નિહારિકા/ચંદ્રને પ્રશ્ન
← વનલીલા | નિહારિકા ચંદ્રને પ્રશ્ન રમણલાલ દેસાઈ |
મંગલ સંકલ્પ → |
ચંદ્રને પ્રશ્ન
૦ વસંતતિલકા
ઘેલી કૂણી કુમુદનાં રસમસ્ત હૈયાં
આકર્ષતું મુખ તું ક્યાં થકી ચંદ્ર પામ્યો ?
ક્યાંથી થયો રજનીયોગ લલિત તારે ?
સોળે કળાની પ્રતિમા જગનૈન ઠારે !
હીરાજડિત ભૂમિ ઉપર ચાલવાનું
આકાશ ગંગતણી ઊર્મિ ઉછાળવાનું,
શુક્રીની સંગ રમવાનું કદી કદી : એ
પામ્યો કયા તપથી, ચંદ્ર બતાવજે તું.
રૂપેરી રંગથી બધું જગ રંગવાની
તારી પીંછી કવણ દેવદીધેલ, ચંદ્ર ?
કો દિવ્ય પાત્ર ભરી અમૃતરંગ રેલે ?
રશ્મિ ઝીલી જલધિનાં ઉર કેમ ખેલે ?
જ્યોત્સ્નાભર્યું મુખ ઘડ્યું રતિકામદેવે ?
શું તેજના અમર કો ઝરણે તું નાહ્યો ?
કે અગ્નિની હરી લઈ બધી ઉષ્ણતાને
શીતાગ્નિરૂપ પ્રભુએ તુજને બનાવ્યો ?
સંયોગીનાં hRદય નિત્ય હસાવતો તું
વિયોગીનાં હૃદય તપ્ત ધિકાવતો તું;
ઘેલાં બનેલ પ્રણયીતણી ઘેલછાના
ક્યાંથી છૂપા પ્રબલ ધોધ ઊછાળતો તું ?
તું વ્યોમમાં લટકી લાસ્ય કરે રૂપાળાં;
કોને રિઝાવી કરતો તું કટાક્ષચાળા ?
તું એકલો રટણ કો પ્રિયનું કરંતો ?
કે કોઈ ગૂઢ રમણીહૃદયે ૨મંતો ?
તું વ્યોમમાં વિહરતો રસજ્યોતિગોલ !
પૃથ્વી ઘનત્વભર પાર્થિવ મુજ બોલ !
સાંધી રહ્યો જીવનદોર મને તને કો
જાણું નહીં – પણ અનુભવું કંઈક ભાવ :
વ્યાપ્યો સમસ્ત જગ પાછળ કો પ્રકાશ;
જોડી રહ્યો શું જડ ચેતન એક પાશ ?
રોધી રહ્યો તું જડ ગોલ ઊંચી અટારી ?
કે ચંદ્ર, શું પરમ જીવનની તું બારી ?