લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/ફૂલડાંકટોરી

વિકિસ્રોતમાંથી
← ભૂલી જજે ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
ફૂલડાંકટોરી
ન્હાનાલાલ કવિ
પૂછશો મા →


૪૧
ફૂલડાંકટોરી



ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બ્હેન!
ફુલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર ચાર ચારણી, રે બ્હેન!
અંજલિયે છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહિં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફુલડાંમાં દેવની હથેળીઓ રે બ્હેન
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!