લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો/સાચો સંવાદ

વિકિસ્રોતમાંથી
← સાચી વારતા દ્વિરેફની વાતો
સાચો સંવાદ
રામનારાયણ પાઠક
સરકારી નોકરીની સફળતાનો ભેદ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




સાચો સંવાદ

"કેમ આજે કાંઈ નવું ભૂત ભરાયું છે કે શું?" એવા મોટા અવાજથી પૂછેલા પ્રશ્નથી હું મારા વિચારમાંથી જાગી ગયેા. "રોટલી નથી જોતી ?"

મેં ચમકીને સામું જોયું. મારી વહુએ ફરી પૂછ્યું: “આજે શો નવો વિચાર ચાલે છે?" ‘ વહુ' શબ્દ ઉપર જરા નોંધ લખવાની જરૂર છે. ભાષાશાસ્ત્રના હજી સુધી અજ્ઞાત રહેલા કોઈ નિયમથી ‘ વાઈફ' શબ્દ ‘વહુ’ કરતાં વધારે શિષ્ટ ગણાય છે. પણ ગાંધીજીએ સ્વભાષાનો આગ્રહ કર્યો તે પહેલાં પણ મારી વહુએ પોતાની હકૂમતમાં-ખાસ કરીને રસાડામાં- માત્ર ગુજરાતી અને તે પણ તે સમજે એવી જ ગુજરાતી ભાષા બોલવાનું ફરમાન કાઢેલું હતું. તેની અસર એટલી પ્રબળ થયેલી છે કે હું ગુજરાતી બોલતો થઇ ગયો છું અને મારા મિત્રો પણ એ હકૂમતમાં ગુજરાતી જ બોલવા લાગ્યા છે. સ્ત્રી તરફ ધણું માન છતાં બહુવચન નથી વાપરતો તે પણ એવા જ એક બીજા ફરમાનના આધારે.

હું જવાબ આપું તે પહેલાં ખીજો પ્રશ્ન આવ્યો :"કેમ આજે ક્યાં જઇ આવ્યા છો ?” મારી વહુ હું ખાઇ શકું તે કરતાં વધારે ઝડપથી મારી થાળીમાં રોટલી નાખે છે અને {એવી જ રીતે હું જવાબ આપી શકું તે કરતાં વધારે ઝડપથી પ્રશ્ન પૂછે છે.

મેં કહ્યું : “ ક્યાંઈ જઈ આવ્યો નથી."

“ ત્યારે વિચાર શેના કરો છો?"

"પરમ દિવસ સ્ત્રીકેળવણી સંબંધી સભામાં ગયો હતો ત્યાં મિ. પ્રમાણિકે કહ્યું કે આપણી સ્ત્રીઓ હજારે એક પણ ભણેલી નથી અને હું વિચાર કરતો હતો કે― "

“ હજી હું ભણી નહિ ! હવે તમારે વધારે કહેવાની જરૂર નથી. હું બધું સમજી ગઈ. દર વરસની પેઠે મિ. બ્રાઉનિંગ અને મિસિસ બ્રાઉનિંગનો દાખલો તેમણે આ વખતે પણ આપ્યો હતો કે નહિ ? "

મેં વધારે કહેવું છોડી દીધું. વાંચવા લખવા ઉપરાંત જરા પણ વધારે ન ભણવાની, સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યસાહિત્ય સમજી મારા રસોપભોગમાં ભાગીદાર થવાય એવું જરાય ન ભણવાની તેની હઠ એટલી જબરી હતી કે એ સંબંધી વધારે કહ્યા વિના મેં નીચું જોઇ દાળ માગી.

દાળ આપતાં આપતાં તેણે કહ્યું: “ પુરુષો અમારા કરતાં એટલું બધું શું વધારે જાણે છે કે અમને શિખામણ દેતા આવે છે. એ જ મને સમજાતું નથી !"

મેં કહ્યું : “શું નથી જાણતા એ કહે ને?"

"કેમ તમને રાંધતાં આવડે છે? "

“ એ તો માત્ર અભ્યાસનું કામ છે. ધીમે ધીમે શીખીએ તો તેમાં શું ન આવડે ? ”

“ આપણા હિંદુ ઘરસંસારના રિવાજ પ્રમાણે તમારે માથે રાંધવાનું આવે છે. આટલા વરસના અભ્યાસથી હજી તમને ગોળ રોટલી કરતાં નથી આવડતી ! અકળાઓ છો ત્યારે સ્વતંત્રતાની અને જૂના રિવાજો કાઢી નાખવાની વાત કરો છો. પણ મૂળ અણાઅવડત કબૂલ નથી કરતા."

મેં કહ્યું: “એ તો બધી ક્ષુદ્ર વાતો છે. પણ તમે વાંચો નહિં એટલે તમારામાં જ્ઞાન જ નથી હોતું."

“તે ગમે તેમ હોય. તમે કેળવણી વિશે ઘણું ચે વાંચ્યું છે છતાં તમે બાબુને રમાડી નથી શકતા અને તેને છાનો રાખી નથી શકતા."

"હું એ નથી કહેતો. તમે વાંચતાં નથી એટલે તમારું જીવન જ એટલું અપૂર્ણ રહે છે, પોલું રહે છે. દુનિયાની તમને કશી ખબર જ પડતી નથી."

"એ જ ખોટું છે. તમારું ચોપડીઓનું જ્ઞાન જ પોલું હોય છે. તમને મુસાફરી કરતાં પણ નથી આવડતી તો દુનિયાનું તમને શું જ્ઞાન હોય ? બોલો તમને પોટકું બાંધતાં આવડે છે? કોથળાનું મોં કેમ બાંધવું, કપડાં કેમ બાંધવાં, કપડામાં દાણા કેમ બાંધવા, પાણી કાઢવા લોટો કેમ બાંધવો, તેમાંથી કશું ય આવડે છે ? આ વસ્તુઓ મુસાફરી કરવાને, દુનિયા જાણવાને, જરૂરી છે કે નથી ?"

"એટલે કમ મુસાફરી પણ તમારા વિના અમે નહિ જ કરી શકતા હોઇએ ?"

"મુસાફરી કૈવી કરો છો તે મારાથી અજાણ્યું નથી. એકવાર હું સાથે હતી ત્યારે આપણા પોટકાને બદલે કોઈ સુતારનું પોટકું ઉપાડી લીધેલું તે યાદ છે? અંદરનાં હથિયારો વાગ્યાં તો ય તમને ખબર ન પડી કે આ આપણું ન હોય !” "એ બધી હલકી વાતો છે. હું તો કહું છું કે તમે લોકોને કલાનું ભાન જ હોતું નથી."

"સ્ત્રીમાં તો ડગલે ડગલે કલા છે. તમને તો રસોઈમાં મીઠું ઓછું પડ્યું હોય તો પણ પારખતાં નથી આવડતું અને ઓઢવા પહેરવાની કલા તો સ્ત્રીઓની જ છે એમ તમે એક દિવસ કહેતા હતા."

"તું ભણી નથી એટલે એમ કહે છે. કલા એટલે લલિત કલા. રાંધવું ઓઢવું એ તે કાંઇ કલા છે? "

"લલિત કલામાં નૃત્ય ગીત યો આવે જ ન! ! અમે સ્ત્રીઓ અનેક પ્રસંગે ગાઇએ છીએ, અજવાળી રાત દેખી ગરબી લઇએ છીએ, અને કોઈ ન મળે તો હું તો ઠાકરડીઓ સાથે પણ ગરબી લઇ શકું છું. તમે તમારા મિત્રો સાથે ગાઇ કે નાચી શકતા નથી, અને ઠાકરડા સાથે તો વાત પણ કરી શકતા નથી." i મેં હવે વિષય બદલવા કહ્યું: “ ભલે. પણ તું આટલી ડાહી તેના પર મારું સ્વામિત્વ તો છે ના ? વધારે અમારે શું જોઇએ."

"પણ તમે તો વળી એ પણ નથી રાખતા અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવા નીકળ્યા છો !"

“ એ અમારી ઉદારતા છે!"

"ના, એ ઉદારતા નથી. ઉદારતાથી કોઈ સ્વતંત્રતા આપે જ નહિ. પોતે સ્ત્રીઓ પર આટલા પરાધીન છો તે અમને શી સ્વતંત્રતા આપવાના હતા ? ”

"કેમ નહિ ? તમારાં કપડાં ઘરેણાં રીત રિવાજ ફરવું હરવું એ કશામાં હું આડો આવું છું?" "પણ તેનું કારણ જુદું છે. પહેલાંના પુરુષાને સ્ત્રીનાં ઘરેણાં, કપડાંલત્તાં, તેના રંગ ભાત જાત એ બધાની ખબર હતી, તેમાં નરસું રૂપાળું કઢગું ગમતું અણુગમતું એ સંબંધી તેમને પોતાના અભિપ્રાયો હતા, અને તે મુજબ પોતાના કોડ પ્રમાણે તેએ વસ્તુએા લેતા અને અમને પહેરાવવાનો આગ્રહ રાખતા. તમને આની કશી ગતાગમ જ નથી. એટલે તમારે સ્વતંત્રતા આપ્યા વિના છૂટકો જ નથી. એ તમારી ઉદારતા. તમારું જીવન જ કોડ વિનાનું છે. હું નાની પરણીને આવી ત્યારે મને એવી હોંશ કે તમને ભાવતું કાંઇક રાંધું. મેં તમને ઘણી વાર પૂછેલું કે શું રાંધું પણ તમે કોઈ દિવસ જવાબ ન આપતા. અને હું મનમાં બહુ મૂંઝાતી. હવે સમજું છું કે તમે એ વાતમાં કશું સમજતા જ નથી."

"અમે એટલી ઉચ્ચતર ભૂમિકામાં વસીએ છીએ."

“ એ તદ્દન ખોટું છે. હું સારું રાંધું છું ત્યારે તમે ચોખ્ખા ખુશ દેખાઓ છો અને વધારે ખાઓ પણ છો. માત્ર એટલું જ કે તમે સમજ્યા વિના ખાઓ છો. બાબુની પેઠે જ એમ કહો ને !"

“ માટે જ ‘ભોજ્યેષુ માતા' કહ્યું હશે. પણ અમારો સ્નેહ તમારાં કપડાંલત્તાં ઉપર આધાર રાખતો નથી એ તો કબૂલ છે કે નહિ ? ”

“ સ્નેહ શું તે તો તમે વાંચો, તે તમે જાણો. પણ કપડાંની અસર તમારા પર નથી એ હું ન માનું. હવે વધારે ન પૂછશો."

"ના, કહેને. એટલા માટે શા માટે અધૂરું રાખે છે ? "

“ તમને યાદ છે ? તે દિવસ તમે કંઈક બહુ જ ઉત્સાહમાં મને કાંઈ કહેવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. આવીને મારા સામું જોયું, પછી મૂંગા થઈ થોડી વાર જોઈ રહ્યા, ઘરમાં બધે નજર ફેરવી, ચોપડીઓનાં પૂઠાં તપાસ્યાં, ફરી મારી સામે જોઇ રહ્યા ને ઊલટું મને પૂછવા લાગ્યાઃ ‘ આજ કેમ કાંઇ ગમતું નથી ! હું કંઇક બહુ જ સરસ તને કહેવા આવેલો પણ ભૂલી ગયે. આજ કેમ કાંઈ ગમતું નથી ?"

“ હા. તેં એનો જવાબ મને કંઇક બહુ કરડો આપેલો હતો નહિ ?"

"કરડો નહિ, પણ સાદો જવાબ આપેલો કે તમને ન ગમે તેનું કારણ હું કેવી રીતે જાણું ?"

"તેને આ વાત જોડે શે! સબંધ છે ? "

“આ વાત જોડે એ સંબંધ છે કે તમારા મન પર મારાં કપડાંની અસર થાય છે. મેં જાણી જોઇને તે દિવસે પાડોશણનો ધરડામો સોગના સાળુ પહેરેલો અને તેથી તમે એવા સૂનમૂન થઈ ગયા હતા. હવે કેમ કહેવાય કે કપડાંની અસર તમારા પર નથી ?"

“ તે મારા પર પણ તું આવા પ્રયોગો કરે છે કેમ ? ”

"કેમ ન કરું ? તે પહેલાંને દિવસે રમણિકલાલને ત્યાં હું બેસવા જતી હતી, જરા સારાં કપડાં પહેર્યા હતાં ત્યારે તમે પ્રેમ અને કપડાં અને શોભા અને સૌભાગ્ય ઉપર એક લાંબું ભાષણ મને આપેલું તે યાદ છે? મારે જોવું હતું કે આમાંનું કેટલું સાચું છે."

“ ઠીક; પણ તમે પહેરો અને અમને ખુશ રહેતાં આવડે, તમે રાંધો અને અમને જમતાં આવડે, એ પણ સુંદર યોજના નથી ?”

"ના, તમને જમતાં પણ નથી આવડતું. કોઈ વાર પહેલી રોટલીથી વિચારમાં પડી જાઓ છો ત્યારે મારે યાદ આપવું પડે છે. કેટલી રોટલી ખાધી એનો હિંસાબ પણ મને પૂછવો પડે છે અને કોઇ વાર વાતે ચડો છો ત્યારે તો એ પૂછવું પણ ભૂલી જાઓ છો! ”

વાત ખરી હતી. પેટ પર હાથ ફેરવી જોતાં મને ખબર પડી કે આજે મેં ઘણું ખાઇ નાખ્યું છે. હું ભાત ખાવાનો વિવેક કર્યા વિના ઊભો થયો અને મારા ખંડમાં દીવો મોટો કરી બેઠો. આજની વાત પર વિચાર કરતાં મારાથી મોટેથી હસી જવાયું. પછી બધી વાતચીત હું લખવા બેઠો. લખી રહ્યો ત્યાં એ આવીને મને કહેઃ “ એકલા એકલા કેમ હસતા હતા ?" મેં તેને મારી પાસે બેસાડી બધું વંચાવ્યું. તે પણ હસી પડી. મને કહે: “ આજ સુધી માનતી હતી કે તમને કશુંય આવડતું નથી, માત્ર વાંચતાં લખતાં આવડે છે. વાંચો તો અંગ્રેજી એટલે શું કહું પણ આ જોતાં લાગે છે કે તમને લખતાં પણ નથી આવડતું. એ પણ હવે ભેગું લખી લ્યો."

મેં કહ્યું: " એ લખવાની જરૂર નથી. મને વાંચતાં લખતાં નથી આવડતું એ હું ઘણા વખતથી જાણું છું. એમાં કશું નવું નથી. ઉપરની હકીકત નવી છે માટે લખી છે. એટલે હવે આનું મથાળું શું કરવું ? ”

"પહેલાં એક કર્યું હતું તેમ કરો: ‘ સાચો સંવાદ.' "

"ભલે."

“ તમે વાત બધી મારી લખો, મથાળું પણ મારું આપેલું લ્યો, ત્યારે આમાં તમારું શું ? ”

"મથાળું. તું ધારે છે તે કરતાં હું તેનો જુદો અર્થ કરું છું."