ન્હાના ન્હાના રાસ/પાણીડાં કેમ ભરીએ?

વિકિસ્રોતમાંથી
← ન્હોતરાં ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
પાણીડાં કેમ ભરીએ?
ન્હાનાલાલ કવિ
પારકાં કેમ કીધાં? →



પાણીડાં કેમ ભરીએ?

સખિ ! આવે-આવે ને ઓસરે,
પાણીડાં કેમ ભરીએ ?
એવાં માહિષ્મતીનાં નીર,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! છોળ ઉછળે બધું ભીંજવી,
પાણીડાં કેમ ભરીએ ?
એને છાંટણે છંટાય મ્હારાં ચીર,
પાણીડાં કેમ ભરીએ ?

મ્હારે પાંચ-પાંચ તત્ત્વના માંડવા,
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે ત્રણ-ત્રણ ગુણની વેલ:
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે બુદ્ધિના બાગ ઉગાડવા,
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે ભરવી સંસારિયાની હેલ,
પાણીડાં કેમ ભરીએ ?


સખિ ! નીર ઉછળે એ અનન્તનાં,
પાણીડાં કેમ ભરીએ ?
એનાં ભરતી ને ઓટ છે અઘોર,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! કાળના કૂવાને કાંઠડે,
પાણીડાં કેમ ભરીએ ?
મંહી માંડી દિશાઓના દોર,
પાણીડાં કેમ ભરીએ ?

જગપંખાળાં પંખેરૂં પરવરે,
પાણીડાં કેમ ભરીએ ?
કાંઈ ઉછળે નિઃસીમના સમીર,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! આવે-આવે ને ઉભરે,
પાણીડાં કેમ ભરીએ ?
એવા આત્માની નદીઓનાં નીર:
પાણીડાં કેમ ભરીએ ?