ન્હાના ન્હાના રાસ/ન્હોતરાં

વિકિસ્રોતમાંથી
← નેણલનાં મહેમાન ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
ન્હોતરાં
ન્હાનાલાલ કવિ
પાણીડાં કેમ ભરીએ? →



ન્હોતરાં

કે આભમાં ચમકે પુનમચન્દમા રે;
કે એહવો ચમકે ઉરનો ચન્દ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.

કે ચોકમાં ઉછળે ચન્દની ચન્દની રે;
કે એહવો ઉછળે ઉર આનન્દ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.

કે કુંજમાં કોયલડી ટહુકા ઝરે રે;
કે મોરલો બોલે મનને મ્હોલ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.

કે પાદર પનિહારીઓ પડઘા પૂરે રે;
કે ગામમાં ગાજે એ રસબોલ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.


કે વાડીએ ચૈતર ચંપો મ્હોરિયો રે;
કે મ્હોર્યો વસન્તનો મુજ છોડ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.

કે ફૂલડે ફૂલડે પરિમલ જાગિયા રે;
કે જાગ્યા જીવનના કાંઇ કોડ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.

કે તારલા હરિની ઉતારે આરતી રે;
કે એવા આરતના મુજ ભાવ:
સલૂણા
દિલના દેવને ન્હોતરાં રે.

કે મ્હારી યે ઉગશે પુણ્યની પર્વણી રે;
કે આવજો ત્ય્યારે મઢૂલીએ, માવ !
સલૂણા
દિલ દેવને ન્હોતરાં રે.