દ્વિરેફની વાતો/ખેમી
← કપિલરાય | દ્વિરેફની વાતો ખેમી રામનારાયણ પાઠક |
સમયાનુક્રમણી → |
"અલ્યા એમ ને એમ કેટલી દીવાસળીઓ બગાડવી છે? એક બાકસ બે દી તો પોગાડ્ય." ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક પાંચ દીવાસળી સળગાવી એટલે ખેમીએ કહ્યું.
"પણ આ જોને પવને ય કેવો ઊંધો થયો છે, દીવાસળી સળગવા જ નથી દેતો.” ધનિયાએ ફરી બાકસ ઉઘાડ્યું.
" લે હું આડું લૂગડું ધરું. " ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઈ તેના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દીવાસળી સળગી, તે શ્વાસ અંદર લે અને મુકે તે પ્રમાણે દીવાસળીનો પ્રકાશ ઝબક ઝબક થવા લાગ્યો. ધનિયો તેની પત્નીના જુવાન, ભરેલા, ઘઉંવર્ણા પણ ઉજ્જવલ, મોટી તેજસ્વી આંખોવાળા, નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઇ રહ્યો. બીડીની લિજ્જત કરતાં તે નવેઢાના સૌંદર્યપાનમાં ગરકાવ થઈ ગયો. બીડી સળગી એટલે ખેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી તેને ધનિયાએ કહ્યું:
“ લે મારા સમ, આઘી જા તો."
"ગાંડાં ન કાઢ, ગાંડાં." કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઈ.
"તારા સમ, ખેમી, તું મને બહુ વાલી લાગ છ." “ જો હજી એનું એ બોલ. આ આટલાં માણસો છે તેનું ભાન છે કે નથી?"
“એ એમના ખાવામાં પડ્યાં છે. આપણી સામું કોણ જોવા બેઠું છે ?" કયાં નવપરિણીત દંપતી આવી માન્યતા નથી સેવતાં ?
આજે ધનિયાના ધરાક એક વાણિયાને ત્યાં નાત જમતી હતી એટલે બન્ને જણાં સારા જમણની ખુશાલીમાં જાજરુનાં પગથિયાં પર બેઠાં બેઠાં એકાંત ગોષ્ઠી કરતાં હતાં. નાતમાં વાધરી પડતાં અટકાવવા શેઠે તેને ત્યાં બેસાડ્યો હતો. બન્નેએ થોડા દિવસ ઉપર લગ્ન વખતે પહેરેલાં કપડાં પહેર્યા હતાં. ધનિયાએ ઉપર પટકો, નીચે અતલસનું જાકીટ, અને પગમાં મોજાં પહેર્યા હતાં. ખેમીએ, એક સુવાસણ શેઠાણી ગુજરી ગયેલી તેનું સ્મશાનમાં કાઢી નાખેલું રેશમી વસ્ત્ર પહેર્યું હતું.
ધનિયો બીડીની એક ફૂંક લઇને બોલ્યો: "ખેમી, તારી માએ ગમે તે માગ્યું હોય તો તે આપીને પણ હું તને પરણત.”
"પણ મારી માએ કે'દાડે તારી પાસેથી પાઈ ચે લીધી છે? હું તો ઊલટી તારા ઘરમાં લેતી આવી છું. મારી માએ તો બ્રાહ્મણ જેવો વીવા કર્યો છે."
"તારી મા તે બહુ ભલું માણસ, પણ તું કોણ્ જાણે ક્યાંથી આટલી ભૂંડી નીકળી."
"લે વળી, મૈં તારું શું બગાડ્યું છે?"
"જો ને, પરણતાં પરણતાં કેટલા ચાળા કયાં ? ‘ દારૂ ન પીએ, ને ગાળ્યું ન કાઢે, ને હાથ ઉપાડે તો પરણું, નહિ તો ન પરણું. ને કોઈ દિ એવું કરે તે એને ઊભો મેલીને હાલી જાઉં.’ આમ તે થાય ? ”
“ન ક્યમ થાય ? એ દારૂ પીને આવે ને ધીંગામસ્તી કરે, ને ન ઓલવાનું બોલે, એ મારાથી ન ખમાય જો. એ માર ખાઈ લ્યે એ બીજાં.”
ધનિચેા ખેમીના સત્ય અને પ્રતાપ આગળ ધીમો પડી ગયો. “ ઠીક લે, પણ હું ક્યાં પીવા જાઉં છું તે તું આમ ચઢી ચઢીને બોલે છે ? મારે તો ગમે તેમ થાય પણ તને પરણવું'તું. તું નાની હતી, ને ગાઠડી વાળીને તારી મા સાથે વાળવા નીકળતી ત્યારની મને બહુ ગમતી. આ ગાઠડી વાળતાં ક્યાં શીખી, ખેમી ?" ધનિયાએ ખેમીની છાતી ઉપર વાળેલી ગાંઠને સ્પર્શ કર્યો.
“ પડધરીમાં તે બધી ય ભાઇડિયું કામ કરતી વખતે એમ ગાઠડી વાળે." ખેમીની મા મૂળ કાઠિયાવાડમાં પડધરીની રહેવાસી હતી. દુકાળના વરસમાં પ્રેમીને લઈ ને તે અહીં રહેવા આવી હતી. "પણ ધનિયા, એ શા સારુ તમે દારૂ પીતા હશો ? દારૂમાં તે શું છે એવું ? તું તે! કહેતો’તો ને કે દારૂ તો કડવો લાગે."
"ખેમી, કોક દિ ગમે નહિ, તે દાડે પીવા જોયેં. બહુ થાકી ગયા હોઇએ ને કાંઇ ગમે નહિ ત્યારે પીયેં ત્યારે સારું થઇ જાય."
ખેમી થોડી વાર મૌન રહી. તેને ફરી પોતાનું સૌભાગ્ય અને સત્તા સાંભળવાની ઈચ્છા થઈ. તેણે પૂછ્યું: "હૈં ધનિયા ! મને આજે પરણાવી હોત તો ?” “ અરે હું નથી જોતો કોઈની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે તને પરણે, તને ગમે ત્યાંથી ઉપાડી જાત. ”
ખેમીએ કહ્યું: "લે રાખ્ય રાખ્ય. એવું અભિમાન ન કર્ય્. આ દુનિયામાં શેરને સાથે સવાશેર પડ્યા છે."
એટલામાં નાતમાં કોલાહલ થયો. એક કૂતરું અંદર પેસી ગયેલું તેણે એક ભાણું અભડાવ્યું અને તેને માર મારીને બહાર કાઢ્યું. શેઠ ચીડાયા. તેણે ઘાંયજાને ખૂબ ધમકાવ્યો. ઘાંયજાએ ભંગીનો વાંક કાઢ્યો, અને શેઠની બધી રીસ ભંગી ઉપર ઊતરી. “ પોતે મોટા ગવંડર થઈને બેઠા છે, હાથમાં બીડી લઈને, અને કૂતરાં હંકાતાં નથી. ઊઠો અહીંથી, હરામજાદીનાં....…." તેણે એક માત્ર મારવું બાકી રાખ્યું.
ધનિયા-ખેમીને ઘણું જ માઠું લાગ્યું. તેમના રંગમાં ભંગ પડ્યો. તેમનો બધો ઉલ્લાસ ઊડી ગયો, બન્ને કશું બોલ્યા વિના ઊઠી ચાલવા માંડ્યાં. ક્યાં જવું એ નક્કી નહોતું, પણ ખેમી, સ્વાભાવિક રીતે, કંઇક મનને વિનોદ મળે તેવાં દૃશ્યો તરફ જવાની પ્રેરણાથી રીચીરોડ ઉપર ચાલવા લાગી. ધનિયાને વધારે માઠું લાગ્યું હતું, ખેમી તેને આશ્વાસન આપવા લાગી. ધનિયાથી ત્યાં ન બોલાયું તે આટલી વારે અહીં બોલ્યો: "કૂતરાં હાંકવાનું કામ તેા ઘાંયજાનું હતું, તેમાં મારા પર શા સારુ આટલાં વાનાં કર્યા ?" વળી ખેમીએ આશ્વાસન આપ્યું. ધનિયાએ તેના મનમાં જે ખરું દુઃખ હતું તે કહ્યું: "બીજું કાંઈ નહિ. તારા દેખતાં એ એવું બોલી ગયો એ મારાથી નથી ખમાતું.”
ખેમી ઊંડા વિચારમાં પડી ગઈ. પોતે ધનિયાને વાતે ચઢાવ્યો, અને વધારે અપમાન ધનિયાનું થયું અને અન્યાય એને ખૂંચવા લાગ્યો. ધનિયો ગમગીન થઇ મૂંગો મૂંગો ચાલતો હતો તેથી તેનો જીવ કળીએ કળીએ કપાતો હતો. રસ્તે ચાલતાં રાયખડને પીઠે જવાનો રસ્તો આવ્યો. ખેમીને યાદ આવ્યું કે ધનિયાને ગમતું નથી ત્યારે દારૂ પીવાથી સારું થાય છે. સ્ત્રીસુલભ કોમળતાથી તેણે છેડેથી અરધો રૂપિયેા છોડીને ધનિયાને આપતાં કહ્યું: "હવે એમ ક્યાં સુધી મુંગો રહીશ? જા, પણેથી દારૂ પી આવ. ઝટ પાછો આવજે. હું અહીં ઊભી છું. ” ધનિયો ખુશી થતો થતો! એકદમ ગયો.
ખેમી રાહ જોતી ઊભી હતી. પોતે દારૂ ન પીવાની શરત કરાવી હતી અને પોતે જ દારૂ પીવાના પૈસા આપ્યા તે ઠીક ન કર્યું, એમ તેને શંકા થવા લાગી. એટલામાં ધનિયો હરખાતો હરખાતો આવ્યો, અને કહેવા લાગ્યો: "ખેમી, જો હવે મને ઠીક થઇ ગયું. હું નહોતો કહેતો કે દારૂથી મને ઠીક્ થઇ જાય છે !" ખેમીએ કહ્યું: "હવે એ વાત મેલ્ય. પણ, ખબરદાર, જો બીજી વાર કોઈ દિ પીધો તો ઘરમાંથી કાઢી મૂકૉશ."
" ના ખેમી, કોઈ દિ ન પીઉં. તું મને બહુ ગમછ. હવે વાણિયાની નાત જહાન્નમમાં ગઈ. હું દારૂ પીઉં છું પણ મને કોઈ દિ ચઢતો નથી. જો અત્યારે પણ મારા બોલવામાં કાંઈ ફેર પડે છે. તું ! અમથી મારાથી ડરે છે. ગમે તેવો દારૂ પીઉં તોય તને ન મારું, તું મને કેટલી વાલી લાગે છે.....” વગેરે બબડતો બબડતો ધનિયો ચાલવા લાગ્યો. ખેમી મૂંગી મૂંગી તેને લઇને આ બધા બનાવો ઉપર વિચાર કરતી કરતી ઘેર ગઈ.
સાંજને પહોર, જે ગાઠડી ઉપર ધનિયો અમદાવાદમાં મોહી પડ્યેા હતો તે ગાઠડી વાળી ખેમી વાળે છે. પણ અત્યારે તે અમદાવાદમાં નથી, અત્યારે તેની પાસે ધનિયો નથી. છએક માસ ઉપર તેણે બન્નેને છોડ્યાં છે. ઉપરના બનાવ પછી, દારૂ ન પીવાની લગ્નની શરત છતાં, કંઈક ખેમી સહન કરી લેશે એવા વિશ્વાસથી, કંઈક શરત પાળવી એ બૈરી આગળ નબળાઇ બતાવવા જેવું લાગવાથી, કંઈક પોતાને દારૂ ચઢતો નથી એવા, પીનારને સામાન્ય મિથ્યાભિમાનથી, કંઇક ખરાબ સોબતથી, તે દારૂ પીવા લાગ્યો હતો. ખેમીએ તેને ઘણી વાર ધમકાવ્યો, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી; પણ ધનિયાએ તે ખોટી માની ગણકારી નહિ. છેવટે એક દિવસ તે વધારે દારૂ પીને આવ્યો અને "મને મેલીને કોને જવાની છે" એવા ગર્વમાં તેણે ખેમીને મારી. બીજે દિવસે સવારે ખેમી ચાલી નીકળી. તેની મા મરી ગઈ હતી. તે નડિયાદ ગઈ, અને પરશોતમ નામના ભંગીઓના ઉપરી મ્યુનિસિપલ કારકૂનને પગારમાંથી લાંચ આપવાનું ઠરાવી નોકર રહી. નડિયાદમા તે સામાન્ય રીતે લહેરી ગણાતી હતી. સર્વ ભંગીઓ તેની સાથે મશ્કરીમાં જોડાતાં, પણ ખેમીના દિલમાં ધનિયાને છોડ્યાનો ઊંડો કાંટો રહી ગયો હતો. અમદાવાદથી આવતા દરેક ભંગીને તે ધનિયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૃછતી. તે ધનિયા પાસે જાય તો ધાંનયો તેને ફરીથી પ્રેમથી રાખે એમ તે જાણતી હતી. પણ ધનિયો તેને બોલાવે તો જ જવું એવી તેની ટેક હતી. ધનિયો બોલાવે તે માટે તેણે માનતા માની હતી છતાં હજી ધનિયાનું કહેણ આવ્યું નહોતું. તેથી તે નિરાશ થતી જતી હતી અને તે નિરાશાથી ઉશ્કેરાઈ મનની બધી દાઝ લાંચ લેનાર પરશોતમ ઉપર કાઢતી હતી. તેણે તેની ચીડવણીનાં ગીત જોડ્યાં હતાં.
ખેમી વાળતી હતી. ત્યાં પાસેથી મંગીએ વાળતાં વાળતાં કહ્યુ: "અલી ખેમલી, પેલું ગીત ગા જોઇએ."
ખેમી ધનિયાના વિચાર કરતી હતી તેણે સહેજ ભાવે કહ્યું: “તું જ ગાને."
મંગીને ખેમી જેવું ગાતાં આવડતું નહોતું, તે બોલીઃ "અલી, પણ એનું ચોથું વેણ નથી બેસતું આવતું."
“ તને ગાતાં નહિ આવડતું હોય."
"ત્યારે તું ગા જોઇએ. "
ખેમીને ચાનક ચઢી. તેણે ગાયું:
“ઓરો આવ્યને કેશલા, તારો ઓશલો કૂટું:*[૧]
ઓરો આવ્યને કેશલા, તને પાટુએ પીટું:
ઓરો આવ્યને કેશલા, તને ધોકણે ઢીબું:
ઓરો આવ્યને કેશલા, તારે પૂછડે લીંબું:
લે આમાં શું નથી બેસતું આવતું?"
"પણ એ તો બેસતું કર્યું કહેવાય. પૂછડે લીંબું એમ કહેવાય ? ”
"મૂછ તો હોય તો લીંબું રાખેના ! એટલે આ તો પૂંછડે લીંબું રાખે છે." મંગી ખડખડાટ હસી. પરશોતમના ગોરા, ટૂંકા કપાળવાળા, લાંબા, મોઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહિ જેવી દેખાતી.
બન્ને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એટલામાં પરશોતમ નીકળ્યો. તેણે માથે વાળવાળી ટોપી પહેરી હતી. નીચે દેખાતા ખમીશ ઉપર કાળો હાફકોટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળી સોટી હતી તે જોડા ઉપર મારતો મારતો તે ચાલતો હતો. તેણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ નહોતું, તેને કોઇએ પ્રત્યક્ષ રીતે કહ્યું નહોતું, છતાં કાવ્યવિવરણના કોઇ ગૂઢ નિયમથી તે સમજી ગયો હતો, કે ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું, ‘ મને!મન સાક્ષી છે' એ સૂત્ર જીવનના કોઇ પણ ક્ષેત્ર કરતાં ચીડવણીમાં સૌથી વધારે સાચું ઠરે છે. તેણે બૂમ પાડીઃ “એ હરામખારો, કામ કરો કામ, રાગડા કેમ તાણો છો ?”
મંગી ખસિયાણી પડી ગઇ, પણ ખેમીએ જવાબ આપ્યો: "ગાઇએ છીએ, પણ જુઓ છો ના, હાથ તો કામ કરે છે ! ”
"હરામખોર, મારી સામે બોલે છે? ઉપરીનું અપમાન કરે છે ?"
"પણ હું તમને ક્યાં ગાઉં છું ?"
"તું ગામ આખામાં ગા ગા કરે છે અને મારું અપમાન કરે છે તે શું હું નથી સમજતો ? ”
મંગી સામું મર્મની નજરે જોઇ ખેમી બોલી: “ લે, અલી, હું ક્યારે ય પશાભાઇને ગાઉં છું ? હું તો અમદાવાદમાં એક કેશલો હતો, તે ભંગીઓના પૈસા ખાતો, એને ગાઉં છું.” “હરામખેાર પાછી મને સમજાવવા આવે છે ! ઉપરીનું અપમાન કરે છે? અમે અમારા ઉપરીનું માન રાખીએ છીએ તે જોતી નથી ? સામો જવાબ આપે છે?"
“ પણ ભાઈશાબ..."
“ બસ કર, હવે બકબકાટ ન કર. અમારે બીજું કામ છે. આમાં અંગૂઠો પાડી આપ એટલે પગાર આપું. ” તેણે પાસેના ઓટલા પર પત્રક મૂક્યું. પહેલાં મંગીએ અંગૂઠો પાડી આપ્યો એટલે તેણે ખેમીને અંગૂઠો પાડવા કહ્યું.
"પહેલાં મને પગાર આપો, પછી અંગૂઠો પાડું. ”
"શું તું શાહુકાર અને સરકાર ચોર ? સરકારી નિયમ પ્રમાણે થશે. પહેલાં અંગૂYજો આપ પછી પગાર મળશે."
“ ત્યારે લા આ અંગૂઠો ” કહી અંગૂઠો પરશોતમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરશોતમે એ જોયું ખરું, પણ તેને આ ચીડાવાનો સમય નહોયો. બન્નેના પગારમાંથી અરધો અરધો રૂપિયો કાપી બાકીના સાડાનવ નવ રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઇ લીધા. ખેમીએ કહ્યુંઃ “ મને પૂરા પૈસા આપો તા લઇશ, નહિં તો નહિ લઉં.”
"ન લે તા ભલે પડયા ભોંય પર. હું તો જાઉં છું." તે ચાલવા જતો હયો ત્યાં લ્હ્ર્મીએ લાંબે સાવરણા સામી ભીંતે અડકાડી તેનો રસ્તો રોક્યો: “એમ તે કેમ જવાશે ? ”
એટલામાં બીજા જિલ્લાનાં ભંગી આવ્યાં. પરશોતમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહિ અને બીજાં ભંગી આગળ તે હલકો પડશે. તેણે ટૂંકું કરવા કહ્યું: “ લે તારા પૈસા. પેલો અરધો પાછો લાવ." "પહેલાં રૂપિયો આપો એટલે આપું.”
પુરશોતમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સાવરણો થઈ લીધો અને રૂપિયો નીચે નમી લેવા માંડ્યો. પરશોતમે ફરી નીચે પડેલો અરધો માગ્યો.
"ઊભા તા રહો. ખખડાવી તો જોવા દો." બીજા સામું જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી.
પરશોતમે ફરી અરધો માગ્યો.
"મને તો નથી જડતો" કહી ખેમી ચાલવા લાગી.
પરશોતમને નીચા નમી ધૂળમાંથી તે અરધો લેવો પડ્યો.
આજે ભંગીઓને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાડ્યું અને બધાં ભંગી ગાવા લાગ્યાં:
ઓરો આવ્યને કેશલા, તારો ઓશલો કૂટું:
ઓરો આવ્યને કેશલા, તને પાટુએ પીટું:
ઓરો આવ્યને કેશલા, તને ધોકણે ઢીંબું:
ઓરો આવ્યને કેશલા, તારે પૂછડે લીંબું
રસ્તે ચાલતાં માણસો અને સ્ટેશનેથી આવતાં ઉતારુઓ આ વિચિત્ર ગીત સાંભળવા ઊભાં રહેતાં હતાં. એટલામાં એક અવાજ આવ્યો.
“ અલી ખમી આમ તો આવ્ય."
ખેમી તરત ગાતી બંધ પડી, ઊભી રહી ગઈ. અવાજ આવ્યો તે શેરીમાં તેણે જોયું અને તે તરફ ચાલી ગઇ.
તેની સાસુ તેને બોલાવવા આવી હતી.
ધનિયા અને ખેમીના પહેલા ત્રણ દિવસ અકથ્ય આનદમાં અને ખાવાપીવામાં ગયા. ચોથે દિવસે રાત્રે ધનિચેા અને ખેમી વાતો કરવા બેઠાં. નડિયાદમાં ખેમી કેમ રહેતી, તેનાં ગીતો, તેની બીજા ભંગીઓ સાથેની ગંમતો બધું સાંભળીને ધનિયો બોલ્યો: “ ખેમી, તું કઠણ હૈયાની તો ખરી હો મને અહીં ગમતું નહોતું ને તું ત્યાં મજા કરતી હતી. ”
“ મને ય ગમતું નહોતું, પણ તું બોલાવ્ય નહિ ત્યાં સુધી મારાથી કેમ અવાય ?"
"હું તને શી રીતે બોલાવું ? મારો ગુનો થઈ ગયો તે મારા પગ ભારે થઈ ગયા. મારી માને કહેતો પણ એ કહે 'એક બે દિમાં આવશે. કેટલાક દિ રહેશે.’ પણ તું વટનો કટકો !"
“ તારા ગુનો, તો તારે બોલાવવી જોઈએ ના !"
"પણ ભદ્રકાળી માતાનું સાચ ભારે. ”
“ એમ કેમ?"
"જો પહેલાં રામદે પીરની માનતા માની તોય તું ન આવી. પછી દરખશા માતાની માની, ઝાંપડી માતાની માની તોય તું ન આવી. પછી ભદ્રકાળીની માનતા માની. ઘેર ગયો ત્યારે મારી મા કહેઃ "અલ્યા ધનિયા, તું બહુ સૂકાતો જાછ. લે તને બીજી પરણાવું." મેં કહ્યું: "મારે બીજી નથી પરણવી. મારે તો ખેમી આવે તો હા નહિ તો ના." પછી મારી મા તને તેડવા આવી.
“મેં ય કેટલી માનતાઓ માની ત્યારે તારી મા મને બોલાવવા આવી." “તેં કોની કોની માની ?"
"મેં ય રામદે પીરની માની. પછી નડિયાદમાં સંતદાસ મહારાજનો થાળ માન્યો. પછી મહાકાળીની જાતર માની."
“ અરરર . ખેમી ” ધનિયા ઉપર જાણે વજ્રપાત થયો. “તેં ભૂંડું કર્યું. તારી માનતાના સાઠ રૂપિયા થયા, મારી માનત્તાના પચાસ થયા. લગન ખરચના બસેં અઢીસો ઊભા છે ને પેલો પટેલિયો હમેશ આંટા ખાધા જ કરે છે. આ ક્યાર ભરી રહીશ હું ? ને ભદ્રકાળી તો હાજરાહજૂર છે." કયા દૈવની માનતાથી બન્ને ભેગાં થઇ શક્યાં તે નક્કી ન હોવાથી બધી માનતા પૂરી કર્યા વગર છૂટકો નહોતો.
“ અરે એમાં શું ?ચારસેં રૂપિયા તો હમણાં ભરી દઈશું. મારાં ઘરેણાં વેચીને ભરજે. ” પ્રેમીએ સાંત્ત્વન આપ્યું.
“ અરે હજી પંચનો દંડ ભરવાનો છે તે તે મેં તને કહ્યું નથી." ઊંચી નીચી નાતોની અનંત શ્રેણીવાળા આપણા સમાજમાં દરેક નાતને પોતાથી નીચું કોઈક જોઈએ છીએ. અમદાવાદનાં ભંગી કાઠિયાવાડથી આવેલાં ભંગીને હલકાં ગણુતાં. ધનિયાને પરણતી વખતે અને પંચોને જમાડવાં પડેલાં. ખેમી જતી રહી એટલે કાઠિયાવાડી પંચ ભેગું થયું. તે પંચે અંદર અંદર મસલત ચલાવી. પછી અમદાવાદના પંચને વાત કરી. પછી અમદાવાદનું પંચ મળ્યું. એટલામાં ખેમી પાછી આવી. હવે દંડ કરવાનો તા રહ્યો નહિ પણ આટલા દિવસ ખાધું તેના ખરચના પૈસા બન્ને પંચે ધનિયા માથે ચઢાવ્યા. આપણા સમાજમાં નાતની રૂઢિ અને નાતના ઠરાવો કુદરતી બનાવો જેવા અનિવાર્ય અને અપ્રતિરુધ્ધ ગણાય છે.
આ બધું સાંભળી ખેમી પણ હેબકાઈ ગઇ. પણ તેણે તેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં કોઈ ઓર જ હિંમત આવે છે.
પણ ધનિયાને સાત્ત્વન વળ્યું નહિ. હતાશ થઇ તે ખેમીના ખેાળામાં ઊંઘી ગયો. અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. ત્રણ દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછાં દુ:ખી સંસારમાં ડૂબ્યાં.
બીજે દિવસે ખેમીએ ધરેણાં કાઢી આપ્યાં, અને વેચવા કહ્યું. પણ ભૈરીને અડવી જોવાનો વિચાર નહિ ખમાયાથી વેચવાને બદલે ધનિચે તેને ઘરેણે મૂકી રૂપયા ઉપાડ્યા. તેણે વેચ્યાં હોત તો ઠીક રકમ ભરાત, પણ ઘરેણે મૂકવાથી રકમ થોડી મળી અને ઘરેણાં છેવટ વ્યાજમાં ડૂબી ગયાં. ધનિયો કે ખેમી કોઈ આ સમજ્યાં નહિં. બન્નેએ બને તેટલા પૈસા બચાવી ભરવા માંડ્યા. એટલામાં ધનિયાની મા મરી ગઈ તેનું સોએક રૂપિયા ખર્ચ થયું. ત્રણ મહિના પછી ખેમીને સુવાવડ આવી, એટલે તે પણ કમાતી મટી. સુવાવડ દરમિયાન ધનિયાને પ્રેમીનું સાત્ત્વન ઓછું થયું અને ચિંતામાંથી મુક્ત થવા તે દારૂ તરફ વળ્યો.
ખેમી સુવાવડમાંથી ઉઠી ત્યારે તેણે જોયું કે ધનિયો પીવા માંડ્યો હતો. તેણે ધનિયાને કરી ધમકાવ્યો, પણ હવે તેની ધમકીમાં તિરસ્કાર નહોતો દયા હતી. તેને લાગતું હતું કે ધનિયાની આ દશા માટે પોતે જ જવાબદાર છે; છતાં એક દિવસ કઠણ થઈને તેણે તેને ધમકાવ્યો. ધનિયો કાંઇ બોલ્યો નહિ, પણ રાત્રે ઘેર પાછા ન આવ્યો. ખેમી તેને રીચીરોડના ફૂટપાય પરથી શોધીને ઘેર લઈ ગઈ. ખેમી તેને સમજાવતી, પણ તેનો જવાબ ધનિયો માત્ર નિઃશ્વાસથી આપતો. હવે ખેમીનું હૃદય માત્ર દ્રવતું હતું. તેને શિખામણ દેવા જેટલી કડકાઈ તેનામાં રહી નહોતી.
એક દિવસ શિયાળાની રાત્રે ખૂબ ઠંડીમાં ધનિયો ઘેર ન આવ્યો. ખેમી બે વરસની બાળકીને ધરમાં રડતી પૂરી શોધવા નીકળી. બે કલાકે તેણે તેને નદીની રેતીમાં પડેલો જોયો, તેને ઉઠાડીને ધીમે ધીમે ઘેર લઈ ગઈ. બીજા દિવસથી ધનિયાને ન્યૂમોનિયા થયા. ખેમીએ ફરી માનતાઓ માની, ભુવાને બોલાવ્યો, તેણે નવી માનતાઓ આપી, પણ ખેમીનો ધનિયો ફરી ઊંઠ્યો નહિ. ખેમી રાંડી.
વૈધવ્યનો શોક ખેમીના આખા જીવનમાં વ્યાપી ગયો હતો. તેને બીજું તો કાંઈ નહિ પણ ધનિયો માનતા સોતો ગયો એનો શોક ઘણો થતો હતો. તેથી તેના જીવને શું શું ખમવું પડશે તેની તેને શંકા થયા જ કરતી અને ઉપાય સૂઝતો નહોતો.
એક દિવસ ખેમી રીચીરોડ વાળતી હતી. હવે તે ગાઠડી વાળતી નહોતી, વાળતાં વાળતાં તેને ધનિયાની માનતાના વિચાર થવા લાગ્યા. ત્યાં તેણે સામે ઓટલા પર એક બ્રાહ્મણને જોયો. તેણે કપાળમાં આડું મોટું ત્રિપુંડ તાણેલું હતું, વચ્ચે મોટો ચાંલ્લો કરેલો હતો, અને નાક ઉપર પાતળી કાળી આડી કરેલી હતી. માથે ફાટલી દક્ષિણી પાધડી મૂકી હતી, હાથના કાંડામાં રુદ્રાક્ષનો બેરખો અને ગળે દ્રાક્ષની માળા પહેરી હતી. મહારાજ ઓટલો સાક્ કરી તેના પર આસન પાથરી, સામે એક પાટી પેન, હાથનાં રેખાદર્શક ચિત્રો, ટીપણું અને તે પર રમળના પારા ગોઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઇ મહારાજે સનાતન તિરસ્કારથી તેને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું: "મહારાજ, મારે સવાલ પૂછવો છે." "તો ચાર આના નીચે પગથિયા પર મૂક. ” મહારાજને ખેમીનો પડછાયો અપવિત્ર હતો, તેના પૈસા અપવિત્ર નહોતા. ખેમીએ પાવલી મૂકી, મહારાજે છાંટ નાખી લઇ લીધી. પછી કહ્યું: "પૂછ હવે.:
"મહારાજ, કોઇનો ધણી માનતા સોતો મરી ગયો હોય, તેની વહુ માનતા કરે તો તેને પહોંચે કે ન પહોંચે ? બરાબર જોજો મહારાજ."
આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું: “ હા."
“ સારું મહારાજ ” કહી ખેમી ચાલવા જતી હતી ત્યાં મહારાજે ફરી બોલાવી કહ્યું: "પણ નાતરે જાય તો ન પહોંચે. ” ખેમી પગે લાગી ચાલી ગઈ.
ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડયા. ખેમીની કળા પડી ગઇ હતી, પણ તેનું સૌંદર્ય ઓછું થયું નહોતું. ધણા ભંગીઓએ તેને નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો.
સાત વરસે તે ધનિયાની માનતાએઓ પૂરી કરી રહી. એક ભંગીએ વળી તેને ધરગવા કહેવરાવ્યું. તેણે જવાબ આપ્યો" “ ના ના, આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું."
- ↑ *'ચકલી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો' એ લોકગીતની રાહ.