નિહારિકા/નેહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અંધકાર ઊભરાય નિહારિકા
નેહ
રમણલાલ દેસાઈ
મૂંઝવણ →


નેહ


૦ રાગ-દેખો સખી ડોલરિયો ૦

દાઝે છે તો ય એ તો દોડે.
રોકાય ના પતંગ જ્યોતઘેલો.

વાર્યો રહે નહીં, હાર્યો કહેવાય નહીં.
પડતો એ ઝાળમાંહી પ્હેલો !—
રોકાય ના પતંગ જ્યોતઘેલો.

તરસ્યો કુરંગ જરી લે ના વિસામો.
મૃગજળનો ન મળે રેલો !
રોકાય ના પતંગ જ્યોતઘેલો.

વારિ ભરેલી કાંઈ વાદળીઓ વરસે.
તરસ્યો એ ચાતક અકેલો !
રોકાય ના પતંગ જ્યોતઘેલો.

સંતાડે તેજભર્યું મુખ ચંદ્ર તો યે
ઉદધિ રહે છે ઊછળેલો !
રોકાય ના પતંગ જ્યોતઘેલો.

ચાહ, ન ચાહે પ્રિય તેનું ન ભાન રહે,
એવો એ નેહ અલબેલો !
રોકાય ના પતંગ જ્યોતઘેલો.