નિહારિકા/શું કરું ?
← જીવન વહેણ | નિહારિકા શું કરું ? રમણલાલ દેસાઈ |
અંધકાર ઊભરાય → |
શું કરું ?
૦ છંદ હરિગીત o
બુલબુલ ઊડ્યું ગુલઝારથી
ગુલ ગુલ બધાં ધરણી ઢળ્યાં;
ગુલશન પડી મારી સૂની,
એ ગુલશને જઈ શું કરું?
આંબે ન આવ્યો મો’ર, ટહુકી
કો કિ લા ન સ વા ર માં,
અભ્રે રવિ ઉગતાં જ છાયો !
શું કરું હું વસંતને ?
નવ સમીર મૃદુ શીળો વહે,
ઊઠે ન ઊર્મિ સર મહીં,
મુજ હૃદય પણ જડ બની રહે;
સરવરતીરે જઈ શું કરું?
વહાલાં તણાં હૈયાં ન ઊછળે.
પ્રેમ નવ નયને વસે,
પણ એકલા મુખથી હસે,
એ વ્હાલ લઈ હું શું કરું ?
ફિક્કી બની એ ચંદ્રિકા,
બેતાલ મુજ સંગીત બન્યું,
તંદ્રા ભરી મુજ નયનમાં,
જાગરણ મહીં હું શું કરું ?
ફલ કેવડે કંટક છૂપ્યા,
ચાદર બની અશ્રુભીની,
તકિયે ઊઠે પડઘા રુદનના,
શું કરું હું બિછાતને ?
ગાજે ન પ્રભુનાં ગાન,
મન ગળી જાય પ્રભુતામાં નહીં;
હૃદયે વિકાર જડ્યા રહે, તો
મંદિરે જઈ શું કરું ?
દિલમાં પડ્યા કારી જખમ,
મરહમ નથી ઘા રુઝવવા,
હૈયા મહીં કળ નથી વળી;
રોયા વિના બીજું શું કરું ?
જાગે ભૂતાવળ કબ્રથી,
સંસાર શયતાને ગ્રહ્યો,
નવ શાન્તિ જીવનમૃત્યુમાં,
આ જિન્દગાની શું કરું ?