લખાણ પર જાઓ

નિહારિકા/મૂંઝવણ

વિકિસ્રોતમાંથી
← નેહ નિહારિકા
મૂંઝવણ
રમણલાલ દેસાઈ
ભસ્મીભૂત →


મૂંઝવણ


૦ લય – આવો આવો ને સખીઓ આજ ૦

મન કુમળું કર્યું શેં નાથ ! દુઃખ જવ સરજ્યું રે !
ફૂલ પાછળ કંટક, દેવ ! એ શું નિરમ્યું રે ?

જગ સુન્દરતાનાં તેજ પીતાં નયનો રે;
એ નયને કંઈ કંઈ વાર શાનાં વહનો રે !

તપે સૂરજ ચન્દ્ર અખંડ નૂરની ભરતી રે;
પણ તિમિર પ્રચંડે નાથ જનતા તરતી રે !

જગનાં અમીપોષણ કાજ વર્ષા આવે રે;
ભયભર વીજ ને ઘનનાદ ક્યમ એ લાવે રે ?

આ જીવનકેરું તન્ત્ર શ્વાસે ચાલે રે
એ શ્વાસ મહીં નિઃશ્વાસ ધડકી હાલે રે !

મનને દીધી ઊડવાં પાંખ –ગગને ઘૂમતું રે;
તન બાંધ્યું પૃથ્વી સાથ –જડમાં ભમતું રે !

જન જન્મ વધાઈ સાથ મન આનંદે રે,
ત્યાં કાલ કરાલ અઘોર રમે સ્વચ્છંદે રે !

ભર્યું પ્રેમસરોવર, છોળ મનભર ફેલે રે,
ત્યાં વેર હળાહળ ઝેર ક્યાંથી રલે રે ?

સચરાચર વ્યાપી દેવ અણુ અણુ ૨મતા રે,
પળ વિપળ દર્શ નહિ ! એમ પ્રભુ, ક્યાં શમતા રે ?