ન્હાના ન્હાના રાસ/શીયળ

વિકિસ્રોતમાંથી
← સુખદુઃખ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
શીયળ
ન્હાનાલાલ કવિ
વન →




શીયળ




સખિ ! સુણજો સુબોલ આ રસાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખિ ! સતિઓનો શબ્દ રઢિયાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખિ ! જીવનનો મન્ત્ર મરમાળો,
      શીયળને સંભાળો, સંભાળો :

ઓ રસતરશ્યાં બાલ ! રસની રીત ન ભૂલશો ;
પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી.

સખિ ! પ્રભુતાના દૈવી નિયમ ભાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખિ ! રસની પવિત્રતા નિહાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખી ! પ્રેમની અખંડ માઝા પાળો,
      શીયળને સંભાળો, સંભાળો :

વનમાં વરસે મેહ, ધોમ ધખે વૈશાખના :
નિત્ય વધારે નેહ સારસડાંની બેલડી.

સખિ ! આત્માનાં આંગણાં ય વાળો,
      શીયળને સંભાળો, સંભાળો :

સખિ ! દેહના કલંકી મોહ ટાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખી ! સોહાગ સ્વામીનો રૂપાળો,
      શીયળને સંભાળો, સંભાળો.

માંડી મનનો મ્હેલ, જીવના સિંહાસન કરી,
પધરાવી અલબેલ સ્વામીને સત્કારજો.

સખિ ! કુલ કેરી કીર્તિને ઉજાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખિ ! સીતા ને રામનાં છો બાળો,
      શીયળને સંભાળો, સંભાળો :
સખિ ! સ્નેહસુધા પાઇ પી ઉછાળો,
      શીયળને સંભાળો, સંભાળો :