નિહારિકા/ભાગ્યવાન
Appearance
< નિહારિકા
← એક પ્રશ્ન | નિહારિકા ભાગ્યવાન રમણલાલ દેસાઈ |
આખર સલામ → |
ભાગ્યવાન
૦ પહાડી ગઝલ ૦
લય – સદા સંસારમાં સુખદુઃખ સરખાં માની લઈએ
ભર્યાં ભરપૂર ઘેરાં ગૂઢ કાળાં ભાગ્ય વારી
મૂકી મેં તો મધ્ય દરિયે નાનકડી નાવ મારી !- ભર્યાં
સાખી ]
અથાગ ઊંંડાણે થકી ઊભરે તાણ મહાન;
તોફાન સઢ તોડીયા, છૂટી ગયું સુકાન
રૂંધાતી દિશાઓ સર્વ, સૃષ્ટિ ચાંપે તિમિર ભારી;
નિર્બલ આ વ્હાણવટી મધ્ય જોતો બેઠો હારી!–ભર્યાં
સાખી ]
ઝોલાં ખાતું નાવડું, ઝોલાં ખાતું ઉર !
પળપળ ભીતી લાગતી ગળશે બેને પૂર !
જોયું ઘનઘોર તો યે હોડલી મેં શું હંકારી?
કરંતા વારિનો વિશ્વાસ ઘેલા જોયું ન વિચારી !–ભર્યાં