ન્હાના ન્હાના રાસ/કાશ્મીરી શાલ

વિકિસ્રોતમાંથી
← કદંબનાં ફૂલ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
કાશ્મીરી શાલ
ન્હાનાલાલ કવિ
કાળની ખંજરી →



કાશ્મીરી શાલ

હું તો ઓઢું-ઓઢું ને સરી જાય રે
મ્હારી કાશ્મીરી શાલ;
મ્હારૂં હ્રદય ઢાંકુ એવી બતાવ, સખિ રે!
કોઇ લાજવણ શાલ. ધ્રુવ.

ધરી ઝોળી એક યોગીરાજ આવિયા રે લોલ;
મ્હેં તો છાતી પર છુન્દણાં પડાવિયાં રે લોલ;
મોંઘા ભિક્ષામન્ત્ર મનડે જડાવિયા રે લોલ;
પછી ઓઢવા ખરીદી આ રસાલ
મ્હારી કાશ્મીરી શાલ.

મ્હારું હ્રદય ભરાયું અને વાધતું રે લોલ;
મ્હારી ચોળી કેરાં બન્ધનો હરાવતું રે લોલ;
મ્હારા સાળુડાનું પોત તો આછું હતું રે લોલ;
પછી ઓઢવા ખરીદી આ વિશાલ.
મ્હારી કાશ્મીરી શાલ.


મ્હારે હૈયે બ્હેન! શાલ ન આવી રહે રે લોલ;
મ્હારી લાજ કેરાં ચીર તે લેતી વહે રે લોલ;
રખે ! ઉરલેખ લોક કો વાંચી લહે રે લોલ;
મ્હને ગૂંથી આપ, રાજવણ બાલ!
એક અદ્ભુત શાલ.

મ્હારૂં હ્રદય ઢાંકું એવી બતાવ, સખિ રે!
કોઇ લાજવણ શાલ.