લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/ભૂલી જજે

વિકિસ્રોતમાંથી
← માફ કરજે, બાલા! ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
ભૂલી જજે
ન્હાનાલાલ કવિ
ફૂલડાંકટોરી →


૪૮
ભૂલી જજે

કુંજ કુંજ ફોરે નવરંગ ફૂલડાં રે,
આભમાં ઉજળો ઉગે ચન્દ્ર જો !
કોયલડી કય્હાંકથી ટહુકા કરે રે,
પ્રગટે વસન્તમો આનન્દ જો !
હો સખિ ! ત્યાહરે હતું તે ભૂલી જજે રે.

વાદળીને હિંડોળે મેહુલો રે
ઘેરું ગંભીરૂં ગંભીરૂં ગાશે જો !
વીજળીની વેલિ વિહાસશે કંઠમાં રે,
રસની અમુલખ ઝડીઓ વાશે જો !
હો સખિ ! ત્યાહરે નથી તે ભૂલી જજે રે.

મુખડે છાયાં અમૃત દેવનાં રે,
નયણે ઝબકે નમણો નેહ જો !
અંગ અંગ ઉછળે ભરતી વિલાસની રે,
સુન્દરી સોહે સમારીને દેહને જો !
હો સખિ ! ત્યાહરે ગયું તે ભૂલી જજે રે.

શરદ રાતલડી રળિયામણી રે,
ચંદનીથી ભરિયો ઘરનો ચોક જો !

પ્રિયની કીકીમાં પ્રિયતમ ડોલતા રે,
સુખના નવલા ઝૂમે ઝોક જો !
હો સખિ ! ત્યાહરે વીત્યું તે ભૂલી જજે રે.

પણ પછી કય્હારેક પ્રભુમન્દિરમાં રે
છૂપલાં અન્તર્દ્વાર ઉઘડશે જો !
ને તુજ રસભર ઉરના ધામને રે
પ્રભુનાં નિર્મલ તેજ સુહવશે જો !
હો સખિ ! ત્યાહરે સર્વ કાંઇ સંભારજે રે.