લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/અષાઢી વાદળી

વિકિસ્રોતમાંથી
← આયુષનાં પર્વ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
અષાઢી વાદળી
ન્હાનાલાલ કવિ
કદંબનાં ફૂલ →



અષાઢી વાદળી

  
વીજે ભરી, રે હો ! વીજે ભરી,
આ આષાઢી વાદળી વીજે ભરી.

ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.

કુંકુમ થાળ લેઇ આવી સોહાગણ;
સોહાગકિરણોની ઝરમર ઝરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

ઓઢી રૂપચુન્દડી રમતી રઢિયાળી;
રૂપના સાગરિયાની એ સુન્દરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

હૈયાની વેલને અમીનાં ફૂલ ઉગિયાં;
ઉરની રસમૂર્તિ શું આભ ઉતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.