નિહારિકા/કલાપીને
← દેવો મજૂર | નિહારિકા કલાપીને રમણલાલ દેસાઈ |
પાર ઉતારો → |
કલાપીને
શિખરિણી ]
મીઠી વાણી તારી વિલસી અમ કુંજો ભરી ભરી.
અનેરાં સ્વપ્નો ને અણદીઠ ભૂમિદ્વાર ઊઘડ્યાં.
વિશુદ્ધિ વીંટેલી પ્રણયતણી મૂર્તિ સ્ફુટ બની–
નમેલી ચિંતાએ-તરતી ધીમી અશ્રુ ઉદધિમાં !
❋❋❋
વહ્યાં તારાં હૈયાં થકી ઝરણ ઝાઝાં પિયૂષનાં,
રસાળી લીલી ને રૂપવતી બની ગુર્જર ભૂમિ.
યુવા તેને તીરે વિહરી પઢતી સ્નેહલ–ગીતા.
મીઠું સાચું રોતાં પ્રણયી યુગલો નિત્ય શીખતાં.
❋❋❋
અનુકંપાપ્રેર્યું હૃદય તુજ ગુંજે રુદનને,
મીઠા રોતા સાદે ઝીલતી તુજ વાણી હૃદયને;
સિતારી તારીમાં મધુર મધુરી વાગી ગત, ને
અમૂલ કો કંપે શરીર મન ઉઠ્યાં ઝણઝણી.
❋❋❋
મન્દાક્રાન્તા ]
અશ્રુણીનાં નયન તુજનાં પ્રેમની પીડ રોતાં;
ચિરાયેલું જિગર તુજનું પ્રેમને કાજ તલસે;
તારી વાણી ઊચરી રહી કો પ્રેમની શુદ્ધ ધૂન;
તારે હસ્તે દિન નિશ ફરે એક એ પ્રેમમાળા.
❋❋❋
અનુષ્ટુપ ]
પ્રેમને પ્રભુની વચ્ચે વિરાજી રહી એકતા.
બતાવ્યું તેં બની પ્રેમી પ્રભુતામાં પ્રવેશવા.
❋❋❋
શિખરિણી ]
અરે તારે રોવું દુઃખની ભરી ભાળી છબી કંઈ,
વળી રોવું નૃત્યે થનગન થતાં પ્યારી સમીપે;
ઊંડા આભે રંગો નીરખી, વળી સંગીત મીઠડાં
સૂણી; તારા ભાળી, નયન ક્યમ તારાં છલકતાં ?
❋❋❋
ઉપજાતિ ]
નિઃશ્વાસના શ્વાસ ભર્યું જીવિત,
સાધુત્વમાં પ્રેમ તણું નિમિત્ત;
સંપૂર્ણ આનંદની શોધ માંહે
અથાગ કો ત્યાગ ભરેલ ચિત્ત.
❋❋❋
શાર્દૂલવિક્રીડિત ]
આછી ખીલી કલા-કલાપ અધૂરો વિસ્તારને પામતો–
કેકા સ્થિર બની સૂરાવલી તણા પ્રસ્તારને પામતી–
આંબા ટોચ પરે ઊડી ઝૂકી – ઝૂલી માપે નભોમંડલ–
ક્યાંથી વાણી વિલાઈ ? -રંગ ફટક્યો ? –સંકેત પામી કલા !
❋❋❋
શિખરિણી ]
અરે મારા મોંઘા મયુર, ક્યમ વીંધી ગગનને
ઊડી ચાલ્યો, છડી લીલી બનતી વાડી અમતણી ?
જરા તો જોવું’તું ઉજડ બનતાં આંગણ ભણી !
જરા રોકાવું’તું હૃદય કુમળાં ખાખ કરતાં !
❋❋❋
ઉપજાતિ ]
સંતો તણો સંગ ગમે સહુને,
કલાધરોની સહુ મૈત્રી શોધે.
કરાલ કાલે પડતાં અકેલાં
ઉપાડિયો શું પ્રિય એ કલાપી ?
❋❋❋
અનુષ્ટુપ ]
તારી યાદી તણા ફેલ્યા કલાપી પડઘા બધે !
હવે એ પડઘા કેરી ઘડી મૂર્તિ તને નમું !