લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો/ઉપોદ્‌ઘાત

વિકિસ્રોતમાંથી
← બે બોલ દ્વિરેફની વાતો
ઉપોદ્‌ઘાત
રામનારાયણ પાઠક
એક પ્રશ્ન →


ઉપોદ્‌ઘાત

ટૂંકી વાર્તાની ઉત્પત્તિ આધુનિક યુગમાં અને અમેરિકામાં મનાય છે. ખરી રીતે જોતાં ટૂંકી વાર્તા શ્રી. આનન્દશંકર ધ્રુવ કહે છે તે પ્રમાણે “કોઇક કોઈક રૂપે તો બહુ પ્રાચીનકાળથી સર્વ દેશોમાં જાણીતી છે."*[] મિ. એ. સી ઉવૉર્ડ ટૂંકી વાર્તાનાં બધાં પ્રશસ્ત લક્ષણો જીસસ ક્રાઈસ્ટની ઉપદેશકથાઓમાં જુએ છે અને તેમાંથી તારવેલાં લક્ષણો ઉપરથી આધુનિક ઈંગ્લીશ અને અમેરિકન ટૂંકી વાર્તાનું વિવેચન કરે છે. ×[] આપણા દેશની પ્રાચીન વાર્તાઓ ધ્યાનમાં લઇએ તો તેમાં પણ ટૂંકી વાર્તાઓનાં વિવિધ રૂપ જણાઇ આવશે. સંસ્કૃત સાહિત્યમાં ‘કથાનક’ શબ્દ કથાનું ટૂંકું રૂપ સૂચવે છે.

વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ કરનાર કેટલાક વિદ્વાનોનો એવો પણ મત છે, કે બાઇબલમાં અને યુરોપમાં પ્રચલિત થયેલી ઘણી ટૂંકી વાર્તાઓનાં મૂળરૂપ હિંદુસ્તાનની ટૂંકી વાર્તાઓ છે.÷[] ધર્મના અમુક મુદ્દાઓ ઉપર ટૂંકી વાર્તાઓ લખવી એ જૈન અને બૌદ્ધ સાધુઓની એક વિશિષ્ટ પ્રવૃત્તિ હતી એ હકીકત તો સાહિત્યના અભ્યાસીઓ જાણે છે.+[] પણ આજે ગુજરાતીમાં જે ટૂંકી વાર્તાઓ લખાય છે તે શ્રી. નરસિંહરાવ કહે છે તે પ્રમાણે, “અંગ્રેજી સાહિત્યમાંથી આપણા સાહિત્યમાં થોડાંક વર્ષોથી પ્રવેશ પામી છે ”;× જો કે પ્રાચીન સાહિત્યના નવીન દૃષ્ટિએ થતા આજના અભ્યાસયુગમાં પ્રાચીન વૈદિક–જૈન–બૌદ્ધ શૈલીના અભ્યાસથી ઉપજતા નમૂના પણ પ્રકટ થતા જાય તો એ સ્વાભાવિક ઘટના ગણાય. બુદ્ધના ઉપદેશમાં ગુંથાએલી કથાઓની શૈલીમાં કેટલીક મોહક સરલતા છે જેનો ઉપયોગ આવડત હોય તો, આજનો કથાકાર પણ કરી શકે.

શ્રી. નરસિંહરાવ કહે છેઃ

“ટૂંકી વાર્તાની ઉત્પત્તિ હાલના ધાંધલિયા જમાનાના ઉતાવળિયા સ્વભાવમાં શોધવી પડશે. જે ઉતાવળિયા વૃત્તિ લાંબાં લાંબાં લખાણો વાંચવા જેટલી ધીરજ નથી ખમતી અને વર્તમાનપત્રોમાંના અગ્રલેખોમાં પણ ટૂંકાણને પસંદ કરે છે, તે જ વૃત્તિ લાંબી લાંબી વાર્તાઓ વાંચવામાં કાળ, શ્રમ અને ધ્યાન પરોવવાની સ્થિરતાથી વિમુખ રહે છે. આગગાડી, વીજળીની ગાડી અને એરોપ્લેનના જમાનામાં બીજું શું સંભવે ? ઉદ્યોગની ધડાધડીમાં મશગુલ માણસોને લાંબાં ભાષણો પણ કંટાળો આપે છે તે પણ આ નમૂનાનો જ રોગ છે." ×[]

ટૂંકી વાર્તાની ઉત્પત્તિ વિશે શ્રી. નરસિંહરાવનો આ મત ઘણા માને છે. આજના જમાનામાં માણસનું મન, કાર્યના અને ભોગના એટલા વિવિધ વિષયો ખેંચે છે કે તે દરેક બાબતમાં ટૂંકાપણાની અપેક્ષા રાખે છે – એ બાબત સાચી છે. પણ આ દૃષ્ટિને સર્વથા પર્યાપ્ત માનતા પહેલાં એટલું સ્મરણમાં રાખવું જોઇએ કે વાર્તાનું ટૂંકાપણું જે જમાનાઓ ધાંધલ માટે જાણીતા નથી તે જમાનાથી ચાલતું આવે છે અને આ ધાંધલિયા જમાનામાં પણ લાંબી વાર્તાઓ અથવા કથા પહેલાંના કરતાં ઓછી લખાતી કે વંચાતી નથી. આથી જો કે આજના જમાનાની સગવડ ટૂંકી વાર્તા સાચવતી હોવાથી ઉત્પત્તિ અને વાચનની દૃષ્ટિએ એ રૂપ બહુ પ્રચારમાં આવ્યું છે તો પણ ‘મહાન કલ્પકો’એ તેને જે આદર આપ્યો છે તેનું કારણ એ રૂપની કલા તરીકેની વિશેષતામાં શોધવું પડશે.

પદ્યકાવ્યો અને ગદ્યકાવ્યોને મોટા પરિમાણમાં રચવા માટે, મેથ્યુ આર્નોલ્ડ જેને ‘આર્કિટેક્ટોનિક સ્કીલ’ કહે છે તેની, એટલે કે ‘સ્થપતિના જેવી મોટા સમૂહોને એક મહાન યોજનાથી ગોઠવવાની કુશળતાની,’ અપેક્ષા રહે છે. આવાં ગદ્ય કે પદ્ય મહાકાવ્યો રચતા કવિઓ મોટી રચનાઓ દ્વારા પોતાને ઈષ્ટ પરિણામો ઉત્પન્ન કરે છે. પણ કવિતાનાં રૂપોનો અભ્યાસ જેમ ઊંડો થતો જાય છે, તેમ તેમ કવિઓ કવિતાના મોટા ‘શરીર’ કરતાં નાના મોટા માપ વિનાના અથવા બીજી દૃષ્ટિએ વિભુ એવા આત્મા તરફ વધારે ખેંચાતા જાય છે. લાંબા પચાસ લીટીના વર્ણનથી અમુક ‘અર્થ’નો ખ્યાલ અથવા અમુક ‘રસ’નો અનુભવ આપવા કરતાં એક લીટીમાં તે ચિત્ર ખડું કરવાની કે રસનો અનુભવ કરાવવાની કુશળતા તરફ તેનું ધ્યાન વધારે રોકાય છે. લઘુ રૂપો દ્વારા કાવ્યોચિત પરિણામો ઉત્પન્ન કરવાં એ મહત્ત્વાકાંક્ષા કાવ્યના વિપુલ અને ઊંડા સર્જન અને મનનની સંસ્કારી સ્થિતિનું ફળ છે. આ લઘુરૂપ કાવ્યપ્રકાર એ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે, અને એ મહાકાવ્યનું સંક્ષિપ્ત રૂપ નથી, એ તત્ત્વ કાવ્યના ઉચ્ચ સંસ્કારવાળા સમાજના કવિઓ અને ભાવકો બન્ને સમજે છે; અને આ પ્રકાર તેના આન્તર વૈશિષ્ટ્યથી નિયમિત થતા હોવાથી ગણીતીને સંતાષ આપે એવી તેના ટૂંકાપણાની મર્યાદા નક્કી થઈ શકતી નથી, અથવા આવી આનુષંગિક બાબત ઉપર બહુ ધ્યાન આપનાર કોઈ વિવેચક તેની ચાર કે ચૌદ લીટીની મર્યાદા નક્કી કરે તો કવિઓ તેના ઉપર ધ્યાન નથી આપતા.

આ રીતે ટૂંકી વાર્તા, સંસ્કૃત મુક્તક કે અંગ્રેજી લિરીકની જેમ એક વિશિષ્ટ કાવ્યરૂપ છે અને એ કાવ્યરૂપની અથવા સાહિત્યરૂપની વિશિષ્ટતા લેખક અને વાચકના બહુમાનનું એક મોટું કારણ છે; તેના ટૂંકા રૂપની સમય બચાવવાની સગવડને કેવળ આનુષંગિક કારણ ગણવું જોઈએ. શ્રી. ધૂમકેતુ કહે છે તે પ્રમાણે “ટૂંકી વાર્તા એક સ્વતંત્ર ફલા છે.” × એક વિશિષ્ટ સાહિત્યના પ્રકાર તરીકે ટૂંકી વાર્તા જે આનંદ આપે છે તે આનંદ માટે લોકો તેને સેવે છે; લાંબી વાર્તા અથવા કથા વાંચવાનો કંટાળો ટૂંકી વાર્તાની લોકપ્રિયતાનું મુખ્ય કારણ નથી; ઉપર કહ્યું તેમ લાંબી કથા અથવા વાર્તાના પણ આજના જમાનામાં ખાસ હ્રાસ જણાતો નથી.

પણ ટૂંકી વાર્તાને “સ્વતંત્ર કલા” કે સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર માનીએ તેનો અર્થ એવો નથી કે તેને સાહિત્યસામાન્યના કે કલાસામાન્યના નિયમો અથવા તો “નવલકથાનો કોઇ પણ નિયમ... ખાસ બંધનકર્તા નથી.”×[] સાહિત્યવિવેચનમાં નિયમ શબ્દ મને બહુ પસંદ નથી; એટલે બીજી રીતે કહેવું હોય તો એમ કહું, કે સાહિત્ય અથવા કાવ્યમાત્રનો જે પરમ ઉદ્દેશ છે તે ઉદ્દેશ ‘ટૂંકી વાર્તા’નો છે; અને આ ઉદ્દેશ સાધવાના જે વિવિધ માર્ગો હોય તે માર્ગે જ ટૂંકી વાર્તાને પણ જવું પડે. આનો અર્થ એવો નથી, કે અમુક જાણીતા માર્ગે જ ટૂંકી વાર્તાએ જવું જોઇએ; પણ આ દૃષ્ટિ તો કલામાત્ર માટે રાખવા જેવી છે. આ રીતે ‘ ટૂંકી વાર્તા ' નો સાહિત્યના પ્રકાર તરીકે વિચાર કરીએ તો તેના સ્વરૂપનું કેટલેક અંશે આપણને ભાન થશે. ‘ટૂંકી વાર્તા’ સાહિત્યના બીજા પ્રકારોની જેમ કાવ્યોચિત આનંદ આપવા માટે છે. આનંદ એક અથવા બીજી લાગણીના છૂટા કે મિશ્ર અમર્યાદિત અનુભવમાં રહેલો છે; લાગણીઓનું જીવન એટલું બધું સૂક્ષ્મ, પરસ્પર વણાઈ ગયેલું અને બહુરૂપી હોય છે કે તેનો હંમેશાં નામનિર્દેશ કરવો શક્ય નથી હોતો; પણ આવા અમર્યાદિત લાગણીના અનુભવમાં કલાની વિશેષતા રહી છે, એવો અનેક સહૃદય વિદ્વાનોનો મત છે અને તે સાચો લાગે છે. ( અમર્યાદિત એટલે અનુભવ કરનારના અંગત વ્યવહારી સુખદુઃખની લાગણીથી અમર્યાદિત.) ટૂંકી વાર્તા પણ આ રીતે લાગણીનો અનુભવ કરાવી આનંદ આપે છે અને એનાં બીજાં પરિણામો આ પરિણામ સાથે સંગત હોય તો જ તે આદરયોગ્ય બને છે. તાત્પર્ય કે, ટૂંકી વાર્તાને પણ રસના ધોરણે વિચારવી ઘટે છે.

મમ્મટ કહે છે તે પ્રમાણે દરેક કાવ્ય છેવટે રસપર્યવસાયી છે, પણ તેની કક્ષા આ રસાનુભવ કેટલી સ્ફુટતાથી, સરળતાથી અને સ્વાભાવિકતાથી થાય છે તેનાથી નક્કી થાય છે. મુક્તક કે લિરીક અથવા ટૂંકી વાર્તા કલાકારને અને ભાવક બન્નેને ભાવે છે તેનું એક કારણ આ લધુ રૂપો આ ઉદ્દેશ સરળતા અને સ્વાભાવિકતાથી સાધવામાં વધારે ઉપયેાગી જણાય છે — એ છે. પણ આ વધારે ઉપયેગિતા ટૂંકી વાર્તા અને લિરીકને બીજા પ્રકારો કરતાં વધારે તુચ્છ બની જવાના ભયમાં પણ મૂકે છે; અને એ પતનથી બચી જવામાં જ લિરીકના કવિની અને ટૂંકી વાર્તાના લેખકની કુશળતા અને મહત્તા રહેલાં છે. મહાકાવ્યના કે કથાના રચનારના બુદ્ધિવ્યાપાર સાથે આ લઘુ રૂપો રચનારના બુદ્ધિવ્યાપારને મૂકતાં મન ખચકાય છે તેનું કારણ પણ આ તુચ્છતાનો ભય છે. લાગણીની તુચ્છતા, મહત્તા કે ગંભીરતા મોટે ભાગે જે બનાવો મનુષ્યની તે તે લાગણીના આવિષ્કારનાં કારણો બને છે તેના ઉપર આધાર રાખે છે; અહીંઆ બનાવનું માપ કોઈ બાહ્ય ધોરણથી નહિ પણ મનુષ્યના માનસિક જીવનમાં તેનું જે સ્થાન હોય તે દૃષ્ટિથી આંકવાનું છે. કવિ વાર્તાકાર મહાન કે ગંભીર ભાવ હમેશાં વ્યવહારમાં જે ગંભીર કે મહાન બનાવો કહેવાય છે તેના નિરૂપણથી સાધતો નથી; એના બનાવની મહત્તા અને ગંભીરતાનું માપ કવિએ કલ્પેલા વૈયક્તિક માનસિક જીવનના ધોરણે કાઢવાનું હોય છે. આથી જ એક ગરીબ મજૂરના ઘરનું એકનું એક હાંલ્લું ફૂટી જાય અને એક શ્રીમંતના ઘરમાં કિંમતી ચાહનો સેટ નોકરની બેવકુફીથી ફૂટી જાય એ બન્નેથી ઉત્પન્ન થતી લાગણી જુદી હોય છે; એટલું જ નહિ પણ એક હોય ત્યાં તેની ગંભીરતા વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને ઉપરનું વિધાન સમજવાનું છે.

બનાવોથી કેવળ બાહ્ય બનાવો જ સમજવાના નથી; માનસિક પરિવર્તનનો પણ એ શબ્દમાં સમાવેશ કરી લેવાનો છે.

રસમીમાંસકોનું બીજું એક સ્પષ્ટ વિધાન એ છે, કે રસનો અનુભવ તે તે લાગણીના નામનિર્દેશથી અથવા કેવળ તેના વર્ણનથી થતા નથી; આ વિધાનને વધારે સ્ફુટ એ રીતે કરી શકાય કે કાવ્યમાં જેટલું બીજા પદાર્થોનાં વર્ણનોનું સ્થાન છે તેનાથી વિશેષ લાગણીના વર્ણનનું સ્થાન નથી. રસનો અનુભવ અમુક લાગણીના સીધા વર્ણનદ્વારા નહિ પણ બનાવોના સન્નિવેશથી સૂચિત થવો જોઇએ ! રસનો અનુભવ એ બનાવોનો વ્યંગ્ય છે, એ વિધાન ટૂંકી વાર્તાની કદર કરવા માટે ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ ! બનાવોના નિરૂપણનું આકલન કે ચર્વણ કેવી રીતે તે તે લાગણીનો અનુભવ કરાવે છે એ ચિત્તશાસ્ત્ર અને રસશાસ્ત્રનો એક ગહન પ્રશ્ન છે અને તેની ચર્ચા અહીંઆં અસ્થાને ગણાય. પણ એટલું સ્મરણમાં રાખવું જોઇએ, કે માણસના જીવનમાં બનાવો અને લાગણીઓ વચ્ચે એક જાતનો કારણ-કાર્યનો સંબંધ બંધાઈ ગયો હોય છે અને જે કવિ આ સંબંધ સમજ્યો હોય છે તે ઉચિત લાગણીઓનો અનુભવ કરાવી શકે છે.

આ ઉપરથી ફલિત થાય છે કે, લાગણીના કોઈના કોઈ રૂપના અમર્યાદિત અનુભવની મુખ્યતા એ સાહિત્યને વાઙમયના બોધપ્રધાન પ્રકારોથી જુદું પાડતું લક્ષણ છે; પણ કથા અને ટૂંકી વાર્તા તેમાંએ ખાસ કરી ટૂંકી વાર્તા બનાવના વર્ણનથી તે તે લાગણીનો અનુભવ કરાવતી હોવાથી મુખ્ય ધ્યાન બનાવોની ઘટના ઉપર આપવું પડે છે. કથા વિગતથી અને વિસ્તારથી બનાવની ઘટના રજૂ કરે છે, જ્યારે ટૂંકી વાર્તા બનાવ અને લાગણીની મુખ્ય સાંકળ બતાવી સંતોષ માને છે. બનાવ અને લાગણીની મુખ્ય સાંકળ પકડવી અને તેમાં બનાવની કડીને એવી રીતે મૂકવી કે જેથી પેલી લાગણીની કડી આપોઆપ હયાતીમાં આવી જાય એ ટૂંકી વાર્તાનું રહસ્ય લાગે છે, અને તેનું માપ પણ નક્કી કરતું દેખાય છે. સૌન્દર્ય અથવા અલંકારનાં બીજાં સાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો-આવશ્યક હોય તેટલો જ ઉપયોગ કરવો-અને અલંકાર (વ્યાપક અર્થમાં)ના મોહમાં ન તણાવું એમાં ટૂંકી વાર્તાની કઠિનતા રહેલી છે. આમ છતાં ટૂંકી વાર્તામાં અસ્પષ્ટતાનો દોષ અક્ષમ્ય ગણાવો જોઇએ; બનાવની સાંકળ સ્પષ્ટ હોય તો જ ચોક્ક્સ પરિણામ આવી શકે.

બનાવ હમેશાં કોઇનું કાર્ય હોય છે. આ કાર્ય એક વ્યક્તિનું હોય કે અનેક વ્યક્તિઓનું સંઘટિત કાર્ય હોય, એથી વાર્તામાં બનાવને હયાતીમાં લાવનાર વ્યક્તિઓના ખ્યાલ વિના બનાવનો ખ્યાલ આવી શકતો નથી. પણ ટૂંકી વાર્તામાં વ્યક્તિઓના સ્વભાવ અને બનાવની મુખ્ય સાંકળ જકડવાની હોય છે અને તેથી ટૂંકી વાર્તામાં ચિત્તશાસ્ત્રનું એકાદ પ્રકરણ લખવાની મહત્ત્વાકાંક્ષા અસ્થાને છે; જો કે નાના સરખા પણ વિલક્ષણ બનાવને સમજવા એકાદ માણસનો આખો માનસિક ઇતિહાસ આપવાની જરૂર પડે એ સમજી શકાય અને ઘટાવી શકાય એવી છૂટ છે.

આ જો સાચું હોય તો એમ કહી શકાય, કે ટૂંકી વાર્તાની વિશેષતા મનુષ્યસ્વભાવ, જગતની પરિસ્થિતિમાં એ મનુષ્યસ્વભાવમાંથી ઉપજતા બનાવ, અને એ બનાવની સાથે સંકળાઈ રહેલી લાગણીની મુખ્ય સાંકળ શોધી કાઢવામાં, અને તે મનુષ્યસ્વભાવના અને બનાવના, ભાવકના હૃદયમાં સરલ રીતે ઉચિત લાગણી વ્યક્ત કરે એવા, વર્ણનમાં રહેલી છે.

ટૂંકી વાર્તામાં એક જ બનાવ અથવા એક જ સ્થિતિ હોવી જોઈએ, એ ટૂંકી વાર્તા માટે બહુમાન્ય થયેલો નિયમ ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થઇ શકે છે. પણ મારી સમજ પ્રમાણે બનાવની સંખ્યા એ બહુ ભાર દેવા જેવો અને નક્કી કરી શકાય એવો વિષય નથી; અને કથામાં પણ મુખ્ય બનાવ તો એક જ હોય છે. ટૂંકી વાર્તામાં લાગણી કે રસ એક જ હોવો જોઇએ, એમ પણ કહી શકાતું નથી; કારણ કે કથામાં પણ મુખ્ય રસ તો એક જ હોય છે. બનાવની એકતા અને રસની એકતાથી કથા તેમજ ટૂંકી વાર્તા બન્નેનાં શરીરને અંકિત થવું પડે છે; પણ મનુષ્યસ્વભાવ અને બનાવની મુખ્ય સાંકળના નિરૂપણમાંથી જ રસાસ્વાદ ઉત્પન્ન કરવો એ ટૂંકી વાર્તાની ખાસિયત દેખાય છે; કારણ કે કથામાં પણ જો કે આ મુખ્ય સાંકળ હોય છે તોપણ કેવળ એ મુખ્ય સાંકળનું નિરૂપણ રસાસ્વાદનું પૂરતું નિમિત્ત બનતું નથી. મુખ્ય સાંકળ શોધી કાઢવાની અને તે મુખ્ય સાંકળને જ કાવ્યોચિત આનંદ આપે એ રીતે રજૂ કરવાની શક્તિ ટૂંકી વાર્તા માટે આવશ્યક છે. આમ જેને તીરની માફક સીધા જઇને લક્ષ્યને વીંધવાનું હોય તેને બહુ બનાવો ગુંથવાનું પાલવે નહિ, જો કે એ વિવિધ લાગણીઓને મુખ્ય ભાવ પોષાય એવી કુશળતાથી ગુંથી શકે. આથી ટૂંકી વાર્તાના સમર્થ લેખકોની કૃતિઓમાં મોટે ભાગે બહુ બનાવો હોતા નથી પણ અનેક સંકલિત બનાવોમાંથી એવા બનાવને શોધીને નિરૂપેલા હોય છે કે જે બાકીના સંકલિત બનાવોનું, પોતપોતાના ભાવો અર્પી શકે એ રીતે બનાવની પસંદગી લેખકની ‘શું કહેવું છે’ એ દૃષ્ટિ પર આધાર રાખે છે. *[]આ દૃષ્ટિ કેટલી વિવિધ અને વેધક હોઇ શકે છે તે ટૂંકી વાર્તાના ‘પ્રભુ’ ચેખોવ નામના રશિયન લેખકની કૃતિઓમાંથી સમજાય છે

‘દ્વિરેફની વાતો’નો ઉપોદ્‌ઘાત લખતાં ઉપરનું વિવેચન કરવાની મારા માટે એ જરૂર હતી, કે એમાં જણાવેલા વિચારોના સંસ્કારવાળા મારા ચિત્ત ઉપર એ વાતની શી અસર થઈ છે તે સ્ફુટતાથી જણાવી શકાય. પણ આ ઉપરથી કોઈએ એમ માની લેવાનું નથી કે એ વિચારોના માપથી જ હું ‘દ્વિરેફની વાતો’ માપવાનો છું; પણ ઊલટું એ વિચારો બાંધવામાં જેમ ચેખોવ આદિ બીજા ટૂંકી વાર્તાના લેખકોની કૃતિઓ કારણભૂત થઈ છે તેમ ‘દ્વિરેફની વાતો’ પણ થઈ છે.

‘દ્વિરેફની વાતો’ વાંચતાં સૌથી પ્રથમ વિચાર એ આવે છે, કે ખરેખર આ બધી વાતો છે; અને તે પણ આપણા ગુજરાતી પ્રચલિત અર્થમાં. નાનપણમાં આપણે જે વાતો, ટુચકા, સ્વભાવ અને લક્ષણો સૂચવતા કિસ્સાઓ સાંભળ્યા હોય અને એ સાંભળતા સાંભળતા હસ્યા હોઇએ અને સાંભળી રહ્યા પછી ન સમજાય એવી રીતે લાગે કે ‘એકલું હસ્યા એ કાંઈ ઠીક ન થયું’ આવા બાળપણના વાતોના સંસ્કારવાળા ગુજરાતી વાંચનારને એ પરંપરા આ વાતોમાં ચાલુ રહેલી લાગશે. અને હું માનું છું, કે આ વાતો રચતાં દ્વિરેફના મનમાં બાળપણના વાતોના સંસ્કારોએ જેટલો હિસ્સો આપ્યા હશે, તેટલો તેમની પછીની સાહિત્યની વિદ્વત્તાએ આપ્યો નહિ હોય !

આ સંગ્રહમાંની ઘણી વાતો વાંચનારને વિવિધ રીતે હસાવે છે. આ હસવાની વિવિધ રીતોનો નિર્દેશ કરવા મને તળપદા ગુજરાતી શબ્દો જડતા નથી. પણ જેને માટે આપણે માર્મિક હાસ્ય, કટાક્ષ, નર્મ, ટોળ, ઠઠ્ઠા મશ્કરી, ઉપહાસ, ‘બનાવવું’ વગેરે વગેરે શબ્દો વાપરી શકીએ તે બધા પ્રકારો આ વાતોમાં દેખાય છે. આમ છતાં એ વાતો વાંચતાં હાસ્યની જે ઝીણી સેર દિલમાં વહ્યા કરે છે તેનો પૂરેપૂરો ખ્યાલ તે શબ્દો આપી શકતા નથી. હું ‘દ્વિરેફની વાતો’ને આપણી ગુજરાતી પરંપરાની મોઢેથી કહેવાતી વાતો સાથે મૂકું છું તેનું કારણ આ વિવિધ જાતના હાસ્યની સામ્યતા. મોઢું મલકતું રહે ત્યાંથી તે હસતાં હસતાં આંખમાં પાણી આવી જાય અને હસતાં છતાં આંખમાં પાણી આવી જાય એ આપણી સાંભળેલી વાતોની પરંપરા આમાંની કેટલીક વાતોમાં ઊતરી આવેલી લાગે છે.

આજના ગંભીરતાના જમાનામાં સમાજના અન્યાય દૂર કરવા, ચિત્તના રોગોની ચિકિત્સા કરવા, તત્ત્વજ્ઞાનના ઊંડા મુદ્દાઓ ચર્ચવા જ્યાં વાતો લખાય છે ત્યાં અમુક વાતો વાતો છે એ વિધાન બધાં વાર્તાનામધારી લખાણો માટે કરી શકાતું નથી, જોકે એ લખાણો બીજી રીતે ઘણા આદર યોગ્ય હોય છે.

બીજી કોઈ પણ લાગણી કરતાં હાસ્યને ગ્રામ્ય અને અધમ થઇ જવાનો વધારે ભય છે. હાસ્યની આ પ્રકૃતિને લઇને જ કદાપિ તે પ્રાચીનોનો આદર પામી શક્યું નથી. પણ બીજી લાગણીઓની જેમ હાસ્યની કિંમત પણ તે શેમાંથી અને શી રીતે ઉત્પન્ન થાય છે તે ઉપર આધાર રાખે છે. હાસ્યના પ્રકારોને ઉચ્ચ કક્ષામાં રાખવા માટે, બીજી લાગણીઓની અપેક્ષાએ, ઘણી જ સંસ્કારિતાની અને કુશળતાની અપેક્ષા રહે છે. આવા હાસ્ય માટે જીવનને અવલોકવાની બહુ સૂક્ષ્મ દૃષ્ટિની અપેક્ષા રહે છે અને અવલોકનારના સ્વભાવમાં છેવટના તળિયે દુરસ્તી અને પ્રસન્નતાની અપેક્ષા રહે છે. ‘ દ્વિરેફની વાતો'માં હાસ્યના વિવિધ પ્રકાર હોવા છતાં જવલ્લે જ ગ્રામ્યતા કે અધમતા લાગશે. મોટે ભાગે તો એમનો હાસ્ય આપણા પ્રાચીનો જેને ઉત્તમ કહે છે તેવો છે, જોકે ઠેકાણે ઠેકાણે પ્રાચીનો ઉત્તમ ન ગણે છતાં આજના જમાનામાં સુરુચિનો ગણાય એવા હાસ્યનાં પણ દષ્ટાંત છે.

આ પ્રમાણે ઘણી વાતોમાં હાસ્યનાં મિશ્ર રૂપો મુખ્ય હોવા છતાં જે વાતોમાં હાસ્ય મુખ્યભાવ નથી તે વાર્તાની કુશળતા ઓછી નથી. કદાપિ વાર્તાનાં સકળ અંગોની દૃષ્ટિએ વિચારીએ તો આ થોડીક વાર્તાઓને ‘જમનાનું પૂર’, ‘મુકુન્દરાય’, ‘નવો જન્મ’ અને ‘ખેમી'ને પ્રથમ સ્થાને મૃકવી પડે.

આ સંગ્રહમાં પહેલી વાર્તા ‘એક પ્રશ્ન'નું સૂચન સ્ટ્રેન્ડ મેગેઝિનની કોઇક વાર્તા ઉપરથી મળેલું એમ લેખક જણાવે છે. પણ આ સૂચનને જે રીતે મૂર્ત કર્યું છે તે રીત તેમની પોતાની છે. આખી વાર્તા એક મજાકરૂપે રજૂ થાય છે; સર્વ પ્રકારના શાસ્ત્રીઓને સંબોધન કરી કવિ ન્હાનાલાલની ઍક કડીના અનુકરણથી વાર્તાનો નાયક પેાતાની મંઝવણ રજૂ કરે છે :

આવો શાસ્ત્રી તમ પગલે પાવન થવું રે લોલ,
પ્રાણ  રૂંધન્તા  પ્રશ્ન પદે ઠારવું રે લોલ.

ડાહ્યલા નામનો નોકર સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતો હતો તેને કોણે વાર્યા એ પ્રશ્ન છે. ઘરમાં બધાએ——ભાઇ, બહેન, ભાભી, મા, મોટાભાઇ, મોટાભાભી—દરેક જણ એમ માને છે, કે પાતે જ ડાહ્યલાને વાર્યો છે ! આ વાર્તાની કુશળતા દરેક જણ એકનો એક દાવો કેટલી જુદી જુદી રીતે ખાતરીથી રજુ કરે છે તેમાં દેખાઈ આવે છે; આ રજુઆત થતાં થતાં આજના ગુજરાતી કુટુમ્બનું છૂટવાળું અને સંસ્કારી વાતાવરણ પણ ઊભું થઈ જાય છે; આખુંએ વાંચતાં મન સ્મિત કર્યા કરે છે, પણ વાર્તા કહેનારને પ્રશ્ન કાયમ રહે છે અને એ પ્રશ્ન કાયમ રહે છે તેનું માનસિક કારણ અનુકરણવાળી લીટીઓના મજાકના રૂપમાં મૂક્યું છે તોપણ આ માનવ નબળાઈનું ભાન મજાક કરતા કોઈ બીજા ભાવનો-જરાક દિલગીરીનો ભાવ?– પણ અનુભવ કરાવે છેઃ

મને એટલું હો એટલું કહો કથી રે લોલ,
માન્યું અમાન્યું હો સંત કાં થતું નથી રે લોલ?
ધાર્યું અધાર્યું હો સંત કાં થતું નથી રે લોલ?

આટલા—એક પ્રશ્નનો ખુલાસો કરવાના પ્રયત્નરૂપી-નાના બનાવના નિરૂપણમાં પણ પ્રત્યેક પાત્રના સ્વભાવની વિશેષતા આવી જાય છે. મિ. ઉવાર્ડ જેને ‘individuality’ ‘વૈશિષ્ટ્ય’ સાચવીને ‘ typical ’ ‘ વગસૂચક ’ પાત્રનિરૂપણ કહે છે તે આ વાર્તામાં અને પછીની વાર્તાઓમાં સ્પષ્ટ દેખાશે. આ વાર્તાનો નાયક આજનો પરણેલો બી. એ. થઇ ગએલો અને એલ. એલ. બી. થતો——જાત જાતના પ્રશ્નોમાં ગુજરાતી બુદ્ધિને સહજ સૂક્ષ્મતાથી માથું મારતો, મશ્કરા સ્વભાવનો છતાં સંસ્કારી યુવાન દેખાય છે. બહેન, સ્ત્રી, મા આ બધાંમાં ગુજરાતના સામાન્ય કુટુમ્બની છૂટ અને મલાજાવાળાં કુટુમ્બોમાં જે બહેન, સ્ત્રી આદિ હોય છે તેના નમૂના છે.

‘ રજનું ગજ ’નું વસ્તુ ૧૯૨૧–૨૨ ના અસહકારના જમાનામાંથી લીધું છે. અસહકારની ચળવળમાં દુનિયાના બીનઅનુભવી જુવાનો અને જમાનાના ખાધેલા આધેડ વયના અને ઘરડા માણસો એકઠા થઈ ગયા હતા. જુવાનિયાની દષ્ટિ બધું વિશ્વાસથી, વેગથી, છૂટથી અને બેપરવાઇ કરવાની, જમાનાના ખાધેલાની દૃષ્ટિ અમુક માણસ સારો છે એમ સાબીત થાય નહિ ત્યાં સુધી એ ખરાબ છે, સ્વાર્થી છે, વિશ્વાસ રાખવા લાયક નિંદા માટે બહુ સાવધાનીથી, લુચ્ચાઈથી બધાં કામો કરવાની. આ બન્ને દૃષ્ટિઓના સંઘર્ષમાંથી આ વાર્તાનો બનાવ જન્મે છે. એક બાજુએ પ્રથમ દૃષ્ટિવાળો વાર્તાનો જુવાન નાયક અને બીજી બાજુએ ધંધામાંથી નિવૃત્ત થએલો વકીલ, અને પોતાનો વેપાર ચલાવતા વેપારી આદિ બીજી દૃષ્ટિવાળા. આ બન્ને બાજુનાં સ્વભાવિનરૂપણો સ્પષ્ટ અને સચોટ છે; અને આ સ્વભાવનિરૂપણ વર્ણનદ્વારા નજિ પણ બધા પરસ્પર સભામાં મળતાં એક બીજા સાથે જે વાતચીત કરે છે તે ઉપરથી ફલિત કર્યું છે. આવા સંઘર્ષણનું પરિણામ એ આવે છે, કે જુવાન દૃષ્ટિને ગામ છેાડી જતા રહેવું પડે છે; અને સ્થિતિચુસ્તો કાંઇ પણ કર્યા વિના સ્થિર રહે છે !

આખી વાતમાં ઠેકાણે ઠેકાણે સોપદંશ હાસ્ય દેખાઇ આવે છે અને છેવટનું વર્ણન હાસ્ય ઉત્પન્ન કરે છે, છતાં એમાં ગુસ્સો, તિરસ્કાર અને છેવટે એક જાતની દિલગીરી પણ ભળ્યા વિના રહેતાં નથી. ગદ્યશૈલીના અસરકારક નમૂના તરીકે પણ તે વાંચવા જેવો છેઃ

“ ચડીસર ગામ તા માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા, વિરમગામ કાઠિયાવાડમાં નપી છતાં તે કાઠિયાવાડી હતા, કાઠિયાવાડીઓ લુચ્ચા હોય છે, માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારી સાથે રહેવાની પેરવી કરતા હતા, તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારીઓ જોડે ખટપટ કરેલી : એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઇ ગયું; અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કોઇ સારો માણ્સ ટકી શકવાનો નથી, એક અસહકારી માસ્તરે ખોટું સર્ફિફિકેટ મેળવ્યું, એમ સહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલો વધી પડ્યો કે બન્ને પક્ષે બે સ્થાનિક અઠવાડિકો કાઢવાનો તે જ દિવસે નિશ્ચય કર્યો.
"કોઇ માનવ હીણૉ છે, નીચ છે, એવા ભાનથી નિષ્પન્ન થતો

પરમ રસ, જે કવિઓએ અનુભવ્યો નથી કે ઓળખ્યો નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે!!!"

“ માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે ”—આ વાક્યમાં હાસ્ય છતાં કેટલો પુણ્ય પ્રકોપ છે!

‘ જમાનાનું પૂર ’ને હમણાં બજુ ઉપર રાખી ‘સાચી વારતા ’ અથવા ‘ હિંદુ સમાજના અંધારા ખૂણામાં દૃષ્ટિપાત ' એ વાર્તા જોઈએ.

આજના જમાનામાં શિક્ષિત મધ્યવર્ગમાં રશિયન વિચારો અને સમતાવાદની અસરથી દલિત વર્ગો તરફ-મજૂરો તરફ, ગરીબો તરફ એક જાતનું આકર્ષણ જાગ્યું છે. આ આકર્ષણ વાર્તાઓમાં પણ મૂર્ત થતું દેખાય છે. પણ આ જાતની વાતો કાં તો રશિયાની સાચી વાર્તાના અનુકરણરૂપ કે પૂરા કારણ વિનાના ‘લાગણીવેડા’થી દૂષિત હોય છે. ગુજરાતના જુદા જુદા ખૂણામાં જુદી જુદી કોમોમાં કેટલી વિલક્ષણ ક્રૂરતાઓ પ્રવર્તે છે અને આ ક્રૂરતા કેટલી તળપદી છે તે જાણવાની તક આપણા કેળવાયેલા, શહેરમાં રહેવાનું પસંદ કરતા ગુજરાતીને સહેજે મળતી નથી. શ્રી. રામનારાયણે મહીકાંઠામાં વકીલાત કરી તે સમયની ત્યાંની રજવાડા અને ભાયાતોની એમની અનેક માહિતીઓમાંથી અને વકીલ તરીકે આ લોકોના મળેલા સ્વભાવના ખ્યાલમાંથી એકાદ વસ્તુ લઈ આ વાર્તામાં આપ્યું છે.

વાતમાં કોઇ પણ જાતનું ‘sentimentalism લાગણીવેડા' ન આવે અને છતાં તેની સ્વાભાવિક ક્રૂરતામાં આખો બનાવ રજૂ થાય તે માટે એ ભાગોમાં ફરતા અમલદારોની દૃષ્ટિથી આખી વાત રજૂ થઇ છે.

દારૂખાતાના ઈન્સ્પેક્ટર મી. પેસ્તનજી, પોલિસ ઈન્સ્પેકટર મી. સેંધા, સ્ત્રીલોલુપ ડૉ. ભીડે અને વાત કહેનાર મિ. કેશવલાલ ઘણું કરી કેળવણી ખાતાના ઈન્સ્પેક્ટર–બધાએ રેલવેના ડબામાં ભેગા થાય છે, અને રસ્તો ખુટાડવા મિ. કેશવલાલ વાત શરૂ કરે છે. વાત શરૂ થાય તે પહેલાં ડૉ. ભીડે જણાવી દે છે, "પણ પંતુજી જેવી નહિ. અંદર બૈરીઓ આવવી જોઇએ."

મિ. કેશવલાલ એક ખૂનના કેસમાં એસેસર તરીકે ગયેલા તે કેસનો આખો અહેવાલ બનાવ બનતો હોય તે રીતે તેઓ આપે છે.

કેશરીસિંહ નામના માણસનું ખૂન થયેલું અને તોહમતદારમાં તેની બે સ્ત્રીઓ જૂની અને નવી હતી. કોર્ટના કેસો હમેશાં નાટકમાં તથા વાર્તામાં આકર્ષક વસ્તુ ગણાય છે. તેમાં એ એવા કેસો ચલાવ્યાનો જેને અનુભવ હોય તે વધારે તાદશ અને આકર્ષક ચિતાર આપી શકે છે. તેમાં આકર્ષકતા કોયડાનો જે રીતે ધીમે ધીમે ઉકેલ થાય છે તેમાં રહેલી છે. આ ‘ધંધાની ખુબીઓ ’ દ્વિરેફની આ વાતમાં દેખાય છે.

જૂનીના માથે ખૂનનું તહોમત હતું; પણ તેણે જુબાનીમાં સાફ ઈનકાર કર્યો; અને પોલિસે જે રીતે કેસ ઘડી કાઢ્યો હતા તેમાં ઘણા ગોટાળા હતા. નવીની જુબાની લેવાની હતી પણ તે રોવાનું મૂકી મોઢું ઉઘાડે તે અરસામાં એક કાચી કેદને કેદી માજિસ્ટ્રેટ આગળ રજૂ કરવામાં આવ્યો હતો. તે નાતે ઓંજણો હતા. નવીએ મોઢું ઉઘાડ્યું એટલે પેલા કાચી કેદના કેદીએ નવીને પોતાની સ્ત્રી તરીકે જણાવી. આ નવા ગુંચવાડાથી વાતની ગૂઢતાનો ચમત્કાર વધે છે અને એ નવી બીના જ આખી ગુંચનો ઊકેલ લાવે છે——એ સંવિધાનનૌ ચતુરાઇ છે. બાઈ હરિએ પાતાની શોક ઉપર આળ ચઢાવેલું પણ તે આ ઓંજણાને જોઈ એકદમ સાચી હકીકતની કબુલાત આપે છે.

“હું મેંગણાના ઠાકોરની ખવાસણ છું. મારું સાચું નામ વાલી છે.” એ રીતે આ સ્ત્રીની કથા શરૂ થાય છે; અને આ ખૂનનો ભોગ થયેલો કેશરીસિદ્ધ તેને કેવી રીતે નસાડી ગયો, ભય આવતાં તે કેશરીસિંહે તેને કેવી રીતે ઠેકાણે ઠેકાણે વેચી અને વળી પાછો લઇ ગયેા ઇત્યાદિ ગુજરાતમાં આજે પણ બનતી હકીકતો રજૂ થાય છે. આ હકીકતના કથનમાં પણ આ બાઇએ જે ગુના કર્યા તેની પાછળનું માનસ વ્યક્ત કરી લેખક આપણને ન્યાયાધીશની મિથ્યાભિમાની ભૂમિકા ઉપર ચઢવા ન દેતાં માનવની સહાનુકમ્પાની ભૂમિકા ઉપર રાખે છે. કેશરીસિંહે એને બીજાને ત્યાં રહેવા કહ્યું, તો પ્રેમની મારી નાસી આવેલી સ્ત્રી કેમ હા પાડે? “બીકના માર્યા મૈં હા પાડી." કુંભારના ઘેરથી કેમ નાસી ગઇ ? તે “ મને કુંભારને ત્યાં ગમતું નહતું. ” અને છેવટે કેશરીસિંહનું ખૂન પણ કેશરીસિંહના આ ઘડી ઘડીએ વેચવાના ત્રાસથી કર્યુ એ માનસિક ઘટના જણાવી લેખક આ અમાનુષ જણાતી વાર્તામાં પણ માનવી અંશો દાખલ કરે છે.

આખી વાર્તાનું રૂપ વાતચીતનું છે. રેલવેના ડબ્બામાં ઈન્સ્પેકટર વાતો કરે છે અને કોર્ટમાં વિવાદ થાય છે. કેસના મુદ્દાઓ ઉપર વળી મુસાફરો ઇન્સ્પેકટરો ટીકાઓ કરે છે અને એ રીતે વાર્તા ચાલે છે. આ વાતચીતથી જ આ પ્રત્યેક અમલદારનાં રેખાચિત્રો દોરાઇ જાય છે ——એ આનુષંગિક્ છે પણ વાતાના આકર્ષણનું એક કારણ છે.

મિ. કેશવલાલ વાત પૂરી કરે છે; અને આખી વાત એટલી બધી અસંભવિત લાગે છે કે બધાએ તેને ખોટી માને છે, એટલામાં એ જ ખાનામાં છેવાડે બેઠેલી ધુમટો તાણેલી એક બાઈ બોલી ઊઠે છે: “ના, ખરી છે." ભાઇ હરિ આન્દામાનથી પાછી આવતી હતી. વાર્તાને નક્કી કરવાની આ રીત ચમત્કારી છે, જો કે એના ઉપર નાટકીપણાનો દોષ પણ મૂકી શકાય! માનવજાતના સામાજિક જીવનમાં કુદરતના ક્રમથી કે કોપથી કોઇ કાઈ વિલક્ષણ આકૃતિઓ અને પ્રકૃતિઓ હયાતીમાં આવે છે તેનું વર્ણન વાંચવા જેવું છે:

“ તે તેની તે જ હરિ કે વાલી કે તેજી હતી. તેના સામું જોતાં ડૉ. ભીડેને પણ જુગુપ્સા થઇ. એના મનમાં શા વિચાર ચાલતા હતા તે અમે કોઈ કળી શક્યા નહિ. તેની માંજરી આંખોમાં સાપોલિયાં રમતાં હતાં, તેની સામે જોતાં અમારા મનમાં કોઇ અકથ્ય અભાવ વધતો જ ગયો. ત્યાંથી જતા રહેવાની અમને ઇચ્છા થતી હતી અને છતાં તેના તરફથી અમે નજર ખસેડી શકતા નહોતા.
“ આખે રસ્તે અમે કોઇ એક શબ્દ પણ બોલી શક્યા નહિ. "

"સાચો સંવાદ” નર્મહાસથી ભરેલો, આજના કેળવાયેલા ગણાતા પણ ગૃહવ્યવહાર માટે તદ્દન નકામા પતિ અને સાધારણ કેળવણી પામેલી પણ કુશળ ‘ધરરખુ ગૃહિણી’ વચ્ચેનો સંવાદ છે. આ વાતમાં કોઇ બાહ્ય બનાવ નથી; બનાવ બમે છે તે પતિના મનમાં બને છે. વાત કરતાં જાત જાતની બડાશો માર્યા પછી પતિને સમજાય છે, કે પોતાને ‘કામનું કહેવાય’ એવું કાંઈ આવડતું નથી; અને એ રીતે એ સંવાદ સાચો ઠરે છે.

"સરકારી નોકરીની સફળતાનો ભેદ" એ સંસ્કૃત નાટયશાસ્ત્રમાં જેને ભાણ કહે છે તેની રીતે કહેલી વાર્તા છે.

હિંદુસમાજમાં અનેક રિવાજો, વિધિઓ જડ થઇ ગયા છે, તેમાં સજીવન વિવેક રહ્યો નથી અને છતાં રૂઢિપ્રિય હિંદુ તેને વળગી રહે છે. આ રિવાજોમાં પત્નીએ પતિ સાથે કેમ વર્તવું જોઇએ, એ રિવાજ વિલક્ષણ જાતની જડતા પામ્યો છે. પત્ની માટે પુરુષ માણસ નથી પણ દેવ છે અને એની સેવા જ કરવી જોઈએ—એ સતીત્વનો આદર્શ પામેલી કન્યા, આધુનિક કેળવણીના સંસ્કારવાળા મરજી વિના બીજ વર થયેલા પુરુષને ગુંગળાવી નાખે છે અને છેવટે તેને એ સ્થિતિમાં લાવી મૂકે છે કે સરકારી નોકરીના યંત્રમાં રહી લખ લખ કર્યા જ કરવું એ જ એના માટે જીવનનું સારામાં સારું કામ રહે છે! આ બીજ વરનું લગ્નજીવન પ્રહસનની અતિશયતાથી દોરેલું છે છતાં એની પાછળ એક સંસ્કારી આત્મા કેવી રીતે હેરાન થતો જાય છે એનું બહુ જ સુક્ષ્મ અને વાસ્તવિક દર્શન રહેલું છે. સારી વસ્તુ પણ મર્યાદામાં સારી લાગે છે. સતીની સેવાઓ પણ મર્યાદાસર હોય તો જ માફક આવે. આદિથી અંત સુધી હસવું ચાલ્યા જ કરે છે. જડ થઈ ગયેલા રિવાજની આટલી સમર્થ મશ્કરી જવલ્લે જ જોવા મળે છે !

‘શો કળજગ છે ના ! ’–બાલજીવનની કથા છે, પણ બાળકો માટેની કથા છે એમ મને નથી લાગતું. નિર્દોષ ગણાતાં બાળકો નિર્દોષ રીતે સ્વાર્થી હોય છે અને નિયંત્રણ ન હોય તે માત્સ્યન્યાયની સ્થિતિ સ્વાભાવિક છે તેનું હાસ્યભરેલું ચિત્ર છે! પણ બાળકોના સ્વભાવ પાછળ કુટુંબ અને માબાપ છે તેનો વિચાર કરીએ તે આપણું કુટુંબજીવન કેટલા સાધારણ ધોરણ ઉપર ચાલે છે તેનો કરુણ ખ્યાલ આવે.

બાલજીવનની આ વાર્તામાં પ્રત્યેક છોકરા અને છોકરીનો સ્વભાવ કેટલી સુરેખ અને સરલ રીતે દર્શાવ્યો છે તે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.

‘ જક્ષણી ’ એ પ્રસન્ન દામ્પત્યનું ચિત્ર છે. આખી વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ પત્નીના મુખે કહેવાય છે, બીજો ભાગ પતિના મુખે કહેવાય છે, અને ત્રીજો ભાગ ફરીથી પત્નીના મુખે કહેવાય છે.

મિત્રના ઘેર તેની પત્નીની સારવાર કરવા પોતે જવાનાં છે, એ બીના પ્રથમ ભાગમાં પત્ની પતિને જણાવે છે, બીજા ભાગમાં પત્ની વિના એકલવાયો થઈ ગયેલો પતિ પોતાની સ્થિતિની મશ્કરી કરી તે સહન કરી લે છે-પણ તે સહન જ કરવી પડે છે અને ગમે તેટલું હાસ્યનું વાતાવરણ ઊભું કરી બધું હસી નાખવા પ્રયત્ન કરે છે પણ પત્ની વિના ભાઈ સાહેબને ગમતું નથી એ તે પોતે કબૂલ જ કરે છે; “ સ્ત્રી જાય છે તેથી બીજું કાંઇ થતું નથી હૃદયને ખાલી ચઢે છે, હૃદય ચાલતું નથી, તેને જરા જરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે."

વીશીમાં જમવા જાય છે, પણ ઘરમાં પાળેલી કૂતરીની જમવાની શી વ્યવસ્થા કરવી તેનો ઊકેલ વીશીના મહારાજને પોતાના ઘરમાં જક્ષણી છે અને જક્ષણી એવાં છે કે જે માનતા માનીએ તે ફળે—એમ જણાવી કરે છે. મહારાજને નાની બાયડી જલદી મોટી કરવી છે એટલે તેના ઘેર ખાવાનું મેાકલાવે છે; પણ આપણા વાત કહેનારને મફત ખાવાનું જોઇતું નહિં હોવાથી જક્ષણી મફત ખાતાં નથી એમ જણાવી પૈસા આપે છે.

ત્રીજા ભાગમાં પત્ની પાછાં આવે છે. ઘર વાળીઝૂડી સાફ કરે છે, માથું અને કપડાં ધૂળથી ખરડાયેલાં છે અને સાલ્લાનો છેડો ગળાફરતો લીધેલ છે. કોક બારણું ખખડાવે છે અને ત્યાં તો જક્ષણીનાં દર્શન કરવા આવેલા મહારાજ નજરે પડે છે !

મેં કહ્યું: “ અલ્યા કોણ છે ? કેમ આવ્યો છે ?"

"જક્ષણી માતા ! ખમા કરો! સેવકના ઉપર મહેર કરો !!

મેં કહ્યું: “ પણ હું જક્ષણી કે દા'ડાની ?" ~-~ઈત્યાદિ

આ પ્રસંગનું મનોરંજક હાસ્ય ફુટે છે. પતિ બહારથી આવે છે, મહારાજને સાનથી સમજાવી જવાનું કહે છે. અને "ચંડી, પ્રસન્ન થાઓ!” કહી બહારગામથી આવેલી પત્નીનો સત્કાર કરે છે! કેવળ વાર્તા તરીકે આખા સંગ્રહમાં મારી દૃષ્ટિએ આ વાર્તા ઉત્તમ છે. આની સાથે ઊભી રહે એવી બીજી વાર્તા 'ખેમી' ની છે, પણ તે આગળ ઉપર.

આ વાર્તાની વિશેષતા એ છે, કે તેમાં વાર્તા બહાર કાંઈ વિશેષ તાત્પર્યો શોધવાની જરૂર નથી; અથવા આ વાર્તાની સુંદરતાનો આધાર એવાં કોઈ તાત્પર્યોમાં નથી. આ વાર્તામાં જે હૃદયંગમ વ્યંગ્ય છે તે પ્રસન્ન દામ્પત્યનું છે. અને એ દામ્પત્ય ભાવને આદિથી અન્ત સુધી સહજ હાસ્યના વાતાવરણમાં મૂકી તેને વધારે વાસ્તવિક અને આકર્ષક બનાવ્યું છે.

શ્રી ગગનવહારી આ વાર્તાઓના અવલોકનમાં “ ‘જક્ષણી’માં બાળલગ્નનો અને અંધશ્રદ્ધાનો ઉપહાસ છે” એમ જણાવે છે. આ વાર્તામાં એ બન્નેનો ઉપહાસ છે અને એવો બીજી અનેક બાબતોનો ઉપહાસ છે. પણ એનો અર્થ જો તે એમ કરતા હોય કે આ વાર્તાને મુખ્ય વિષય કે વ્યંગ્ય એવો ઉપહાસ છે તો મને લાગે છે કે એ બરાબર નથી. *[]

‘ પહેલું નામ’ જેને ડિટેક્ટીવ વાતો કહે છે તે ઢબની છે. ડિટેક્ટીવ વાર્તાના અનેક પ્રકારો અંગ્રેજી સાહિત્યમાં વિદ્યમાન છે. તે દરેકમાં આકર્ષણ અમુક ગૃઢ બનાવ—ખાસ કરીને ગુનો કેવી રીતે ધીમે ધીમે પ્રકાશમાં આવતો જાય છે તેમાં રહેલું છે. એમાં તર્કપરંપરા સુશ્લિષ્ટ રીતે ગોઠવેલી હોય છે. શોધ કરનારનાં બુદ્ધિચાતુર્ય અને સ્વભાવની વિલક્ષતાઓ આકર્ષક હોય છે. કેટલીક વાતોમાં રૌદ્ર ભાવો એ જ મુખ્ય આકર્ષણ હોય છે. ×[] ડિટેક્ટીવ વાર્તાના બંધારણની દષ્ટિએ વિચારીએ તો આ વાર્તા એક સફળ અખતરો લાગશે; પણ મારે કબૂલ કરવું જોઇએ, કે આ વાતમાં હરજીવનનું સ્વભાવનિરૂપણ જેટલું આકર્ષક લાગે છે તેટલો ‘ ખૂનનો ખુલાસો ' આકર્ષક લાગતો નથી. દ્વિરેફ વકીલ અને પ્રમાણુશાસ્ત્રી બન્ને છે, એટલે ગુનાના શોધની આખી તર્કપરંપરા સુશ્લિષ્ટ હોય એમાં નવાઈ નથી. અખાડાના મેળાવડામાં જે રીતે આખો સ્ફોટ થાય છે તે પણ આકર્ષક છે અને બીકણ પ્રમુખને લોકો 'ઇન્કમ ટેક્સ ' આદિ બૂમો પાડી ગભરાવી કાઢી મૂકે છે તે તોફાની હાસ્યનો નમૂનો છે. છતાં આવી વાતોના નિરૂપણમાં ગૂઢ ગુનાનાં ક્રમિક ઉદ્ઘાઘાટને મુખ્ય ધ્યાન ખેંચવું જોઇએ. તેના સ્થાને આ વાર્તામાં હરજીવન અને તેના વકીલ મિત્ર વધારે ધ્યાન ખેંચે છે.

'કપિલરાય ’ એ તખલ્લુસોની કરુણ કથા છે; પણ એમાં તખલ્લુસોની મશ્કરી તો ઉપકિયા છે. ખરી મશ્કરી તો અકાલે પક્વ થઇ જતા પણ ખરેખરા પરિપાક કદી નહિ પામતા, અને કોઈ પણ રીતે સાહિત્ય ક્ષેત્રમાં નામ મેળવવાના મહત્ત્વાકાંક્ષી, અનેક વાર પરીક્ષાઓમાં નપાસ થતા ગુજરાતી યુવાનની છે. આ વાર્તામાં પણ હાસ્ય તો પુષ્કળ છે, પણ ખાસ ધ્યાન ગાંડાના મનનું પૃથક્કરણ ખેંચે છે.

આ નવ વાતોમાં લેખક ગુજરાતના ચાલુ જીવનમાંથી વસ્તુ લઈ તેને ભિન્ન ભિન્ન બનાવોમાં ગોઠવી વિવિધ પ્રકારના હાસ્યનું ભાન કરાવે છે. પણ આ હાસ્યની પાછળ જે દૃષ્ટિ છે તે વસ્તુને હસી કાઢવાની નથી; આ હાસ્યની પાછળ લગભગ દરેક ઠેકાણે એકાદ આંસુનું બિન્દુ ક્યાંક લાગી રહેલું હોય છે અને જ્યાંસુધી એ આંસુનું બિન્દુ જડે નહિ ત્યાંસુધી આ વાતોનો રસાસ્વાદ પૂરો થતો નથી, એમ મને લાગે છે. આ સંગ્રહમાં બીજી ત્રણ વાતો એવી છે કે જેમાં લેખક પોતાના અનુભવ ઉપર હાસ્યનું આવરણ નથી ઓઢાડતા. 'જમનાનું પૂર' એ ગદ્ય કવિતા છે અને જે ભાવો ‘ શેષ ’ પદ્યોમાં મૂકે છે તે આમાં ગદ્યમાં મૂક્યા છે. એક સ્ત્રીને જમનાના પૂરમાં પોતાના દીવાનો મહિમા સૌથી મોટો કરવો છે. તે કરવા માટે કોઇ અન્તરાય તેને રોકી શકતો નથી. પોતાનો દીવો દૂરમાં દૂર મૂકીને તેને સંતોષ ન થયેા. આખા દૃશ્યની એને પરવા ન હતી. એ પોતાના મ્હિમામાં મત્ત થતી હતી, તેનો પગ સરક્યો અને જમનાનું પૂર એને ખેંચી ગયું !

આ વાર્તા એક લિરીકલ શબ્દચિત્ર છે. તેની ભાષાશૈલી પણ બીજી વાર્તાઓ કરતાં જુદી પડે છે. એને વાર્તા કહેવા કરતાં ગદ્ય કાવ્ય કહેવાનું હું વધારે પસંદ કરું છું.

શ્રી ગગન્તવહારી આ વાર્તાને અહંકારના પતનની કથા કહે છે. લેખકનો એવો કાઈ ઉદ્દેશ હશે કે નહિ તે વિશે મને શંકા છે. વાર્તાને અંતે લેખક કહે છેઃ

“ આજે કાલિન્દીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે, આજે કાલિન્દીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાંય ખેતરોને ફળદ્રુપ કર્યા છે, આજે કાલિન્દીએ કેટલાય દીવાઓ વક્ષસ્થલ ઉપર ધારણ કર્યા છે--કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે, પણ મારા દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે." એટલો મનોરથ સિદ્ધ થયેલ દેખાડવા જેટલો સદ્ભાવ કાલિન્દીએ તેના તરફ બતાવ્યો નહિ !

"જગતમાં પૂરનો હેતુ શું હશે?"

'મુકુન્દરાય ’ અંગ્રેજીમાં જેને ટ્રેજિક કહી શકાય એવી વાર્તા છે—જો કે એમાં કોઈ મરતું નથી.

ઐતિહાસિક સ્મરણવાળું, સ્ટેશનથી દૂર, તાર ટપાલની જ્યાં વ્યવસ્થા નથી એવું ગુજરાતનું એક ગામ છે અને તેમાં પ્રાચીન ઢબના ઉચ્ચતમ સંસ્કારવાળા એક વૃદ્ધ પિતા અને તેમની બાળવિધવા પુત્રી રહેતાં હતાં. પુત્રીમાં પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે હતી. કૉલેજમાં ભણતો પુત્ર અને ભાઇ મિત્રો સાથે રજામાં ઘેર આવે છે તેનો તાર આવે છે. વાત્સલ્ય અને ભાઇપ્રેમને ઉચિત સમારંભ થાય છે. કુટુમ્બ સંસ્કારી અને પૈસાટકાએ તાણવાળું હતું. કૉલેજની બેપરવાઈ અને ઉચ્છ્ર્ંખલ હવાવાળો, ગરીબાઇમાં શરમાતો પણ તેને છુપાવવાની કુશળતાવાળો મુકુન્દરાય મિત્રો સાથે ઘેર આવે છે. વૃદ્ધ પિતા અને બહેન સાથે તોછડાઈથી વર્તે છે, અને છેવટે સાંજે મિત્રોને વળાવવા જતાં પોતે પણ મિત્રોના આગ્રહથી તેમની સાથે ચાલ્યો જાય છે.

વૃદ્ધ પિતાને પુત્રના આ સંસ્કારથી સમજાય છે કે "એ આપણો ન હોય. એ ગયો જ સમજો, ” અને ત્યાં ગાડીવાળાના શબ્દોમાં સંસ્કૃત નાટકને પરિચિત પતાકાસ્થાનકની યુક્તિથી લેખક ‘ મુકુન્દ ગયો છે ’ એની ખાતરી આપે છે. રઘનાથ આ સ્થિતિથી ડધાઈ જાય છે, દુ:ખી થાય છે, મૌન સેવે છે, અને છેવટે ‘આવા પુત્ર કરતાં વાંઝિયાપણું સારું' એ પ્રકોપ નીચેની અનુપમ અને મર્મભેદક રીતે રજુ થાય છેઃ

“ ...તે ફરી રઘનાથની પાસે બેઠી. આ વખતે રધનાથ જ પહેલા બોલ્યા “આપણે અંબાજી ગયા હતા તે ચાદ છે “
વિષયાન્તરની આશાથી ગંગાએ કહ્યું: "હા."
"ત્યાંથી કુંભારિયાનાં દેરી જોવા ગયેલાં તને ચાદ છે ?"
"હા."
"એ દેરાં વિમળશાએ બધાવેલાં."
“ એમ કે ? "
"એ વિમળશા અંબાજીનો ભક્ત હતો." પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો અને તે

સરળ ઉસાહથી હોંકારો દેવા લાગી, “ તે એક વાર અંબાજી દર્શન કરવા જતો હતો. રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવના પગથિયા પર એક વણઝારો બેઠો હતા. તેણે પાણીનો પૈસો માગ્યો. વિમળશાએ 'શેનો’ એમ પૂછ્યું. વણઝારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે 'આ વાવ બંધાવનાર પીથો અમારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઇ એટલે હું મારી બાપુકી થાવ પર લાગો લેવા આવ્યો છું,' વિમળશાને થયું કે “મેં આવાં દેરાં તો બંધાવ્યાં પણ મારી પછવાડે કપૂત જાગે તો મારા દેરાંની પણ આવી દશા થાય !"— ગંગાનો હોંકારો શિથિલ પડતો ગયો—“પછી અંબાજી પાસે ગયો. તેને અંબાજી પ્રસન્ન હતાં. તેમણે કહ્યુઃ 'બેટા માગ, માગ,’ વિમળશાએ કહ્યું: ‘ મા, બીજું કાંઈ ન માગું, માગું એક નખ્ખોદ'-હવે ગગાનો હોંકારો નિ:શ્વાસ જેવો થઈ ગયો હતો— બીજી વાર કહ્યું: ‘ માગ, માગ;' ફરી વાર પણ નખ્ખોદ માગ્યું. ત્રીજી વાર પૂછ્યું: ત્રીજી વાર પણ નખ્ખોદ માગ્યું." ડોસા ફરી નીરવ શાન્તિમાં પડયા,

આખા ધરમાં મૃત્યુ જેવી શાન્તિ છવાઈ રહી.

ટૂંકી વાર્તાની કલાની દૃષ્ટિએ આ વાર્તામાં કુશળતાનો પરિપાક દેખાય છે. મુખ્ય પાત્રોના સ્વભાવ ઉપરથી આખો બનાવ જે સજહતાથી બને છે તે ખરેખર એક નમૂનારૂપ છે. પાત્રોનાં સ્વભાવવર્ણન પણ નિકટ પરિચય અને મનેાભાવોનાં ઊંડાં અને સૂક્ષ્મ નિરીક્ષણ સૂચવે છે. મુકુન્દરાયની કૉલેજમાં ચતુરાઈ અને ઘેર બેપરવાઈ, વિદ્યાર્થીઓના જીવનમાં ભણવા ઉપરાંત વધારે ઊંડા ઊતરનાર અધ્યાપકને શકય એ રીતે ચીતરાયાં છે. પિતા, સંસ્કારી બ્રાહ્મણ કુટુમ્બના માનભર્યાં પરિચયનો પુરાવો છે; અને વિધવા બહેન, પુનર્લગ્નની છૂટની આવશ્યકતા પુરેપૂરી સમજનાર છતાં પ્રાચીન રીતમાં સ્વસ્થતા અને સંસ્કારિતા સ્વીકારનાર શાન્ત વિચારકની પ્રકૃતિની છે.

કૉલેજમાં મુકુન્દરાય મિસ ગુપ્તાનું મન હરણ કેવી રીતે કરે છે તેનું સુભગ ચિત્ર આપ્યું છે. ‘ખેમી’ એ પ્રેમની કથા છે. ઘણા વાંચનારાઓ માટે તેનું આકર્ષણ તે દલિત કોમના ઢેડ જીવનનું સુંદર આલેખન છે તે માટે છે. મારી સમજ પ્રમાણે આ એક આધુનિક વલણનું પરિણામ છે, અને કલાના સર્જનમાં અને ભાવનામાં ઘણી વાર આડે માર્ગે લઈ જનારું પરિણામ છે. અસ્તુ.

પણુ હું પૂછું છું તેમ ઘણા વાચકો દ્વિરેફને પૂછશે કે, 'ભલા પ્રેમની કથા લખવા તમારે ઢેડવાડે કેમ જવું પડ્યું ? શું ગુજરાતની બીજી કોમોમાં તમને બધું હસવા જેવું લાગે છે અને ઢેડવાડામાં જ સાચો પ્રેમ દેખાયો કે ઠેઠ એટલે જવું પડ્યું ?' આ પ્રશ્નનો ગમે તે ઉત્તર મળે, પણ એટલું તો ચોક્ક્સ છે કે આ સંગ્રહની બીજી ઉત્તમ વાર્તા ‘ ખેમો’ છે; તેનું કારણ તેનું સંવિધાન અને સાચા પ્રેમજીવનનું આલેખન છે. ગુજરાતી સાહિત્યની નાયિકાઓમાં ખેમીનું સ્થાન પહેલી હારમાં છે તે વિશે મને શંકા નથી.

ખેમીનો પ્રેમભર્યો ઉલ્લાસ અને સ્વતંત્ર મિજાજ એ ગુજરાતી સ્ત્રીના પ્રતીકરૂપ છે; પતિ સાથે હોય ત્યારે સ્વાધીનપતિકાની સત્તાથી પતિનું શાસન કરતી, પતિથી છૂટી પડ્યા પછી અતિશય વિરહ વેદના અનુભવતી છતાં માનિની જેમ માન સાચવતી અને પતિનું અવસાન થતાં, પુનર્લગ્નની છૂટ હોવા છતાં ‘ ના ના, આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું ' એ નિશ્ચયવાળી ખેમીમાં આર્ય સંસ્કારિતાનું સાચું રૂપ દેખાય છે.

વાતની શરૂઆત પણ ઘણી આકર્ષક છે. જાજરૂનાં પગથિયાં ઉપર બેઠેલાં ધનિયો અને ખેમી—ધનિયાને બીડી સળગાવવામાં મદદ કરતી ખેમી કોઇ પણ ચિત્રકારતી કલમને આકર્ષે એવી છે. અહીંઆ એ પણ નોંધી લેવું જોઈએ, કે જીવનમાં જે સ્થળ ગંદું ગણાય છે એ કળામાં ભાવના સંબંધથી કેવી જુદી રીતે ભાસે છે. જીવન અને કલાનો આ સંબંધ કે વિરોધ લાક્ષણિક છે ! પણ એ શબ્દચિત્ર જોવા જેવું છે:

"લે હું આડું લગડું ધરું.' ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઇ તેના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દીવાસળી સળગી, તે શ્વાસ અંદર લઈ લે અને મૂકે તે પ્રમાણે દીવાસળીનો પ્રકાશ ઝબક ઝબક થવા લાગ્યો. ધનિયો તેની પત્નીના જુવાન, ભરેલા, ઘઉંવર્ણા પણ ઉજ્જવલ, મોટી તેજસ્વી આંખોવાળા, નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઇ રહ્યો. બીડીની લિજ્જત કરતાં તે નવોઢાના સૌંદર્ય પાનમાં ગરકાવ થઈ ગયો. બીડી સળગી એટલે પ્રેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી તેને ધનિયાએ કહ્યું :

"લે મારા સમ, આઘી જાતો."

“ ગાંડાં ન કાઢ્ય, ગાંડાં." કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઇ.

“ તારા સમ, ખેમી, તું મને બહુ વાલી લાગે છે."

નાત કરનારે ધનિયાનું અપમાન કર્યુ અને ધનિયો ઉદાસ થઈ ગયો, એ ખેમીથી સહન ન થયું; અને તે વિરુદ્ધ હોવા છતાં ધનિયાને આઠ આના દારૂ પીવા આપ્યા——એ રેખા આ વાર્તાચિત્રની મહાન રેખા છે. એના ઉપર વિશેષ ટીકા નહિ કરું. પ્રેમ એ દુનિયાના કોઈ પણ ધર્મ કરતાં મોટી વસ્તુ છે!

‘નવો જન્મ ’ શોકની ગાઢ છાયામાં શરૂ થાય છે અને શાન્ત ઉલ્લાસના વાતાવરણમાં પૂરી થાય છે. એક શ્રીમંત કુટુમ્બ ઘસાઇ જાય છે, ઘરનો મોભો સાચવનાર બાઇનો બાકી રહેલો એક દીકરા મરી જાય છે; જીવનમાં પડી શકે એટલી આફત ઝમકુકાકીને પડી છે. એ પહેલું ચિત્ર ! બીજા ચિત્રમાં સંસારમાં શૂન્ય જેવાં ઝમકુકાકીનું મન ભ્રષ્ટ થાય છે, ચોરીથી માખણ ખાય છે. પુરુષ આમાં અધઃપાત જુએ છે, પણ સ્ત્રી તેની સહજશક્તિથી આખી સ્થિતિ સમજી જાય છે અને


  1. *'વસન્ત ' વર્ષ ૧૪; અંક ૧, પૃ. ૩
  2. × Aspects of the Modern Short Story by Alfred C. Ward, યુનિવર્સિટી ઑફ લન્ડન પ્રેસ ૧૯૨૪. પૃ. ૧૩–૧૪. જુઓ ઉપોદ્ધાત પૃ. ૧૮ ટિપ્પણ.
  3. ÷ આ વિષયની વિગતવાર માહિતી મેળવવી હોય તેઓએ કથાસરિત્સાગરના ટૉનોના અંગ્રેજી અનુવાદની હમણાં ફરી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિનાં પુસ્તકોની પ્રસ્તાવના અને નોંધો વાંચવી.
  4. + હેમચંદ્ર કાવ્યાનુશાસનમાં કાવ્યના પ્રેક્ષ્ય અને શ્રવ્ય એવા વિભાગ કરી શ્રવ્ય કાવ્યના મહાકાવ્ય, આખ્યાયિકા, કથા, ચમ્પૂ અને અનિબદ્ધ એવા પાંચ પ્રકાર જણાવી કથાની ચર્ચામાં અનેક કથા- પ્રભેદો જણાવે છે, જેમાં આખ્યાન, નિદર્શન, પ્રવહિ‌લકા, મન્થલી, મણિકુલ્યા ખંડકથા અને ઉપકથા આદિ નામો આવે છે. આમાં નિદર્શનના ઉદૃાહરણરૂપ પંચતન્ત્રનું નામ આપ્યું છે. પંચતન્ત્ર એ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ખંડકથા, ઉપકથા આદિ પણ કથાનાં નાનાં રૂપો જણાય છે. જુઓ કાવ્યાનુશાસન, અ. ૮
  5. × શ્રી. લલિતમોહન ગાંધીના કલ્પના-કુસુમોનોઉપોદ્‌ધાત પૃ. ૭
  6. × તણખા, પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના પૃ. ૮
  7. * મી. ઉવાર્ડ બાઈબલની કથાઓ ઉપરથી સમગ્ર ટૂંકી વાર્તાના સાહિત્ય માટે પાંચ બાબતો તારવી કાઢે છે:

    ૧. વાર્તાવસ્તુ કેવું છે ? ( સ્પષ્ટ, સુસંબદ્ધ અને આકર્ષક છે કે નહિ ? )
    ર. વાર્તા ક્યાં શરૂ થાય છે? આડાં અવળાં રખડ્યા વિના વાત શરૂ થાય છે કે નહિ? વાર્તા વિરામ ક્યાં પામે છે? આ ક્રિયા ચોકસાઈથી અને ત્વરાથી થાય છે કે નહિ?
    ૩. શૈલી સરલ છે કે નહિ ?
    ૪. વાર્તાના પાત્રોનુ વ્યક્તિઓ તરીકે સ્પષ્ટ દર્શન છે કે નહિ ? વિલક્ષણતા ( abnormality ) વિનાનું વ્યક્તિત્વ.
    પ. દરેક શબ્દ વાર્તાની સીધી રીતે પ્રગતિ સાધે છે કે નહિ ?

    આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે છતાં તેને નિયમો તરીકે ગણવાની જરૂર નથી.
  8. *જુઓ 'કૌમુદી’ વર્ષ ૫, અંક ૧ લો. પૃ. ૧૭૦
  9. × ડિટેક્ટીવ સ્ટોરીના નિરૂપણ માટે મી. ઉવૉર્ડના મોડર્ન શૉર્ટ સ્ટોરી નામના પુસ્તકનું ૧૬મું પ્રકરણ જોવા જેવું છે; તેમાં જો કે ચેસ્ટરટનને જોઇએ તેવો ન્યાય થયો નથી.