નિહારિકા/ખાલી ઝોળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આંખે પડદા નિહારિકા
ખાલી ઝોળી
રમણલાલ દેસાઈ
તોફાન →
ખાલી ઝોળી


૦ ગઝલ ૦

ભટકતા જંગલે જંગલ પુકારી ઇશ્કની બાંગો;
ઘૂમે સૂનકાર ત્યાં સઘળે ! હમારી ઝોળી ખાલી છે !

મઢી ને ઝુંપડી ઢૂંઢી, કમાડો કૈંક ખખડાવ્યાં,
ન સૂતાં કોઈ યે જાગે, હમારી ઝોળી ખાલી છે !

કદી ફરતા શહેરોમાં, નિહાળી લાલ કફનીને
કરે સહુ બંધ દરવાજા; હમારી ઝોળી ખાલી છે !

મહેલોની દીઠી રૌનક, ગયા આશાભર્યા, ત્યાં તો
ચઢેલી ભમ્મરો દેખી ! હમારી ઝોળી ખાલી છે !

ગયા મસ્જિદ મંદિરે, બધા ત્યાં પાક મરજાદી;
ન અડકે આ અસ્પૃશ્યોને, હમારી ઝોળી ખાલી છે !

સદાવ્રત સ્નેહનાં ક્યાં છે ? પરબ ક્યાં પ્રેમની બેસે ?
બતાવો જાણતા હો તો ! હમારી ઝોળી ખાલી છે !

અમી આંજી નજર ક્યાં છે ? જિગરનાં આંસુડાં ક્યાં છે ?
થશે બસ એક બિંદુથી ! હમારી ઝોળી ખાલી છે !