ન્હાના ન્હાના રાસ/માફ કરજે, બાલા!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હતો ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
માફ કરજે, બાલા!
ન્હાનાલાલ કવિ
ભૂલી જજે  →


  અમો જોગીના જોગ માફ કરજે, બાલા !
ત્હારા ભોગીના ભોગ અંગ ધરજે, બાલા !

અમો સ્નેહ કેરા સાધુ, માફ કરજે, બાલા !
મળ્યા મુખડાના માધુ ત્હારા, વરજે, બાલા !

અમો સુખના સંન્યાસી, માફ કરજે, બાલા !
હવે હસતા શું હાસી કોડ પૂરજે, બાલા !

અમો સ્મરણોના સંગી, માફ કરજે, બાલા !
મીઠી રમતોના રંગીને નોતરજે, બાલા !

અમો રસના ઉપાસી, માફ કરજે, બાલા !
રૂડા વિશ્વના વિલાસી સાથ સરજે, બાલા !

અમો તનડાના ત્યાગી, માફ કરજે, બાલા !
એક સુન્દર સોહાગી સંગ ઠરજે, બાલા !

અમો રૂપના ઉદાસી, માફ કરજે, બાલા !
ત્હારા યૌવનની પ્યાસી આંખ ભરજે, બાલા !

અમો રંક, કશું દઇએ ? માફ કરજે, બાલા !
ભરી લક્ષ્મીને હઇએ સદા તરજે, બાલા !

અમે દાઝ્યાં ને દઝાડ્યાં, માફ કરજે, બાલા !
જગજ્‌ઝાળમાં જગાડ્યાં, તે વિસરજે, બાલા !

અમે તપનાં વ્રત લીધાં, માફ કરજે, બાલા !
દુઃખ દિલડાંને દીધાં, તે વિસરજે, બાલા !

અમે આશા ઉચ્છેદી, માફ કરજે, બાલા !
પડ્યા અન્તરાય ભેદી દયા ઝરજે, બાલા !
-૦-