ન્હાના ન્હાના રાસ/જરા થોભ

વિકિસ્રોતમાંથી
← કાળની ખંજરી ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
જરા થોભ
ન્હાનાલાલ કવિ
જાવા દ્યો, જોગીરાજ! →



જરા થોભ

ચન્દ્ર ! જરા જાતાં-જાતાં તો બાપુ ! થોભ.
વીર ફૂલડે વધાવું,
મ્હારે હઇડે હુલાવું :
જરા જાતાં-જાતાં તો બાપુ ! થોભ.

આવ, આંખડીમાં ચન્દ્ર ! મૂકી રાખું;
મ્હારા માથાનો મુગટ કરી ઝાંખું;
મ્હારા મન્દિરના દેવ સ્થાપી પૂજું-પૂજાવું, હો ચન્દ્રજી !
વીર ! ફૂલડે વધાવું,
મ્હારે હઇડે હુલાવું :
જરા જાતાં-જાતાં તો બાપુ ! થોભ.

રસરાસ અધૂરા કો રહી જશે;
કંઈ-કંઇની બેલડીઓ યે તૂટશે;
પ્રાણ વારૂં, પાલવડો પ્રસારૂં, ઉભા રહો, હો ચન્દ્રજી !
વીર ફૂલડે વધાવું,
મ્હારે હઇડે હુલાવું :
જરા જાતાં-જાતાં તો બાપુ ! થોભ.

ચન્દ્ર ! જરા સાચું-ખોટું તો બાપુ ! થોભ