ન્હાના ન્હાના રાસ/પોઢોને

વિકિસ્રોતમાંથી
← મ્હારૂં પારેવું ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
પોઢોને
ન્હાનાલાલ કવિ
પોઢે છે →


૬૬
પોઢોને

બાલ! જરી પોઢોને, પોઢોને.

હાં રે ધીમું ધીમું ઝૂલો, નીંઝનારા!
હાં રે બાપુ હમણાં આવશે ત્‍હમારાઃ
હો બાલ! જરી પોઢોને, પોઢોને.

હાં રે હૈયે વિરમોને માવડીને મીઠેઃ
હાં રે બાપુ આવશે ત્‍હમારા વણદીઠેઃ
હો બાલ! જરી પોઢોને, પોઢો ને.

હાં રે બાપુ આવશે ત્‍હમારા અધીરાઃ
હાં રે નમી ચૂમશે નિંદરતા વીરાઃ
હો બાલ! જરી પોઢોને, પોઢો ને.

હાં રે અમી રૂપલા ચાંદલિયો ય વરસેઃ
હાં રે ત્ય્હાં તમ બાપુના શ્વેત શઢો દરસેઃ
હો બાલ! જરી પોઢોને, પોઢો ને.