ન્હાના ન્હાના રાસ/વન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← શીયળ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વન
ન્હાનાલાલ કવિ
ગોવાલણી →


  

ઉગ્યો સૂરજ જો ! લીલૂડા વનમાં રે,
ઉગ્યો ઉગ્યો સરવર ગિરિવરને તટે.
જાગ્યાં ઘોર ઘટામાંનાં પંખેરૂ રે,
જાગ્યાં જાગ્યાં મેના પોપટ મોરલા.
ધણ લઇ ચાલ્યા વનમાં બાલ ગોવાળો રે,
ગયો જઇ ચારશે રે આઘી સીમમાં.
આંબાની મંજરીઓ ખાતી કોયલ રે
વસન્તની વાંસલડી સરિખી બોલશે.
- મા છોડીશ તું આજે ઠરી વેણુ રે,
પ્રભુનાં ગીત વનવનથી વહી ત્હને વધાવશે.

વૈશાખે વંટોળ ઉન્હાધખ વાશે રે,
ધૂળનાં વાદળ રચશે વનના વાયરા.
બળતા કિરણોના વરસાદ વરસશે રે,
બળશે ધરતી, બળશે પ્રાણી, પાંદડાં.
વિયોગ શો કંઇ ધોમ ધખે આકાશે રે,
સૂકવશે સૃષ્ટિ, રસ આંબે સીંચશે.
કડવી લીમડિયોની મીઠી છાયા રે
થાકેલા ગોવાળનો થાક ઉતારશે.
-સંકોરી લે પાલવ ત્હારો ઉડતો રે,
વસન્તના પાલવની લિઝ્ઝત જો ! ઘડી.

નમતો પ્હોર થશે ને સૂરજ નમશે રે,
વાદળિયા સરવરમાં લહરો આવશે.
પોઢ્યા રાયકા આળસ મરડી ઉઠશે રે,
ઉઠીને વગાડશે ચતરંગ વાંસળી.
આઘી આઘી ખોમાં ચરતી ગાયો રે
વાંસલડી સુણી ઊભશે, ને વળી આવશે.
-જો ! જો ! ઘેરા ભવયમુનાતટ રમતા રે
અનહદ રે વગાડે ગોવિન્દ વાંસળી.
સુણ, સ્હમજ, આચર તે ગીતના ભેદો રે,
પશુથી એ પામર શું આપણ માનવી ?
-૦-