નિહારિકા/જીવન વહેણ
Appearance
< નિહારિકા
← જનનયને જલ | નિહારિકા જીવન વહેણ રમણલાલ દેસાઈ |
શું કરું ? → |
જીવનવહેણ
૦ લલિત છંદ o
હૃદયથી કરી પ્રિયને જુદાં,
લઈ જવાં અરે જો સ્મશાનમાં;
દૃગથી ઢાળવી અશ્રુઅંજલિ;
જીવન એમ આ જાય છે વહી!
નયનથી છબી લુપ્ત શું થતી ?
હૃદય સત્ય તે ના સ્વીકારતું;
રડતું, ખોળતું, તે ય થાકતું,
સૂઈ જતું – ફરી અશ્રુ ઢાળવા !
દિવસ વીતશે વર્ષ યે જશે.
કદી મુખે જરા સ્મિત આવશે;
જગત જાણશે દુઃખ તો ગયું―
પણ શું દુઃખના ઘાવ રૂઝતા ?
સ્મરણ સ્નેહીનાં અંતરે છુપ્યાં,
પ્રગટ તે થતાં મધ્ય રાત્રિએ;
ઉશીકું એકલું સાક્ષી અશ્રુની―
જગત જાણશે દુઃખ તો ગયું !