દીવડી/વરાળની દુનિયા
← મારું અપરાધનિવેદન | દીવડી વરાળની દુનિયા રમણલાલ દેસાઈ ૧૯૫૪ |
લોહીની ખંડણી → |
સ્વપ્નનું રહસ્ય ઉકેલવા સહુ મથે છે; પરંતુ હજી તેનો શાસ્ત્રીય ઉકેલ આવ્યો જાણ્યો નથી. ઉશ્કેરાયેલું માનસ, રોગ, તીવ્ર ઈચ્છા, અનિયમિત રાત્રિભોજન, સુષુપ્ત માનસમાં સંગ્રહાયેલી વાસના: એવાં એવાં કારણો દ્વારા સ્વપ્નશોધનનું કાર્ય આગળ વધ્યું છે એ ખરું, શકુન, અપશકુન સાથે પણ સ્વપ્નને સાંકળી લેવાય છે, અને સ્વપ્નનો ઉકેલ આપનારા વિદ્વાનો પણ હતા એમ જૂનો જમાનો કહે છે. અધ્યાત્મ – આત્મઉડ્ડયન – સાથે પણ સ્વપ્નને સંબંધ હોય એમ કેટલાક વર્તમાન આત્મજ્ઞાની – વિજ્ઞાનીઓ પણ કહે છે. સ્પષ્ટ સમજ પડે એવો ઉકેલ હજી મળી શકતો નથી.
આપણે જેને જાગૃતાવસ્થામાં જોઈએ છીએ એવી જ બીજી કોઈ સૃષ્ટિ હશે ખરી? નિદ્રાનો અભેદ્ય પડદો પારદર્શક બની જાય અને આપણા સરખી જ – ભૂત કે ભાવિ – સૃષ્ટિમાં ઊતરી પડવાનાં પગથિયાં મળી જાય એવું કોઈ વણઓળખ્યું અંગ સ્વપ્નમાં ખૂલી જતું હોય તો ? અટકળ, કલ્પના, ફાંટા તરીકે એ સંભાવનાને ઓળખી શકાય. એ સંભાવના સાબિત ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે એ અંગને ઓળખી બતાવી આપણા અંકુશમાં લાવી શકીએ. ત્યાં સુધી બધી અટકળો માફક એ ય એક માનસિક રમત જ બની રહે.
જે હોય તે. આપણી સ્વપ્નસૃષ્ટિ વધારે ઊંડો અભ્યાસ માગે છે અને કેટલાંક ચોંકાવનારાં સ્વપ્ન એ અભ્યાસ ત્વરાથી માગે છે. કારણ ચોંકાવનારાં સ્વપ્ન કોઈ કોઈ વાર સત્ય પણ બની રહે છે. મેં હમણાં જ એક એવું દ્રશ્ય નિહાળ્યું કે જે સ્વપ્ન હશે કે સત્ય તે હું નકકી કરી શક્યો નથી.
ઊજળી નામની એક નાનકડી નદીના પ્રવાહ અંગે બે સામસામાં આવેલાં ગામ વચ્ચે ઝઘડો ચાલતો હતો. એ પતાવવા મારે એક ગામે મુકામ રાખવો પડ્યો. નદીની ભેખડ ઉપર ખુલ્લી જગામાં એક શિવાલય સાથે બાંધેલી જીર્ણ ધર્મશાળા હતી અને એની જ બાજુમાં ફકીરનો એક તકિયો હતો, જેની નજીકની ઝૂંપડીમાં એક વૃદ્ધ ફકીર પડી રહેતો હતો. વૃક્ષોની સરસ ઘટા પણ એ બંને ધર્મસ્થાનોને ઢાંકી રહી હતી. એ વૃક્ષધટામાં મારો તંબૂ નાખી હું દિવસભર ગામલોકોના ઝઘડાની તપાસ ચલાવતો અને નદીનાં પાણી, રેતી, ભાઠાં વગેરે બધું માપતો હતો. એક રાત્રે થાકીને હું તંબૂમાં આવ્યો અને અત્યંત ગરમી લાગવાથી મેં મારો ખાટલો તંબૂની બહાર ખેંચી કાઢ્યો. પાસે થઈને પસાર થતા ફકીરે મને કહ્યું :
'સાહેબ તંબૂમાં સૂઈ રહો તો કેવું?'
'કેમ એમ ? તાપ બહુ લાગે છે.' મેં કહ્યું.
'નદીકિનારો છે, હમણાં ઠંડક થઈ જશે.' ફકીરે કહ્યું.
‘જન-જનાવરનો ભય તો નથી ને?' મેં પૂછ્યું.
'ના, ના...એવું કાંઈ નથી... પણ ખુલી જગા છે...અને રાતવરત બહાર ન સૂવું...' એટલું કહી ફકીર ત્યાંથી પોતાની ઝૂંપડીમાં ચાલ્યો ગયો. નિરર્થક આપણું ભલું ઈચ્છતા ઘણા માણસો જોવામાં આવે છે. જરૂર ન હોય તો ય આપણી કાળજી કરનાર માનવીઓનો હજી તોટો નથી. ફકીર પણ એવો જ એક માનવી હશે એમ ધારી તેની સલાહને બાજુએ મૂકી હું રાત્રે ખાટલામાં તંબૂની બહાર જ સૂઈ રહ્યો અને મને બહુ જ સરસ નિદ્રા આવી. ઠંડક એટલી સરસ વ્યાપી ગઈ કે હુ ગાઢ નિદ્રામાં પડ્યો.
શીતળતા ગમે જરૂર; પરંતુ એનો યે અતિરેક હોઈ શકે. થરમૉસ જેવી પેટીમાં જાણે મને સુવાડ્યો હોય એવી એકાએક લાગણી મને થઈ આવી. પ્રથમ તો એ લાગણી મને ગમી; પરંતુ ધીમે ધીમે મને લાગ્યું કે શીતળતા અસહ્ય બનતી જાય છે અને મારાં રોમ ઊભાં થઈ જાય છે. મારી આંખ ખૂલી ગઈ. હું કોઈ બરફની પેટીમાં નહોતો; પરંતુ વૃક્ષઘટા નીચે આવેલા મારા ખાટલામાં જ સૂતો હતો. પાસે પડેલું ઓઢવાનું સાધન લેવા હું બેઠો થયો અને એક વૃદ્ધ હાડપિંજર સરખા માનવદેહને. મંદિરની ધર્મશાળામાંથી દોડતો આવતો મેં નિહાળ્યો.
કોણ હશે એ? ફકીરને તો મેં જોયો હતો. આ તો ફફીર કરતાં પણ વધારે વૃદ્ધ કોઈ હિંદુ સાધુ હતો ! મારો ભણી જ તે દોડતો આવતો હતો. ધોળી દાઢી અને ધોળી જટાથી હિંદુ તરીકે ઓળખાઈ આવતો આ વૃદ્ધ કોઈ ચોર, લૂંટારો કે બહારવટિયો તો નહિ હોય ? કે પછી બેમાંથી એક ગામનો ઉશ્કેરાયલ કોઈ વૃદ્ધ ગામાત ઝગડાને અંગે મારું કાટલું કાઢવા તો મારા ઉપર નહિ ધસી આવતો હોય? હું સાવધ થઈ ઊભો થવા જાઉં છું, ત્યાં તો મને લાગ્યું કે મારા પગમાં ઊભા થવાનું જોર હતું જ નહિ મને વધારે કંપારી આવી.
એકાએક પેલા વૃદ્ધના કંઠમાંથી ઉદ્દગાર નીકળ્યો :
'ઊજળી ! ઊજળી !'
'શું આ ઘેલો વૃદ્ધ નદીને પોકારી રહ્યો છે? શા માટે ? નદીની જમીનનો ઝગડો હતો એ વાત ખરી; પરંતુ નદીનો શોખીન વૃદ્ધ નદીને પોકારે એથી કાંઈ ઝગડાનો નિર્ણય ન જ આવી શકે !
દોડતો દોડતો વૃદ્ધ મારા ખાટલા નજીક આવી પહોંચ્યો. મરવાને આળસે જીવતા આ વૃદ્ધમાં દોડવાની શક્તિ ક્યાંથી આવી હશે એ મારાથી સમજાયું નહિ. એણે સહેજ અટકીને ફરી બૂમ પાડી :
'ઊજળી !'
વૃદ્ધનો સાદ જાણે કોઈ ગુફામાંથી આવતો હોય એવો અલૌકિક લાગ્યો! જીવતા માણસની આવી બૂમ ન હોય !
વૃદ્ધે મારી તરફ ફરીને જોયું અને આંખની પાંપણ પણ હલાવ્યા વગર મને પૂછ્યું :
'ઊજળી ક્યાં ગઈ?’
'નદીની વાત કરો છો? આ ભેખડની નીચે...'
'નદી નહિ, મારી ઊજળીની હું વાત કરું છું... આ રહી ! ..પેલી જાય...! ડાળી પાછળ સંતાઈ છે ! હવે...પકડાઈ...ખસવા નહિ દઉં...' કહી પેલો વૃદ્ધ ધસવા મથ્યો; પરંતુ એના પગ અમળાઈ પડ્યા અને એ નીચે બેસી ગયો. એણે દર્શાવેલી બાજુએ મેં નજર કરી તો ડાળી પાછળ કશું મારા જોવામાં આવ્યું નહિ.
'ત્યાં તો કોઈ જ નથી..કશું નથી...' મેં કહ્યું.
'જુઓ, જુઓ !..એની જ આંખો તગતગ થાય છે...' વૃદ્ધે કહ્યું, અને તે ઊભો થવા મંથન કરવા લાગ્યો.
'એ તો...તારા તગતગતા લાગે છે. મેં એ બાજુએ જોઈને કહ્યું.
'ત્યારે પેલું મુખ કેવું દેખાય છે? એ જ...ઊજળીનું મુખ. હવે એ ન ભાગે.'
'એ તો ચંદ્ર દેખાય છે, ભાઈ ! એ બાજુએ કોઈ માણસ છે જ નહિ.'
'તમારી ભૂલ થાય છે...એ જ ઊજળી ! એનાં જ કપડાં !' એનો જ આકાર ! એનું જ મુખ ! જો જો... હાથ લાગી છે તે પાછી ભાગી ન જાય !'
હું જરા હસ્યો. વૃદ્ધને કાં તો સ્વપ્ન આવ્યું હશે અગર તે ઘેલો થયો હશે એમ મને ખાતરી થઈ. સ્વપ્ન અને ઘેલછા બન્ને એવી સ્થિતિ કહેવાય કે જેમાં દલીલને કશો અવકાશ હોય જ નહિ.
છતાં.. અરે... મને પણ કાંઈ માનવઆકૃતિ સરખું એ ડાળી પાછળ દેખાયું શું ? રાત્રીનો અંધકાર જ માત્ર નહિ; પરંતુ તેનું અજવાળું પણ અનેકાનેક ભ્રમ ઉપજાવી રહે છે ! વરાળનું માનવી ? આભલાંનું માનવી ? સ્ત્રીનો આકાર ?
વૃદ્ધના પગમાં નવું ચેતન આવ્યું. તેના દુર્બળ દેહને લઈ તેના દુર્બળ પગ દોડ્યા. મને લાગ્યું. કે ભાન વગર દોડતો આ વૃદ્ધ કાં તો ભેખડ નીચે ગબડી પડશે અગર નીચી આવેલી ડાળીમાં અથડાઈ પડશે. તેને રોકવા હું પાછળ દોડ્યો. અમારી બંનેની વચ્ચે કાંઈ વધારે છેટું ન હતું. છતાં હું તેને પકડી શક્યો નહિ. દોડતો વૃદ્ધ ખરેખર એક નીચી ડાળી જોડે અથડાયો, પરંતુ અથડાતાં બરાબર તેના મુખમાંથી એક હર્ષનાદ નીકળ્યો :
'એ જ ઊજળી ! પકડાઈ ! બસ...' કહી વૃદ્ધ ડાળીને હાથ ભેરવી રહ્યો. તેણે મારી સામે જોયું, તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ રહી મેં નિહાળી. અને એકાએક ડાળીએ વળગેલા તેના બન્ને હાથ છૂટી ગયા અને વૃદ્ધનો દેહ ધબ અવાજ સાથે જમીન ઉપર પડ્યો. હુ પાસે જઈને જોઉં છું તો વૃદ્ધના દેહમાંથી તેનો પ્રાણ ઊડી ગયો લાગ્યું. મેં તેને સહેજ હલાવ્યો; તેની આંખ ઉઘાડી જોઈ; જીવ દેહમાં ન હતો. છતાં તેના મુખ ઉપર વ્યાપેલી પ્રસન્નતાની એક રેખા પણ અદૃશ્ય થયેલી મેં ન જોઈ. અને એક વૃદ્ધ મુખ ઉપર આટલી પ્રસન્નતા પ્રગટી શકે એ મેં અહીં જ જોયું.
પરંતુ હવે ? આ અજાણ્યો વૃદ્ધ મારા દેખતાં જ ઊજળીને શોધતો – પુકારતો મારા તંબૂની નજીક જ મૃત્યુ પામ્યો ! પોલીસને ખબર આપવાની ! પરંતુ તેની એ પહેલાં હું મારી સાથેનાં માણસોને પણ આ બનાવથી વાકેફ કરી લઉં એમ વિચારી મેં સહેજ પાછળ જોયું. ફકીરના તકિયા પાસે એક કૂકડો પ્રભાતનું આગમન પોકારી રહ્યો અને ફકીર તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. મને એમ થયું કે આ ફકીરને જ પ્રથમ બનેલી બિના સંભળાવું. એટલે પગ પાછા ફેરવતાં પહેલાં મેં મૃત દેહને સહેજ જોઈ લેવાનો વિચાર કર્યો. પરંતુ મારા પરમ આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે ત્યાં એ વૃદ્ધ પુરુષનું શબ તો હતું જ નહિ !
અરે ! મેં અબઘડી મારી સગી આંખે જીવંત વૃદ્ધને અને વૃદ્ધના શબને નિહાળ્યાં હતાં ! સહેજ પાછળ જોયું એટલામાં એ અદ્રશ્ય કેમ થાય ? કશો ખખડાટ પણ થયો ન હતો. કોઈ માનવી કે જાનવર શબને ખેંચી જાય તો જરૂર મને ખબર પડ્યા વગર રહે જ નહિ. હું શબની પાસે જ, લગભગ શબને અડકીને જ ઊભો હતો. પછી આ શું થયું ? વૃદ્ધનું મૃત્યુ ખરું ? કે મૃત દેહને હું એક હતો. પછી આ શું થયું ? વૃદ્ધનું મૃત્યુ ખરું? કે મૃત દેહને હું એક જ ક્ષણમાં જોતો બંધ થઈ ગયો એ ખરું ?
મારો તંબૂ પણ મને દેખાતો હતો. મારો ખાટલો ખાલી પડ્યો હતો એટલે હું જ જાતે ખાટલો છોડી અહીં સુધી દોડી આવ્યો હતો એ વાત પણ સાચી. ત્યારે ? હું સ્વપ્નમાં છું? જાગૃત છું? કે કોઈ પ્રેતસૃષ્ટિમાં ફરી રહ્યો છું ? મને એવી ગૂંચવણ ઊભી થઈ કે હું પાંચેક ક્ષણ સ્થિર ઊભો રહ્યો. ફરી મેં શબની બાજુએ જોયું. શબ હતું જ નહિ. ઝાડની ડાળીએ મેં હાથ અડાડી જોયો. ડાળીની પાછળ મોટી ભેખડ હતી અને તેની નીચે ઊજળી નદીનો પ્રવાહ વહી રહ્યો હતો. ચન્દ્ર પણ દેખાતો હતો. તારા પણ દેખાતા હતા, છતાં પ્રભાતનું સાન્નિધ્ય સૂચવતો કૂકડાનો ધ્વનિ મેં ફરી સાંભળ્યો. હું ફકીર ભણી ગયો. ફકીર પણ મારી સામે જ આવતો લાગ્યો અને લગભગ મારા ખાટલા પાસે અમે બંને ભેગા થઈ ગયા.
'આદાબ અર્ઝ, સાહેબ ! વહેલા ઊઠવાની આપને ટેવ લાગે છે.' ફકીરે વાત શરૂ કરી.
‘એવી ટેવ તો નથી, પણ આજ વહેલા ઊઠી જવાયું.' મેં જવાબ આપ્યો.
'ઊંઘ સારી આવે તો વહેલાં ઊઠી પણ જવાય.'
'ઊંઘ સારી આવી એ સાચું... પણ...કાંઈ સ્વપ્ન આવ્યું કે અજબ દ્રશ્ય જોયું તેથી હું જાગી ગયો.'
‘એમ ? ખૂદા ખેર કરે...'
‘અરે, જાગી ગયો એટલું જ નહિ, ઊંઘમાં જ ચાલતો ચાલતો અહીં સુધી આવી લાગ્યો ! જરા આગળ વધ્યો હોત તો ભેખડ નીચે હું ગબડી પડ્યો હોત !' મેં મારી પરિસ્થિતિ વર્ણવી.
'એવું હજી કોઈને બન્યું નથી, સાહેબ ! એક સંત પુરુષની સવારી કદી કદી નીકળે છે. પણ બસ ! બીજું કાંઈ નહિ. ઈજા જરા ય થાય નહિ. સહેજ ઝબકારો થાય અને સવારી ગુમ.' ફકીરે કહ્યું.
'શાની સવારી ? કોની સવારી ?' ફકીરની ભાષા મને સમજાઈ નહિ એટલે મેં પૂછ્યું. ભૂતપ્રેત અને માનવસૃષ્ટિથી ન પકડાતાં રાત્રિદ્રશ્યોને મુસલમાનો 'સવારી' ના માનવંત નામે ઓળખતા હતા, એમ મેં પહેલી જ વાર જાણ્યું.
‘માટે જ હું આપને અહીં ખુલ્લામાં સૂવાની ના પાડતો હતો.' ફકીરે કહ્યું.
'ખેર ! હું માનતો ન હતો... હજી પણ માનતો નથી... છતાં આ સવારી અજબ તો ખરી, સાંઈ ! એ બુઢ્ઢો કોણ? ઊજળી કોણ? આવું કાંઈ બન્યું છે ખરું?' મેં પૂછ્યું. 'જી, હા ! આપ માનો, ન માનો, જુદી વાત છે, પરંતુ એ આખી સવારી પાછળ લયલા-મજનૂનો કિસ્સો છે... કોઈ કોઈ ટુકડા દેખાઈ જાય કદી કદી !'
'લયલા-મજનૂનો કિસ્સો ? આ તો વૃદ્ધ પુરુષ હતો !' મેં નવાઈ પામી પૂછ્યું.
'સાહેબ ! જુવાન લયલાને અનેક મજનુઓ મળે; જુવાન મજનુને અનેક લયલાઓ મળી જાય, પરંતુ આ બુઝર્ગ લયલા-મજનુને મેં જોયા ત્યારથી મને લાગ્યું કે એ જૂની ઈશ્કકહાણી સાચી જ હતી.'
અને નમાજ પઢી ફકીરે થોડી વાર પછી મને એક વૃદ્ધ પ્રેમી યુગલની વાત કહી સંભળાવી. મેં જેનું પ્રેત જોયું એ વૃદ્ધનું નામ પંચમગીર. દશનામી સાધુઓમાં ગીર-ગીરીના અત્યાંક્ષરે ઓળખાતો એ એક સાધુઓનો વર્ગ. એ સાધુઓએ લગ્ન સ્વીકારીને પણ પોતાની સાધુ છાપ ચાલુ રાખી હતી. ઊજળી એ તેની પત્ની. એમના યૌવનની વાત તે સહુના યૌવનની માફક રસભરી હોય જ; પરંતુ એમાં વિશેષપણું કાંઈ ન કહેવાય. માબાપની મરજી વિરુદ્ધનાં લગ્ન હોય, કોઈ છોકરીને ઉઠાવી જઈ લગ્ન કર્યા હોય, છૂટાછેડા સુધી ધસી જઈ પાછી મિલાવટ કરી દીધી હોય તો પ્રેમની કથા રોમાંચક બની શકે. એવું કાંઈ પંચમગીરે કર્યું ન હતું. શિવાલયમાં રહી બંને સાધુ-સાધ્વી શિવપૂજન કરતાં, પાસેની થોડી જમીનમાં ખેતી કરતાં ગામમાંથી ખૂટે તે માગી લાવતાં, ભજનકીર્તનમાં સમય ગાળતાં અને ગામને પગે લાગવાનું એક સાધન બની રહેતાં.
તેમને બે પુત્ર પણ થયા; પરંતુ તેઓ મોટા થયા અને સાધુ બની ચાલી નીકળ્યા. એક પુત્રનો પત્તો જ ન લાગ્યો; બીજો પુત્ર દૂરદૂરના કોઈ મઠમાં રહેતો, અને બેચાર વર્ષે આવી માતાપિતાની ખબર લઈ જતો. સમય જતાં વર્ષનો ગાળો વધવા લાગ્યો, અને પંચમગીર તથા ઊજળી બન્ને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યાં. પુત્રને મહાદેવની પૂજા સંભાળી લેવા અને પાસે આવી રહેવા માતા પિતાએ કહી જોયું; પરંતુ પુત્રને દૂર જ રહેવું યોગ્ય લાગ્યું. પુત્રે માતાપિતાને એક વાર એવી પણ સૂચના કરી કે તેઓ તેના મઠમાં આવીને રહે; પરંતુ નદીનો કિનારો અને મહાદેવનું સ્થાન તેમના જીવન સાથે જડાઈ ચૂક્યાં હતાં; તે મૂકીને એ વૃદ્ધ બનતાં નરનારી ત્યાંથી ખસી શક્યાં નહિ.
વૃદ્ધ પંચમગીરથી બહુ હરીફરી શકાતુ નહિ એટલે ઊજળીને જ દેવસેવા, ખેતી અને ભિક્ષાનું કાર્ય કરવું પડતું. વગરબોલ્યે એ વૃધ્ધા પોતાનું અને પોતાના પતિનું ગુજરાન કર્યે જતી હતી. પરંતુ એ વૃદ્ધાવસ્થામાં જ પંચમગીર અને ઊજળી એકબીજાની સાચી નિકટતા સેવતાં બની ગયાં. પંચમને એક ઘડી પણ ઊજળી વગર ચાલતું નહિ. ગામમાં પંચભાગ ઉઘરાવવા ઊજળી ગઈ હોય એટલે ધર્મશાળાને દરવાજે પંચમ આંટા ખાતો જ હોય અને ઊજળી થાકીપાકીને આવે એટલે પંચમનો પ્રશ્ન તેને સાંભળવાનો જ હોય:
'કેમ આટલી બધી વાર થઈ ?'
'તે આ ઉંમરે હવે મને કોઈ ઊંચકી જવાનું તો નથી ને ? ચાર ઘેર ખબર પણ પૂછવી પડે ને ?' હવે ઊજળી આવો જવાબ આપતી અને પંચમ હસીને તે સાંભળી પણ લેતો.
કદી પંખી ટોવા તે ખેતરે જતી ત્યારે પણ પંચમનો એને એ જ પ્રશ્ન :
'આટલી વારે આવી ?'
‘અહીં તમારી સામે બેસી રહું અને અનાજ ચકલાં ખાઈ જાય ત્યારે ?'
કોઈવાર પંચમને એમ જ લાગતું કે શિવમંદિરમાં ઊજળી બહુ લાંબી આરતી કરે છે.
'આટલી બધી વાર સુધી આરતી હોય?' પંચમ પૂછતો.
'ભગવાનની પૂજામાં જે વખત ગયો તે ખરો. તમારે કાંઈ કામ હતું ?' ઊજળી જવાબ આપતી. 'કામ કશું નહિ.'
‘ત્યારે આમ વલોપાત કેમ કરો છો ?'
'સાચી વાત કહું, ઊજળી? તારા વગર ઘડી મને ફાવતું નથી.'
'નાનપણમાં કહેવું હતું ને આમ ! અત્યારે કોઈ સાંભળે તો લાજી મરીએ.'
'હું ખરું કહું છું ઊજળી ! કોણ જાણે કેમ, પણ તું આંખ સામે ન હોય ત્યારે...'
'બસ થયું હવે ! નાખો ઊજળીને નદીમાં એટલે પાર આવે !' પંચમની બહુ નજીક આવી, તેના જટાગૂંથ્યા વાળ ઉપર હાથ ફેરવી ઊજળી બોલતી. નદીમાં ઊજળીને નાખવાની વાત આવતી તે સાથે પંચમના હૃદયમાં ધડકાર વધી જતો અને પંચમના નિર્બળ બનતા જતા હસ્ત ઊજળીના હાથને પકડી લેતા.
ધડકાર વધે કે ન વધે; વર્ષો વીત્યાં અને ઊજળીને નદીએ લઈ જઈ બાળવાનો પ્રસંગ આવ્યો. પંચમ એક દિવસ ગુસ્સે થયો. હમણાંનો એ ઘણી વખત ગુસ્સે થતો, કારણ વગર. બૂમ પાડતાં બરોબર ઊજળી આવી નહિ અને આવી ત્યારે લથડિયું ખાઈ જમીન ઉપર પડી તે ઊઠી જ નહિ. ઊજળી મૃત્યુ પામી અને તેના દેહના અંત્યેષ્ટિસંસ્કાર પણ થઈ ગયા. લોકોને પંચમની બહુ દયા આવી. જિંદગીભર ભેગું રહેલું જોડું તૂટી ગયું ! પંચમની આંખમાં આંસુ ન હતાં ! જાણે એ પ્રસંગ બન્યો જ ન હોય એમ તે શૂન્યતાપૂર્વક આખી ક્રિયા કરી ગયો અને પોતાને મંદિરે જઈ તે સૂઈ ગયો. રાતમાં કોણ જાણે શું થયું. સૂઈને ઊઠ્યો એટલે તેણે બૂમ પાડી :
'ઊજળી !'
'ઊજળી તો નથી... પણ લ્યો , આ દૂધભાત હું લાવી છું... જમી લો !' ગામની કોઈ સ્ત્રી પંચમની દયા ખાઈ તેને માટે ખોરાક લઈ આવી હતી.
'તે ઉજળી કેમ ન આવી ?... કેટલી વાર ?' પંચમે કંટાળો દર્શાવી કહ્યું.
'આવશે હવે ! જમી લો તમે !' કહી એ સ્ત્રીએ પંચમ પાસે ભોજન મૂક્યું. પંચમે તે જમવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તેના હાથ અને મુખમાં જરા ય વેગ ન હતો. તેની આંખ બારણાં સામે જ જડાઈ ગઈ હતી - જાણે ઊજળી વગર તે બિડાતી ન હોય ! સ્ત્રીની આંખમાં આંસુ આવ્યાં.
સંધ્યાકાળે ફકીરને તકિયે પંચમે આવી ધીમે રહીને પૂછ્યું :
'ઊજળી અહીં તો નથી આવી ?'
'ઊજળી?' મૃત ઊજળી, ગતદેહા ઊજળી, કોઈ પણ સ્થળે ક્યાંથી આવી શકે? ફકીરે પંચમની આંખમાં ઘેલછા નિહાળી અને તેને પાસે બેસાડી દેહની નશ્વરતા વિશે થોડી ગઝલો સંભળાવી; પરંતુ પંચમની શ્રવણેંદ્રિય બોધ સાંભળવા તૈયાર હતી જ નહિ. વૃદ્ધ ઊઠ્યો.
'ક્યાં ચાલ્યા ?' ફકીરે પૂછ્યું.
'શોધી લાવું... જરા ઝઘડો થઈ ગયો...મારાથી.'
'કોને શોધી લાવો છો ?'
'ઊજળીને સ્તો.'
'બાવાજી ! જરા બેસો. આજ શું જમ્યા ?' ફકીરે પૂછ્યું.
'શું જમ્યો ?..હા, હા, ! ઊજળીએ કોઈ સાથે દૂધભાત મોકલ્યા હતા... એ ગામમાંથી આવતાં જરા વાર કરે ખરી; પણ મને ભૂખ્યો કદી ન રાખે...સંધ્યાકાળ થાય છે તો ય આજ તો બહારની બહાર...'
'આટલાં ફળ ખાતા જાઓ બાવાજી !' ફકીરે કહ્યું.
'એકલો નહિ ખાઉં. ઘેર મોકલી દો ! હું ઊજળીને મનાવી લાવું.' વૃદ્ધે ગામ તરફ પગલાં માંડ્યાં.
ફકીરની પણ આંખમાં અશ્રુ ઊભરાયાં. પંચમગીરના હૃદયે ઊજળીના મૃત્યુનું સત્ય હજી સ્વીકાર્યું ન હતું. એ સત્ય માટે સાધુનાં હૃદયકપાટ બંધ થઈ ગયાં હતાં. જે ઘેર ઊજળી ઘણું ખરું બેસતી એ ઘરનાં માણસો રાત્રે જમવાની તૈયારી કરતાં હતાં અને પંચમગીરે બારણું ઠોક્યું. બારણું ઊઘડ્યું અને અંદરથી કોઈએ કહ્યું :
'આવો આવો, બાવાજી ! અત્યારે ક્યાંથી ? ચાલો, અમારી સાથે જમી લો.'
'ઊજળી અહીં જ આવી છે, નહિ? સમજાવીને એને મારી સાથે મોકલો ને? બહુ વાર કરી એણે !'
'ઊજળી ? પંચમગીર ! હવે ઊજળી ક્યાંથી આવે ?'
'લ્યો ! જરાક જેટલા ઝઘડામાં, આટલી બધી રીસ હોય !...ઘરડે ઘડપણ...! જરા કહો ને કે મને મુખ બતાવી જાય?' પંચમે કહ્યું.
વૃદ્ધ પંચમની આ સ્થિતિ નિહાળી સાંભળનારનાં હૃદય ચિરાઈ ગયાં. મહામુશ્કેલીમાં તેમણે પંચમને ઘરબારણેથી વિદાય કર્યો.
ઘરનો ખૂણેખૂણો બતાવી પંચમગીરને તેમણે ખાતરી કરી આપી કે એ ઘરમાં તો ઊજળી હતી જ નહિ.
'ત્યારે એ જાય ક્યાં?... કેટલી વાર ? શોધ્યા વગર સૂવાનો નથી. આખી જિંદગીભર ગુસ્સે ન થઈ, અને આજ આટલો બધો મમત ?...રાત્રે ક્યાં જવાની છે?' કહી પંચમે પોતાની ધર્મશાળાનો માર્ગ લીધો. પહોંચતાં પહોંચતાં તેણે ભ્રમણામાં ત્રણ-ચાર વાર ઊજળીને બૂમ પાડી, જેનો પડઘો નદીના બંને કિનારાએ ઝીલ્યો !
ફકીરે સામે આવી પંચમને ફળ ખવડાવ્યાં. ખાવામાં તેનું ચિત્ત જ ન હતું. પચાસ-પંચાવન વર્ષથી તેને સતત સાથ આપી રહેલી તેની પત્ની વગર ભોજનમાં તેને સ્વાદ આવતો ન હતો. ભોજનમાં તો સ્વાદ ન આવે; પરંતુ જીવનમાંથી યે તેનો સ્વાદ ઓસરી ગયો હતો. ઊજળીને જોવી હતી, એને મળવું હતું, એની પડખે બેસવું હતું. એટલું જ પંચમને માટે જીવનકાર્ય બાકી રહ્યું હતું. ધર્મશાળા હિંદુઓની હોવા છતાં ફકીર પંચમને સુવાડી પાસે જ સૂતો. હિંદુભાવભર્યા ભજનો મુસલમાનો આજ પણ ગાય છે. ત્યારે હિંદુ-મુસ્લિમ પ્રજાના ધર્મભેદ આજના રાજદ્વારી ભેદ સરખા વિષમય ન હતા, ફકીરે થોડાં ગીત પણ ગાયાં, ભજનો પણ ગાયાં, વાતો કરી અને અંતે તેને લાગ્યું કે પંચમ જંપી ગયો છે એટલે ફકીર પણ તેની પાસે જ સુઈ ગયો. ફકીરની આંખ મળી ગઈ.
પરંતુ ચોથે પહોરે રાત્રે લગભગ નમાજ પઢવાને સમયે ફકીર એક બાંગ સાંભળી જાગી ગયો. એ બાંગ ઊજળીના નામની હતી અને તે બહારની વૃક્ષઘટામાંથી આવતી હતી. ફકીરે જોયું કે પંચમ પાસે સૂતેલો ન હતો. એકદમ તે બહાર નીકળ્યો, અને નદી તરફ દોડતા પંચમને એણે પકડ્યો. પંચમના વૃદ્ધ દેહમાં અપૂર્વ બળ આવ્યું.
ફકીરનો હાથ છોડાવી પંચમે પૂછ્યું :
'ઊછળી ક્યાં ગઈ ?'
'બાવાજી ! એ તો ભેખડ નીચે !' ફકીર જવાબ આપ્યો.
ઊજળી નદી અને ઊજળી સ્ત્રી બન્નેને માટે એ સત્ય કથન હતું. !
'મારી ઊજળીની હું વાત કરું છું...આ રહી... પેલી જાય ..ડાબી પાછળ... જુઓ, એની જ આંખો તગતગ થાય છે.' અમળાઈ જતા પગને ન ગણકારી અશક્ત દેહને અજબ વેગ આપી વૃદ્ધ ડાળી ભણી દોડ્યો.
'અરે, એ તો તારા તગતગે છે...' ફકીરે પાછળ દોટી કહ્યું.
'પેલું મુખ દેખાય..ઊજળીનું...'
'એ તો ચંદ્ર છે...'
'એ જ ઊજળી ! એનાં ઊડતાં વસ્ત્ર હું નહિ તો બીજું કોણ ઓળખે?' કહી વૃદ્ધ આગળ ધસ્યો. ફકીરને પણ એક ક્ષણ માટે ભ્રમ થયો કે ઊજળીનો દેહ ત્યાં આકાર ધારણ કરી રહ્યો છે. ઊજળીને બૂમ પાડી પંચમે બાથ ભીડી. પંચમે જાણ્યું કે ઊજળી તેને મળી. એના આત્માએ પરમ આનંદ અનુભવ્યો; પરંતુ ફકીરે પાછળ દોડી જોયું તો પંચમે એક વૃક્ષડાળીને બાથમાં લીધી હતી ! ક્ષણ...બે ક્ષણ...પાંચ ક્ષણમાં તો ડાળીએ બીડેલા પંચમના હાથ છૂટી ગયા અને શબ બની નીચે ઢળી પડ્યો !
માત્ર તેના મુખ ઉપર ઉજળી મળવાનો મહા આનંદ હતો !
ફકીરે પોતાની વાત કહી. પંચમના મૃત્યુની વિગત તો બરાબર મેં જોઈ એ જ હતી. શું પંચમગીરેનું ભૂત મેં જોયું ? હું વિચાર કરી રહ્યો. ફકીરે મને પૂછ્યું :
'સાહેબ ! આપે પણ આવું જ કાંઈ ઝાંઝવું જોયું, ખરું ?'
'સાચી વાત, સાંઈ ! એ જ સવારી ને ?' મેં પૂછ્યું.
'જી ! જુવાન ઈશ્કીઓ તો જોયા છે..પોણોસો–એંશી વર્ષના બુઢાપામાં આ પ્રેમ ? અજીબ ખ્યાલ..પણ એ બિચારાં કોઈને હેરાન કરતાં નથી. એકાદ રમત રમી અલોપ થઈ જાય છે.'
'તમારે અને એ સાધુને બનતું ખરું ?'
'શી વાત કરો છો, સાહેબ? એ તો મારા પિતા સરખા હતા. મંદિર સામે તકિયો ઊભો કરવાનો હુકમ પણ એમનો...તે સમયે આ મુસ્લિમ લીગનું ઝેર હિંદમાં ન હતું.
વિચારમાં ઊંડા ઊતરી જવાય એવી ઘટના બની ગઈ હતી. ફકીરે પંચમ તથા ઊજળીને લયલામજનૂની કક્ષામાં મૂક્યાં એમ જરા'ય ભૂલ ન હતી. એ વૃદ્ધ પ્રેમીઓને કલ્પનામાં ઊભાં કર્યા. યૌવનમાં પ્રેમની આગ એ બન્નેમાં કેટલી સળગી ચૂકી હશે?
એકાએક વિચાર આવતાં મેં ફકીરને પૂછ્યું :
'પણ સાંઈ ! આ સવારી હવે આમની આમ ચાલ્યા જ કરશે શું?'
'નહિ સાહેબ ! આ વાતને પચીસ વર્ષ વીતી ગયાં. હું જુવાન હતો તે હવે બુઢ્ઢો થઈ બેઠો છું. લોકો કહે છે કે આ વર્ષે ઊજળીનું પાણી ઊંચે ચઢી આ ડાળને ભીંજવશે એટલે સવારી અદ્રશ્ય !'
'કેમ એમ ?'
'સાચું ખોટું અલ્લા જાણે... પણ લોકકથન છે કે...' ફકીરને મારી આંખમાં અશ્રદ્ધા દેખાઈ એટલે તે અટક્યો. મેં તેને પૂરી હકીક્ત કહેવા આગ્રહ કર્યો ત્યારે તેણે લોકોક્તિ કહી સંભળાવી કે પંચમગીર ઊજળી નદીને કિનારે ફેંકાયેલું એક અનાથ બાળક હતો. ઊજળી નદીએ મનુષ્યદેહ ધારણ કરી એ અનાથ બાળકને દીર્ઘજીવી બનાવ્યો. ડાળને અડકી ઊજળી એને હવે પચીસ વર્ષે મુક્તિ આપવાની છે.
એ જ સ્થળે બીજે વર્ષે મેં મારા તંબૂ તાણ્યા અને બહાર ખાટલામાં જ હું સૂઈ રહ્યો. મેં ફરી એ દ્રશ્ય જોયું જ નહિ. ફકીરે કહ્યું કે ઊજળીનાં પાણી ડાળને નવડાવી ઓસરી ગયા ત્યારથી કશો ચમત્કાર દેખાતો નથી.
વૃદ્ધાવસ્થા સુધી વિકસતો પ્રેમ અને જાગૃત સૃષ્ટિને છંછેડતી કોઈ અગમ્ય સૃષ્ટિ એ બેના વિચાર મને આવ્યા કરે છે. પ્રયોગ કરી હવે સાબિતી અપાય એવી આ વાત રહી નથી. હું પણ શાસ્ત્રીય રીતે આ આખા પ્રસંગને સમજી–સમજાવી શકતો નથી. છતાં આટલી નોંધ તો મારે રાખવી જ રહી ! ભવિષ્ય એને ઉકેલે તો !