લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/કાળની ખંજરી

વિકિસ્રોતમાંથી
← કાશ્મીરી શાલ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
કાળની ખંજરી
ન્હાનાલાલ કવિ
જરા થોભ →



કાળની ખંજરી

કાળની ખંજરીના ઝણકાર
ઝીલજો, ભવરણના રમનાર !

રજની આથમે, દિવસ ઉગે છે,
દિશા ઉઘાડે બાર,
યુગ ઉતરે, નવયુગ બેસે આ;
એના મહાઉચ્ચાર-
વીરના એવા ધનુટંકાર
ઝીલજો, ભવરણના રમનાર !

શીંગી વાગી, શંખ પૂર્યા,
દુંદુભી દે છે વિધિકોલ;
અવનીઉરમાં, ગગનગુફામાં
ગાજે યુગના બોલ:
ભૂતભાવીના એ ભણકાર
ઝીલજો, ભવરણના રમનાર !


રુદ્ર ન્હોતર્યા, જોગણી ન્હોતરી,
ન્હોતરિયા યમદેવ;
ભાગ્યબોલ બોલે છે આજે
કાળપુરુષ સ્વયંમેવ:
ઝીલજો, ભવરણના રમનાર !
કાળની ખંજરીના ઝણકાર

કાળની ખંજરીના ઝણકાર
ઝીલજો, ભવરણના રમનાર !