ન્હાના ન્હાના રાસ/એ રત
Appearance
← માયા ઉતારી | ન્હાના ન્હાના રાસ એ રત ન્હાનાલાલ કવિ |
સ્વપ્નાં → |
૧૩
એ રત
મ્હોરી-મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ઝીલે નીરે સારસ સરોવર પાળ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ચંદ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ઉભી ઉભી નીરખું છું વાટ, અલબેલ રે !
એ રત આવી, ને રાજ ! આવજો !
ફૂલડેથી લૂમી-ઝૂમી મ્હારી વેલ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !