લખાણ પર જાઓ


નરવીર લાલજી/વીરમૃત્યુ

વિકિસ્રોતમાંથી
← ઔદાર્ય બે દેશ દીપક
વીરમૃત્યુ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
શ્રદ્ધાંજલિ →


વીર–મૃત્યુ


૯૨૮ના અક્ટોબર માસની તા. ૩૦ મીનું પ્રભાત લાહોર નગરના શિર ઉપર સુવર્ણનો મુગટ પહેરાવતું હતું અને સૂસવાટા મારતી આગગાડી પલે પલે 'સાયમન સપ્તક'ને નજીક ને નજીક આણી રહી હતી. પંજાબના હાકેમે એ પરોણાઓને સાચો પ્રજામત સમજવાના શ્રમમાંથી ઉગારવા માટે તે દિવસોમાં જાહેર સભા અને સરઘસ ઉપર મનાઈ- હુકમ મૂકયો હતો.

લાલાજીના ઓરડામાં ટેલીફોનની ઘંટડીએ ટકોરા દીધા. પોતે યંત્ર કાને લગાડ્યું ને પૂછયું 'કોણ છો ?'

'એ તો હું મહમદ આલમ, લાલાજી !'

'કેમ , ડૅાકટર મહમદ ? ફરમાવો.'

'લાલાજી, અમે બધાએ તો નિશ્ચય કર્યો છે.'

'શાનો ?

'પીનલ કોડની કલમ ૧૪૪નો ભંગ કરીને, સભા ભરી સાયમન–બહિષ્કારનું સરઘસ કાઢવાનો.'

'શાબાસ !' યંત્રમાં લાલાજીનો અવાજ ઉન્નત બન્યોઃ 'અને હું પણ તમારી સાથે જ છું. ડૉકટર ! હું બિમાર છું, બુઢ્ઢો બની ગયો છું, તે છતાં મારૂં સ્થાન એ સરઘસને મોખરે જ સમજજો !' સરકારી ઘોષણાનો ભંગ કરતી લાhoરી જનતા હજારોની સંખ્યામાં હલકી ઊઠી. હાથમાં શોકસૂચક શ્યામ પતાકાઓ ફરકતી હતી' 'સાયમન પાછા સીધાવો'ના ધ્વનિ ગાજતા હતા. મોખરે લાલાજી, રાયજાદા હંસરાજ, ડો. સત્યપાલ, ડો. મહમદ આલમ વગેરે સરદારો શાંતિ તથા અહિંસાના સંરક્ષકો બનીને ચાલતા હતા. પં. માલવિયાજીને લાલાજીએ સરઘસને છેડે રાખેલા હતા : એમ કહીને કે 'આ૫ બિમાર છો.' પોતાના પ્રાણની ખેવના ન કરનાર એ પુરુષને બીજા માટે આટલી ઝીણી કાળજી હતી.

સરઘસ સ્ટેશનની નજીક થંભી ગયું અને સાઈમન કમીશનની સ્પેશ્યલ આગગાડીની વાટ જોતું ઊભું રહ્યું. લોકો માત્ર શાંતિપૂર્વક ઊભા ઊભા 'સાયમન પાછા જાઓ' અને 'વંદેમાતરમ'ના નિર્દોષ ધ્વનિ ગજાવી રહ્યા હતા. સ્ટેશનની ચોગરદમ કાંટાવાળા તાર બાંધીને ચોગાન વાળી લીધુ હતું, અને તેની અંદર પોલીસ ઘેરો ઘાલીને ઊભી હતી. એકાએક કશા પણ ટંટાતોફાન વિના, લોકો તરફથી લગાર પણ કારણ મળ્યા વિના પોલીસે ભાન ભૂલી જઈ એ તારની બહાર જામેલી મેદનીના મોખરા ઉપર લાઠીના પ્રહારો પર પ્રહારો શરૂ કર્યા અને હુમલો કરનાર માંહેલા આગેવાન અંગ્રેજ અમલદારની લાઠીના ઘા લોકવૃંદને અગ્રભાગે ઉભેલા લોક–નેતાઓ ઉપર પડ્યા. ફડ ! ફડ ! ફડ ! લાઠીઓ તૂટી પડી. ડો. આલમને, લાલા હંસરાજને, ઘણાને ચોટ લાગી. અને વધુમાં વધુ માર વાગ્યો વૃધ્ધ, જર્જરિત લાલજીને. એની છત્રી તૂટી ગઈ, એની છાતી પર અને ખભા પર ઘા પડ્યા, છતાં પ્રહારો ચાલુજ રહ્યા જો રાયજાદા હંસરાજે આડા પડીને પ્રહારો ન ઝીલી લીધા હોત તો લાલાજીનું શરીર ત્યાં ને ત્યાં ઢગલો થઈ જાત કેમકે પોલીસનો ગોરો અમલદાર તો લાઠીની ઝડી વરસાવતો જ રહ્યો.

મોખરે ફડાફડી બોલી ગઈ અને મેદનીમાં શોર મચી ગયો કે 'નેતાઓને માર્યા ! લાલાજીને માર્યા ! પોલીસે માર્યા !' એ શબ્દો ગડગડાટ કરતા તોપખાનાના અવાજની માફક મેદનીના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરી ગયા. નેતાઓ તરફના એક જ ઈસારે ત્યાં સંગ્રામ મચી જાત. કદાચ સારી પેઠે લોહી છંટાત. પરંતુ ધૈર્યસાગર લાલાજીએ ખામોશ રાખી. અન્ય નેતાઓ પણ જનતાને રોકી પોતપોતાને સ્થાને અવિચલ ઊભા રહ્યા. લોકો ઉપર અહિંસા અને શાંતિની નીરવતા પથરાઈ ગઈ. બરાબર છાતીની ચોટ લાગવાથી ખળભળી ગયેલા લાલાજી પલકમાં પાછા ટટ્ટાર થયા અને પોતાના ઉપર નિષ્કારણ આવા નિર્દય પ્રહારો કરનાર અંગ્રેજ અધિકારીને એટલું જ પૂછ્યું, 'તમારૂં નામ શું છે ?'

એ નાર્મદ નિરૂત્તર રહ્યો. ફરીવાર લાલાજીએ પૂછ્યું : “જો તું મર્દ હો, તો તારૂં નામ બતાવ.”

એ હીચકારી માણસમાં, કર્તવ્યની રૂઈએ પોતાનું નામ આપવા જેટલી પણ હિમ્મત નહોતી રહી. પોતાનું મુખ અણએાળખ્યું રાખવા માટે એ પશુ અદૃશ્ય થઈ ગયો. [પાછળથી એમ ખબર પડી કહેવાય છે કે એ લાહોરનો સીનીઅર પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ હતો. લાલાજીની જીવન–જ્યોત એ ગોરા સત્તાધારીએ જ બુઝાવી નાખી એવો પ્રજાનો આરોપ છે. પણ એને કે કોઈને સરકારે કશી નશ્યત કરી જ નથી.]

'હું શા માટે એ પ્રહારો ઝીલતો ઝીલતો ત્યાં ને ત્યાં ખતમ ન થઈ ગયો ? શા માટે તે ક્ષણે મારા અંતરમાં કાયરતાએ ઘર કર્યું હતું ? એક રોગીની રીતે રીબાઈ રીબાઈને બિછાને મરવા કરતાં ત્યાં છાતી પાથરીને પ્રાણ આપવાનું મારા તકદીરમાં કેમ નહોતું ?'

આવી આવી આંતર્વેદના લાલાજીને તે ઘડીથી સતાવવા લાગી. ઘણા સમયથી ચાલી આવતી ફેંફસાંની નબળાઈએ તે પ્રભાતના પ્રહારોથી જોર પકડ્યું. પરંતુ દેહની ચિંતા રાખ્યા વિના તે દિવસની સંધ્યાએ લાલાજી સાયમન- વિરોધની સભામાં ચાલ્યા.

'લાલાજી !' ડૉ. ધર્મવીર એમને હાથ જોડીને વિનવવા લાગ્યા, ' લાલાજી, ભલા થઈને આપ આજની સભામાં બોલવા ઊઠશો નહિ. ફેંફસાંની ઇજા વધી પડશે.'

'નહિ ભાઈ !' લાલાજી બોલ્યા, 'આજે સાંજે તો હું લાખ વાતે ય બેાલ્યા વગર રહેવાનો નથી. ભલે મારો જીવ નીકળી જાય.'

એ વ્યાખ્યાન લાલાજીના મુખનું છેલ્લું વ્યાખ્યાન હતું, ને છેલ્લું બનવાને જ લાયક હતું. વીરના મૃત્યુને શોભવનારી એ વાણી હતી. સંસારનું સમગ્ર દૈન્ય ફગાવી દઈ, અનંતના મહાપથ પર સંચરતો વીર જ એવું બોલે છે, અને એને બોલે બોલે આગમના સૂર બંધાય છે. એ બોલ્યા તે આ રહ્યું :

'આ વ્યાસપીઠ ઉપર ઊભો રહીને હું ઘેાષણા કરૂં છું કે આજ અમારા પર જે માર પડ્યો છે, તે અંગ્રેજી સામ્રાજ્યનો વિનાશ નજીક હોવાની નિશાની આપે છે. જેણે જેણે પોલીસના આ ક્રૂર કર્મને જોયું છે તે એને કદી પણ નહિ ભૂલી શકે. એ હીચકારા હુમલાનો બદલો આપણે ચૂકવવો જ રહ્યો છે. એ બદલો આપણે ખૂનખરાબીથી નહિ પણ સ્વાધીનતાની પ્રાપ્તિથી ચૂકવીશું. હું સરકારને ચેતાવું છું કે જે કદાચ આ દેશમાં રૂધિરભીની રાજ્યક્રાંતિ ફાટી નીકળે તો તેની જુમ્મેદારી અમારા પર નહિ પણ તમારા દુષ્કર્મી ગોરા અમલદારો પર રહેશે. અમારૂં ધ્યેય તો એ છે કે અમારે સ્વરાજનું યુદ્ધ શાંતિમય અને અહિંસાત્મક માર્ગે લડી લેવું, પરંતુ જો સરકાર અને સરકારી અધિકારીઓની આવી જ કાર્યરીતિ ચાલુ રહેશે અને એને પરિણામે જો અમારા નૌજવાનો અમારા કહેવાની પરવા છોડી દઈ એવો નિશ્ચય કરી બેસશે કે સ્વાધીનતા હાંસલ કરવાને માટે તો જે કાંઈ કરવું પડે તે બધું ઠીક જ છે, તો એમાં કશા આશ્ચર્યની વાત નહિ લેખાય. હું એ દિવસ જોવા જીવતો રહીશ કે નહિ તે નથી જાણતો; હું જીવતો રહું કે મરી જાઉં, પણ જો કદાચ મારા દેશના નૌજવાનોને લાચાર બનીને એવા દુર્દિનનો સામનો કરવો પડશે, તો મારો આત્મા જ્યાં હશે ત્યાંથી તેઓને યુધ્ધમાં વિજય સાંપડવાના આશીર્વાદ દેશે.'

લાઠીના ઘાએ એ જીર્ણ દેહને તે દિવસથી જ ખળભળાવી નાખ્યો હતો. છાતીમાં સોઝો આવી ગયો હતો. દિન પ્રતિદિન એની અસર વધતી જ ચાલી, કેમકે આશાએશ લેવાની સલાહ એમણે માની જ નહિ, નેહરૂ રીપોર્ટને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો આડે એને પોતાના પ્રાણની રક્ષા સાંભરી નહિ. દિલ્હીમાં મળેલી મહાસમિતિમાં પોતે હઠ કરીને હાજરી દેવા ગયા. ત્યાંથી આવ્યા પછી એ પટકાઈને પથારીવશ બન્યા. તા. ૧૭ મી નવેમ્બરનું પ્રભાત હતું. વ્યથા વધતી હતી તે પોતે પથારીમાં પડ્યા પડ્યા મૌન મુખે સહન કરી રહ્યા હતા. એમ કરતાં પીડા અસહ્ય થઈ પડી. અબોલ લાલાજીએ બેઠા થઈને પલંગમાં પલોંઠી ભીડી, આખે માથે કામળો એાઢી લીધો, થોડીવારે ઢળી પડ્યા, આંખો મીંચી દીધી, પોઢી ગયા. મૃત્યુની ગોદમાં. થોડીવાર તો પાસે બેઠેલ પૌત્રને લાગ્યું કે દાદાજી નિદ્રા કરે છે. પણ પછી સંદેહ પડ્યો. દોડીને સહુને બોલાવ્યા. ટેલીફોન કરીને દાક્તરોને તેડાવ્યા. મૃતદેહની મુખમુદ્રા પર એટલી બધી તાઝગી હતી કે દાક્તરોએ આવીને જ્યારે મૃત્યુ જાહેર કર્યું ત્યારે જ શ્રદ્ધા બેઠી કે દીપક ઓલવાયો છે.

લાલા હંસરાજ આવ્યા ને ભાઈ પરમાનંદ આવ્યા. બાલ્યાવસ્થાથી જ દોસ્તીની ગાંઠે બંધાયેલા ત્રણે ગોઠીઆ હતા. જીવનનાં પ્રત્યેક કાર્યોમાં ત્રણેએ સાથે મળી સેવા દીધેલી, પરંતુ છેલ્લે છેલ્લે ભાઈ પરમાનંદની પ્રકૃતિએ પલટો લીધેલો, લાલાજીની સાથે ઉગ્ર મતભેદ પડેલો. લાલજીના ઉતાવળીઆ સ્વભાવે બન્ને વચ્ચે અંગત વિચ્છેદ પાડેલો. ઘણા દિવસથી ચાર આંખો પણ ભેળી નહોતી થઈ. આજ મિત્રના શબના પગ પાસે ઉભેલા એ 'ભાઈજી'ને સાઠ વર્ષનો ભૂતકાળ સાંભરી આવ્યો. મૃત બાંધવાના સૂતેલા, સૌમ્ય, સ્નેહનીતરતા મુખ સામે 'ભાઈજી'ની મીટ મંડાઈ ગઈ. એનાં નેત્રોમાંથી અશ્રની ધારાઓ ચાલવા લાગી. મિત્રના ચરણ ઝાલીને 'ભાઈજી' નાના બાલકની માફક રોયા. સાંજરે સારૂં હિન્દ રોયું, દેશદેશાવરમાં અનેક નાનાં મોટાં સ્નેહીજનોએ પણ અશ્ર સાર્યાં. જેણે જેણે લાલાજીને દૂભવ્યા હતા તે તમામને દિલમાં ચીરા રહી ગયા. જેને જેને મરનારે દૂભવેલા તેના વ્રણો ઉપર એ નિર્દોષ મહાવીરના મૃત્યુએ ક્ષમાની ફુંક મારી રૂઝ વાળી દીધી. “He was ever a brave man, the bravest of the brave, and therefore he would wish no better death than that by which he died. “એ વીર હતા, વીરોનો પણ વીર હતો. અને આના કરતાં બીજું કયું બહેતર મૃત્યુ એ માગી શકત !”

[દીનબંધુ એન્ડ્રુઝ]