રેજ્યુએટ સન્નારી છે. કદાચ ગાયત્રી પણ ગિરીશની માફક ડબલ ગ્રેજ્યુએટ થઈ શકી હોત;કદાચ ગિરીશ કરતાં પણ વધારે ઝળકતી તેની કારકિર્દી બની શકી હોત; પરંતુ બન્નેનાં લગ્ન થયાં, અને બન્નેને ઉત્સાહ હતો કે ગાયત્રી ડબલ ગ્રેજ્યુએટ બને; પરંતુ હવે હું જ્યારે જ્યારે પૂછું છું ત્યારે ગાયત્રી પોતે ડબલ ગ્રેજ્યુએટ કેમ ન બની એ પ્રશ્નનો શબ્દથી ઉત્તર ન આપતાં માત્ર મીઠું મીઠું હસે છે અને ગિરીશને પૂછું છું ત્યારે તે કહે છે કે 'પરણ્યા પછી ગાયત્રી આળસુ બની ગઈ છે. બધી સગવડ આપવા છતાં તે અભ્યાસનો લાભ લેતી જ નથી.'

બન્ને મારાં મિત્ર છે એમ કહું તો ચાલી શકે. ગિરીશ કૉલેજમાં મારાથી એકબે વર્ગ પાછળ હશે છતાંએક બાહોશ વિદ્યાર્થી તરીકે હું તેને ઓળખતો. પછી તો હું વૈદ્યકીય શિક્ષણની બાજુએ વળ્યો, અને પરીક્ષા પસાર કરી પરદેશનો ચળકાટ મેળવી મેં લોકોનો વ્યાધિ મટાડવાનો ધંધો શરૂ કર્યો. પોતાના શિક્ષણને ઓપ આપવા ગિરીશ અને ગાયત્રી પણ પરદેશ આવ્યાં હતાં. ત્યાં અમે એકબીજાને ફરી મળ્યાં અને અમારી અટકી ગયેલી મૈત્રી પાછી સંકળાઈ. ગિરીશ તો ઘરનો સધન હતો, સારું ભણ્યો હતો અને ગાયત્રી સાથે તેણે પ્રેમલગ્ન કર્યું હતું એટલે સંસારની દ્રષ્ટિએ તેને કંઈ મેળવવાપણું બાકી રહ્યું લાગતું નહિ. ધનિકોના કેટલાક ભણેલ પુત્રોની માફક તેણે પણ સાહિત્ય, કલા અને સંસ્કારમાં રસ લીધો. એમાં મોળાશ દેખાવા લાગી એટલે તેણે રાજકીય સભાઓમાં ભાષણ સાંભળવા માંડ્યાં અને ભાષણ કરવા પણ માંડ્યાં. તે કેદખાને પણ જઈ આવ્યો અને જાતે સુખી હોવા છતાં દુઃખ વેઠતા આગેવાનની માનભરી પંક્તિમાં ઝડપથી તે બેસી પણ ગયો. એક દિવસ એ મારે ત્યાં આવ્યો અને મેં તેની સામાજિક તથા રાજકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા અને ગાયત્રીની ખબર પૂછી.

ગિરીશનું મુખ જરા સંકોચાયું. વૈદ્ય-ડૉક્ટરોને જ્યોતિષ મદદ કરે છે કે કેમ એ વિષે મતભેદ છે. હું હજી જ્યોતિષમાં માનતો નથી; પરંતુ એટલું તો હવે કહી શકું કે જ્યોતિષ નહિ તો સામુદ્રિક વિદ્યા ડૉક્ટરોને જરૂર આવડવી જોઈએ - એ વિદ્યા રીતસર ગુરુ પાસે ન શિખાય તો પણ ! દરદીના ચહેરા ઉપર વાતચીત પ્રસંગે કોઈ એવી લિપિ લખાયે જાય છે કે નાડ જોયા વગર અગર થરમોમિટર મૂક્યા સિવાય પણ દર્દીની પ્રાથમિક પકડ તો જરૂર આવી જાય.

ગિરીશના મુખ ઉપરથી જ હું જોઈ શક્યો કે તેને તેની પત્ની ગાયત્રી તરફથી પૂરતો સંતોષ મળતો નથી. જગતની દ્રષ્ટિએ સંપૂર્ણ સાધનસજ્જ માનવીને પણ અસંતુષ્ટ રહેવાનાં કારણો મળે છે ખરાં.

'કેમ ગિરીશભાઈ ! તમારી તબિયત સારી નથી કે ગાયત્રીબહેનની?' મેં પૂછ્યું.

'કાંઈ નહિ; કહેવા જેવી વાત જ નથી.' ગિરીશે મુખ ઉપરનો અસંતોષ વધારે સ્પષ્ટ કરી મને કહ્યું.

'મને નહિ તો તમે બીજા કોને કહેશો? ડૉક્ટર તરીકે અને મિત્ર તરીકે કોઈને પણ કહેવાનો તમને હક્ક હોય તો તે મને કહેવાનો હકક છે જ.' મેં વાત આગળ વધારવા ઉત્તેજન આપ્યું.

'આમ તો કાંઈ જ નથી...વારુ, કોઈ દિવસ વાત કરીશું.' ગિરીશે કહ્યું.

'જુઓ, તમે પણ બહુ કામવાળા, અને હું પણ ડૉક્ટર, કામ ન હોય તો પણ અમારે કામ છે એમ દેખાડવું જ પડે. અત્યારે અવકાશ છે એટલે દુ:ખ કે દર્દની વાત કરી દેવી એ જ વધારે સારું છે. તમારી તબિયત સારી લાગે છે. ગાયત્રીબહેનને થોડા દિવસ ઉપર જોયાં ત્યારે દૂબળાં પડી ગયેલાં લાગ્યાં હતાં. એ સિવાય તો...બનાવ તો છે ને બન્નેમાં ?' મેં પૂછ્યું.

'હા...બનાવ તો છે... પણ બહારથી જ.' ગિરીશે જરા અચકાતાં અચકાતાં કહ્યું.

'આ જ મોટું દુઃખ છે તમે પ્રેમલગનિયાંઓનું ! તમને પ્રેમ પણ બહુ વહેલો થાય, પ્રેમમાંથી લગ્ન પણ બહુ વહેલું થાય અને લગ્નમાંથી અણબનાવ પણ ઝડપથી ઉકલી આવે. તમારા જેવાં બંને સમજદાર પતિપત્ની વચ્ચે અણબનાવ થાય એ ભારે નવાઈ કહેવાય. તમે બંને મને મળવા સાથે આવો; અને હું તમારો અણબનાવ ઉકેલવાને રસ્તો કાઢી આપીશ.'

'ગાયત્રીને વચ્ચે રાખવાની જરૂર જ નથી. એ તે તદ્દન કહ્યાગરી, મારા સુખમાં સુખ માનનારી, બાહ્ય દષ્ટિએ આદર્શ પત્ની છે.'

'તો તમારી ફરિયાદ શી છે?'

'મારી મોટામાં મોટી ફરિયાદ એ છે કે ગાયત્રી જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ બહુ જ..ઠંડી પડતી જાય છે.'

‘એટલે?' હું ચમક્યો. ફરિયાદ બહુ જ અંગત બની રહી હતી.

'એટલે, એમ કે... હું જોઈ શકું છું કે...તને મારા પ્રત્યે ઉમળકો આવતો નથી. લગ્નની શરૂઆતના દિવસો હું યાદ કરું છું અને મને તેની આંખમાં રમતી ઉષ્મા યાદ આવે છે. હમણાં કેટલાક દિવસથી, કેટલાક માસથી ગાયત્રીના હૃદયમાં મારા પ્રેમનો સહેજ પણ પડઘો પડતો નથી.'

'તમે તપાસ કરી કે તેનો દેહ સ્વસ્થ છે કે અસ્વસ્થ ?'

'એ તપાસ કર્યા વગર હું રહું ? એટલી તો ડૉક્ટર ! તમને ખાતરી હોવી જોઈએ કે હું લાગણીહીન તો નથી જ. એ તો કહે છે કે તેનું શરીર તદ્દન સારું છે.'

'તો તમે તેમના તરફ જોઈતું ધ્યાન નહિ આપતા હો.'

'મારા જેવું ધ્યાન આપનાર પતિ કે પ્રેમી દુનિયામાં મળવો મુશ્કેલ છે, ડૉકટર ! મારી આંખ એને જ જુએ છે; મારું હૃદય એને જ ઝંખે છે. હું કામ કરતો હોઉં, ભાષણ આપતો હોઉં, અગર ગરીબની સેવા કરતો હોઉં તો પણ ગાયત્રીનું મુખ અને ગાયત્રીને દેહ મારી આંખ આગળ રમતાં જ હોય છે. એની હાજરીમાં હું ગાયત્રીને એકલી મૂકીને કંઈ બેસતો નથી; અને તેને રાજી રાખવા માટે સતત તેની આસપાસ મારી હાજરી રાખું છું. વધારે શું કહું ? પ્રેમોપચાર વગરની એક પણ ક્ષણ ગાયત્રી સાથે હું ગાળતો નથી. આનાથી વિશેષ, કહો, હું શું કરું ?'

મને, ડૉક્ટર તરીકે, માનવ પ્રેમીઓની એક ભયંકર ભૂલ એકાએક જડી આવી. ઘણી વાર પતિપત્ની – અને મોટે ભાગે પતિ - એમ જ માન્યા કરે છે કે પત્ની પાસે જેમ વધારે પોતાની હાજરી, પત્નીનો જેમ વધારેમાં વધારે સ્પર્શ, પત્ની સાથે જેમ સતત વાતચીત – અને કહેવા દો કે પત્નીસૌંદર્ય જેમ વધારે–સતત ઉપભોગ તેમ પરસ્પર વધારે પ્રેમ છે એમ મનાય; પરંતુ બીજા પરિચયોની માફક પતિપત્ની વચ્ચેનો આવો અતિ પરિચય લગ્નને અને લગ્નના આનંદને નિરર્થક કરી નાખવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અતિપ્રેમ અને અતિશય પ્રેમોપચાર મોટે ભાગે ખાઉધરા માણસની સતત સંતુષ્ટ રહેવા માગતી સ્વાદવૃત્તિ જેવાં હોય છે. સતત ખોરાક એ આરોગ્યની નિશાની નથી; સતત પ્રેમોપચાર એ પ્રેમની નિશાની નથી. આપણા શાસ્ત્રે નિંદેલો એ 'ભોગ' છે. એમાંથી પ્રેમ નહિ પણ રોગ જ પરિણામ પામે. મેં ગિરીશને કહ્યું :

'ગાયત્રીબહેનના પ્રેમમાં ઉમળકો કેમ નથી તે હવે મને ડૉક્ટર તરીકે સમજાયું. એનો ઉપાય તમારા જ હાથમાં છે; કારણ એમાં દોષ રહેલો હોય તો તે તમારો જ છે.'

'મારો દોષ? આટઆટલો પ્રેમ કરવા છતાં ? આટઆટલો પ્રેમોપચાર કરવા? બધું કામકાજ મૂકીને ગાયત્રીમાં જ એકાગ્ર થવા છતાં ? નવાઈ જેવું !'

'એ નવાઈ જેવું જરા યે નથી. જેને તમે પત્ની પ્રેમ કહો છો એ તમારો પ્રેમ નહિ, પણ પ્રેમભ્રમ છે. તમે સાચા પ્રેમી ન કહેવાઓ; તમે માત્ર પ્રેમના સ્વાદિયા છો.'

'એટલે શું મારો પ્રેમ ગાયત્રીને ગમતો નહિ હોય એમ તમારું કહેવું છે ?'

'પ્રેમ તો જરૂર ગમે; પણ તમારો પ્રેમોપચાર તેમને જરૂર નહિ ગમતો હોય. પ્રેમ એ એક સહકાર્યની ભાવના છે. કાં તો પુરુષને કાં તો સ્ત્રીને ગમે એટલી જ એની હદ. અને મોટે ભાગે એ હદનું બેમાંથી એક તરફથી પણ ઉલ્લંધન થાય એટલે ભલભલાં પ્રેમીઓ પણ એકબીજાને અણગમતાં થઈ પડે. મારી એક કરીમર્યાદા પાળશો ?'

‘તે તમારે ગાંધીનું બ્રહ્મચર્ય સંબોધવું હશે. ખરું ને ડૉકટર ?'

'એ માત્રા બધાંયને અપાય એવી નથી, પરંતુ હું એક નાની સરખી શીખ આપું. ગાયત્રીબહેન પ્રત્યે પ્રત્યેક માસે એકબે અઠવાડિયાં પ્રેમ કે પ્રેમોપચાર બિલકુલ ન કરવાની તમે પ્રતિજ્ઞા લેશો?'

‘એથી શું ?'

'એથી એટલું જ કે જે ઉમળકો, જે ઉષ્મા તમે ગાયત્રીબહેનમાં શોધો છો તે તમને મળતાં થઈ જશે, અને તમારો ખડકે અથડાઈ તૂટી જતો ગૃહસ્થાશ્રમ એક સનાતન બગીચો બની જશે.'

અને ખરેખર છ માસ પછી મને ગિરીશ મળે ત્યારે તે બહુ જ પ્રફુલ્લ દેખાયો અને તેણે મને કહ્યું પણ ખરું કે 'ડૉક્ટર ! તમે બતાવેલો ઇલાજ ખરેખર રામબાણ નીવડ્યો.' મેં પૂછયું : 'ક્યો ઇલાજ?'

'ગૃહસ્થાશ્રમમાં સંયમ અને પ્રેમમાં સહકાર એ જ સાચું જીવન છે.'

હું તો આખી વાત ભૂલી ગયો હતો, પરંતું ગિરીશને ફરી જોયા. પછી તેની આ ટૂંકી કથની મેં નોંધી રાખી છે. ઘણા યે પ્રમાણિક પ્રેમીઓનાં જીવન દેહે દીધેલી પ્રેમની મર્યાદા ન પાળવાથી ચિતા સરખાં બની જાય છે.

ગિરીશ અને ગાયત્રી પ્રેમની ચિતામાં પગ મૂકી ચૂક્યાં હતાં; તેમાંથી તે ઊગરી ગયાં. સંયમ તથા સહકારની ભાવનાથી ગૃહસ્થાશ્રમની કંઈક ચિતાઓ બગીચામાં ફેરવાઈ જાય એમ છે. પ્રેમના આસ્વાદમાં નથી પુરુષ ભોક્તા કે ભોજ્ય, અને નથી સ્ત્રી ભોક્તા કે ભોજ્યા; બંને ભોક્તા છે. અને ભોકતૃત્વની મર્યાદા છે એમ સમજનાર પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ અનુભવે છે.

એ જ્યાં નથી સમજાતું ત્યાં વિષવેલીઓ વવાય છે. મોટે ભાગે પુરુષ જ સ્ત્રીના ભોક્તાપણાની મર્યાદા કે વિસ્તાર સમજતો નથી. પોતાનો આનંદ એ જ પુરુષનું પ્રાપ્તવ્ય બનવાથી પુરુષ ગૃહસ્થાશ્રમને કુંઠિત કરી નાખે છે. સ્વાર્થભર્યો આનંદ મેળવતી વખતે પુરુષે પણ વિચારવાનું છે કે પ્રેમોપચારયુગ્મ-આનંદમાં પરિણામ પામવો જોઈએ, નહિ કે એકલા પુરુષના આનંદમાં !