ન્હાના ન્હાના રાસ/સંભારણાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વસન્તમાં, સખિ! ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
સંભારણાં
ન્હાનાલાલ કવિ
હતો →


  
રૂપલા રાતલડીમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે ઝીણાં અતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !

શરદ પુનમનો ચાંદલો ઘડી ચમકીને જાય :
વરસ દિવસ વીત્યે, સખિ ! દોહલ દર્શન થાય.

અન્ધારી રજનીમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે અમૃતઅતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !

મેઘ ઝરે, રસ નીતરે, આંબો ઝોલાં ખાય :
ખીલે ન મ્હોર, ન મંજરી : સખિ ! નથી આ ઋતુરાય.

સૂની રજનીઓમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે રાજનઅતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર :
સખિ ! ટહુકામાં જીવવું, મોંઘા મોરદિદાર.

લાંબી રાતલડીમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે ઉરના અતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !
-૦-