ન્હાના ન્હાના રાસ/નેણલનાં મહેમાન

વિકિસ્રોતમાંથી
← નીર ડોલે ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
નેણલનાં મહેમાન
ન્હાનાલાલ કવિ
ન્હોતરાં →



નેણલનાં મહેમાન

આભમાં ઉગતી કલાનો ચન્દ્ર ઉગ્યો,
કે ચન્દની શું મટકાં ભરે રે લોલ;
જાણે કોઈ બ્રહ્મપુરનો રમનારો
આગમની વાતું કરે રે લોલ.
ન્ય્હાળ્યા--ન્ય્હાળ્યા પાંપણને પલકારે,
ત્ય્હાં દેવ શા ઉડી જશો રે લોલ;
એવા મ્હારા આતમના મહેમાન !
કે ક્ય્હારે પાછા આવશો રે લોલ ?

મીઠડા મધુરસ ટહુકે મોરા,
કે વીજળી ઝબકે ઝીણી રે લોલ;
જાણે કોઈ સ્નેહભૂખી મીટડી મટકે,
પ્રચંડ ને હેયામીણી રે લોલ.
દીઠડી-ન દીઠડી ત્ય્હાં વીજ એ વિરામી,
કે કીકીઓની કુંજથી રે લોલ;

એવાં મ્હારાં મનડાનાં મહેમાન
કે આજ અહિયાં નથી રે લોલ.

લીલી-રંગલીલૂડી વગડાની વાટે
કે ઘોડીલા રૂમે-ઝૂમે રે લોલ;
પનિહારી પાણી ભરે પાણીઘાટે,
કે નેણલાં નાચે-રમે રે લોલ.
આદર્યા-ન આદર્યા અનન્તના સન્દેશા,
ત્ય્હાં આથમ્યા એ ઓરતા રે લોલ;
એવાં મ્હારાં નેણલનાં મહેમાન !
કે નિત્યનાં છે ન્હોતરાં રે લોલ.