નિહારિકા/આખર સલામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભાગ્યવાન નિહારિકા
આખર સલામ
રમણલાલ દેસાઈ
માયામોહિની →


આખર સલામ


૦ હરિછંદ ગીત ૦

પ્રિય અંકમાં આરામ સુખભર !-
બિંદુ મુખ પર શેં ખરે ?
કયમ સ્નેહીઓ વીંટી પથારી
દીર્ઘ નિઃશ્વાસો ભરે ?

હા ! સ્નેહમુખ આશાનિરાશા
યુદ્ધ કરતાં જોઉં છું.
એ હૃદયશોભન સ્નેહમાં
વીતક-સ્મરણ હું ખોઉં છું.

મુજ આંખ ઊંંડે ગર્કતી,
ભારે ન પાંપણ ઊપડતી,
પણ એક વેળા અંત સમયે
છેલ્લું છેલ્લું નીરખતી.

ભેટ્યો હતો હું કોકને,
કો મુખ ઉપર ચુંબન લીધાં,
કો નયનને લૂછ્યાં ! સહુ
ડૂબતાં હૃદય પર તરવરે.

રસના તણી શક્તિ ઘટી,
મનભાવ ના બોલી શકું,

હૈયે ઊછળતા ઊભરા ના
આખરે ઢોળી શકું.

બળથી હું બોલું તો ય, ઘેલાં,
અશ્રુ ક્યમ ?...નવ ઢાળશો.
પ્રભુ મોકલે આમnત્રણો
તેને શું પાછાં વાળશો ?

દીપક પણે ઝાંખો બળે,
ગૃહ શૂન્ય શાન્ત બની રહે,
જગ ભૂલતા કર્ણે કદી
શ્રી રા મ ના મ ધ્વ નિ વહે.

ઊંડાં ઊતરતાં આત્મચક્ષુ
ભૂત જીવન નીરખતાં;
અંધારભર ભાવિની મૃત્યુ-
ચા વી ને અ વ લો ક તાં.

બહુ પાપના પુંજે ચમકતી
પુણ્યની ઝીણી કણી;
જાણું ન ભાવિ જીવનને
ક્યમ દોરશે જ્યોતિભણી.

કો રત્ન અંગુલી દોરતી
ઘન તિમિરને અજવાળતાં;
ખેંચાય મારા પ્રાણ
અણભાળ્યા પ્રદેશો ભાળતાં.

હોલાય તેજ ભલે અહીં !
એ ઊઘડશે અન્ય સ્થળે;

વ્યાપક અનન્ત અગાધમાં
સ્થળકાળના ભેદો ટળે

અહીં મૃત્યુ, ત્યાં જીવન ઝગે,
હિન્ડોલ છાયાતેજનો !
સહુ ઝૂલતાં, ઝૂલશે સહુ,
ઝોલો લઉં હું અનન્તનો !

આકાશમાં કો તેજબિન્દુ
સુકાય ને તારો ખરે;
ટોળે વળી એનાં સ્વજન
દુઃખભાર ભર ડગલાં ભરે.

પૃથ્વી પડે દાટી-અરે,
બાળી, જશે નિજ સ્થાનમાં;
દિનભર વદન સંતાડશે નિજ
સ્ને હી ના અ વ સા ન માં.

મુજને ય એમ લઈ જજો
પૃથ્વીપડોમાં દાટજો;
વા અગ્નિ સળગાવી ચિતામાં
તનની રાખ બનાવજો.

છલકાય સ્નેહથી હૈયું ઘડી તો
અ શ્રુ બિ ન્દુ ઢા ળ જો;
અથવા ‘’પ્રભુને જે ગમ્યું તે
ખરું’ કહી મન વાળજો

જાઉં હવે વ્હાલાં ! તમારો
પ્રેમ હજી ખેંચી રહ્યો;


મુજ વાંકદોષ વિસારી અન્ત-
ક્ષણે ક્ષમા અર્પી દિયો.

છેલ્લું નિહાળી લઉં, હું છેલ્લું
ભેટી લઉં, વળી રડી લઉં.
છેલ્લું હસી, આખર સલામ કરી
હવે હું જાઉં છું!