નિહારિકા/દેવો મજૂર

વિકિસ્રોતમાંથી
← બાલવીર નિહારિકા
દેવો મજૂર
રમણલાલ દેસાઈ
કલાપીને →




દેવો મજૂર


ધોમ ધખ્યા, ધરતી લખલખતી,
ઊની ઊની લૂ વાય;
ચકલું સુદ્ધાં ચીં ચીં કરે નહિ
કોણ ઊભું બાળે કાય?
લૂછે કોણ હાથે પરસેવા?
ગમાર મજૂર એ દેવો !
મજૂરોને થાક તે કેવો ?

મોટે મળસ્કે દેવો જાગે
લેતો રામનું નામ.
રામે દેવાને બદલે દીધું
સડક ખોદ્યાનું કામ !
દેવો ઊઠે ધીમે પગલે;
દરિદ્રતા તો ઢગલે ઢગલે;
નિરાશા તો પગલે પગલે.

ઝૂંપડીએ પૂરો ઝાંપો નહિ, સૂતાં
ભોંયે બાલ નવસ્ત્ર.
બૈરી એની મૂઠી બંટી ને બાવટો
ખાંડી રહી શ્રમત્રસ્ત
ખુલી છાતી–ઊતરે રેલા!
ચીંથરિયા ચણિયાની વેલા,

અડધો રોટલો ફાળિયે બાંધી
દેવો નીકળે બહાર;
શ્વાન ભસે ને શિયાળ રૂએ–
નવ દેવાને કંઈ દરકાર.
દેવે નાખી કોશને ખાંધે.
શુકન શાં ગરીબોને લાધે ?

દિન ચઢ્યે દેવો સડકે આવે,
દેતો મુકાદમ ગાળ;
દેવાને હૈયે એ પહોંચે નહિ,
એને ગાળથી ના ચઢે ઝાળ,
કોદાળીને ઝટપટ ઉપાડી.
સડક કેરી કપચી ઉખાડી;
દેવે એમ બપોર વિતાડી.

બટકું બટકું કરતાં અડધો
રોટલો પૂરો થાય
થા ક ભ ર્યા દેવા ની દૃષ્ટિ
ઝૂંપડીએ ઝટ જાય.
બૈરી બળતે પગ આવી,
મરચું અને રોટલો લાવી.

ભૂખ મટી? કે પેટ તણો ભૂંડો
ખાડો ન વ પુ રા ય ?
દેવાનું મુખ કે આંખ ન બોલે;
બોલે એની કૃશ કાય:
દેવો રોજ ભૂખે મરતો;
મૃત્યુ કેરી સડકે સરતો.

મુકાદમની મસ્તી મશ્કરી
ઝી લ ની બૈરી જાય.
મોત સમી શીત આંખ દેવાની
ક્ષણભર જો ઝબકાય.
દેવો પાછો કામે ભાગે;
મજૂરોને ખોટું ન લાગે.

સાંજ પડે એ સડકે ફરશે
સાહેબ શેઠ અમીર.
દેવા, સમાલ ! રખે કોઈ રસિયાને
હેલો લાગે લગીર !
જશે તારી આજની રોજી !
મજૂરે થવાય ન મોજી.

તારી સમારેલી સડકે ફરશે
વાહન અપરંપાર.
તારે જવું પગ ઘસતાં દેવા,
પગદંડીની યે બહાર.
તારે ક્યાં છે બંગલા રહેવા?
ઝૂંપડીએ રસ્તા કેવા ?

બાબાગાડીમાં ફૂટડા બાલક
હસતાં રમતાં જાય.
દેવા, તારાં બાલક માટે
ધૂળના ઢગ ઊભરાય.
મેલા ઘેલાં વસ્ત્ર વિનાનાં,
ઉછેર મજૂર એ નાનાં !
મજૂરોને રૂપ તે શાના?

નાટક, મિજલસ, કીર્તન, ભાષણ :
ધનવાનોનાં કામ.
તારે કાજ સમાજે રચિયાં
આનંદ કેરાં ધામ !
રખે થાકી ભમતો, ભૂલ્યા !
તારે માટે પીઠાં ખુલ્લાં.