ન્હાના ન્હાના રાસ/પારકાં કેમ કીધાં?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પાણીડાં કેમ ભરીએ? ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
પારકાં કેમ દીધાં?
ન્હાનાલાલ કવિ
પુનમની પગલીઓ →


  
હરિ ! નેહને નેણલે ઝૂલાવી
ને દેવનાં દાન દીધાં ;
પછી ભવને ભૂલામણે ભૂલાવી
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! ચન્દ્રમા શા રમકડે રમાડી,
ને દેવનાં દાન દીધાં ;
પછી આત્માની જ્યોતને બૂઝાવી
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! પાંગરાવી આભને ય ભેદી,
ને દેવનાં દાન દીધાં ;
પછી આનન્દવેલડી ઉચ્છેદી
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! અમૃતના ઓઘ ન્હોતા છેટા,
ને દેવનાં દાન દીધાં ;
પછી ખારે ખારે સાગરે ઉશેટ્યાં
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! તારલાની ચુંદડી ઓઢાડી,
ને દેવનાં દાન દીધાં ;
પછી અગ્નિની સેજમાં પોઢાડી
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! પુણ્યનાં સોણલાં પમાડ્યાં,
ને દેવનાં દાન દીધાં ;
પછી દુઃખપાપદવમાં દઝાડ્યાં
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! આજવાળે અમને ઉછેર્યાં,
ને દેવનાં દાન દીધાં ;
પછી અન્ધારે શાને ઉશેટ્યાં ?
કે પારકાં કેમ કીધાં ?

હરિ ! હોમ્યાં હુતાશમાં શે ફૂલો ?
ને દેવનાં દાન દીધાં ;
એ તે આપ, કે બ્રહ્માજી ભૂલ્યો ?
કે પારકાં કેમ કીધાં ?
-૦-