લખાણ પર જાઓ

નિહારિકા/વિધવા

વિકિસ્રોતમાંથી
← જોગીને સંદેશ નિહારિકા
વિધવા
રમણલાલ દેસાઈ
પતન →


વિધવા


૦ વસંતતિલકા ૦

ભાલે ન ચંદ્રક, ન કંકણ હસ્ત માંહય;
ધાર્યું શરીર પર વસ્ત્ર જ એક શ્વેત;
ચક્ષુ જડ્યાં ક્ષિતિજમાં, ખસતાં ને ત્યાંથી;
ભાળી રહી પૃથિવી પાર ગયેલ પ્રિય !
 
સ્વસ્તિક નિર્જીવ સમો કરનો ય વાળી
ઊભેલી આરસ તણી પૂતળી શી બાળા !
શું એ હશે જડ?– ન સુન્દરતા કદી યે
ચૈતન્ય વિણ જગમાં નજરે ય આવે.
 
ચૈતન્ય એ જડ મહીં બદલાયું લાગે;
એક સ્થળે તન અને મન તીવ્ર ચોટ્યાં;
હાલે ન કાંઈ પણ માત્ર જ વસ્ત્ર હાલે;
કે કો ક્ષણે ત્વરિત પાંપણ હાલતી'તી.
 
આકાશ મધ્ય થકી સૂર્ય ઢળી જઈને
રોતાં ૨તાશભ૨ કિરણ રેલાતો’તો.
ગાલે ઝીલી લગીર રશ્મિ સુબાલ જાગી ?
કે કંઠથી અસીમ દુઃખ પુકારી બોલ્યું ?

લલિત ]

‘નયન વાટડી શી નિહાળવી?
નચવતી હવે મૂર્તિ તે ગઈ.

ઠરી રહો સદા ! શુષ્કતાભર્યા
જીવનમાં જુઓ મૃત્યુના ભણી.

હૃદય શેં હવે ધડકવું ગમે?
ધડક ઝીલતા પ્રિય એ ગયા !
ઉજડ તું બન્યું તો ય શેં જીવે?
પ્રિય તણી નથી સોડ દેખવી.

સાખી ]

અંધકાર જગમાં ભર્યો, મુજ અન્તર અંધાર;
એક ઘડી ઘડી ઝબકતા નાથે તણા ભણકાર !’

શાર્દૂલવિક્રીડિત ]

આકાશે નથી વાદળી, નવ હજી વીતી ગઈ રાત્રિ વા;
ક્યાંથી આ સમયે તુષાર સરીખાં ભીનાં ખરે મૌક્તિકો ?
વાણી બોલતી? કે અબોલ નયનો વિલાપ ઉચ્ચારતાં?
કયાંથી કર્ણ વિષે પડે હૃદયને રેલાવતી પંક્તિઓ ?

ગરબી ]

‘આંસુડાં પાછાં વળો, પાછાં વળો !
હાં રે હવે અંજલી ધરીને કોણ ઝીલશે?
હે આંસુડાં પાછાં વળો, પાછાં વળો!
 
હાં રે હારી થાકી વિયોગિની આ બેસશે.
હાં રે એના ભીના કપોલ કોણ લૂછશે ?
હો આંસુડાં પાછાં વળો, પાછા વળો !

હાં રે આગ ઊના નિસાસે હૃદય ધીકશે !
હાં રે ત્યારે થાકેલાં ચક્ષુ કોણ ચૂમશે ?
હો આંસુડાં પાછાં વળો, પાછાં વળો !

સાખી ]

જે પંથે પ્રિય પરવર્યા તે પંથે જ પ્રયાણ !
એક મૃત્યુ દર્શાવતું પ્રિયતમની એંધાણ! ’