લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો/કપિલરાય

વિકિસ્રોતમાંથી
← નવો જન્મ દ્વિરેફની વાતો
કપિલરાય
રામનારાયણ પાઠક
ખેમી →




કપિલરાય


શિવદુર્ગ જંક્શને ટ્રેન ન મળી એટલે એક દિવસ ત્યાં રોકાવાનું થયું. ત્યાંના એસાઇલમમાં મારા જૂના મિત્ર ડૉ. દોશી હતા એટલે એમને ત્યાં જ ઊતરવાનું રાખ્યું. જમીને જરા આરામ કરીને ડાક્ટરે ચાના વખત સુધીને માટે આંગણામાં વેલના મંડપ નીચે ખુરશીઓ નખાવી અને પેપર મુકાવ્યાં. થોડી વાર પેપર ઉથામ્યા પછી મેં ડૉક્ટરને કહ્યું: “ડૉક્ટર, એસાઇલમ જ બતાવો ને !" અમે બન્ને એસાઇલમ જોવા નીકળ્યા.

બોલી બોલીના, પ્રાંત પ્રાંતના, તરેહ તરેહના ગાંડા હતા. દરેકની ઓરડીની તખ્તી પર તેમનાં નામો હતાં. નામો ઉપરથી ઘણાખરા દક્ષિણના જ દેખાતા હતા. હું ગુજરાતી નામની શોધમાં હતો. ત્યાં એક તખ્તી પર માત્ર ચોકડી જોઇ. મેં પૂછ્યું: “ આના નામની તખ્તીમાં ચોકડી કેમ કરી છે?

"એ ચોકડી નથી, એક્સ [X] છે.

મેં કહ્યું: “કેમ કંઇ એલજિબ્રામાંથી દરદીને ઉપાડી લાવ્યા છો ?”

"તેનું નામ જ જડતું નથી !"

"તમે તેની ભાષા જાણનાર પાસે તેને પુછાવી જોયું ? "અરે ! ગુજરાતી છે. આખા એસાઈલમમાં એ એક જ ગુજરાતી છે. ક્યાંથી આવી ચઢ્યો તે પણ જણાતું નથી."

ગુજરાતી જાણી મને વધારે જિજ્ઞાસા થઇ. અમે બન્ને તેના તરફ ગયા. ખુરશી પર બેઠા બેઠા દરદી બહુ જ ઝપાટાબંધ કૈંક લખ્યે જતો હતો. અમારા તરફ તેની પીઠ હતી. ડોકટરે જણાવ્યું કે તેને મેનિયા (ઉન્માદનો તંત ) છે. લખવા ન મળે તો તેના ઉન્માદ વધે છે.

અમારી વાતચીતથી તેણે અમારા સામું જોયું. કસાણું મોં કરી કહેઃ “ વળી પાછા મારો ફોટોગ્રાફ લેવા આવ્યા ! હજી હમણાં જ એક જણ લઇ ગયો. જ્યારથી નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારથી ફૉટોગ્રાફ, હસ્તાક્ષર, મુદ્રાલેખો, મુલાકાતો હમેશ ચાલ્યા જ કરે છે. પણ અમારે તે નર્યું તમને જ મળવું કે બીજું કાંઇ કામ કરવું ? બિચારા ટાગોરની પણ આ જ દશા થઇ હતી."

મને અવાજ કંઇક પરિચિત લાગ્યો. મેં પૂછ્યું: " તમારું નામ ?

"તમે મને આમ પજવો છો તેના કરતાં મને સાહિત્યનું કામ કરવા દો તો દેશને કેટલો ફાયદો થાય !"

"મેં કહ્યું: “ થાય જ, આપનું નામ? "

"હાં! પેલામાં ‘હંસ ' રાખેલું છે."

"ત્યારે આપનું ખરું નામ શું ?"

" 'કુંભીપાક' 'માં મેં ‘ ધંતુરો ' નામ રાખેલું. ' સરસ્વતી ’માં 'સન્યાસી.' પેલા બીજામાં...તમે જ કહો જોઉં, વળી શું રાખ્યું હશે ?"

મેં કહ્યું: "હું શું કહી શકું ? ” "‘ સત્યાસી.’ પેલામાં ‘ નિખાલસ ’, પેલામાં ‘ ખલાસી.’"

"પણ તમારું ખરું નામ શું ?"

"દર્પણ, સાહિત્ય, પેનસિલ. તુફાની. તખલ્લુસ. જ્યુજ્યુત્સુ."

“પણ આ બધામાં ખરું નામ ? "

“ ભાઇ, જેમ બ્રહ્મનાં અનેક નામ છે તેમ મારાં અનેક છે." પોતે ગાયું:

"નામનો આધાર, તારા નામનો આધાર.
કર મન નામનો વેપાર જી.
નામકો આધાર તેરે નામકો આધાર."

"જગત બધું નામને આધારે લટકી રહ્યુ છે.” ફરી ગાયું:

"ગણતાં નાવે પાર, તારોતાર,
ધારોધાર, ભારોભાર, બારોબાર."

ગાતાં ગાતાં ખૂબ ધૂનમાં આવી માથું ધુણાવવા લાગ્યો અને ચપટીઓ વગાડવા લાગ્યો. ડૉક્ટરે મને કહ્યું કે તેને આમ ગાવાની ટેવ છે. કોઇ કોઇ વાર તો રાત આખી રાગડા તાણી વૉર્ડરોને પણ સતાવે છે.

મેં પૂછ્યું: “ આ ટાગોર અને નામેાની વાતો હમેશાં કરે છે?"

"હંમેશ. લગભગ એના એ નામો અને એની એ સંખ્યા-સત્યાસીની."

મને કંઇક સમજાવા લાગ્યું હતું. મેં સાહસ કરી પૂછ્યું: "પેલા ‘ ખેલાડી ' કોણ ?”

દરદી ખડખડાટ હસ્યેા. “ એ નામને તો નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એ તો મારી જીત છે, ગુજરાતની જીત છે, જગતની જીત છે, નંબર ૮૭ ની જીત છે. " વળી ગાવા લાગ્યો:

"નોબેલ, રસરેલ, અલબેલ,
રંગરેલ, રસવેલ, શિખવેલ."

ડૉક્ટરે મને પૂછ્યું: “ તમે આને ઓળખો છો ?”

મેં કહ્યું: "હા, હવે તો ઓળખું છું. તમારું નામ ‘કપિલરાય’ ખરું કે નહિ ?”

દરદી હસ્યો અને બોલ્યો: મારું નોબેલ્ પ્રાઇઝ તને આપી દઉં છું જા." કરી ગાવા માંડ્યો:

“ નોબેલ.........

અમે ત્યાંથી ખસ્યા. ડૉક્ટરે કહ્યું: સામાન્ય રીતે ઉન્માદના દરદીઓ બધું ભૂલે છે, પણ પોતાનું નામ ભૂલતા નથી. આ દરદીને એવો સખ્ત ઉન્માદ નથી છતાં તે નામ નથી દેતા. આવો દરદી હું પહેલા જ જોઉં છું. તમે એને ક્યાંથી ઓળખો ?"

"અમે કેટલોક વખત સાથે રહેલા છીએ."

“ તમને વાંધો! ન હોય તેા તેની હકીકત કહો. હું તેના કેસમાં રસ લઉં છું. તેના ઉન્માદનું કારણ જણાય તો કંઈક થઈ શકે. તેનાં નામઠામ જણાય તો તેનાં સગાંવહાલાંને ખબર પણ આપી શકાય."

મેં કહ્યું: "ખુશીથી.”

"તમે જાણતા હો તેટલું બધું કહેજો. ઉન્માદનું કારણ કોઈ ઘણી જ નજીવી સાદી હકીકતમાં કોઈ કોઈ વાર હાય છે."

અમે ચા પીવા ગયા. ચા પીતાં મેં વાત શરૂ કરી.

કપિલરાયનો પ્રથમ પરિચય મને ભાદરમાં થયો. એ મારું મોસાળ થાય. અમારા ગામમાં પ્લેગ થવાથી હું મારી બા સાથે ત્યાં થોડા માસ ગયેલો. હું મેટ્રિક ક્લાસમાં હતો. ભાટોદર ઘણું નાનું ગામ છે. થોડી ચોપડીઓ સાથે લઈ ગયેલો, પણ વાંચવું ગમતું નહોતું; છતાં ગામમાં પણ કાંઇ ગમતું નહોતું. ગામના મારી ઉમ્મરના છોકરાઓ બધા ખેતરમાં કામે જાય, અને નાળિયેર ફોડવાની, પથ્થરો ઊંચકવાની, ગેડગેડામણી, ખજુર ખાવાની રમતો રમે તેમાં મને રસ ન પડે. સ્વાભાવિક રીતે ત્યાં હું કપિલરાય તરફ આકર્શાયો. કપિલરાય એ ગામનો વતની હતો, અને અમદાવાદની બોર્ડિંગમાં રહી મેટ્રિક ક્લાસમાં ભણતો હતો. હું તાજો જ મેટ્રિક ક્લાસમાં પડેલો અને કપિલરાયને મેટ્રિકની એ પરીક્ષાઓનો અનુભવ થઈ ગયેલો એટલે તેના તરફ હું ઘણી માનની દૃષ્ટિથી જોતો. વિશેષ માન તો મને એટલા માટે થયું હતું કે એ મારાથી બે ત્રણ વરસે જ મોટા, છતાં તે ગામના સંભાવિત ગૃહસ્થની પેઠે રહેતા, ખેસ નાખીને ફરતા, ચોરે જતા, ગામગપાટા મારતા, અને ગામ આખું ન જાણતું હોય તેવી શહેરની તથા સાહિત્યની વાતો કરતા. તેમ છતાં મારા તરફ અત્યંત સ્નેહ બતાવી મને પરીક્ષામાં શું કરવું વગેરે શિખામણ આપતા, અને મંડપમાં તેમણે નકામી નોટબુકો મંગાવીને સુપરવાઈઝરને હેરાન કર્યો હતો તથા જતાં જતાં બે હાથ પહોળા રાખી ખડિયો ઢોળી કાઢી પરીક્ષાની ફી વસુલ કરી હતી, તે વાત કરી વિનોદ સાથે આશ્ચર્ય પમાડતા.

એક દિવસ હું મારા મામા સાથે ઊંધિયું ખાવા ચોરે ગયો હતો. ઊંધિયું ખાઈ રહ્યા ત્યાં ગામના મુખીએ મારા મામાને એક અરજી વાંચવા કહ્યું. અરજીમાં કોઇ ચ્યવનરાય નિર્દોષી નામના માણસે અમુક અમુક નંબરો પોતાના પિતાના નામ પરથી પોતાના નામ પર ચઢાવી આપવા લખેલું. પણ તે આસામી કોણ તે સમજાતું નહોતું. મારા મામા પણ વિચારમાં પડયા એટલામાં કપિલરાય આવ્યા. “કેમ મુખી, ચિંતામાં પડ્યા છો ? કાંઇ મુકામ બુકામ આવે છે કે કેમ ? આવતો હોય તો ચિંતા ન કરશો, આપણે સાથે ઊભા રહીશું." મુખીએ કહ્યું: “ ના ના, પણ આ અરજીમાં કોકનું નામ છે તે ઓળખાતો નથી. તે નંબર બરાબર જોવા પડશે." “ લાવો જોઇએ, શું છે?" કહી કપિલરાયે અરજી વાંચી કહ્યું: “ તેની ફિકર ન કરશો. હું બધો ખુલાસો કરી આપીશ." મુખી કહે: "ત્યારે કરી નાખોને." " ના, ના, અત્યારે તો મારે ઘણું કામ છે. બધી ટપાલ લખવાની છે. અને સમજાવતાં વખત લાગે એમ છે" કહી ચાલવા માંડ્યા. ચાલતાં ચાલતાં મારા સામું જોયું. હું તેમના જવાબથી ચકિત થઈ આદરપૂર્વક જોઈ રહ્યો હતો. મને કહે: "ચાલોને મિ. ભટ્ટ, અહીં શું કરશો ? મારી સાથે ચાલો. ઘણું નવું જાણવાનું મળશે." હું સાથે ગયો. અમે ઘેર પહોંચ્યા. માથા પર છાપરું અથડાય નહિ તેની સંભાળ રાખતા બન્ને મેડી ઉપર ગયા. કપિલરાયે બારી ઉધાડી, પોતાના ખેસ વતી ઢાળિયા ઉપરની તથા ગાદી તકીયા ઉપરની ધૂળ ખંખેરી નાંખી પોતે બેસી મને હાથ ઝાલી પાસે બેસાર્યો. હું સંકોચાતો પાસે બેઠો. પેલી અરજી વિશે મને પૂછવાની ઈચ્છા થઈ, પણ આવા કામઢા માણસને કેમ પૂછાય કરી હું કૌતુકથી તેમની સામું જોઈ રહ્યો અને સંકાચ પામતાં દિવાલો ઉપરના ફોટોગ્રાફો અને વર્તમાનપત્રોમાંથી કાપેલાં ચિત્રો જોવા લાગ્યો. તેમનાં કપાટો મારે ઘેર હતાં તે કરતાં ઘણાં નાનાં હતાં પણ આ બધા વૈભવ કપિલરાયનો જ, અને તેમને ઘરના મુખ્ય માણસ તરીકે કપાટો વચ્ચે બેઠેલા જોઇ મને કોઈ નવીન જ આદર થયો અને કશું બોલાયું નહિ.

મારી ગભરામણ મટાડવા જ જાણે કપિલરાય બોલ્યા: "પેલી અરજીની વાત સમજ્યા ?” મેં કહ્યું: “ ના. ”

કપિલરાયે મને બધી વાત સમજાવી, હું તો મોંબદલો શું એ પણ નહોતો સમજતો. પણ એક ખરા શિક્ષક કે કદાચ પ્રે।ફેસરની પેઠે ભાષણ કરી મને સમજાવ્યું કે, કપિલરાયના પિતા દોઢ વરસ ઉપર ગુજરી ગયા હતા. એ ખેતરો પોતાના નામ પર લેવાને પોતે અરજી કરેલી તેની તપાસ થઈ ગયેલી પણ હજી ખેતરો પોતાને નામે ચઢ્યાની ખબર નહિ આવેલી એટલે આ બીજી અરજી કરી. પણ તેમાં ખૂબી એવી કરી કે આ બીજી અરજી વ્યવનરાય નિર્દોષીના નામથી કરી એટલે એ આસામી કોણ છે તેની તપાસ થવા અરજી મુખી ઉપર આવી.

મેં પૂછ્યું: "તપાસ તો થઈ ગઇ છે તો ફરી કેમ કરાવી ? ”

"બસ એ જ છે ના, તમે હસો નહિં તો સરકારની મૂર્ખાઈની વાત કહું. મેં પહેલી અરજી કરી તેમાં ચોખ્ખું લખેલું કે કપિલરાય ચ્યવનરાય નિર્દોષી, ઉર્ફે ગજમલ દંડી, પણ અરજી વાંચે કોણ ? આ બીજી વખત ચ્યવનરાયના નામથી અરજી કરી એટલે પાછી ફરી તપાસ કરવા મોકલી. અક્કલ નહિ કે આ તો એનો એ આસામી છે. હું ખરો તો હજી ત્રીજી વાર ત્રીજા જ નામથી અરજી કરૂં. મરને અથડાતી અને તુમાર વધતો. સરકારી રાજ્યનું પોલ તો ખુલ્લું થાય છે!"

મેં પૂછ્યું: "પણ તમે એટલાં બધાં નામ કેમ રાખો છો ?"

"તે મને શું યાદ રહે કે મેં કયા નામથી પહેલી અરજી કરી હતી ? ઉતાવળમાં તે વખતે જે નામ યાદ આવે તે નામથી અરજી કરી નાખું. મારે તો હજાર જગ્યાએ મિત્રોને કાગળ લખવાના, માસિકોને લેખ લખવાના હોય. જુઓ! મારે કેટલા માણસો સાથે સંબંધ છે તે બતાવું. જુઆ, આટલાં તો દિવાળી ઉપર મારા ઉપર કાર્ડો અને કવરો આવેલાં. જુઓ કેટલી છાપેલી અને કેટલી લખેલી કવિતા છે! મેં આથી પણ વધારે માણસોને પત્રો લખેલા. દરેકને જુદાં નામ." કપિલરાયે ગંજીપા જેવડો કાર્ડોનો થોકડો બતાવ્યો.

મેં કહ્યું: " પણ્ સરકારને તમારાં બધાં નામો ક્યાંથી યાદ રહે ?"

"તે બીજા પક્ષકારો હોત તો યાદ રહેત કે નહિ ? ” હવે મને પૂછ્યા કરતાં સાંભળવું જ ઠીક લાગ્યું: “ સરકાર આપણા સાહિત્યને નથી ખીલવા દેતી. હું ખરો તો એકવાર સરકારને સાહિત્યથી સરખી કરી નાંખું !"

“ મારે તા સાહિત્યના જ ઉદ્ધાર કરવો છે. શું આપણા ગુજરાતમાં નોબેલ પ્રાઇઝ ન મળી શકે એમ માનો છો ? ન કેમ મળે, અત્યારથી કયાં કયાં તખલ્લુસોથી લખવું તે નક્કી કરી રાખ્યું છે. કયાં કયાં નોવેલો લખવાં તેનાં નામો નક્કી કરી રાખ્યાં છે. સાહિત્યને માટે જ કામ કરનાર એક મંડળી ઊભી કરવી છે. તેમને તથા બહારનાને જેને જેને તખલ્લુસો કે પુસ્તકોનાં નામો જોઇએ તેમને પૂરાં પાડવાની ગેાઠવણ કરવી છે. જુઓ, આ કાવ્ય જુઓ. ” એક માસિક ઉધાડી મને બતાવ્યું. "તેમાં તખલ્લુસ શું છે? જુઓઃ ‘ કાંપીલ્ય !' તે કોણ, ખબર છે ? સેવક પેાતે. જુઓ આ બીજું: ‘ કોકિલ !' લ્યો તમારે કાવ્યો વાંચવાં જોતાં હોય તો લ્યો. આમાંથી ગમે તેટલાં આપી શકું છું.” સાથે આણેલી ચોપડીઓ પણ હું વાંચતો નહોતો ત્યાં આ ક્યાં લઉં! પણ કપિલરાયનો આગ્રહ જબ્બર હતો. તેમની નોંધવહીમાં મારું નામ ઠામ વગેરે બધું લખી ત્રણ માસિકો આપ્યાં. અને તેમાંથી તેમના લેખ શોધી કાઢવાનું મને કહ્યું.

સાંજ પડવા આવી હતી એટલે મેં કહ્યું: “હવે હું રજા લઈશ." મને કહે: "લ્યો હું પણ તમારી સાથે આવું."

મેં કહ્યું: “ તમારે કામ ઘણું હશે, તમે ક્યાં આવશો ? ”

"અરે, ના ના. કામો તો કાલે થશે. એમાં શું ?" કરી મારી સાથે ચાલ્યા.

મારી વાતનું એક પ્રકરણ અહીં પૂરું થતું હતું; એટલે મેં ડૉક્ટરને કહ્યું: “ મારી હકીકત તમને નકામી લાગતી હોય તો મને રોકજો. હું હકીકત ટુંકાવીશ. ”

ડૉક્ટરે કહ્યું: "ગામડાની રમતો વગેરે મારે બહુ ઉપયોગી નથી. પણ તમે મારા દૃષ્ટિબિન્દુનો વિચાર કર્યા વિના તમને યાદ હોય તેટલું કહા. આટલી હકીકતથી મને કેટલોક ખુલાસો થાય છે. હજી મુખ્ય પ્રશ્નનો ખુલાસો થતો નથી. મને તમારી વાતમાં રસ આવે છે."

મેં કહ્યું: “ હાલનાં માસિકોની વાર્તાની પેઠે આ વાતનો વધારે રસિક ભાગ હજી હવે આવે છે"

ડૉક્ટર જરા હસ્યા, મેં આગળ ચલાવ્યું: તે પછી ચારેક વરસે અમે ફરી મળ્યા. હું એલ્ફિન્સ્ટન કૉલેજમાં ફર્સ્ટ બી. એ. માં હતો. કપિલરાય ઇન્ટર આટર્સમાં એક વાર નાપાસ થઇ મુંબઈ આવ્યા હતા. પરીક્ષકો મુંબઇની કૉલેજમાંથી નીમાય છે માટે મુંબઈની નોટોનો લાભ લેવા મુંબઈ આવવું તેમણે પસંદ કર્યું હતું. તેમની સાહિત્યપ્રવૃત્તિ આટલાં વરસમાં ઘણી વધી ગઇ હતી. મને તેમને માટે હવે માન કરતાં કંટાળો અને ધૃણા વધારે આવતાં. પણ તેઓ તો પોતાનાં કાવ્યેા, વાર્તા આદિમાં મસ્ત રહેતા. જે વિષયમાં નાપાસ પડતા તેની કવિતા કરતા, એક વાર તેમાં તર્ક અને બર્કનો અનાયાસે પ્રાસ મળી જતાં તેમના આનંદનો પાર રહ્યો નહોતો.

એક વાર રજાના દિવસોમાં કપિલરાય મને મળવા આવ્યા. અલબત હું પણ માસિકો વગેરે વાંચતો થયો હતો. પણ સાહિત્ય સંબંધી તેમની વાતોમાં રસ નહિ પડવાથી, અને તેમને ઝટ ઊઠવાની ટેવ નહિ હોવાથી, પાસેના મિત્રોને બોલાવી ચોપાટ રમવાનું શરૂ કર્યું. કપિલરાયને ચોપાટ રમવાનું પૂછ્યું ત્યારે કહે, કે આવી નિર્દય રીતે ‘સમયને મારવાનું’ પોતે પસંદ નથી કરતા. છતાં અમને સલાહ આપવા બેઠા. જે રમતા નથી, રમી શકતા નથી, તે હંમેશાં સલાહ આપવાનું કામ કરે છે.

ચોપાટ જેવી કોઈ લાંબી રમત નથી. હિંદુસ્તાનમાં જ્યારે લોકો નવરા હશે અને વખત ખૂટતો નહિ હાય, ત્યારે આ રમત શોધાઇ હશે. છતાં અમારી રમત ચગી. તેનું કારણ અમારી રમવાની આવડત નહિ પણ અણાવડત હતું. એ અણાવડતનો અવકાશ અમે વાતોથી પૂરી લઈ મજા માણતા હતા. અમારી સાથેના ધીરુભાઇને તો સોગઠી ચાલતાં જ ન આવડે. તેમને દા પુષ્કળ પડે પણ ઘણી વાર તો ત્રણ ત્રણ વાર પડીને બળી જતા. ઠેઠ સુધી તેમને તોડ ન થયો. સોગઠીઓ પડમાં આવી આવીને ખડી થઇ, પાછી ચાલી, વળી ચોર્યાશીના ફેરામાં પડે. અમે સર્વેએ એમની સોગઠીઓનું નામ કપિલરાય પાડ્યું. કપિલરાય પણ આ મશ્કરી અરધી સમજી, અરધી ન સમજી, અમારી સાથે હસવા લાગ્યા. અને ધીરુભાઈની સોગઠીઓને કોઇ મારે છતાં તે પાછી આવીને પડમાં બેસતી તે ઉપરથી પોતે અભિમાન લેવા લાગ્યા. એક બીજા છત્રપતિ હતા. તેમને ચોપાટના બે જ નિયમે! આવડતા: એક તો એ કે બીજા પડમાં દાવ નાખવાથી દાણા વધારે સારા આવે અને બીજો એ કે માંચે (ફૂલે) બેસવાથી સોગઠી મરતી નથી. એટલે હાથ લંબાવીને પણ બી઼આના પડમાં કોડીઓ નાખતા; અને સોગઠીઓ માટે માંચો શોધ્યા કરતા અને મળ્યા પછી બને ત્યાં સુધી છોડતા નહિ. અમે તેમને આપણા સાહિત્યમાં એક વાર પ્રસિદ્ધ થયેલા ગણપતિશંકરનું નામ આપ્યું. તેમણે ૧૯૦૨ માં એક નિબંધ લખ્યો તે ઘણે વખણાયા, તેમને પ્રતિષ્ઠા મળી ગઈ અને પછી તેમણે બીજું કશું લખ્યું જ નહિ. માત્ર બીજાં ક્ષેત્રોમાં કામ કરનારાઓને સલાહના સોલા માર્યા કર્યાં. પણ તેમની સાવચેતીઓ બધી બરબાદ ગઇ. મંગુભાઇ રમવામાં ઉસ્તાદ હતા. રમત ચગાવવા તેમણે એક સોગઠી પાકતી હતી તેને ગાંડી કરી. સાધારણ સોગઠી કરતાં ખાસ માચાને મારવામાં જ તેમણે વધારે ધ્યાન આપ્યું. પરિણામે કેટલાક માંચા ખાલી થયા પણ એ ગાંડી સોગઠી પાક્યા વગર મરી ગઈ. આ સોગઠીનું નામ અમે મનહરલાલ પાડયું. મનહરલાલે સાહિત્યમાં થોડું સારું લખ્યું હતું પણ તે પછી તેમને કોણ જાણે શાથી એમ જ થયું કે બધા પ્રતિષ્ઠિત સાક્ષરોની સામે લખવા માંડયું. એક બેની ખોટી પ્રતિષ્ઠા હતી તે નષ્ટ થઈ, પણ પછીથી મનહરલાલ પોતે કશું સારું ન કરી શક્યા. હું જાળવીને રમતો હતો. મારી ત્રણ સોગઠીઓ પાકી ગઇ પણ છેલ્લી બૂંદમાં સુતી, તે કેમેય પાકે નહિ. બધા મને બૂંદિયાળ કહી ચીઢવવા લાગ્યા અને મારું નામ પાડ્યું કેવળરાય: જેઓ ઘણાં વરસથી સાહિત્યમાં સૂતા સૂતા કામ કરે છે, સૌથી પહેલાં લખવું શરૂ કર્યું છે પણ હજી કશામાં પ્રગતિ કરતા નથી. હું ઘણો ચીઢાયો અને છેવટે ચોપાટનો ઉલાળિયો કર્યો.

સાંજ પડવા આવી હતી. કપિલરાય ઊઠ્યા. મેં કહ્યું: "કેમ કપિલરાય, હમણાં તો કાંઇ તમારા લેખો નજરે ચઢતા નથી ?" કપિલરાયે હસતાં હસતાં કહ્યું: “ મારા લેખ પકડાય ત્યારે થઇ રહ્યું. કેટલાયને મેં તર્કો કરતાં જોયા છે, પણ કોઇ મને ઓળખી શકતું નથી. દરેક લેખમાં મારું તખલ્લુસ જુદું ! ” મેં કહ્યું: “ના, ના ! પણ હમણાં કાંઇ લખતા તો હશો ના !" તો કહે "અરે સમજી લેજો કે થોડા દિવસોમાં સાહિત્યમાં મોટો ખળભળાટ થઇ જવાનો છે !" અમે મે વસ્તુ તરફ આશ્રયં બતાવી તે વખતે તે જુદા પડ્યા.

તે પછી ત્રણેક મહિના પછી સરસ્વતી પત્રિકામાં એક ‘ સરસ્વતી ચૌસર ' નામનો લેખ આવ્યો. ઘણાએ મથાળા પરથી ધાર્યું કે સરસ્વતીના કંઠના ચાર સરનો હાર એવો અર્થ હશે; પણ્ લેખ નીચે ટીપ કરી હતી, કે હિંદીમાં ચાપાટને ચૌસર કહે છે. તેમાં આપણા સાહિત્યના પ્રસિદ્ધ સોળ સાક્ષરો લીધા હતા અને તેમના ચાર તફા પાડ્યા હતા. દરેકને અકૈક સોગઠી બનાવી હતી અને એમાં કોને માર્યો, કયો માંચા પર બેઠો, કચેા ગાંડી સોગઠી થઇ, કયો ખડી થઈ ફર્યા કરતો હતો, કયો બૂંદમાં પડ્યો। હતા, કયો પાક્યો, કઇ સોગઠીના પોબાર પડતા હતા, કઇ સોગઠી ખોટા દાવથી ચાલી હતી વગેરે અનેક ટીકાઓ કરી હતી. દરેકને સોગઠીની ભાષામાં જે જે કહ્યું હતું તે લાગુ પડતું નહોતું અને કેટલાકનો તો અર્થ જ થતો નહોતો, પણ એમ થવાથી જ એ લેખમાં બધાને વધારે રસ પડવા લાગ્યો હતો, અને તેથી જ એના અર્થ સંબંધી ઘણા તર્ક થતા હતા. આખા લેખનો શો ઉદ્દેશ છે, તેમાં કોની નિન્દા છે, કોના પર આક્ષેપ છે એ કશું સ્પષ્ટ નહોતું અને તેથી દરેક પોતાના શત્રુને આબાદ ટકોર વાગી એમ સમજતા હતા. લેખની નીચે 'ખેલાડી’ની સહી હતી અને આ નામથી આ પહેલો જ લેખ પ્રગટ થયેલો હોવાથી તે લખનાર કોણ હોઇ શકે તે સંબંધી પણ તર્કો થવા લાગ્યા હતા. એકેએક સામયિક આ ચર્ચામાં પડ્યું હતું અને ચર્ચાપત્રો ઉભરાવા લાગ્યાં હતાં. જેમનાં નામંજૂર થતાં હતાં, તે અમુક નામંજૂર કર્યું એમ ટીપ લખી બીજાને મોકલતાઃ એમ એક લેખ પ્રસિદ્ધ થયો ત્યાર પહેલાં પાંચ જગાએથી નામંજૂર થયેલો હતો. અને એ દરેક નામંજૂરીનાં કારણોની પાછી ચર્ચા ચાલતી હતી. આ રીતે ચર્ચાપત્રનું કામ એટલું બધું વધી પડયું હતું કે એક લેખકે ‘ ચર્ચાપત્ર’ નામનું જદું સાપ્તાહિક કાઢવાની યોજના કરી. તેને સાહિત્ય પોષક સમિતિ તરફથી ખાસ મદદ અપાઇ. તેના તંત્રીએ પોતાનું નામ આપવા સિવાય કાંઇ લખવાનું કે નીતિ નક્કી કરવાનું હતું નહિ તેથી એક સાહિત્ય-સાહસિકે તેનું તંત્રીપદ સ્વીકાર્યું. સૌથી પ્રથમ અંક ચૌસર-સર્વસ્વનો હતો. તેમાં આ ચર્ચાના બધા લેખો, તારીખના અનુક્રમે, અને તે ઉપરાંત કોણે કોને કયા સામિયક દ્વારા જવાબ આપ્યા તે સર્વ હકીકત સાથે, આપ્યા હતા અને તેની એક હજાર નકલો તા તુરત ખપી ગઈ !! આખા હિંદુસ્તાનમાં કોઇ પણ સાહિત્યના સામયિકનો પહેલો જ એક આટલી ઝડપથી ખપ્યો નથી એમ આંકડા આપી તંત્રીએ સાબિત કરી બતાવ્યું !

અમારી હૉસ્ટેલ પણ આ ચર્ચામાં રસ લેતી હતી. અમને પોતાને તો ખાતરી હતી કે આ લેખ કપિલરાયે લખ્યો હોવો જોઇએ. અમે કપિલરાયને બોલાવ્યા અને તેમને આ તોફાન કરવા માટે સહર્ષ અભિનન્દન આપ્યું. પણ કપિલરાય તો એકદમ ગંભીર થઇ ગયા અને કહે, કે એ લેખ એમનો ન હોય એ પોતે તો આમ પકડાઇ જાય એવા નામથી લેખ લખે જ નહિ, અને પારકી કલ્પનાનો ઉપયોગ પણ ન કરે. અમે તેને માની જવાને માટે બહુ બહુ કહ્યું પણ તે એકનો બે થયો નહિ. તેનું રહસ્ય વીસ વરસ પછી બહાર પડશે એમ કહીને તે અમારાથી છૂટો પડ્યો.

કપિલરાયની આ અગમ્ય વાણીથી અમને સર્વને રીસ ચઢી. આનું કંઇક કરવું જોઇએ એમ અમને લાગ્યું અને તેનો ઉપાય શોધવા માંડ્ચેા. ધીરુભાઇએ એક યુક્તિ સૂઝાડી. આપણામાંથી કોઈ અમુકે એ લેખ લખ્યો છે એવાં એકસાથે ચર્ચાપત્રો લખવા માંડો એટલે ભાઇ સાહેબ પોતાની મેળે બહાર આવશે. આ યુક્તિ સર્વને પસંદ પડી, અમારામાં એક છગનલાલ ચોપાટના સારા ખેલાડી હતા અને ચોપાટ ઉપર તેમણે પહેલાં એક લેખ લખ્યો હતો તેમને અમે આ લેખના લખનાર તરીકે પસંદ કર્યો. અમારામાંથી ચાર પાંચે એકસાથે એ મતલબનાં ચર્ચાપત્રો આપવા માંડ્યાં. એકે લખ્યું કે હજી પ્રેમાનન્દનાં નાટકોનું કર્તૃત્વ સંદિગ્ધ છે ત્યાં આવા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તે સાહિત્યની અનવસ્થા દર્શાવે છે. સરસ્વતી પત્રિકાએ મૂળ લેખકની ખાતરી કર્યા વિના લેખ સ્વીકાર્યો એ સાહિત્યનો અપરાધ કર્યો છે. આ લેખને જ નોબેલ પ્રાઇઝ મળે અને આપણે લેખકને ન શોધી શકીએ તો જગતમાં આપણું કેવું ખરાબ દેખાય ! બીજાએ લખ્યું કે આ લેખ અને થોડાંએક વર્ષો ઉપર ચોપાટ ઉપર લખાયેલા લેખની વચ્ચે ઘણું સામ્ય છે, અને લેખકને ચોપાટનો શોખ ન હોય તો આવો લેખ લખી ન શકે માટે એ જ લેખકનો આ લેખ હોવો જોઇએ. એ લેખ જૂની ફાઇલોમાંથી શોધીને તેના કર્તાનું નામ નક્કી કરી બહાર પાડવું જોઇએ. વળી ત્રીજાએ છગનલાલના એક બીજા લેખમાં કોઈ સાક્ષર ઉપર ટીકા હતી તેની અને આ લેખની વચ્ચે સામ્ય બતાવી અનુમાન બાંધ્યું કે, એ બન્નેનો એક જ લેખક હોવો જોઇએ. આ ચર્ચાપત્રો એકદમ વરસવા માંડ્યાં. તેના વિરુદ્ધ અમારામાંથી જ કોઈ એ લખ્યું. તેના જવાબમાં અમે એક જણ પાસે લખાવ્યું, તેમાં પેલા વિરુદ્ધ ચર્ચાપત્રનું ખંડન કરી વિશેષમાં લખ્યું કે આ કાંઈ પ્રેમાનન્દ જેવો પ્રશ્ન નથી. છગનલાલ હયાત છે અને અમે આહ્વાન કરીએ છીએ કે આ લેખ તેમણે લખ્યો નથી એમ તે સાબીત કરી આપે ! છગનલાલ પાસે અમે જવાબ લખાવ્યો અને તેમાં સ્પષ્ટ ઈનકાર કોઇ જગ્યાએ ન કરતાં એટલું જ લખાવ્યું કે એ લેખ મારો નથી એમ મારે શી રીતે સાબીત કરવું તે કોઈ બતાવશો ? અને એ જવાબ પ્રસિદ્ધ થતાં જ અમારામાંથી બે જણે એકસાથે ચર્ચાપત્રો લખ્યાં કે એવો અસ્પષ્ટ જવાબ નહિ ચાલે. ચોખ્ખો ઇનકાર લખાવો જોઈએ. તંત્રીએ પણ નીચે એવી જ મતલબની નોંધ લખી. અમારામાંથી વળી બે માણસોએ અમુક અમુક સાક્ષરોને ‘ગાંડી સોગઠી’ અને ‘બૂંદિયાળ’ કહ્યાના આક્ષેપો સાચા કરી આપવા ભાઇ છગનલાલને ખુલ્લા પત્રો લખ્યા. અને એક બે માસમાં તેા છગનલાલ જ એ લેખના લેખક છે, એમ લગભગ દરેક તંત્રીએ માનવા માંડ્યું. હવે છગનલાલને ધર્મરાજા જેટલું ય જુઠ્ઠું બોલવાની જરૂર ન રહી. માત્ર મૌનથી નહિ ધારેલી ઝડપથી એ ગપ પ્રસરી ગયું.

ડૉક્ટરઃ તમે સારી યુક્તિ શેાધી કાઢી અને તે સફળ પણ થઇ ગઈ. અત્યારે એની વાત કરતાં પણ તમારા મોં પર હું ઉત્સાહ જોઈ શકું છું."

મેં કહ્યુંઃ "પણ જ્યાં સુધી કપિલરાય બહાર ન પડે ત્યાં સુધી અમારી યુક્તિ સફળ થઇ ન ગણાય. અમે માનેલું તેઓ જરૂર પેાતાના કર્તુત્વની સાબીતી લઇને કે માસિકમાં ડોકિયું કરવાના, છેવટે બીજું કાંઇ નહિ તો અમને મળવા તો આવવાના જ. એક માસ ગયો, બે માસ ગયા, છતાં કપિલરાયના કાંઈ સમાચાર ન મળ્યા. છેવટે તેમની કૉલેજમાં જઈ ખબર કાઢવાનો મેં વિચાર કર્યો.

કૉલેજમાં તેમને સીધા ન મળવા જતાં, તેમને વિશે હકીકત જાણવા માટે, પહેલા હું તેમના નાતીલા એક મિ. પંડ્યાની ઓરડીએ ગયેા. મેં પૂછ્યું: "કેમ નં. ૮૭ ની ઓરડીના શા ખબર છે ? ” પણ તેના મોંપરની ગંભીરતા જોઈ હું આભો જ બની ગયો. ડૉક્ટર: “કેમ એથી જ ગાંડા થઈ ગયા ?"

મેં કહ્યું: "ના, ગાંડા થવાનું કારણ તો પછીના બનાવો હશે.”

પેલાએ મને કહ્યું કે, બે દિવસથી ઓરડીને તાળું વાસ્યા વિના, સામાન એમ ને એમ મૂકી કોઇને કહા વિના જતા રહ્યા છે. પોલિસ તપાસ કરે છે. પોલિસે બધી ઓરડી તપાસી હતી. પણ તેમના કાગળોમાંથી કાંઇ જાણવા જેવું મળેલું નથી.

મેં કહ્યું કે એ કાગળો આપણે જોવા જોઇએ. અમે તેની ઓરડી નંબર ૮૭ ઉપર ગયા. ત્યાં એક સિંધી વિદ્યાર્થી રહેવા આવી ગયો હતો. ઓરડીમાં કપિલરાય કાગળો મૂકતા ગયા છે કે નહિ તે અમે પૂછ્યું. તેણે કહ્યું કે કાગળોનો કચરો તો ઘણો ય હતો તે બધો પોલિસના ગયા પછી સાફ કરાવી નાખ્યો છે. મેં પૂછ્યું: “ તેમાં શું લખ્યું હતું? " તે કહે બધું ગુજરાતી હતું. માત્ર એક લીટી અંદર અંગ્રેજી હતી તે મને ઊકલી:

Fools rush in where angels fear to tread. *[] એ લીટી બોલીને તેણે મશ્કરી કરી કે જુઓને એમ જ બને છે. મિ. કપિલરાય જ્યાં ન રહ્યા ત્યાં હું ધસી આવ્યો. અમે તેની રજા લઇ જુદા પડ્યા. મેં મિ. પંડ્યાને કહ્યું: “ તમે એ કાગળો સાચવ્યા હોત તો સારું થાત. એ કાગળો તેમના ગયા પછી કોઈ વાંચીને પ્રસિદ્ધ કરશે એવી આશાથી તેઓ જતા રહ્યા છે એમ હું માનું છું.


  1. *ફિરસ્તાઓ જ્યાં જતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે.

"હા...હા. હવે તમે કહો છો ત્યારે સાચું લાગે છે." તેઓ એકદમ બોલી ઊઠ્યાઃ “ જવા અગાઉની સાંજે તેમણે મને કહેલું કે પોતે એવું સાહિત્ય લખ્યું છે કે જેથી સાહિત્યના મહાન પ્રશ્નોનો ખુલાસો થઈ જાય. પણ તેમને પોતાને એ છપાવવાની ગરજ નથી. પણ હું શું સમજું ! થયું. હવે તો બીજું શું થાય ?" મેં સાહેબજી કર્યા.

કપિલરાય ઉપર અમારી ફતેહ ધાર્યો કરતાં વધારે થઇ ગઇ હતી. પણ એ ફતેહ થઇ તેની સાથે જ મને કપિલરાય માટે ચિન્તા થવા લાગી. એ બેવકૂફ઼ કોણ જાણે શુંનું શું ય કરી બેસશે એવો ભય મને લાગ્યો. આ તો હસતામાંથી ખસતું થ્ઇ ગયું. અમારી મડળીને મેં બોલાવી બધી વાત કરી. અમે નક્કી કર્યું કે છગનલાલે તરત જ એક ચર્ચાપત્ર લખવું. તેમાં જણાવવું કે એ લેખ પોતે લખેલો નથી, પણ કપિલરાયનો છે. કપિલરાય જ્યાં હશે ત્યાં ચર્ચાપત્રો તો વાંચતા જ હશે. છેવટે પાતે મૂકી ગયેલા કાગળોમાંથી કંઈક છપાશે એવી આશાથી પણ વાંચતા હશે જ.

છગનલાલે ચર્ચાપત્રમાં લેખ મોકલ્યો તે છપાયો. પણ તંત્રીને એવું સૂઝ્યું કે ફુદડી મૂકીને નીચે ટીપ કરી કે ‘ ઉપરનું ચર્ચાપત્ર આવ્યું તેવું છાપ્યું છે પણ તે વિશ્વસનીય લાગતું નથી. કારણ કે આ લેખક આટલો બધો મોડો જવાબ શા સારુ આપે ? વળી કપિલરાયે લખ્યું હોય તો તે પોતે જ કેમ એ બાબત પ્રસિદ્ધ ન કરે, ખાસ કરીને જ્યારે આ ઉપર આટલી બધી ચર્ચા ચાલી છે ત્યારે ? છગનલાલ જો કપિલરાયના મિત્ર હાય અને તેથી કપિલરાયને યશ આપવા માગતા હોય તો તેમનું ખોટું નામ આવ્યું કે તરત જ તેનો ઇનકાર કરી ખરું નામ કેમ ન આપ્યું? જો શત્રુભાવે કપિલરાયનું નામ આપતા હોય તો તેમના કથન ઉપર કેટલો વિશ્વાસ રાખવો એ વાંચનારે સમજી લેવાનું છે. ”

અમે તો ભયાશ્ચર્યચકિત થઇ ગયા. ફરી વિચાર કરી ફરી ખુલાસાવાર લખ્યું તેમાં અમે ચોપાટ ખેલતા હતા તે વાત—તેમાં સાહિત્યની ભાષા ચોપાટને લગાડવાની કલ્પનાનું સઘળું માન કપિલરાયને જ આપ્યું હતું તે—ઉપરથી તેમણે જ તે લખેલો હોવો જોઇએ, અને શરમાળ અને નાજુક પ્રકૃતિના હોવાથી જાહેર યશ ન લેવાની ઈચ્છાથી તખલ્લુસ જ આપતા, એ જ કારણથી છતા ન થયા, પણ આવી ચર્ચાથી પોતાનો એક સારો લેખ બીજાને નામે ચઢે એનો આઘાતથી તેમને તથા સાહિત્યને કોઈ હંમેશની હાનિ થવા સંભવ છે, માટે ખરી હકીકત બહાર પાડવાની ફરજ સમજી આ લખેલું છે, એવી મતલબનું ચર્ચાપત્ર લખ્યું. એ સાથે તંત્રીને ખાનગી કાગળ લખ્યું. તેમાં હૉસ્ટેલમાંથી ચાલ્યા જવાના ખબર આપ્યા અને તે આપધાત કરે એવી ભીતિ અમને છે, એ પણ જણાવ્યું.

આ ચર્ચાપત્ર પણ છપાયું, પણ તંત્રીની ટીપ વિના નહિ. આ વખતે તંત્રીએ વધારે બગાડ્યું હતું. "આવો પ્રાણવાન લેખ કપિલરાય જેવી નિર્મળ વ્યક્તિ લખે જ નહિં. કપિલરાયના રોગિષ્ટ માનસને સાહિત્યયશનો લેપ કરી તંદુરસ્ત કરવા તેમના મિત્રોની આ કોશીશ છે. મિત્રોનો ઇરાદો શુભ છે, પણ સાહિત્યને માત્ર સત્ય સાથે જ સંબંધ છે. એક કપિલરાય શું પણ અનેક કપિલરાયને ગમે તેટલી હાનિ થાય તે કરતાં સાહિત્યના એક સત્યની કિંમત ઘણી વધારે છે." અમારે અને કપિલરાયને નસીબે અમારી ફતેહ અમે પણ ન ફેરવી શકીએ એવી થઈ ગઈ હતી.

ગમ ખાઈ, ચુપ રહી, અમે થોડા દિવસો રાહ જોવાનો નિશ્ચય કર્યો. થોડા માસ 'ચર્ચાપત્ર' વાંચ્યું પણ ક્યાંય કપ્લરાયની કલમ કે તખલ્લુસ દેખાયું નહિ. પછી તો ‘ચર્ચાપત્ર’ પણ બંધ પડ્યું. અમે નિરાશ થઇ વિચારવું છોડી દીધું અને સર્વભક્ષક કાલ અને પરીક્ષાએ તેનું સ્મરણ પણ લુપ્ત કર્યું.

ડૉકટરે કહ્યું: “હવે મને બધું સમજાયું. મને ખાતરી થાય છે કે એ એ જ હોવા જોઈએ. તમે જાઓ ત્યારે તેનું દેશનું શિરનામું મૂકતા જજો.”

ડૉકટર ઊઠ્યા. મૂંગા મૂંગા જ તેમણે દરદીની તખ્તી ઉપર લખ્યું: "કપિલરાય."

કપિલરાયે શૂન્ય અટ્ટહાસ્ય કર્યું.