લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/હું તો સંન્યાસિની

વિકિસ્રોતમાંથી
← હીંચકો ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
હું તો સંન્યાસિની
ન્હાનાલાલ કવિ
હૈયાની કુંજમાં →



હું તો સંન્યાસિની

ચંપેરી ચીર મ્હારે અંગે ચ્‍હ્ડે,
હું તો સંન્યાસિની;
મંહિ પૂરેલ કુંકુમના થાળ,
ત્‍હો ય હું તો સંન્યાસિની.

ભસ્મત્રિપુડ્‍રેખ ભાલમાં,
હું તો સંન્યાસિની;
મંહિ કેસરની ટીલડી રસાળ,
ત્‍હો ય હું તો સંન્યાસિની.

એક અદ્વૈતનાં તપ તપું,
હું તો સંન્યાસિની;
મ્હારે મધુરા શા દર્શનના કોડ,
ત્‍હો ય હું તો સંન્યાસિની.

હૈયે અખંડ મ્હારે દીવડો,
હું તો સંન્યાસિની;
જગે વિચરૂં એ જ્યોતિએ સજોડ,
ત્‍હો ય હું તો સંન્યાસિની.


આશા-નિરાશા મ્હેં છાંડિયાં,
હું તો સંન્યાસિની;
આંખ શોધે સૂની વનવાટ,
ત્‍હો ય હું તો સંન્યાસિની.

ધૂણી ધખે દેહમઢૂલીએ,
હું તો સંન્યાસિની;
ઝાંખું ઉભી એકાકી રાજવાટ,
ત્‍હોય હું તો સંન્યાસિની.

કન્થા ધરી મ્હારા કન્થની,
હું તો સંન્યાસિની;
મ્હારે અંગઅંગ ઉઘડે સંસાર,
ત્‍હો ય હું તો સંન્યાસિની.

જાપ જપું મ્હારા શ્યામના,
હું તો સંન્યસિની;
એના પડઘા ઝીલે નરનાર,
ત્‍હો ય હું તો સંન્યાસિની.